વો સાત રન! કિતને દિનોં કે બાદ આઇ સજના, રાત 'વિશ્વ વિજય' કી!

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
વો સાત રન! કિતને દિનોં કે બાદ આઇ સજના, રાત 'વિશ્વ વિજય' કી! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- આપણે આગલા વિશ્વકપના રૂદનને રિવર્સ કરી બતાવ્યું. બ્રિલિયન્ટ. રોહિત શર્માની લીડરશિપને એક તગડી ટ્રોફીની સલામીની જરૂર હતી જ. આ વખતે આપણે પણ એક ટીમ બનીને રમ્યા.

'હ મારી ફિલ્મો કી તરહ જિંદગી મેં ભી એન્ડ તક સબ કુછ ઠીક હો જાતા હૈ, ઔર અગર ઠીક ના હો તો વો એન્ડ નહીં... પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!'

શાહરૂખખાનનો આ આઇકોનિક ડાયલોગ ૨૯ જૂન ૨૦૨૪ની રાત્રે ૧૧ વર્ષના આઇસીસી ટ્રોફીના, ૧૩ વર્ષના વર્લ્ડ કપના, ૧૭ વર્ષના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના અને ૪૦ વર્ષના ક્રિકેટ વિશ્વ વિજયના ઇતિહાસને દોહરાવીને રોહિત શર્મા એન્ડ પાર્ટીએ ટી-ટ્વેન્ટી વિશ્વકપ જીત્યો ત્યારે યાદ આવી ગયો !

એક્ચ્યુઅલી આપણે હમણાં જ ગયા વર્ષે રમાયેલો વન-ડે વર્લ્ડ કપ જીતી જ જવાના હતા. પૂરા લાયક હતા ટીમ કોમ્બિનેશન હતું ઘરઆંગણે જ વર્લ્ડ કપ હતો, અમદાવાદમાં જનતા જનાર્દન ફૂલ સપોર્ટમાં ફાઇનલ હતો અને રોહિત શર્માની જુઝારુ આગેવાની નીચે ત્યારે ટીમ ઇન્ડિયા એવા તો ફોર્મમાં હતી કે એક પણ મેચ ટુર્નામેન્ટમાં હારી નહોતી સામે આવેલ ઓસ્ટ્રેલિયાને તો અગાઉથી ધૂળ ચાટતું કરી નાખેલું. કોહલીથી શમી બધા જોરમાં હતા પણ પૂરી મેરિટવાળી લાયકાત છતાં, ડિઝર્વિંગ ટીમ એફર્ટના સિલસિલા છતાં બસ, એક ફાઇનલ મેચમાં પ્રેશર નામનું કૂતરું પિંડીએ કરડી ગયું અને બધા સપનાઓ ધબાય નમ: થઈ ગયા.

આમ તો મોટા ફાઇનલમાં એક જ મેચના આધારે ચેમ્પિયનન્સનો નિર્ણય એ જરા અન્યાય જેવું લાગે. ઓવરઓલ પરફોર્મન્સ સાઇડમાં રહી જાય અને એક દિવસની ભૂલ આપણી કે બીજાની એમાં રિઝલ્ટ બદલાઈ જાય. પણ લાઇફની ગેમ નિયતિએ આવી જ બનાવી છે. ઓવરઓલ પર્ફોર્મન્સનું રેટિંગ ગમે તેટલું આવ્યું હોય, મોટા મેચમાં દબાણમાં ધાર્યું પરફોર્મન્સ ન થાય તો ધબડકો ! આવું જ લાઇફમાં બને છે ને હોંશિયાર સ્ટુડન્ટ હોય, સતત સારો સ્કોર હોય પણ એક મોટી એક્ઝામના દિવસે માનો કે અણધારી બીમારી કે ટ્રાફિક જેવી કોઈ આફત આવી, ને આખા જીવનની દિશા ફરી જાય એકદમ નિયમિત તંદુરસ્ત કસરતવાળું જીવન હોય પણ એક ક્ષણ તબિયતમાં આંચકાની આવે કે અકસ્માત થાય ને હોસ્પિટલની સફેદ ચાદર કફન બની જાય! ઇલેક્શન હોય કે ઇશ્ક હોય, ક્યારેક આખા જીવનનો આધાર કોઈ એક મોમેન્ટ પર કાચા સૂતરના તાંતણે ટકેલો હોય છે.

પણ ગુડ થિંગ એબાઉટ લાઇફ ઇઝ એક્સેપ્ટ ડેથ ધેર આર ઓલ્વેઝ સેકન્ડ ચાન્સીઝ. જો તમે પેલી નબળી પળોથી હિંમત અને આત્મવિશ્વાસ ગુમાવતા નથી અને જીગરદાર બનીને, પડીઆખડીને બેઠા થઈને મુકાબલો કરવાનું ચાલું રાખો છો, તમારું કૌશલ્ય અને તમારી ક્ષમતા ડિપ્રેશનમાં ગુમાવતા નથી, અને હારથી હતાશાનો ગાળો વટાવી એને નવી જીત મેળવીને દુનિયાને દેખાડી દેવાના સંકલ્પ બદલો છે, તો ઉપરવાળાએ મજબૂર થઈને પણ એવા મજબૂત ઇન્સાનને બીજી તક આપવી જ પડશે. એની અંદર પડેલું અસલી સોનું જગતની આંખો આંજી જ દેશે.

વિશ્વનો ઇતિહાસ છલકાય છે એવી ઘટનાઓથી જ્યાં લડવૈયા પરાજયની રાખ આત્મા પર ચોળીને નવા ભવિષ્યના વિજય માટે ઘડવૈયા થયા! જ્યારે નિષ્ફળતાની ગુમનામીમાંથી ફરી એકવાર ઠેકડો મારીને સફળતાના શિખરે પહોંચ્યા. વિજેતા એ નથી કે જે કદી હારતા જ નથી. ચિંતા એ છે કે જે હારને પચાવી જાણે છે અને એના કડવા ઘૂંટ ગળીને મીઠી જીત તરફની યાત્રા મક્કમ મહેનતથી ફરી શરૂ કરી શકે છે. ગલતીમાંથી ગમગીન થયા બાદ પણ નવું શીખી શકે છે.

લાઇક ટીમ ઇન્ડિયાનો 'રો-કો' (રોહિત- કોહલી) યુગ ! જેને આખરે કોઈ ના રોકી શક્યું.

કેવો દિલધડક રહ્યો એ ફાઇનલ. આ વાંચતા હશો, ત્યારે હજુ ય વાગોળવાનું મન થતું હશે. ૧૯૮૩ના વર્લ્ડ કપની ફાઇનલની જેમ બાજી પલ્ટી નાખતો કપિલદેવ જેવો સૂર્યકુમારનો કેચ કે ૨૦૦૭ના ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલની જોગીન્દરની સરપ્રાઇઝ ઓવર જેવી હાર્દિકની ઓવર કે ૨૦૧૧માં ધોની રમેલો એવી કોહલીની અન્ડર ક્રાઇસીસ ઇનિંગ... બધું વાંચી ચૂક્યા હશો. આખી એ ૨૦૦૭ની ટીટ્વેન્ટી ટુર્નામેન્ટ આંખ સામે રિવાઇન્ડ થઈ ગઈ !

ત્યારે તો આપણે ફેવરિટ પણ નહોતા. આગળનો વેસ્ટ ઇન્ડિઝના જ વિશ્વકપનો કલંકિત કહી શકાય એવો ધબડકો રાહુલ દ્રવિડની આગેવાનીમાં થયો હતો. એટલે સિનિયર પ્લેયર્સને આરામ આપી ટીમના વિકેટકીપર તરીકે કાયમી સ્થાન ધરાવતા મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશિપ અપાઈ હતી એ ત્યારે ઓલમોસ્ટ ઇન્ડિયા બી ટીમ હતી. એમાં એક યુવા છોકરડો રોહિત શર્મા પણ હતો અને કોઈ અપેક્ષા નહોતી. અરે આપણે અચાનક કમાલ કરી બતાવ્યો. ૧૯૮૩ પછી જીત્યા ને લેખમાં હરખભેર લખાઈ ગયું 'જિસકા મુઝે થા ઇન્તજાર, જિસકે લિયે દિલ થા બેકકરાર વો ઘડી આ ગઈ. આજ, જીના હૈ યા મુજ કો મર જાના હૈ... પ્યાર મેં હદ સે ગુજર જાના હૈ'

દરેક જનરેશનને પોતાનો એક વર્લ્ડ કપ હોય છે. ટ્રાન્ઝિરટર રેડિયો કાને ચિપકાવી '૮૦ની સાલમાં મેન ઈન વ્હાઈટની રાતીચોળ સફળતા સાંભળનારા આજે મોબાઈલ પર લાઈવ સ્કોરની બ્લીડ બ્લ્યુની દુનિયામાં પહોંચી ગયા. પણ ક્રિકેટની રમતનો રોમાંચ બદલાયો નથી. એનાથી દિલમાં વધી જતી ધડકનનો ઇલાજ શોધાયો નથી. ભીતરથી એક કિક લાગી જતી હોય છે, ટીમ ઇન્ડિયાને જીતતી જોઈને હરીફોને હંફાવતી જોઈને.'

આ વિશ્વકપ તો અનોખો હતો. અમેરિકા જેવા સુપરપાવરે મોટા ભાગના સૌરભ નેત્રવલકર જેવા ભારતીય ક્રિકેટરોને લઈ ક્રિકેટમાં ઝુકાવ્યું. નેત્રવલકર પોતે જ સેકન્ડ ચાન્સનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો. એક સમયે મુંબઈની ટીમમાં જગ્યા નહિ, અને સ્વદેશ છોડી પરદેશમાં ઓરકેલ કંપનીમાં આવતા જૂથવાદને, સગાવાદને લાગવગશાહીને બદલે ક્વોલિટીની કદર થઈ. આઈટી-એન્જિનિયરિંગની પેટન્ટ, પ્રેમાળ પત્ની બધું મેળવ્યા બાદ પેલી શિદ્દત હતી મનમાં તો ક્રિકેટમાં ચમકવાની તક પણ મળી.

અમેરિકાની ફિલ્મો હોય કે પોલિટિક્સ, એ તો પોતાને જ વર્લ્ડ ગણે છે. એટલે આ વખતે ખરો વિશ્વ વિજય થયો. આ ટુર્નામેન્ટમાં ભારતના જ કેપ્ટનશિપ મટીરિયલ ધરાવતા પણ વિવાદોમાં સાઈડલાઈન થયેલા અજય જાડેજાએ ઘડેલી અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાની આબરૂ લઈને એને સેમી સુધી પહોંચતા જ અટકાવી દીધું. પાકિસ્તાન તો ઠીક, એટલું નબળું છે અત્યારે કે આસાનીથી આપણે હરાવીએ જ છીએ. પણ આપણને ચાન્સ મળ્યો માઈટી ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડવાનો !

જેટલા આંસુ ફટાકડા વગરની દિવાળી જેવી વિશ્વકપની હારના રોહિત શર્માની અંદર હિજરાયા હશે, એ દરેકનો આક્રોશ બતાવીને એ ઓસ્ટ્રેલિયા સામે આતશબાજીની જેમ રમ્યો. જસપ્રીત બૂમરાહ તો ભારતીય બોલિંગની કરોડરજ્જૂ છે. દાયકાઓના ઇન્તેઝાર બાદ વિશ્વસ્તરીય અનપ્લેટોબલ બોલર આપણને જડયો છે. એના માટે પણ કેન્સલ કલ્ચરના કકળાટિયા અધૂરિયા ટ્રોલિયાઓએ પત્ની અંજના સાથે મોજ કરે છે, પણ રમતો નથી એવી વાહિયાત વાતો ચગાવેલી. આમે ભારતમાં એક વાયડાવેદિયા વર્ગને ક્રોસ કલ્ચરલ લવ મેરેજની જન્મજાત જલન હોય છે. એ જ અંજતા પ્રોડક્ટર તરીકે ઇન્ટરવ્યૂ લેવા હાજર હોય અને જસપ્રીત જમાવટ કરીને બ્રેક લગાવતો હોય હરીફોને !

બિચારા હાર્દિક પંડયાની પર્સનલ લાઈફમાં ય વાવાઝોડું હતું. છપરી છપરી કહીને ઉભરામાં જીવતી ઉન્માદી પબ્લિકે ધોઈ કાઢેલો હમણા આઇપીએલમાં. હવે ફ્રેન્ચાઇઝી ફયુચર માટે ડિસિશન લે, એમાં ખેલાડી વ્યક્તિગત થોડો આગલા કેપ્ટન (રોહિત)નો વિરોધ થઈ જાય ? પણ જૂથવાદ ને ટાંટિયાખેંચનું રાજકારણ આપણા લોહીમાં છે. એની વે, કદાચ નતાશાએ ક્રિપ્ટીક પોસ્ટસ બાદ છેલ્લે ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી અને હાર્દિકના મનમાં ખુલેલો મોરચો શાંત થયો. માણસ અંગત જીવનના ફ્રન્ટ પર 'સોર્ટેડ' યાને વ્યવસ્થિત હોય તો તરત જ એ બહાર દેખાય એન્ડ વાઇસાવર્સા.

હાર્દિકે કમબેક તો એવો કર્યો કે દુનિયાએ જોયું કે રોહિતે હાર્દિક પર જીવનની આખરી ટ્વેન્ટી મેચ, વર્લ્ડ કપ ફાઇનલમાં લાસ્ટ ઓવરને ભરોસો મૂક્યો, અને કેપ્ટનશિપ 

મટીરિયલની બોર્ન ટેલન્ટ ધરાવતા હાર્દિકે રોહિત માટે કપ જીતી બતાવ્યો ! એણે ઝડપેલી વિકેટો જ ટર્નિંગ પોઈન્ટ હતી. હાર્દિક ભવિષ્યનો ટેલેન્ટેડ કેપ્ટન છે, અને રોહિતે રિટાયરમેન્ટ જાહેર કર્યું. આ ફોર્મેટમાં વિજયી સ્વાદની યાદગીરી સાથે એટલે આ ભવિષ્ય બહુ દૂર નથી ! રોહિતે હાર્દિકને ઉંચકી લીધો, એ સેલિબ્રિટીઓ બાબતે એંઠવાડ ચરકતા ટ્રોલિયાઓને જવાબ છે.

આખી ટુર્નામેન્ટમાં ફલોપ રહ્યા બાદ કિંગ કોહલીએ જરૂરિયાત હતી, એ મોટા મેચમાં જ સિંગલ હેન્ડડેલી એની વિરાટ પ્રતિભાને અનુરૂપ ઇનિંગ રમી બતાવી. એ તો આમે વિશ્વક્રિકેટે જોયેલો જબરદસ્ત બેટ્સમેન છે. હા, મોટી ટુર્નામેન્ટસનો થિંકિંગ કેપ્ટન નહોતો, એટલે જ ૧૧ વર્ષ પછી જશ રોહિતના લલાટે યોગ્ય રીતે જ લખાયેલો હતો. ઘરે બેઠાં એક સમયે વિરાટ-રોહિતને સામસામે મૂકીને કૂકડા લડાવનારા ચક્રમ ચક્કરબત્તીઓ હતા. આ વખતે બેઉ એક હતા. કોહલીને પણ આ ફોર્મેટમાંથી નિશ્ચિત વિદાય લેવા માટે જે ધુરંધર પરફોર્મન્સની રાહ હતી, એની તક મળી ! ઇતિહાસમાં પ્લેટીનમ અક્ષરે નામ લખાશે મેન ઓફ ધ મેચ થઈ રિટાયર્ડ થયા પછી પણ. કોહલી એક ખમતીધર બેટધર તરીકે કેટલીય આઇસીસી ટ્રોફી જીતેલી ટીમનો સભ્ય રહ્યો છે. રો-કો યુગ સમાપ્ત થયો. શાંત ઠરેલ સ્વભાવને લીધે આજની આક્રમક કોચિંગ સ્ટાઇલમાં ધીમા ને ઢીલા લાગે એ રાહુલ દ્રવિડને તો ૨૦૦૭ અને ૨૦૨૩ના વર્લ્ડકપનો મલાબ હોય. એને તો ફરી યુવા પેઢીનું ઘડતર કરવા જવું જ હતું. અને એમાં તો ખાસ કોઈ ઇમાનદાર અનુભવી જોઈએ. જે ફિલ્ટર કરી નવી ટેલન્ટસને ઉછેરી નેશનલ લેવલ માટે તૈયાર કરે. પણ મિસ્ટર જેન્ટલમેન દ્રવિડને પણ સેકન્ડ ચાન્સ મળ્યો, હેપી રિટાયરમેન્ટનો !

અને આપણે સાઉથ આફ્રિકાને ૭ રને હરાવ્યું ! જાણે આઇસીસી ટ્રોફી જીતવાનો એન.એસ.ડી. પાસવર્ડ ! અલબત્ત, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો છે કે ક્યારેક એને જીતતી જોવી, વર્લ્ડ ચેમ્પિયન બનતી જોવી દિલથી ગમે. સાઉથ આફ્રિકા આ વખતે ચોક નહોતી થઈ. ઘરખમ રમત બતાવી. પરદેશની ધરતી પર, સ્ટ્રોંગ ટીમ સામે ફાઈનલ જીતવામાં જ તો મજા છે. વન વે વોક અવે જેવી જીત આંકડામાં લખાય છે, આંખમાં છપાઈ જતી નથી, દિલમાં કોતરાતી નથી. હાર્ડ લક સ્પ્રિંગબોક્સ. યુ પ્લેઈડ વેલ. લાઈક એ ચેમ્પિયન. અમને મળી, એમ તમને ય મોટી તક મળશે ફરી જાતને સાબિત કરવાની. ભારતની જેમ ઝડપી લેજો.

તો આપણે આગલા વિશ્વકપના રૂદનને રિવર્સ કરી બતાવ્યું. બ્રિલિયન્ટ. રોહિત શર્માની લીડરશિપને એક તગડી ટ્રોફીની સલામીની જરૂર હતી જ. પણ જુઓ, આ વખતે આપણે પણ એક ટીમ બનીને રમ્યા. રિન્કુ અને સેન્સનની જરૂર હતી, રિધમ મેળવા સંઘર્ષ કરતા દૂબે અને પંતને બદલે, યશસ્વી ને શુભમન પણ રાહ જોઈ રહ્યાં છે. બે ધરખમ જગ્યા તો હવે ખાલી છે. પણ ફાઈનલમાં બધાએ નાનું મોટું યોગદાન કોઈને કોઈ રીતે આપ્યું. મોતના દરવાજેથી રિષભ આ જીતના હિસ્સેદાર બનવા આવ્યો. એટલે યાદ રાખજો, સંગઠિત એકતા હશે તો કમબેકના સેકન્ડ ચાન્સ મળશે જ. જય હો ભારત.

ઝિંગ થિંગ

યાદ છે, એક સમયે અર્શદીપને કેવો ટ્રોલ કરાયો હતો ? આજે પાકિસ્તાન અને વિશ્વકપ બેઉ જીતમાં એ પણ હકથી ભાગીદાર છે. એણે ય કમબેક કર્યું. આટલો ફરક હોય છે પ્રતિભા અનં પંચાત વચ્ચે !


Google NewsGoogle News