Get The App

મોહનદાસ કરમચંદ ગાંધીને પહેલીવાર 'મહાત્મા'નું સંબોધન કેવી રીતે મળ્યું?

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
મોહનદાસ કરમચંદ ગાંધીને પહેલીવાર 'મહાત્મા'નું સંબોધન કેવી રીતે મળ્યું? 1 - image


- અનાવૃત-જય વસાવડા

- મોહનદાસને મહાત્મા બનાવનાર એ ઘટના સવિસ્તર દસ્તાવેજી પુરાવા સહિત ગોંડલની વિશ્વવિખ્યાત ભુવનેશ્વરી પીઠમાં આજે પણ મોજુદ છે

ગાં ધીજીનું નામ પડે ને કેટલાક ગાંડિયાઓને આસુરી સણકા ઉપડે છે. જગતમાં ક્યાંય એવું નહિ હોય કે પોતાના આખી દુનિયામાં પૂજાતા યુગપુરુષને બટ્ટો લગાડવા એ દેશની ખુદની પ્રજાનો એક બેવકૂફ વર્ગ કેટલાક બદમાશ લોકોની ફાંકાફોજદારીથી ભરમાઈને સક્રિય રહતો હોય અને એને વળી સરકારની મહેરબાની કે મોટા નેતાઓની ગુડબુકમાં રહેવાની ચાવી સમજતો હોય. ઘણી વાર ગાંધીજી વિષે બફાટ કરતા સાંસદો કે મંત્રીઓને વડાપ્રધાને વારવા પડે છે. એમાં કાર્યકર તો કપાતર જ પાકે ને રાષ્ટ્રપિતા માટે રેઢિયાળ અભિગમ રાખી એમના હત્યારાનું મહિમામંડન કરતો ! એમાં રાજકીય સ્વાર્થ માટેના આઈટી સેલ હોય છે, જે ખાસ ફેક ન્યુઝની ફેક્ટરીઓ ચલાવે કે ફેલાવે છે. સપાટાબંધ કોઈક ગપાટા વોટ્સએપ કે યુટયુબ કે ફેસબુક, ઈન્સ્ટા, ટવીટર (એક્સ) , ટેલીગ્રામ વગરે સોશ્યલ નેટવર્ક પર વહેતા થાય છે. સત્ય સ્નાન કરે એ પહેલા જૂઠ એના વસ્ત્રો પહેરીને... ઉપ્સ, બઠાવીને અડધી દુનિયા ફરી ચૂક્યું હોય છે, એ હકીકત સિદ્ધ કરતા. 

મરી ગયા પછી પણ અમર થઇ ગયેલા ગાંધીજી એટલી હદે પ્રેત થઈને નડે છે આવા કથિત રાષ્ટ્રભકતોને કે એમને રાક્ષસ ચીતરવાનો મિથ્યા પ્રયાસ કર્યા જ કરે છે. કારણ કે આઝાદીની લડતમાં એમના કોઈ વૈચારિક પૂર્વસુરિઓ જોડાયા જ નહોતા. એમનું યોગદાન શૂન્ય હતું. એકમાત્ર સાવરકર અપવાદ પણ એ માફી માંગી સમાધાન કરી અંગ્રેેજોની તરફેણ કરી છૂટી ગયેલા અને હયાતીમાં જ ગાંધીજી અને એમના સાથીદારો સામે એમનું વજૂદ એટલી હદે સંકોચાઈ ગયેલું કે ત્યારે કે ગાંધીહત્યા અને આઝાદી બાદ એક ચૂંટણી પણ જીતી નહોતા શક્યા અને અંતે ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ કરવા પર પહોચેલા. એટલે એક બ્રિટીશરે ગાંધી પર બનાવેલી ફિલ્મ આજે પણ જગતમાં ચર્ચામાં રહે છે ને સાવરકર પરની ફિલ્મ કોઈ મફતમાં જોવા તૈયાર ના થયું એવો ધબડકો આ વર્ષે જ થઇ જાય છે. પોતાની પાસે કોઈ આઝાદીના આઇકોન હોય જ નહિ, તો શું કરવાનું ? જે કોઈ એ સમયના નેહરુ કે ટાગોર જેવા પ્રગતિશીલ કે ગાંધીજી જેવા પ્રભાવશાળી નામો હોય એમના પર ધૂળ ઉડાડવાની, થૂંક ઉડાડવાનું ! બ્રેઇનવોશ્ડ બાઘડાઓને ઇતિહાસના સત્યના નામે કોઈને કોઈ અસત્ય ગપ્પું અફીણની ગોળીની જેમ ચટાડયા કરવાનું. આજીવન કશું વ્યવસ્થિત વાંચ્યું હોય તો તથ્ય ખબર પડે ને ? 

વચ્ચે કોઈ દોઢડાહ્યો આરટીઆઈ કરવા બેઠો હતો કે ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાનો કોઈ સરકારી આદેશ છે ? ના જ હોય ને ? એ દોઢાના ના દાદાદાદીઓની આખી પેઢી હતી જે ગાંધીને બાપુ ને વલ્લભભાઇ પટેલને સરદાર કહેતી. કોઈ આદેશ માટે નહિ, અંતરના આદર માટે. ફાંકોડીફોલ્ડરિયાઓના ફુગ્ગા ફોડવા જ ગાંધીજીને રંગૂન રેડિયો પર સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા ૬ જુલાઈ ૧૯૪૪માં એમની સાથે મતભેદથી કોંગ્રેસ છોડયા બાદ પણ કહ્યા હતા એ વિગતે લખેલું. આવી તરકટી હરકત ગાંધીજીનું પાત્ર ભજવતા અભિનેતાના ફ્રેંચ કોમેડી ફિલ્મના સીનનો કોઈ વિદેશી 

યુવતી સાથે નાચતો ફોટો વાઈરલ કરીને કરવામાં આવેલી. આવા નગુણા નપાવટો આજની બધી સમસ્યાઓનો ઓળિયોઘોળિયો આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ફાધર ઓફ ધ નેશન પર બેજવાબદાર થઈને ઢોળવા માંગે છે. આ માનસપ્રદૂષણમાં નવો ગબ્બારો ચગ્યો છે કે ગાંધીજીને શાહી ફરમાન બહાર પાડી બ્રિટીશરોએ 'મહાત્મા' કહેવાનું લખ્યું હતું. ગાંધીજી તો બ્રિટીશરોના એજન્ટ હતા વગેરે વગેરે. ભેગો એક કોઈ ડિજીટલ ડેવિલે તૈયાર કરેલો પીળો પડી ગયેલો લાગે એવો ફોટો પણ ફરે છે, એ ૧૯૩૮ના અંગ્રેજી લખાણનો. નરસિંહ મહેતાના શ્રાદ્ધના ચોપડાના પાનાં ફરે છે, ને સ્વામી વિવેકાનંદનું શિકાગો પ્રવચન ઓડિયોમાં ફરે છે એવી જ દે ઠોક ધુપ્પલબાજી છે આ. નરસિંહ વખતે એવી ગુજરાતી લખાતી નહોતી અને સ્વામીજી વખતે લાંબા ઓડિયો રેકોર્ડિંગ અસ્તિત્વમાં જ નહોતા. પણ જનરલ નોલેજ હોય એ તો સ્પેશ્યલ ગણાય ને આજના બુદ્ધિબુઠ્ઠાયુગમાં !

તો ગાંધીજીને મહાત્માનું બિરુદ કેવી રીતે મળ્યું ? અમુક કિતાબો ને કેબીસીમાં પણ કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું નામ આવે છે, જે સાવ ખોટું નથી. પણ ટાગોર પહેલા નહોતા મહાત્મા નામે એમને સંબોધવાવાળા. એમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઇ ૬ માર્ચ, ૧૯૧૫માં શાંતિનિકેતન ખાતે. પણ એથી મહિનાઓ પહેલા જાહેર સમારંભમાં માનપત્ર આપીને દક્ષિણ આફ્રિકાથી તાજા પરત ફરેલા ગાંધીજીને મહાત્મા કહી દેવામાં આવેલા. એમના વતન કાઠિયાવાડના ગૌરવશાળી ગામ ગોંડલ ખાતે ! ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ પણ એમના ગાંધીજી પરના પુસ્તકમાં ટાગોર સાથે ગોંડલનો ઉલ્લેખ કરેલો છે. પણ મોહનદાસને મહાત્મા બનાવનાર એ ઘટના સવિસ્તર દસ્તાવેજી પુરાવા સહિત ગોંડલની વિશ્વવિખ્યાત ભુવનેશ્વરી પીઠમાં આજે પણ મોજુદ છે, જેની તકતી ને તસવીરો બચપણમાં જોયેલા એટલે તો આ આઈટીસેલિયું ભેળસેળિયું જૂઠ તરત પકડાઈ ગયું ! વાંચો, એ ગોંડલની મહાન વિભૂતિઓને અંજલિ આપતી રસપ્રદ સત્યઘટના... કુદરતી સંયોગ કે નવરાત્રિ નજીક છે અને ગાંધીજીને મહાત્મા બનાવનાર પણ એક માઈભક્ત વૈદરાજ હતા !

***

બન્યું એવું કે જે માવજીભાઈ દવેનો ઉલ્લેખ ગાંધીબાપુએ પોતાની આત્મકથામાં કર્યો છે, જેમના દીકરા થકી વિલાયત (લંડન) જઈ બેરિસ્ટર થવાની દિશા મળી, એ દવે પરિવાર જામનગરથી ગોંડલ આવી વસેલા વૈદરાજ જીવરામ કાળીદાસ શાસ્ત્રીના પરિવાર સાથે સંબંધમાં. એ રીતે ગોંડલમાં આયુર્વેદિક રસશાળા ચાલવતા શાસ્ત્રીજીને ગાંધીજીનો સંપર્ક. મળેલા નહિ, પણ પત્રવ્યવહાર ખરો. ગોંડલના ગરવા મહારાજા જેના પર અગાઉ ઘણી વાર લખાયું છે એ વિચક્ષણ વિદ્વાન ભગવદસિંહજીને વનસ્પતિ અને ઔષધિઓમાં જબરો રસ અને અભ્યાસ. એટલે વૈદરાજ સાથે હુંફાળો સંબંધ. ગોંડલ મહારાજા એ સમયે અંગ્રેજો સાથે ફરજીયાત વહેવાર રાખવો પડતો હોવા છતાં એવા હોશિયાર કે આઝાદીને લગતી ચળવળની બધી ખબર રાખે. 

ગાંધીજી સત્યાગ્રહી તો ભારત પહેલા દક્ષિણ આફ્રિકામાં થયા. બેરિસ્ટર તરીકે ગયા હતા, બાપુ થઈને આવ્યા. ૧૯૧૫માં ભારત આવ્યા અને પછી ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેના સૂચનથી ભારત ફર્યા ને આઝાદીની અહિંસક અહાલેક જગાવી એ જાણીતો ઈતિહાસ છે. પણ ભારત આવીને ગોંડલ જવાનું એમને બહુ મન હતું. કારણ કે, દુનિયા આખીનું વિઝન એ સમયે રાખી આજના સમયમાં અશક્ય લાગે એવું મોડલ સ્ટેટ બનાવનાર અને પરદેશમાં અંગ્રેજી શિક્ષણ લઈને અનોખી દૂરંદેશી સાથે રાજવટ કરનાર ગોંડલના મહારાજા ભગવદસિંહજીની ચકોર નજરમાં ગાંધીજીની કુશળતા આવી ગયેલી. અને ગાંધીજીને એ સમયે એમણે ૩૫,૦૦૦ રૂપિયા જેટલી સહાય છેક દક્ષિણ આફ્રિકા મોકલી હતી ! અંગ્રેજોની આંખે ચડી ના જવાય એટલે ગુપચુપ રીતે ! અને એ માટે સંપર્કસૂત્ર બનેલા ગોંડલના વૈદરાજ જીવરામ કાલિદાસ શાસ્ત્રીજી. એ મહારાજા વતી પત્રો લખતા, સહાય પહોંચે એની ખબર રાખતા.

આ ઋણસ્વીકારના ભાગ રૂપે ને પોતાને ગમતી આયુર્વેદ અને નિસર્ગોપચારની ચર્ચા માટે ગાંધીજીને ગોંડલ આવવું હતું. એટલે આફ્રિકા મુકીને કાયમ માટે ભારત આવ્યા ને તરત પત્ની કસ્તૂરબા ને અન્ય પારિવારિક સ્વજનો સાથે ગોંડલ પધાર્યા. સત્તાવાર તો અંગ્રેજોને ગાંધી ખટકતા હોઈને સ્ટેટ બોલાવી ના શકે (હા, ભાઈસા'બ અંગ્રેજો ગાંધીને શત્રુ માનતા કારણ કે એ ફોરવર્ડિયા મેસેજો ના વાંચતા ને ! ખીખીખી) એટલે વૈદરાજની રસશાળાના મહેમાન થયા.  ગાંધીજીના રજવાડી સન્માન માટે ૨૪ મી જાન્યુઆરી ૧૯૧૫ના તડામાર તૈયારીઓ થઇ. ત્યારે ગોંડલરજની રેલ્વે પણ નમૂનેદાર. સ્ટેશને પરિવાર સહિત ગાંધીજી ઉતર્યા કે મહારાજસાહેબ વતી પટવારીએ હર પહેરાવ્યો. એ સમયે બેન્ડ સાથે પચાસેક ઘોડાગાડીઓનું સરઘસ નીકળ્યું. ગાંધીજીની બગીને બાંધેલા ઘોડા છોડીને ઉત્સાહી ચાહકોએ જાતે ખેંચવાનું નક્કી કર્યું. પણ કોઈની સેવા આમ લેવી નહિ, કહી ગાંધીજી નીચે ઉતરી પગપાળા જોડાઈ ગયા. 

એ રોકાણ દરમિયાન આજે જ્યાં શ્રી ભુવનેશ્વરી પીઠ છે એ પાસેની રસશાળા જે બધી જમીન પણ ગોંડલ મહારાજાએ આપેલી, ત્યાં ૨૭ જાન્યુઆરીની સવારે ગાંધીજીનું ચાંદીની કાસ્કેટના સન્માનપત્ર સહિત સન્માન થયું જેમાં લેખિતમાં જ એમને 'મહાત્મા' કહેવામાં આવ્યા ! એ આખો કાર્યક્રમ અગેઇન બ્રિટીશરોની માથાકૂટથી બચવા બાહોશ રાજવીએ પોતાની ઘોડાગાડીમાં બેસીને માણ્યો. ગાંધી અને ટાગોરનું હીર આગોતરું પારખી બેઉને રોકડ આર્થિક સહાય મોકલતા મહારાજા વ્યવહારકુશળ હતા. ક્રાંતિને છૂપી મદદ કરવાની પણ ખોટી આફત પોતાની પ્રજા પર પાડવા નહિ દેવાની. પાછળથી આઝાદી સમયે તંત્રના દેવી ભુવનેશ્વરી માતાની સુંદર પ્રતિમાવાળી પીઠ ગોંડલમાં માતાજીની પ્રેરણાથી સ્થપાનાર અને આચાર્ય  ચરણતીર્થ મહારાજ તરીકે ઓળખ થઇ એ વૈદરાજ જીવરામ કાલિદાસ શાસ્ત્રી સંસ્કૃતના પ્રકાંડ પંડિત. એમણે સન્માન પત્રમાં લખાણ સાથે ગાંધીજીની સંસ્કૃત સ્તુતિ પણ લખી. એમના બાદ આવેલા આચાર્ય ઘનશ્યામ મહારજ ને એમના પુત્ર આચાર્ય રવિદર્શનજીએ બધા પુરાવા વ્યવસ્થિત સાચવેલા છે. એ સમયે બહાર પાડેલ બુકલેટ સહિત ! એટલે ગાંધીજી બાકાયદા ઓફિશ્યલી મહાત્મા કહેવાયા એનો આરંભ ગોંડલ સ્ટેટથી થયો !

શું હતું એમાં ? સંક્ષેપ વાંચો  : 

'હરિહરો કુરુતાં ભવતાં શિવં. ભારતભૂષણ દીનદુ:ખહર, પુણ્યશ્લોક મહાત્મા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીજીના ચરણકમલમાં સમર્પિત.

જગવંદનીય 'મહાત્મા',

આપે તથા આપના અખંડ સૌભાગ્ય ધર્મપત્ની શ્રી કસ્તુરબાએ આ સંસ્થામાં પધારી મને, આ રસશાળાને અને વિશેષ દ્રષ્ટિએ જોતાં આયુર્વેદને મોટું માન આપ્યું છે. તે માટે આપશ્રીનો તથા પૂજ્ય શ્રી કસ્તુરબાનો અંત:કરણપૂવક ઉપકાર માનું છું.

આ પ્રસંગે મોટું ભાષણ આપી આપશ્રીનો સમય રોકવા હું ઈચ્છતો નથી. આપના પરાક્રમ, આત્મભોગ અને આપનાં જીવનમાંના પ્રત્યેક પ્રસંગનું અવલોકન મનન કરતાં જણાય છે કે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર, શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, આદિ શિરસાવંદ્ય વિભુતિઓનાં ગુણગાન ભારતવાસીઓ ગાયા કરે છે. તેમાં આપનાં એક ચરિત્રનો ઉમેરો થાય છે. હિંદમાં દશે દિશાઓમાં આપનું જીવનચરિત્ર ગવાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ આખી દુનિયાના પ્રત્યેક દેશમાં આપના ચરિત્રને આદર મળ્યો છે. એ જોતાં આવા નાના માનપત્રમાં હું તેનું શુ વર્ણન કરુ ? હિંદની સમગ્ર પ્રજા આપની ઋણી છે, એ કહેવું અસ્થાને નથી. હું આપનો ગુણ લુબ્ધ બની સંસ્કૃત શ્લોકબદ્ધ વાક્યોથી આપનાં ગુણાનુવદ કરવા અને બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપવા એટલા જ વાસ્તે પ્રેરાયો છું. આપશ્રીને માનપત્ર અને મહાત્માની પદવી સાથે મારી સંસ્થાને અનુરૂપ આ ઔષધોની પેટી અને પુસ્તકો રૂપી ભેટ અર્પણ કરું છું. મને આજે સર્વથી વધુ અભિમાન 

અને ગૌરવ એ વાતનું થાય છે કે આફ્રિકામાં ભારતવર્ષની મહાન લડતમાં સફળતા મેળવી ભારતનું ગૌરવ વધારી હવે પછીની જિંદગી સ્વદેશમાં સ્વદેશના કલ્યાણમાં ગાળવા આપ સ્વદેશ પધાર્યા છો. ત્યારે, હિંદુસ્તાનમાં પગ મૂકતા પહેલવેલું માનપત્ર આપવા હું ભાગ્યશાળી થયો છું અને આપે હિંદમાં પગ મૂકતાં મારી સ્વદેશ હિતકારિણી સંસ્થામાં પધારી પહેલવહેલું માન આ રસશાળાને આપ્યું છે તે માટે પુન:પુન: આપશ્રીનો તથા બા શ્રી કસ્તુરબાનો આભાર માનું છું. આપનો, વિક્રમ સંવત ૧૯૭૧ માઘ સુદી ૧૧ વૈદ્યરાજ જીવરામ કાલિદાસ શાસ્ત્રી.'

ત્યારબાદ જે સંસ્કૃત શ્લોક છે લખેલા, એનો આચાર્યશ્રીએ જ કરેલો ગુજરાતી અનુવાદ વાંચો :

'પુણ્યશ્લોક દેશવત્સલ 'મહાત્મા' શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીજી તથા તેમનાં અ.સૌ. ધર્મપત્ની શ્રી કસ્તુરબાના ચરણમાં સન્માન પત્ર.

માલતીના સુંદર ખીલેલાં ફૂલ જેવી, દિશાઓમાં ક્રીડા કરતી અને આનંદ ઉપજાવતી તમારી કીર્તિ દોરામાં પરોવેલી મોતીની માળા જેમ ગળામાં રમે છે તેમ વિદ્વાનોના ગળામાં રમે છે. શંકરના લલાટમાં ત્રીજા નેત્રો જેમ કાળને બાળી નાખ્યો હતો તેમ તમારી મુત્સદ્દીગીરીના તેજના પ્રભાવે તમારા શત્રુઓની સ્ત્રીઓ વિધવા થઈ ગઈ છે અર્થાત્ તમારા તેજે કરી તમારા શત્રુઓ નાશ પામી ગયા છે. હે કરમચંદ પિતાના પુત્ર ગાંધીજી, વસંતઋતુમાં જેમ નવાં પુષ્પ ખીલી નીકળે છે, કાળી રાત્રીમાં જેમ ચંદ્રની જ્યોત્સના પ્રકાશે છે તેમ તમારું નિર્મળ યશ દશે દિશાઓમાં પ્રકાશે છે. વીરપત્ની જેની મિત્ર છે એવા હે મોહનદાસ ગાંધી, મધુરતામાં અમૃત સરખું સુંગધમાં કમળ સરખું, નિર્મળતામાં ચંદ્ર સરખું, રંગબેરંગી ક્રાંતિમાં મોતી સરખુ એવું તમારું વિશાળ યશ મનુષ્યોનાં કાનમાં છિદ્રોમાં કેમ પેસી શકે છે એ આશ્ચર્ય છે. તમારી કીર્તિ સાંભળનારો વિદ્વાનો વિચારમાં પડી જાય છે કે આ તે શું સ્વર્ગમાંથી દેવતાઓએ પાતાં વધેલું અમૃત પૃથ્વી પર પડે છે ? કે શું મહાદેવના મસ્તક ઉપરથી પડતો ગંગાનો પ્રવાહ જગતને ઠંડક આપી રહ્યો છે ? કે શું સ્વર્ગમાં રહેલા કલ્પવૃક્ષના ફૂલોનો રસ પીનારા ભમરાના મુખમાંથી પડતો કલ્પવૃક્ષના ફૂલોનો રસ પડે છે ? ચંદ્રને જોઈ ચકોર પક્ષી અને સૂર્યને જોઈ કાક પક્ષી રાજી થાય છે તેમ હે ગાંધીરાજ ! તમને જોઈ હિંદની પ્રજા પરમ આનંદમાં મગ્ન થઈ ગઈ છે. હે ગાંધીજી, કાઠીઆવાડની પ્રજાનાં અહોભાગ્ય છે કે જે કાઠીઆવાડના પુત્ર, શુરવીરતા ધીરજ વગેરે ગુણવાળા તમે ભારતખંડની પ્રજાના રક્ષણ માટે દીક્ષા લીધી છે.

જયાં સુધી ચતુર્મુખ બ્રહ્માના મુખમાંથી નીકળેલા વેદ જગત પર રહેલા છે, જયાં સુધી વાલ્મીકી કવિએ રચેલું રામચરિત્ર જગતમાં ગવાય છે, જયાં સુધી વ્યાસની વાણીથી ગૂંથેલુ મહાભારત હરિવંશ ભાગવતમાં વર્ણવેલું શ્રીકૃષ્ણના ચરિત્રરૂપી અમૃત જગતમાં વંચાય છે સરસ્વતીના શ્રેષ્ઠ પુત્ર કાલિદાસની વાણી જયાં સુધી જગતમાં રહેશે અને જયાં સુધી આર્યોનો વંશ અને સતીઓના ચરિત્રો જગતમાં ગવાશે ત્યાં સુધી દેશ સેવાથી ઉત્પન્ન થયેલી તમારી નિર્મળ કીર્તિ જગતપર પ્રસરેલી રહો.'

લો બોલો, આપણને જ આપણી કદર નથી ને ગાંધીજીને આપણા ગોંડલ સ્ટેટમાં ૧૧૦ વર્ષ પહેલા અપાયેલા મહાત્મા બિરુદને બોગસ મેસેજથી અંગ્રેજોના નામે ચડાવતા ફરીએ છીએ ! પછી તો એ સમયની છબી દેખાડતા છ ઓઈલ પેઈન્ટીંગ્સ આઝાદી બાદ ભુવનેશ્વરી પીઠ દ્વારા તૈયાર કરવામાં આવ્યા. એમાંનું એક મહાત્માજીના અંતેવાસી કેન્દ્રના પુર્નવસવાટ ખાતાના માજી પ્રધાન શ્રીમાન મોહનલાલ સકસેના સાહેબને મળતા એમણે એ ચિત્ર ૧૯૬૦માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદજીને અને વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને બતાવ્યું. નેહરુએ ખુશ થઈને આ છબીના દર્શન પાર્લામેન્ટના બધા મેમ્બરો કરી શકે એટલા માટે તા. ૧૯-૩-૧૯૬૦ના રોજ ૧ મહિના સુધી પાર્લામેન્ટ હોલમાં તે રાખીને સેક્રેટરીએ દરેકને એ જોવા માટે સરકયુલર મોકલ્યો, પછી એ રાજઘાટ ગાંધી સ્મારક સંગ્રહાલયમાં આપી દેવાયું ! એક એક નકલ ભાવનગર ગાંધી સ્મૃતિ, સાબરમતી આશ્રમ ને રાજકોટ રાષ્ટ્રીય શાળામાં પણ હતી ! જે રાજકોટમાં આજે નરેન્દ્ર મોદીએ અંગત રસ લઈને ભવ્ય ગાંધી મ્યુઝિયમ ગાંધીજી ભણતા એ સ્કૂલમાં તૈયાર કરાવ્યું છે !

ટાગોર ગાંધીજીને મહાત્મા કહેતા ને ગાંધી એમને ગુરુદેવ કહેતા એમ એ સંબોધનો પ્રસિદ્ધ થયા એ સાચું, પણ એ તો પછી. પહેલા જય હો ગોંડલ. 

સત્યનો જય હો, અસત્યનો ક્ષય હો એ જ ત્રિપુરારિ ભુવનેશ્વરીને પ્રાર્થના હોય ને !

ઝિંગ થિંગ 

ગાંધીજીએ ૧૯૪૨માં કહેલું 'મારે સવાસો વર્ષ જીવવું છે.' એ વર્ષે બીમારીને લીધે જેલમાંથી બહાર આવ્યા ત્યારે વડીલ પંડિત મદનમોહન માલવિયાએ એમને તાર કર્યો : 'માનવજાત અને ભારતમાતાની સેવા કરવા પ્રભુ આપને સો શરદનું આયુષ્ય આપો.' ગાંધીજીએ વિનોદી ઉત્તર પાઠવ્યો : 'આપનો તાર મળ્યો. પણ કલમના એક જ ઝાટકે આપે મારાં પચ્ચીસ વર્ષ કાપી નાખ્યાં. ભલે, તો હવે આપના આયુષ્યમાં ઉમેરી દેજો!' 

(લલ્લુભાઈ મકનજી)


Google NewsGoogle News