'ડોપામાઇન કલ્ચર'નું ઝેર એટલે શું? એનો એન્ટીડોટ શું હોઇ શકે 2025ને પ્રફુલ્લિત બનાવે એવો?
- અનાવૃત-જય વસાવડા
- ફાસ્ટફૂડ કરતા ધીમી આંચે પકાવેલા ભોજનનો સ્વાદ વધુ છે. માત્ર દોઢ મિનિટની રીલ્સમાં ડહાપણ નહિ શોધવાનું
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી !
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે
તો થાય મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તોય રોમ રોમ કૂટે પલાશ
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી બાજી
આપણે તો એટલામાં રાજી !
પાણીની એકાદી છાલકમાં હોય કદી
રિમઝિમ રેલાતો મલ્હાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય ?
કોઈ પૂછે તો કહીએ કે હાજી !
આપણે તો એટલામાં રાજી !
- રમણિક સોમેશ્વર
ડોપામાઈન કલ્ચર.
આ શબ્દ નવો છે. ન્યુયોર્કના સાઇકોથેરાપિસ્ટ ઇસરા નાસિરે કોઈન કર્યો છે, જેમનું પુસ્તક 'ટોકસિક પ્રોક્ટિવિટી' હમણાં આવ્યું. એ બધું બાજુએ રાખી ૨૦૨૫ના વર્ષમાં પણ જેમાં સુનામીના મોજાંની ઊંચાઈ વધતી જવાની છે, એવા ડોપામાઈન કલ્ચર પર ફોક્સ કરીએ. બેઝિકલી, એ વાત તો જાણીતી છે કે ડોપામાઈન પ્લેઝર હોર્મોન છે. જ્યારે આપણા દિમાગને ગમી જાય છે કશુંક, મજા પડે છે, મોજના તોરા છૂટે છે, કિક લાગે છે. કોઈ બાબતનું વ્યસન વળગે કે કિસ, લવ, હગને લીધે જે જલ્સો પડે એની પાછળ પણ દિમાગમાં ઝરતી ડોપામાઈનની પિચકારી હોય છે. એનું કામ ફીલિંગ ઓફ રિવોર્ડ, એટલે કશુંક મળી ગયાની અનુભૂતિ ઉભી કરવાનું છે. એટલે એ ઘટી જાય તો માણસ ડિપ્રેસ્ડ થઈ જાય. વધી જાય તો બહેકી જાય.
આપણી આસપાસનું જગત ૨૦૨૪માં હતું એનાથી વધુ ૨૦૨૫માં ડોપામાઈન ડ્રિવન થવાનું છે ! હવે બિઝનેસના બાદશાહોને કસ્ટમરનો કબજો કરવા આ ચોટલી હાથમાં આવી ગઈ છે, એટલે બધે જ 'મોર, મોર, મોર'ના ટહૂકા સંભળાય છે. ક્રિકેટનો અતિરેક થતા એનો ચાર્મ ઘટયો છે, આવક ભલે વધી હોય પણ ખેલાડીઓનું સ્ટારડમ લોંગ ટર્મ રહેતું નથી. અક્ષયકુમારની ફિલ્મોનો ઓવરડોઝ થતા એનું માર્કેટ તૂટી ગયું. લગ્નમાં જમવાનું હોય કે ભણવાનું હોમવર્ક હોય, બધું જ એક્સેસમાં છે. જોઈએ એનાથી વધુ ભરપૂર પ્રચૂર ઠલવાય છે. બધાને ઝટ ધ્યાન ખેંચી લેવું છે.
હજુ હમણા સુધી આપણને ફાસ્ટ લાઇફના 'ડારા' આપીને બીવડાવાતા હતા. એઆઈ અને સોશ્યલ નેટવર્કના ડિજીટલયુગમાં એથી પણ આગળનું ગીઅર પડી ચૂક્યું છે. થોડા ઉદાહરણોથી જરા સરખું સમજાશે. પહેલા મેદાનમાં રમતો રમાતી, પછી નવા જમાનામાં રમત જોવાની ચીજ થઈ. રમે બીજા અને જુએ બીજા. ડોપામાઈન કલ્ચરમાં એ માણવા કરતા વધુ જુગાર રમવાની બાબત થતી જાય છે ! પરંપરાગત નાણાના વિકલ્પે ક્રિડેટ કાર્ડ જેવા 'પ્લાસ્ટિક મની' આવ્યા એ પછી ક્રિપ્ટોયુગ આવી રહ્યો છે. અખબારો-મેગેઝીન્સ ડિજીટલ મલ્ટીમીડિયા થયા એમાંથી હવે વધુ ક્લિક્સ કેમ મળે ને એડ રેવન્યૂ એમાંથી કેમ જનરેટ થાય એ બદલાવ આવી ગયો. સિનેમા થિયેટરની ફિલ્મ કે એક બે ચૂંટેલી ટીવી સિરિયલને બદલે વિડીયો આવ્યા ને હવે ટિકટોકને લીધે એમાં પણ એક-દોઢ મિનિટની રીલ આવી ગઈ ! સંગીતના ફિલ્મો માટે કે એ સિવાય આખા આલ્બમ રિલીઝ થતાં એનાંથી સીડી-પેનડ્રાઇવ આવી ને હવે ડિજીટલી એક-એક ગીત જ રિલીઝ થવા લાગ્યા !
તસવીરો દીવાલો પર કે આલ્બમમાં રહેતી ત્યાંથી એના કોમ્પ્યુટર ફોલ્ડર આવ્યા. હવે મોબાઈલમાં જ સ્ક્રોલ થાય છે. પત્રોના ઈમેઈલ થયા ને હવે ઈમોજી સાથે ટેકસ્ટ મેસેજીઝ શરૂ થઈ ગયા ! મેરેજમાંથી લિવ ઈન અને હવે ડેટીંગ એપ આવી ગઈ. આ બધું જ ડોપામાઈન કલ્ચર છે. કોઈ ઇલાસ્ટિકને સતત ખેંચ્યા કરો તો અંતે ઢીલું થઈ જાય કે વારંવાર સજ્જડ બ્રેક મારવાથી ટાયરની નકશી ઉતરી જાય એમ જ ડોપામાઈન ડ્રિવન કોન્સ્ટન્ટ સ્ટિમ્યુલેશનની ઘડીઘડીની ઉત્તેજનાને લીધે ફોકસમાં મંદી આવી છે. જેટલી બૂક્સ વેચાય છે, એટલી વંચાતી નથી. જેટલી સેલ્ફી પડાય છે, એટલી ફુરસદે જોવાતી નથી. ડિપ્રેશન વધતું જાય છે. સ્ક્રોલની સામે સ્લો લિવિંગ મૂકવું પડે એવી હાલત છે.
ત્યારે કરવાનું શું ?
***
ડોપામાઈન યાને ખુશી કંઈ ડિટોક્સ કરીને સદંતર કાઢી નથી નાખવાની. તો તો ડિપ્રેશન આવી જાય. એનું મેનેજમેન્ટ કરવાનું છે. કેવી રીતે કરવું એ ? ફાસ્ટ વર્ક, સ્લો જોય. આ સૂત્ર અપનાવીને. કામમાં ખૂંપી જવું ફટાફટ એ કરી નાખવાનું. બેસ્ટ રિઝલ્ટ આપવાની જ ટ્રાય કરવાની. પણ મોજમાં ઉતાવળ નહિ કરવાની. ફાસ્ટફૂડ કરતા ધીમી આંચે પકાવેલા ભોજનનો સ્વાદ વધુ છે. માત્ર દોઢ મિનિટની રીલ્સમાં ડહાપણ નહિ શોધવાનું સરસ ફિલ્મો જોવાની, પુસ્તકો વાંચવાના, વિડીયો આખા જોવાના, સંગીત નિરાંતે બેસીને સાંભળવું, કુદરતના ખોળે ટહેલવું. યાદ રાખજો, ક્લિનિકલ ડિપ્રેશન માટે પ્રિસ્ક્રિપ્શન જોઈએ. ઠહરાવ માટે આ પંચામૃત જોઈએ : પ્રેમ, પ્રવાસ, પ્રકૃતિ, પરિવાર અને પ્રસન્નતા. પણ આ પાંચે 'પ' માટે પરિશ્રમ તો કરવો જ પડે અને પેટનું ધ્યાન રાખવું પડે. પથ્યાપથ્ય માટે જ નહિ, પૈસા માટે પણ !
એ સિવાય પણ કેટલીક ટિપ્સ છે. કંટાળાજનક રૂટિન હોય એમાંથી સમય બચાવો. ખબર જ હોય કે કઈ ચા કે કોફી કે ખાંડ કે ગોળ - ટૂંકમાં રોજીંદી ઘરવખરી લેવાની છે, તો એ ડાયરેક્ટ હોમ ડિલીવરી કરાવો. કે પછી વડીલોની જેમ 'ગ્રોસરી' તેલ, અનાજ વગેરે આખા વર્ષનું ભરી લો. જે જાતે પસંદ કરવું પડે જેમ કે શાકભાજી કે વસ્ત્રો એમાં જ સમય આપો. એવી જ રીતે કસરતને રમતમાં ફેરવો. ગમતું સંગીત સાંભળતા કે વિડિયો જોતા, ગમતી વ્યક્તિ સાથે કંપનીમાં, કસરત પછી સરસ કશુંક માણવામાં કે એને જ કોઈ રમત સ્ક્વોશ, ટેનિસ, ફૂટબોલ વોટએવરમાં ફેરવી નાખો. રોજ અચૂક આસપાસના દ્રશ્યો નિહાળતા, સંગીત સાંભળતા થોડું ચાલો. બને તો રોજ નહિ તો મિનિમમ અઠવાડિયે બે વાર દોસ્તો સાથે આઉટિંગ કે ફિલ્મ જોવાની ત્રણેક કલાક કાઢો. કારણ વગરના લવાજમો, વોટસએપ ગુ્રપ્સ, ઈમેઈલ કે એવા નોટિફિકેશન બંધ કરી દો, રિમૂવ કરી નાખો. રોજેરોજ કબાટ, ટેબલ, ઓફિસ, કિચન વગેરે ચોખ્ખું કરી નાખો. એટલે કામનો ઢગલો મેન્ટલી પજવ્યા ન કરે. સમયપાલન રાખો બીજા માટે, ખુદ માટે થોડા ફ્લેક્સીબલ રહો. રંગબેરંગી વસ્ત્રો પહેરો. તાજી હવા ને સૂર્યપ્રકાશને માણો.
સોશ્યલ મીડિયામાં બીજી બધી પંચાત છોડીને આપણા જીવનમાં બનેલી ગમેલી, ન ગમેલી પણ કશુંક શીખવાડી ગયેલી અને ધારેલી નાની નાની મોમેન્ટસ શેર કરો. એ બહાને એક નવતર ડાયરી બનતી જશે, અને અંદાજ આવશે કે જીવન કેટલું સમૃદ્ધ કે ફિક્કું છે. એમાંથી દૂર ન થાવ, પણ એના ઉપયોગથી જો પ્રોફેશનલ કમાણી ન થતી હોય, તો એનો મર્યાદિત સમય રાખો. રાત્રે ગમતી ફિલ્મ, કિતાબ કે મૈત્રી. કામ કરવાના ફોન નહિ. ઉઠતાવેંત પણ નહિ ને જમતી વખતે પણ નહિ. થોડો જાત સાથેનો એકાંત સંવાદ.
જાપાનમાં ટાટેની રૂમ હોય ઘણા ઘરમાં. બશીત્સુ માટે રાખવામાં આવે. જે ઓરડામાં કોઈ ડેકોરેશન, કોઈ જ ફર્નિચર નહિ. કેવળ હવાઉજાસ ને ચટાઈ. બધાને ઘરના મોટા ઘર ના હોય કે આવો ઓરડો ફાળવવો પોસાય. પણ કોન્સેપ્ટ અહીં છે, એવી જગ્યા જ્યાં કશું બાહ્ય આક્રમણ ન હોય ને ત્યાં અંદરના પણ કોઈ આવરણ વિના બેસીને પોતાની સાથે સંવાદ થાય. આવો ઓરડો ના હોય તો એક ખૂણો હોવો જોઈએ. એ નહિ તો મૌન રહી ચાલવાનું એકલા. કશું ન થાય તો પથારીમાં સ્વસંવાદ કરવાનો. ઘણી સમસ્યાના ઉકેલ જડશે, નકામા વિચારોનો બોજો ઘટશે.
મલ્ટીટાસ્કિંગ કામ માટે કરવું પડે. પણ સતત એમાં રચ્યાપચ્યા રહેવાથી સ્ટ્રેસ વધે ને એકે કામ સરખું ન થાય. આરામના સમયમાં કે ઘેર સિંગલ ટાસ્કિંગ કરવાનું. એ પૂરૃં કરીને જ બીજું હાથમાં લેવાનું. કોઈ લોંગ ટર્મ ગોલ યાને લક્ષ્ય હોય જીવનનું - ધારો કે ઘર બનાવવાનું, કરિઅર પ્રમોશન, ધંધાનું વિસ્તરણ, લર્નિંગ ન્યુ હોબી - વોટએવર એને માટે સવારે કે રાત્રે જ્યારે ફ્રેશ મૂડમાં હોઈએ ત્યારે ફક્ત દસ મિનિટ ઓછામાં ઓછી આપવાની. મોટા લક્ષ્યો આમ રોજીંદા ટૂકડામાં વહેચવાથી પૂરા થાય ત્યારે આસાન લાગે ! મોટું થોથું જોઈ વાંચવાનું પડતું મૂકવાને બદલે રોજ પાંચ-દસ પાના વાંચો તો બે-ત્રણ મહિનામાં આખું રામાયણ વંચાઈ જાય ! ડેવલપ સમ માઈક્રોહેબિટ્સ.
અડધોઅડધ સ્ટ્રેસ વાસ્તવિક્તાના અસ્વીકારથી જન્મે છે. જેમાં આવડત નથી એમાં આત્મવિશ્વાસના નામે ધસી જાવ, તો હેરાન જ થવાના. જ્યાં ભાવ તો જવા દો, સતત તિરસ્કાર જ મળે ત્યાં પ્રેમ કરવા જાવ તો હાર્ટબ્રેક જ થવાનું. સપના પહોંચી ન વળાય એવા જુઓ તો ઈન્સ્ટન્ટ ધનવાન થવાના બદલે હશે એ રૂપિયા પણ કોઈ ધૂતારો પડાવી લેવાનો. દરેક ડ્રીમને, ટાર્ગેટને ટાઈમલાઈનમાં બાંધો મનોમન. જેથી ખબર પડે કે આટલા સમયમાં રિઝલ્ટ ન મળે એ તો ઠીક, પણ જો પરિણામની નજીક સરકવા ન મળે અને એ બાબત તમારા બીજા કામકાજ કે આનંદનો સમય ખાઈ જાય, તો એમાંથી એકઝિટ લઈ વધુ બરબાદી અટકાવવાની ખબર પડે. જે ઈન્વેસ્ટમેન્ટ કરીને ભૂલી શકો એવી વાત નથી. જે મૂંઝવણ મનમાં જગ્યા રોકે એવી વાત છે.
ડોપામાઈન કલ્ચર એટલે જ વિકસ્યુ છે કે લોકોને એવું લાગે છે કે એમની પાસે ફુરસદ નથી. બધી નિરાંતને એ લોકો પ્રોફિટેબલ કે પ્રોડકટિવ બનાવવા જ મથે છે. એકસાથે ઘણુંબધું માણી લેવાની મથામણમાં બધું જ અધૂરૃં રહી જાય છે. બેશક, માનસિક-શારીરિક રીતે સ્વસ્થ હો ત્યારે જ મેક્ઝિમમ જીવી લેવાનું હોય. પણ પોતાની ચોઈસ તો હોય ને ! એની બહાર સ્પષ્ટ ના કહેતા શીખવું પડે. બીજાઓને કેવું લાગશે એની પરવા વિના. અધર્સ એપ્રુવલ ઈઝ ડેન્જરસ થિંગ. એકવાર એ કીડો કરડી ગયો તો જીવનની મજા લૂંટાઈ જશે, એ નક્કી માનજો !
એક્ચ્યુઅલી, આપણને એવો વહેમ છે કે બધાને આપણામાં રસ છે, પણ બધા પોતપોતાનામાં જ વ્યસ્તમસ્ત છે. ડાઘાવાળા શર્ટ તરફ કોઈ ધ્યાનથી જોતું નથી, પહેરનાર કોન્શ્યસ હોય કે મેં આવું પહેર્યું છે ! જોનાર ફ્રી નથી, ને જે સાવ જ નવરા છે આવી કૂથલી કરવા, એની કામ કરીને ક્યાંય આગળ વધવાની હેસિયત નથી કે એમને મહત્વ પણ દેવાનું હોય ! કળિયુગની એક વ્યાખ્યા સરસ આવેલી : લોકો પોતાની મુસીબતોને ઈશ્વરે કરેલી કસોટી માને, અને બીજાની મુસીબતોને એમને એમના પાપો માટે ભગવાને કરેલી સજા માને !
તેલ લેવા જાય આવા ચીબાવલા ચંબૂડાચંબૂડીઓ. ભલે તેલ મોંઘુ રહ્યું, એમનો પ્રોબ્લેમ છે એ ! હીહીહી, ચિલ, સ્માઈલ. રીડર, બિરદર, ગો સ્લૉ. ભલે ઓછું ખાવ, પણ જે ખાવ એનો પૂરો સ્વાદ લો. જે જુઓ એમાં હન્ડ્રેડ પર્સન્ટ ઈન્વોલ્વ થાવ. ઉતાવળા ન થાવ. ક્યારેક શાંતિથી રાહ જોતા શીખો. ટ્રાફિક જામમાં હોર્ન વગાડવાથી શોર વધે, રસ્તો ક્લીયર ન થાય. પ્રયાસ કરવાના પણ પ્રભાવની અપેક્ષા વિના. પ્રેશર ઈઝ પાર્ટ એફ લાઈફ. એને સહન કરતા શીખીએ, ટાળવાના પલાયનને બદલે. વર્ષો તો આવે ન જાય, જે ક્ષણો જીવી લઈએ, એ સાચી. એ આપણી. દરેક વસંત બાદ પાનખર ને પાનખર બાદ વસંત આવતી જ હોય છે ! કેલેન્ડરની જેમ આગળ વધતા રહેવું !
ઝિંગ થિંગ
''લોકોને ભેગા કરવાને શ્રેષ્ઠ રસ્તો છે : એમને સાચો નહિ તો કાલ્પનિક એક ડરામણો દુશ્મન આપી દેવો !''
(ફિલ્મ 'વિકેડ' પાર્ટ વનનો સંવાદ)