Get The App

યુપીએસસીની લેટરલ એન્ટ્રી વિવાદનું 'એ' ટુ 'ઝેડ'

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
યુપીએસસીની લેટરલ એન્ટ્રી વિવાદનું 'એ' ટુ 'ઝેડ' 1 - image


- અધ્યયન-હિરેન દવે

- લેટરલ એંટ્રી સિસ્ટમ મુળભુત રીતે અમેરિકી પદ્ધતિ છે. 

ભા રતમા સરકારી ઉચ્ચ અમલદાર તરીકે કારકીર્દીની સુવર્ણ તક આપતી સનદી સેવા ભરતી પરીક્ષા યુપીએસસી દ્વારા આયોજીત કરવામા આવે છે જેમાં ઉત્તિર્ણ થનારા ઉમેદવારો આઈ.એ.એસ. આઈ.પી.એસ. જેવી હેવન બોર્ન સર્વિસિસમાં પ્રવેશી શકાય છે. પરંતુ ૨૦૧૮માં ભારત  સરકારે ૪૦ વર્ષથી વધુ વયના લાયક ઉમેદવારો માટે ૩ વર્ષના કાર્યકાળ માટે ભારત સરકારના સંયુક્ત સચિવ (જોઈન્ટ સેક્રેટરી) બનવા માટે ''લેટરલ એંટ્રી સિસ્ટમ''ની જાહેરાત કરવામાં આવી અને વર્ષ ૨૦૧૯માં યુપીએસસી દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને ૧૦ સફળ ઉમેદવારોની જાહેરાત કરવામા આવી. ત્યારથી ભારત સરકારે આ પ્રકારની ભરતી દર વર્ષે નિયમીતપણે શરૂ કરી છે.

ભારતમા પ્રશાસનની બાગદોર બ્રિટિશ સમયથી ''સ્ટીલ ફ્રેમ ઓફ નેશન'' ગણાતી આઈ.એ.એસ.ના હાથમાં છે. જેને વિશ્વની વ્યાપક જનરાલીસ્ટ સર્વિસ ગણવામાં આવે છે. આ સેવા ભારત સરકારના લગભગ તમામ ક્ષેત્રો જમીન મહેસુલ, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, કૃષિ, વન અને પર્યાવરણ, પરિવહન, નાણા, ઉદ્યોગ વગેરે તમામ ક્ષેત્રે સચિવાલયમાં પોલિસી-મેકિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ વ્યવસ્થા બ્રિટિશ સમયમાં ચાલુ કરવામાં આવી જ્યારે વિજ્ઞાાન અને ટેકનોલોજી આટલા વિકસેલા ન હતા, હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે પ્રત્યેક ક્ષેત્રે વિશેષજ્ઞાતા (સ્પેશિયલાઈઝેશન) અને સંકુલતા (કોમ્પ્લેક્સીટી) દિનપ્રતિદિન વધતી જાય છે. વિશ્વના તમામ દેશોમાં જ્યા પોલિસી-મેકિંગ કરવામાં આવતી હોય ત્યાં સ્પેશિયાલિસ્ટ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જ્યારે ભારતમા આઈ.એ.એસ. જ્યારથી ભરતી થાય છે ત્યારથી જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર જેવી ફિલ્ડ એડમિનિસ્ટ્રેશનની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ક્યારેક આરોગ્ય વિભાગ, નાણા વિભાગ, શિક્ષણ વિભાગ એમ અનેક ક્ષેત્રે ભૂમિકાઓ ભજવે છે પરંતુ કોઈ એક ક્ષેત્રે ''ડોમેઈન નોલેજ'' મર્યાદિત હોય છે ! છતા તમામ વિભાગો અને મંત્રાલયોમાં ઉચ્ચ સ્તરે આઈ.એ.એસ. અધિકારીઓ જ હોય છે. પરંતુ બદલાતા સમય સાથે કદમ મિલાવવા ભારત સરકારે આ અનોખી પહેલ કરીને જોઈંટ સેક્રેટરી સ્તરે ૩ થી ૫ વર્ષ માટે ખાનગી ક્ષેત્રે જેતે વિષય પર સમકક્ષ સ્તરે ખાનગી સંગઠનોમા ભૂમિકા ભજવતા ૧૦ ઉમેદવારોની યુપીએસસી થકી ભરતી કરીને નવો ચિલો ચાતર્યો છે.

લેટરલ એંટ્રી સિસ્ટમ મુળભુત રીતે અમેરિકી પદ્ધતિ છે. ત્યાં સરકારમાં ઉચ્ચ પદો પર ખાનગી નિષ્ણાતો ૩થી ૫ વર્ષના સમય માટે સેવા પ્રદાન કરે છે અને ત્યારબાદ પોતાના ક્ષેત્રે પરત ફરે છે. ભારતમાં વિરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં રચાયેલ દ્ધિતીય પ્રશાસનિક સુધારણા પંચે લેટરલ એન્ટ્રી પધ્ધતિ લાવવાની ભલામણ કરી હતી. ભારતમા લેટરલ એંટ્રી સિસ્ટમ શરૂ થતા ઉચ્ચ પદો એ કોઈ એક સેવાનો ઈજારો નહિ રહે ! ખાનગી તજજ્ઞાતાનો લાભ સરકારને મળશે. હાલમાં ખાનગી સંસ્થાઓ પણ ખુબજ સારું મેનેજમેંટ (સંચાલન) ધરાવે છે. તેમાંથી નવા જ્ઞાાન અને અનુભવોનું ભાથુ સરકારને મળશે. નવો દ્રષ્ટિકોણ સરકારમાં આવશે એવી માન્યતા હતી !

પરંતુ તાજેતરમાં યુપીએસસીએ ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં સીધા ડેપ્યુટી/જોઈન્ટ સેક્રેટરી બનવાની ૪૫ પદોની સીધી ભરતી બહાર પાડી છે. પ્રાઈવેટ નોકરીનો અનુભવ ધરાવતા, રાજ્ય સરકારમા કાર્ય કરતા તેમજ સરકારી કમ્પનીઓમાં કાર્ય કરતા અનુભવી લોકો આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે ! શોર્ટલીસ્ટ પામનારા ઉમેદવારોને માત્ર એક ઈંટરવ્યુના આધારે પસંદ કરવામા આવશે. જેઓ પસંદ થશે તેઓને માસિક ૨,૬૬,૦૦૦/-ના પગારે ૩થી ૫ વર્ષ માટે કામગીરી આપવામાં આવશે ! યુપીએસસી દ્વારા લેવામાં આવતી અન્ય ભરતી કસોટીઓમાં કાયમી ભરતી કરવામાં આવે છે. આથી કાયદાકીય રીતે મળવાપાત્ર આરક્ષણનો લાભ મળે છે. પરંતુ આ ભરતી ટૂંકા ગાળાની હોવાથી આરક્ષણપ્રણાલીના નિયમો તેમાં લાગુ પડતાં નથી. હાલમાં વિપક્ષોએ આ મુદ્દે સરકારને ઘેરી તેને આરક્ષણ પ્રણાલી ખતમ કરવાના સરકારના પ્રયત્ન તરીકે ગણાવ્યું છે. જેથી વિવાદ વકરતા સરકારે આ જાહેરાત પરત ખેંચવી પડી છે. હવે આરક્ષણના મુદ્દે સ્પષ્ટતા પછી જ સાથી પક્ષોની સહમતી બાદ આ પધ્ધતિ ફરીથી શરૂ થવાની શક્યતા છે.


Google NewsGoogle News