Get The App

ડેપ્યુટી કલેક્ટરની બદલાતી ભૂમિકા .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ડેપ્યુટી કલેક્ટરની બદલાતી ભૂમિકા                           . 1 - image


- અધ્યયન-હિરેન દવે

ગુ જરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ ભરતી પરીક્ષાઓમા સૌથી ટોચની કેડર ડેપ્યુટી કલેક્ટર છે.  તેની શું ભૂમિકા છે તેનું આપણે વિહંગાવલોકન કરીએ.

મહેસૂલી અધિકારીની ભૂમિકા : કલેક્ટર શબ્દનો મુળભુત અર્થ જ મહેસૂલ ઉઘરાવવું- 'કલેક્ટ' કરવુ એવો થાય છે. પ્રાંતમાં જમીન મહેસુલ ઉઘરાવવું તેમની જવાબદારી છે આ ઉપરાંત જમીનને લગતા અનેકવિધ કાર્યો તેમને કરવાના હોય છે. જેમકે જમીનના વિવાદોના કેસોમા તેઓ મેજીસ્ટ્રેટ (દંડાધિકારી) તરીકે કાર્ય કરી વિવાદોનો નિવેડો લાવે છે. પ્રાંત અધિકારી પોતે જમીન સંપાદન અધિકારી તરીકે પણ કામ કરતા હોય છે, જેની ફરજ ના ભાગરૂપે તે સરકારી વિભાગો માટે, નેશનલ હાઈવે, પોર્ટ, રેલવે, રાષ્ટ્ર માટે અગત્યના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ વિગેરે માટે જમીન સંપાદન કરી આપે છે. જીલ્લાના જમીનના રેકોર્ડ જાળવવા, અપડેટ કરી આપવા તેમના હેઠળના કર્મચારીઓ કરે છે.

વધુમાં, બજારમાં થતાં તમામ વેચાણ તેમજ અન્ય તબદીલી ના વ્યવહારોમાં પૂરતી સ્ટેમ્પ ડયુટી વસુલાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનું અને આવી કોઈ સ્ટેમ્પ ડયુટીની ચોરી ધ્યાને આવે તો તેને પકડીને તેમની પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરીમાં ડેપ્યુટી કલેક્ટર પોતે કલેક્ટરની સત્તા ભોગવી ને સરકારની આવકમાં વધારો કરતા હોય છે.

સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ તરીકે પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. વિવિધ પ્રકારના બંદોબસ્ત દરમિયાન પોલીસતંત્ર પર દેખરેખ રાખે છે. જરૂર પડે તો લાઠીચાર્જ કે બળપ્રયોગનો આદેશ આપી શકે. પોતાના પ્રાંતમા પાક રક્ષણ માટેના હથિયારોના પરવાના તેઓ આપી શકે છે. પ્રાંત અધિકારી પોતાના પ્રાંતમાં આવેલા શહેરી તેમજ ગ્રામ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તેમજ ગેરકાયદે ખનન અટકાવવાની જવાબદારી પણ નિભાવે છે. કોઈપણ પ્રકારની આપત્તિ જેમકે પુર, દુકાળ, ભૂકંપ, કોમી હુલ્લડ, કોરોના જેવી મહામારી જેવા સમયે પોતાના પ્રાંત પૂરતી ડિઝાસ્ટર મેનેજમેંટની જવાબદારી તેમના શિરે હોય છે. જીલ્લાધીશના આદેશાનુસાર ડિઝાસ્ટર મેનેજમેંટ એક્ટ ૨૦૦૫ અન્વયે આ ઉત્તરદાયિત્વ નિભાવવાનું હોય છે.

ચુટણી યોજવાના ક્ષેત્રે પણ તેમની ચાવીરૂપ ભૂમિકા હોય છે. લોકસભા, વિધાનસભાથી માડીને નગરપાલીકા ગ્રામપંચાયત સુધીની ચુટણીઓ સમયાંતરે આવ્યા જ કરે છે. આ ચુટણીઓમાં મતદાન મથકો નક્કી કરવા, ચુંટણી સ્ટાફની નિમણૂંક, ઉમેદવારોની અરજી સ્વીકારવાથી લઈને મતદાર યાદીઓ અપડેટ કરવી, ચુટણીઓનું આયોજન કરવું અને મતગણતરી કરી પરિણામ જાહેર કરવા સુધીની જવાબદારી ચુટણી પંચના દિશાસુચન હેઠળ કલેક્ટરશ્રી અંતર્ગત રહીને તેમણે કરવાનું હોય છે.

શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને શિક્ષણનું પ્રમાણ વધે તેમજ બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટેની સરકારશ્રી ની મધ્યાહન ભોજન યોજના તેમજ ગરીબો અને જરૂરિયાતમંદોને રાહત દરે અનાજ મળી રહે તે માટે વાજબી ભાવની દુકાનો થકી ચાલતી સમગ્ર જાહેર વિતરણ વ્યવસ્થાનું જિલ્લામાં સંચાલન અને અસરકારક અમલીકરણ કરાવવાની જવાબદારી ડેપ્યુટી કલેક્ટર નિભાવતા હોય છે.

આ રોજબરોજના કાર્યો ઉપરાંત દસ વર્ષે થતી વસ્તી ગણતરી દરમિયાન તેના પ્રશાસનનું કાર્ય કરે છે. રાજ્ય સરકારના પ્રોટોકોલ ઓફિસર પણ છે આથી જ્યારે કોઈ વીવીઆઈપીની મુલાકાત તેમના વિસ્તારમાં હોય ત્યારે તેમની સમગ્ર વ્યવસ્થા જોવાની જવાબદારી તેમના શિરે હોય છે. સંઘ અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનું પ્રશાસન પણ તેમના શિરે હોય છે.

જીપીએસસી સિવીલ સર્વિસ પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ પોતાના વિસ્તારમા આવેલ કલેક્ટર કચેરીની મુલાકાત લઈ ત્યા પોસ્ટેડ રેસિડેંટ ઓડિશનલ કલેક્ટર કે પ્રાંત ઓફિસમા કાર્ય કરતા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની મુલાકાત લેવી જોઈએ. પ્રાંત અધિકારીની ભૂમિકા પર વધુ વિગતવાર માહિતી મેળવવા માટે મેહસુલ વિભાગ દ્વારા તૈયાર થયેલ 'પ્રાંત અધિકારી મેન્યુઅલ'નો અભ્યાસ કરવો.


Google NewsGoogle News