જીલ્લા કલેક્ટરની ભૂમિકા .
- અધ્યયન-હિરેન દવે
- જીલ્લા કલેક્ટર એક એવું પદ છે કે જેની પાસે અનેક પ્રકારના પાવર એક વ્યક્તિ પાસે છે. જો તે ધારે તો જીલ્લામા એક 'એજન્ટ ઓફ ચેંજ' તરીકે ઘણા સારા ભવિષ્યનો પાયો નાખી શકે.
હા લમાં યુપીએસસી પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં ગુજરાતના ૨૫ ઉમેદવારોએ ઝળહળતી સફળતા મેળવી. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ક્રેઝ વધતો જાય છે. 'ટ્વેલ્થ ફેઈલ' જેવી મૂવી દ્વારા પણ આ પરીક્ષાઓ વિષે વાલીઓની જિજ્ઞાસા વધી છે. આઈ.એ.એસ. કેડર મળવાથી ડ્રિમપોસ્ટ કલેક્ટર બની શકાય છે. પણ કલેક્ટરની પ્રોફાઈલ કે ભૂમિકા શું હોય છે તે બધાને સારી રીતે ખ્યાલ હોતો નથી. આથી અહી જિલ્લા કલેક્ટરની પોસ્ટનુ એક ઉડતી નજરે-વિહંગાવલોકન કરીયે.
રાજ્યસરકારની બ્યુરોક્રસીનો બેક્બોન મહેસુલી તંત્ર છે. જેના જીલ્લા સ્તરે પ્રતિનિધિ જીલ્લા કલેક્ટર હોય છે. જીલ્લા કલેક્ટર 'ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ' કે 'જીલ્લાધીશ' પણ કહેવાય છે. બ્રિટિશ સમયમા તો જીલ્લા કલેક્ટર જ સરકારી તરીકે ઓળખાતા હતા. જીલ્લા કલેક્ટર શબ્દ બ્રિટિશ સમયમા પ્રયોજવામા આવ્યો. સર વોરન હેસ્ટિંગ્ઝે ૧૭૭૨મા કલેક્ટરની પોસ્ટની રચના કરી. તેનુ મુખ્ય કાર્ય જમીન મહેસુલ ઉઘરાવવાનુ હોવાથી તેમને જીલ્લા કલેક્ટર તરીકે ઓળખવામા આવ્યા. જમીનના સંદર્ભમા તેમની ભૂમિકા ખુબજ વ્યાપક હોય છે. જીલ્લાના જમીનના રેકર્ડ કે જેમા ૧૮ નમુના હોય છે તેની જાળવણી કરવી, અપડેટ કરવી, સબોર્ડિનેટ ઓફિસર વતી આ કામગીરી સમ્પન્ન કરાવતી તેમની ભૂમિકા છે. જમીનના ખરીદ વેચાણની વિધિ, જમીન વિવાદના કેસોમા નીચેના મેજીસ્ટ્રેટોએ આપેલા ચુકાદા સામે અપીલ સ્વીકારી ફરિયાદોનુ નિવારણ કરવુ વિગેરે તેમની ભૂમિકા છે. હાલના સમયમા સરકારને વિવિધ કામગીરી માટે જમીન સમ્પાદન કરી આપવુ પણ એક કિ-રિસ્પોંસીબીલીટી છે. ડિસ્ટ્રીક્ટ ટ્રેઝરી તેમની સત્તા હેઠળ હોય છે. આ ઉપરાંત સિંચાઈના નાણા ઉઘરાવવા, આવક વેરો, સેલ ટેક્સ એરિયર્સ કલેક્શન, સરકારી એસ્ટેટની જાળવણી પણ તેમની જવાબદારી છે.
કાયદો અને વ્યવસ્થાનુ પોલીસતંત્ર પણ કલેક્ટરશ્રીના કંટ્રોલમા છે. પોલીસ તંત્ર પર તેમનો અંકુશ હોવાથી તેમને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ પણ કહે છે. જીલ્લામા જો કોઈ જરૂર જણાય તો ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૪૪ મુજબ કરફ્યુ જાહેર કરી શકે છે. જીલ્લા જેલના કેદીઓને પેરોલ પર છોડવા, હથિયારોના પરવાના પ્રદાન કરવા, કોઈ પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસને ફાયરિંગનો હુકમ આપવો તેમના પાવર છે.
જીલ્લા સ્તરે વિવિધ વિભાગોની કામગીરીનુ સંકલન કરે છે. કેંદ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગોની પ્રત્યેક જીલ્લામા રહેલી કચેરીને કોઈ સમસ્યા જણાય તો કલેક્ટરનુ ધ્યાન દોરે છે. અને તેમના માર્ગદર્શન થકી કામ પાર પાડે છે. અનેક અધિનસ્થ અધિકારીઓના પર્ફોર્મસ એપ્રાઈઝલ કલેક્ટરશ્રી કરે છે. જીલ્લા સ્તરે અધિકારીઓ કે કર્મચારીઓને નડતી કોઈ સમસ્યા કે અસંતોષ જણાય તો તેનુ નિરાકરણ કરે છે. કેંદ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી અનેક યોજનાઓ કલેક્ટર કચેરીને જીલ્લા સ્તરે નોડલ ભૂમિકા આપવામા આવેલ હોય છે.
તેઓ આ યોજનાઓના અમલીકરણ માટે જવાબદાર છે. ડિસ્ટ્રીક્ટ રૂરલ ડેવલપમેંટ એજંસી (ડિઆરડિએ) ના ચેરમેન તરીકે કાર્ય કરીને ગ્રામ વિકાસની યોજનાઓનો અમલ કરાવે છે. આ ઉપરાંત ચુટણી યોજવામા જીલ્લા રિટનીંગ ઓફિસર તરીકે લોકસભા, વિધાન સભા વગેરેની ચુટણી યોજવા મતદાર
યાદીઓ અપડેટ કરવાથી માંડીને, સમગ્ર ચુટણીઓનુ આયોજન કરવુ અને પરિણામ જાહેર કરવા સુધીની જવાબદારી તેમની હોય છે. દર દસ વર્ષે વસ્તી ગણતરી માટે ડિસ્ટ્રીક્ટ સેન્સસ ઓફિસર તરીકે તેઓ રેવન્યુ મશીનરીના ઉપયોગથી વસ્તી ગણતરી યોજે છે.
તેમને ક્રાઈસીસ મેનેજર ઈન ચિફ પણ કહેવાય છે. જીલ્લા સ્તરે કોઈપણ આપત્તિ આવે જેમકે કોરોના જેવો પેંડેમિક, પૂર, ભુકંપ તેવા સંજોગોમા ડિઝાસ્ટર મેનેજમેંટ એક્ટ ૨૦૦૫ હેઠળ જીલ્લા કલેક્ટરશ્રીને આવી પરિસ્થિતિને અંકુશમા લેવા અમર્યાદિત સત્તા સોપવામા આવેલી છે.
જીલ્લામા કોઈ વીવીઆઈપી મુલાકાત હોય તો ચિફ પ્રોટોકોલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પ્રધાનમંત્રી, મુખ્ય મંત્રી, વિદેશી મહેમાન, સંસદ સભ્યો, વિવિધ આયોગના અધ્યક્ષો જ્યારે જીલ્લાની મુલાકાતે આવે ત્યારે તેમની તમામ વ્યવસ્થાઓ સચવાય તે જોવાની વ્યક્તિગત જવાબદારી કલેક્ટરશ્રીની છે.
આમ, જીલ્લા કલેક્ટર એક એવું પદ છે કે જેની પાસે અનેક પ્રકારના પાવર એક વ્યક્તિ પાસે છે. જો તે ધારે તો જીલ્લામા એક 'એજન્ટ ઓફ ચેંજ' તરીકે ઘણા સારા ભવિષ્યનો પાયો નાખી શકે. ફ્રાંસના 'પ્રિફેક્ટ' ને બાદ કરતા સમગ્ર વિશ્વમા કોઈ પોસ્ટ તેની જોડે સરખાવી શકાય નહિ. ''જીલ્લા કલેક્ટરેટ એક નાનકડો કાચબો છે કે જે એક હાથી જેટલા વજનની જવાબદારીનુ વહન કરે છે.'' - બ્ર્રિટિશ સમયની આ ઉક્તિ આજે પણ સાચી ઠરે છે.