Get The App

જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાના કાનૂનની જોગવાઈઓ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાના કાનૂનની જોગવાઈઓ 1 - image


- અધ્યયન-હિરેન દવે

- ટેકનોલોજીના આ યુગમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે પરીક્ષા યોજવા સરકારે અનેક પ્રશાસનિક પડકારો ઝીલવા પડશે

ગુ જરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં વિવિધ સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપરલીક થવાના બનાવો છાશવારે બનતા ગૌણસેવા પસંદગી મંડળ. પોલીસ ભરતી બોર્ડ વગેરેની ભરતી પ્રક્રિયાઓ ખોરંભે પડી હતી ! રાજ્ય કાયદા પંચના ૩૪માં અહેવાલમાં આ વિષય પર કડક જોગવાઇઓ કરતો સર્વાંગી કાનૂન ઘડવાની ભલામણ કરવામાં આવેલ હતી. આથી ગુજરાત વિધાનસભાએ તાજેતરમાં આ વિષય પર ખરડો પસાર કરી કાનૂનનું સ્વરૂપ આપ્યું. જ્યારે સમગ્ર દેશમાં જોઇએ તો છેલ્લા ૫ વર્ષમાં ૧૬ રાજ્યોમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ૪૮ ગોટાળા બહાર આવ્યા ! જેને લીધે ૧,૨૦,૦૦૦ પદો પર સરકારી ભરતી પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી. આ ભરતી પરીક્ષાઓ માટે ૧.૫૧ કરોડ યુવાનોએ અરજી કરી તૈયારી કરી રહ્યા હતા. પરીક્ષા રદ્દ થવાથી તેનું ભાવી અંધકારમય બન્યું! આ સંજોગોમાં સંસદના બજેટ સત્રમાં પ્રવચન દરમિયાન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુએ આ મુદ્દે સરકારને કંઈક કરવા પ્રેરણા આપી. જેથી ૫ ફેબુ્રઆરીએ 'પબ્લીક એક્ઝામિનેશન (પ્રીવેંશન ઓફ અનફેર મિન્સ) બિલ, ૨૦૨૪' લોકસભામાં રજૂ થયું. ૬ ફેબુ્રઆરીએ લોકસભા ૯ ફેબુ્રઆરીએ રાજ્યસભામાં પસાર થયું અને કાનૂન તરીકે અમલમાં આવ્યું. આ બંને કાનૂન ઘડતા ગુજરાત અને કેન્દ્રની ભરતીકસોટીઓમાં અસરગ્રસ્ત ઉમેદવારોને ન્યાય મેળવવાનો માર્ગ ખુલશે !

ગુજરાત સરકારે પસાર કરેલ કાનૂન વિષે વાત કરીએ તો તેમાં હાલ જીપીએસસી, ગૌણસેવા પસંદગી મંડળ, પંચાયત પસંદગી બોર્ડ, સ્ટેટ એકઝામ બોર્ડ, માધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજ્ય દ્વારા અનુદાન મેળવતી યુનિવર્સિટી, રાજ્યના જાહેર સાહસો દ્વારા ભરતી, રાજ્યના અન્ય ભરતી બોર્ડ (ઉલ્લેખનીય છે કે પોલીસ ભરતી માટે લોકરક્ષક ભરતી બોર્ડ કે પીએસઆઈ ભરતી બોર્ડનું નામ શિડયુલમાં સીધું ઉમેરવામાં આવેલ નથી પણ માત્ર અન્ય ભરતી બોર્ડની વ્યાખ્યામાં તેને સમાવવામાં આવેલ છે) વગેરેને આવરી લેવામાં આવેલ છે. આ કાનૂન મુજબ જો કોઈ સંસ્થા કે સેવા પ્રદાતા આ પરીક્ષાઓમાં ગેરરીતિ આચારશે તેને ઓછામાં ઓછાં ૫ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષ જેલની સજા થઈ શકશે. જો પરીક્ષા યોજવામાં ભાગ લેતી સંસ્થાઓ કે સેવા પ્રદાનકર્તા દ્વારા કોઈ ગેરરીતિ આચર્યાંનું પુરવાર થાય તો તેને સમગ્ર પરીક્ષાના આયોજનનો ખર્ચ વસૂલ કરી શકાશે. જો પરીક્ષાર્થી આ કૃત્યમાં સંડોવાયેલ હશે તો તેને ૩ વર્ષ સુધી સજા થઈ શકે. આ ઉપરાંત પરીક્ષાર્થી રાજ્ય સરકાર દ્વારા યોજાતી કોઈપણ ભરતી કસોટીમાં ભાગ લેવા આગામી ૨ વર્ષ ગેરલાયક ઠરાવવામાં આવશે. ગેરરીતિઓના ગોટાળાની તપાસ પી.આઈ. અથવા ડી. વાય.એસ.પી. દ્વારા કરવામાં આવશે.

સંસદે પસાર કરેલ કાનૂનના કાર્યક્ષેત્રમાં યુપીએસસી, એસ.એસ.સી., આર.આર.બી., આઇ.બી.પી.એસ. નેશનલ ટેસ્ટિંગ એજન્સી વગેરે દ્વારા લેવાતી કસોટીઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. આ કાનૂનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને ૧૫ પ્રકારમાં વર્ગીકૃત કરી વ્યાખ્યાયિત કરી છે. 

સંગઠિત ગુન્હાખોરી પણ આવરી લેવામાં આવેલ છે. આ પરીક્ષાઓમાં કમ્પ્યુટર વગેરે પ્રદાન કરનાર સેવા પ્રદાતા સંસ્થાઓ પર જવાબદારી નિયત કરવામાં આવેલ છે. જો કોઈપણ ગેરરીતિ ધ્યાનમાં આવે તો આ સંસ્થાઓએ પોલીસને જાણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ કાનુનમાં પરીક્ષાર્થી જો ચોરીમાં પકડાય તો તેને માટે કોઈ સજાની જોગવાઈ નથી. સંગઠિત ગુન્હામાં ઓછામાં ઓછા ૫ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સજા નિર્ધારિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત રૂપિયા ૧ કરોડ સુધીનો દંડ કરી શકાય. તપાસ ડીવાયએસપી કે સશસ્ત્ર દળોના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દ્વારા કરવામાં આવશે.

આમ આ બંને કાયદા ઘડવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિ રોકવા માટે અને ઉમેદવારોને ન્યાય અપાવવા માટે સારી શરૂઆત કરવામાં આવી છે. પણ ટેકનોલોજીના આ યુગમાં નિષ્પક્ષ અને ન્યાયી રીતે પરીક્ષા યોજવા સરકારે અનેક પ્રશાસનિક પડકારો ઝીલવા પડશે. જો પ્રશાસનિક પગલાંઓ ઝડપી અને કાર્યદક્ષ રીતે ન લેવામાં આવે તો આટલા મોટા સ્કેલ પર યોજાતી પરીક્ષાઓનું સુચારું પ્રશાસન માત્ર આ કાયદો ઘડવાથી સંપન્ન થશે નહીં. વળી જૂના ભરતી કૌભાંડોને ઝડપી તપાસ અને ટ્રાયલ પૂર્ણ કરી જો કૌભાંડીઓને દંડિત કરવામાં ન આવે તો પણ આ કાયદાઓ અનેક અન્ય કાયદાઓની જેમ માત્ર કાગળ પર રહી જશે. આથી સરકાર ઉપરાંત આ ક્ષેત્રે જોડાયેલ તમામ ઉમેદવારો જાગૃત બને તો જ ભરતી પરીક્ષાઓની કામગીરી અસરકારક કરી આ કાયદાઓનો ઉદ્દેશ પૂર્ણ કરી શકાશે.


Google NewsGoogle News