સિવિલ સર્વિસમાં રાજ્યોની ફાળવણી
- અધ્યયન - હિરેન દવે
- યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ પોતાના પસંદગીના રાજ્યની કેડર મેળવવા દરેક પ્રોબેશનર અધિકારીની મહેચ્છા હોય છે.
આ ઈ એ.એસ., આઇ.પી.એસ.ને વિવિધ રાજ્યોની કેડર કેવી રીતે ફાળવવામાં આવે છે એવો સ્વાભાવિક પ્રશ્ન તમામના મનમાં ઉદભવે. આ માટે સૌથી પહેલા તો ઓલ ઈંડિયા સર્વિસ અને સંેટ્રલ સર્વિસ શું છે તે આપણે સમજવુ પડે! ભારતીય સિવિલ સેવાઓ પૈકી આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ.ને અખિલ ભારતીય સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશ એક સમવાયતંત્રી દેશ છે. એેટલેકે તેમાં બે સરકારો છે. સંઘની સરકાર અને રાજ્યની સરકાર. આ બન્ને સરકારો પોતપોતાની જવાબદારીઓ પૂર્ણ કરવા પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુક કરે છે. આમ બન્ને સરકારો પાસે અલાયદુ મહેકમ છે, જેને તેઓ પરીક્ષા યોજી સ્વાયત્ત રીતે ભરતી કરે છે. તાલીમ આપે છે અને જોતે કામગીરી/ઉત્તરદાયિત્વ સોપે છે. પણ ભારતમાં માત્ર ત્રણ સેવાઓ એવી છે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બન્ને સરકારોને સેવા પ્રદાન કરવાની તક પ્રાપ્ત કરે છે. આથી તેને 'ઓલ ઇંડિયા સર્વિસ' કહે છે. દરેક 'ઓલ ઇંડિયા સર્વિસ'ના અધિકારીને કોઈ એક 'સ્ટેટ કેડર' ફાળવવામાં આવે છે. તે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન તે રાજ્યમાં વિવિધ પોસ્ટ પર ફરજ બજાવી શકે છે. અને પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) અંતર્ગત કેન્દ્ર સરકારમાં ચોક્કસ કાર્યકાળ માટે ફરજ બજાવી શકે, યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ પોતાના પસંદગીના રાજ્યની કેડર મેળવવા દરેક પ્રોબેશનર અધિકારીની મહેચ્છા હોય છે. આ પ્રોબેશનર્સને જેતે રાજ્યોની કેડરની ફાળવણી માટે સરકારની કેડર પોલીસી કેવી છે તે સમજવાનો પ્રયત્ન કરીયે.
આ માટે ૨૦૧૭થી અમલી વર્તમાન કેડર પોલીસી હેઠળ દેશને ૫ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. ઝોન ૧મા ઉત્તર ભારત ઝોન ૨મા પૂર્વ ભારત, ઝોન ૩મા પશ્ચિમ ભારત, ઝોન ૪મા ઉત્તર-પૂર્વ ભારત અને ઝોન ૫મા દક્ષિણ ભારતના રાજ્યોની કેડરનો સમાવેશ કરવામા આવેલ છે. પ્રત્યેક કેન્ડીડેટ જ્યારે યુપીએસસી પ્રિલિમ કસોટી પાસ થાય ત્યારબાદ ડિટેઇલ એપ્લીકેશન ફોર્મમા તેની પાસે પ્રેફરંસનુ લિસ્ટ માંગવામાં આવે છે. જેમાં તેણે ઝોનની પ્રાયોરિટી અને પ્રત્યેક ઝોનમાં રાજ્યો-કેડરની પ્રાયોરિટી ભરવાની હોય છે. સૌથી પહેલા ઝોનનો પ્રેફરન્સ આપવાનો હોય છે. પ્રત્યેક ઝોનમાં રાજ્યોને પસંદગી ક્રમ ત્યારબાદ આપવાનો હોય છે. દરેક ઉમેદવારને પોતાના ઘરની પાસે રહીને જોબ કરવું વધુ સગવડભર્યું પડે આથી પોતાના રાજ્યની કેડર=હોમ કેડરને મોટાભાગે સૌપ્રથમ પ્રાયોરિટી આપતા હોય છે. પ્રથમ પસંદગીના ઝોનમાં પ્રથમ પસંદગીનુ રાજ્ય એ હોમ સ્ટેટની કેડર હોય છે. જેમકે ગુજરાતમાંથી યુપીએસસી આપનાર ઉમેદવાર પશ્ચિમ ભારતમાંથી આવે છે આથી તેના માટે ઝોન-૩ પ્રથમ પસંદગી હોય તે સાધારણ બાબત છે. ઝોન- ૩ મા છત્તિસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજ્યો છે. આ રાજ્યો પૈકી ગુજરાત હોમ કેડર હોઇ પ્રથમ પ્રેફરંસ તેને મળે. ત્યારબાદ દ્વિતીય ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશ અને છત્તિસગઢ સૌથી દૂર હોઇ તેને ચોથા ક્રમે મોટાભાગે પસંદ કરવામાં આવે છે. આમ, દરેક ઝોન અને તેમાના રાજ્યોને પ્રેફરંસ આપવાનો હોય છે. ઓનલાઇન સિસ્ટમમાં પ્રત્યેક
ઝોનમાં પ્રથમ પ્રાયોરિટીના રાજ્યોની સૂચિ પસંદ કર્યા બાદ પ્રત્યેક ઝોનમા દ્વિતિય પ્રાયોરિટીની કેડર પસંદ થઇ શકે છે. ત્યારબાદ પ્રત્યેક ઝોનમાં તૃતીય પસંદગીના રાજ્યો પસંદ કરી શકાય છે. પણ એક ઝોનમાં દરેક રાજ્યોને પ્રાયોરિટી આપી ત્યારબાદ બીજા ઝોનમાં જઇ શકાતું નથી.
જો કેન્ડીડેટ કોઇ રાજ્ય કે ઝોનને પ્રેફરન્સ આપ્યા વગર ખાલી રાખવા માંગે તો તે પણ રાખી ફોર્મ સબમિટ કરી શકે છે. પ્રથમ પ્રોયોરિટીમા હોમ સ્ટેટ સિવાયનું સ્ટેટ પસંદ કરવા માંગે તો પણ પસંદ કરી શકે છે અહીં, નોંધપાત્ર બાબત એ છે કે ડિટેઇલ એપ્લીકેશન ફોર્મમાં આપેલ સર્વિસ પ્રાયોરીટી કે કેડર પ્રાયોરીટી ત્યારબાદ બદલી શકાતી નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરે છે ત્યારે તેમને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. એવી એકાદ - બે પ્રખ્યાત સેવાઓનો જ પરિચય હોય છે. કલેક્ટર કે એસ.પી.ના પાવરથી અંજાઇને તૈયારી શરૂ કરનાર સરેરાશ ઉમેદવાર બીજી સર્વિસ વિશે કે કેડર એલોકેશનની આંટીઘૂંટીથી પરીચિત હોતો નથી. આથી પ્રિલિમ પરીક્ષા પાસ થયા બાદ ભરવાનું ડિ.એ.એફ. પુરી જાણકારી વગર ભરે છે અને તેમાં ભુલો કરી બેસે છે ત્યારે તેના રેંક પ્રમાણે મળવાપાત્ર શ્રેષ્ઠ રાજ્ય કે સર્વિસ ગુમાવી બેસે છે.