Get The App

'ગુડ ગવર્નન્સ' - કોને કહેવાય? .

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
'ગુડ ગવર્નન્સ' - કોને કહેવાય?                                . 1 - image


- અધ્યયન-હિરેન દવે

- લોકપ્રતિનિધિઓ જે કાઈ કાર્યો કરે છે તે એટલા સ્વચ્છ રીતે થવા જોઈએ કે જનમાનસમાં કોઈ શંકાઓ ઉદભવવાની સંભાવના ન રહેવી જોઈએ

૨૫  ડિસેમ્બરને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. ૧૯૯૨માં વિશ્વબેંક દ્વારા વિશ્વના દેશોનું શાસન કેવું છે તેની તુલના કરવા 'શાસન અને વિકાસ' નામનો એક દસ્તાવેજ ૧૯૯૨માં રજુ કર્યો. જે અનુસાર સુશાસન નિશ્ચિત કરવા અને વિવિધ દેશોની તુલના કરવા તેના ૮ ક્રાઈટેરીયા જાહેર કર્યા. કોઈપણ દેશ કે સરકારી વ્યવસ્થા આ ૮ પરિમાણોને કેટલી હદે અનુસરે છે તેના આધારે સુશાસન છે કે નહિ તે નિશ્ચિત કરવામાં આવે છે.

ઉત્તરદાયીત્વ (એકાઉંટેબીલીટી) : સરકાર જે કોઈ નીતિઓ ઘડે છે કે યોજનાઓ અમલમાં મુકે છે તેના માટે તેણે લોકોને અને સંવિધાન દ્વારા રચાયેલી સંસ્થાઓને સંતોષકારક ઉત્તર આપવા જોઈએ. સંસદ પ્રતિ ધારાકિય ઉત્તરદાયિત્વ, ન્યાયપાલિકા પરત્વે ન્યાયિક ઉત્તરદાયિત્વ, ઉપરાંત જનસમુદાય કે સિવિલ સોસાયટી પ્રતિ ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.

પારદર્શક : લોકપ્રતિનિધિઓ જે કાઈ કાર્યો કરે છે તે એટલા સ્વચ્છ રીતે થવા જોઈએ કે જનમાનસમા કોઈ શંકાઓ ઉદભવવાની સંભાવના ન રહેવી જોઈએ. સરકારી કર્મચારીઓ કે ચુંટાયેલા નેતાઓ પારદર્શક કાચની કચેરીમાં બેસીને કાર્ય કરતા હોય કે જનતા સતત તેમનું નીરિક્ષણ કરી શકે કે તેઓ શું કરી રહ્યા છે. જેમકે માહિતીનો અધિકાર ૨૦૦૫ એક એવું સાધન કે કોઈપણ નાગરિક સાદા કાગળ પર અરજી કરીને સરકાર શું કરી રહી છે તેની માહિતી માંગી શકે.

રિસ્પોંસીવ : પ્રજાની સમસ્યાઓ, ભાવનાઓને સમજવા સતત કાન માંડીને બેઠેલ હોય અને સમયની જરૂરીયાતને અનુસરીને લોકલાગણીને માન આપીને તંત્ર નીતિઓ, યોજનાઓ ઘડીને રિસ્પોંસ આપે તે આવશ્યક છે.

સમાનતાલક્ષી અને સમવર્તી (ઈંક્લુઝીવ) : સરકાર પ્રજામાં ભેદભાવ કરતી ન હોય. સરકારી કચેરી પર કોઈપણ નાગરિક સરકારી સુવિધાઓ મેળવવા આવે ચાહે એ ધનિક હોય કે ગરીબ, બહુમતિ ધર્મનો હોય કે લઘુમતિ, કોઈપણ જ્ઞાાતિવિશેષનો હોય, રૂલિંગ પાર્ટી તરફ ઝુકાવ ધરાવતો હોય કે વિપક્ષ, પ્રત્યેકને નિયમાધિન સમાન ટ્રીટમેન્ટ સરકારીકર્મી તરફથી મળવી જોઈએ. છેવાડાના માણસ સુધી સરકારી યોજના કે લાભ પહોંચે તેવો પ્રયત્ન તંત્ર દ્વારા થવો જોઈએ.

અસરકારક અને કાર્યદક્ષ : સરકારી સેવાઓ પુરી પાડવાના સંદર્ભમાં ૩-ઈ એટલે ઈકોનોમી, ઈફિશિયંસી, ઈફેક્ટીવનેસ સાથે સેવાઓ પ્રદાન કરવામાં આવે. એટલે કે સેવાઓ ઓછામાં ઓછા મેનપાવર દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય. કરકસરપુર્વક નાણાની ફાળવણી કરીને કેવી રીતે મહત્તમ જનકલ્યાણ હાંસલ થઈ શકે અને યોજનાનો લાભ તેના સાચા લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવું ન બને કે ગરીબ કલ્યાણ માટે યોજના ઘડવામાં આવે પણ બીપીએલ કાર્ડધારક સાચો ગરીબ નથી અને સાચા ગરીબ સુધી બીપીએલ કાર્ડ પહોચ્યું નથી.

કાયદાના શાસન (રૂલ ઓફ લો)નું પાલન કરતા સરકાર : બ્રિટીશ ચિંતક એ. વી. ડાયસીએ 'રૂલ ઓફ લો'નો સિદ્ધાંત આપ્યો જે ભારતના સંવિધાનમાં 'કાનુન સમક્ષ સમાનતા'ના મથાળાથી સમાવવામાં આવેલ છે. દેશના તમામ લોકોને કાનુન દ્વારા સમાન ટ્રીટમેન્ટ આપવામાં આવે. દેશના એલાઈટ વર્ગ- બિઝનેસ ટાઈકુન, ટોચના રાજકારણીઓ, સરકારી અમલદારો પણ કાયદાથી પર હોવા ન જોઈએ. સરકારી લો એંફોર્સમેન્ટ એજન્સીઓ જેવી કે પોલીસ, સીબીઆઈ, ઈડી રૂલીંગ પાર્ટી/વિપક્ષ કોઈપણ બાયસ વગર કામ કરે.

જનભાગીદારીલક્ષી : સરકારી તંત્ર આઈસોલોટેડ નહિ પાર્ટિસિપેટીવ હોવું જોઈએ. સરકારી મંત્રીઓ-અમલદારોની સિન્ડીકેટ પોલીસી બનાવે અને અમલદારશાહીનું તંત્ર તેનું અમલીકરણ કરે તેવું નહિ. તમામ નીતિઓના ઘડતરમાં લોકો સરકાર સાથે રહીને કામ કરે તો જ યોજના પુર્ણરૂપથી સફળ થાય. સરકાર નીતિઓના ઘડતરમાં દેશના વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટ, સિવિલ સોસાયટી વગેરેના મંતવ્યો લે. જનમત જાણવાનો પ્રયત્ન કરે અને 

તેને લક્ષમાં રાખીને નીતિઓ ઘડે. તેના અમલીકરણમાં પણ વિવિધ એનજીઓ, પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા ખાનગી ક્ષેત્રની ટેલેન્ટને સાથે લઈને યોજનાનું અમલીકરણ કરે તો સોનામાં સુગંધ ભળે.

કંસેંસસ ઓરિયેંટેડ : માત્ર બહુમતીના જોરે તાનાશાહી કરતી સરકાર નહિ, પરંતુ જે લોકો સરકારી વિચારધારાને સમાંતર વિચારતા નથી તેમની સાથે પણ પરિસંવાદ કરે તેમના વ્યાજબી વિરોધના મુદ્દાઓ જાણવા સમજવાનો પ્રયત્ન કરી, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાના નિર્ણયો/નીતિઓને ફ્લેક્સીબલ કરીને સૌને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરે તેવી સરકાર સારું શાસન આપી શકે !


Google NewsGoogle News