ઇન્ટરવ્યુના કેટલા પ્રકારો હોય છે?
- અધ્યયન-હિરેન દવે
- ક્યારેક બોર્ડના સભ્યો ઉમેદવારના વખાણ કરે તો તેને સાચા માની ફુલાઈ જવું નહિ
જા હેર સેવાઓમાં યોજવામાં આવતી વ્યક્તિત્વ કસોટીઓના અનેક પ્રકારો જોવા મળે છે. તેના મુખ્ય પ્રકારો વિષે આપણે ચર્ચા કરીએ:
(૧) તથ્યો આધારિત ઇન્ટરવ્યુ: આ પ્રકારની વ્યક્તિત્વ કસોટીમાં વિવિધ તથ્ય આધારિત પ્રશ્નો ઉમેદવારને પૂછવામાં આવે છે. તેનો ઉદ્દેશ ઉમેદવારના જ્ઞાન અને સ્મરણશક્તિની ચકાસણી કરવાની હોય છે.
(૨) સંકલ્પના કે વિશ્લેષણ આધારિત ઇન્ટરવ્યુ: આ પ્રકારની વ્યક્તિત્વ કસોટીમાં ઉમેદવારને સીધા પ્રશ્નો પૂછવામાં આવતા નથી. તેને સ્થાને તેને જે તે મુદ્દા પર વિશ્લેષણ કે ચર્ચા કરવાની તક આપવામાં આવે છે. સામાન્યતઃ સરકારના વિવિદાસ્પદ નિર્ણયો તેની સમક્ષ મુકવામાં આવે છે અને તેમાં તેનો વિચાર કે અભિગમ સમજવામાં આવે છે. આ પ્રકારના ઇન્ટરવ્યુમાં સીધેસીધો કોઈ પ્રશ્ન સાચો કે ખોટો હોતો નથી. ઉમેદવારની વિચારસરણી તર્કબદ્ધ ચર્ચા કરવાની શક્તિ તથા સરકારી તંત્ર વિશેની ઊંડી સમજ અહી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(૩) તનાવપૂર્ણ ઇન્ટરવ્યુ: કેટલીક વખત બોર્ડના સભ્યો ઉમેદવાર સમક્ષ તેની તણાવમાં કાર્ય કરવાની શક્તિઓને ચકાસવા પ્રયત્ન કરે છે. આ માટે ક્યારેક ઉમેદવારને નજીવા કારણોસર લડે છે અથવા ક્યારેક અપમાનજનક લાગે તેવો વ્યવહાર પણ કરે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ઉમેદવાર ઇન્ટરવ્યુમાં નિષ્ફળ નીવડશે. આ પ્રકારની વ્યક્તિત્વ કસોટીનો ઉદ્દેશ ઉમેદવારની તનાવ સહન કરવાની ક્ષમતા ચકાસવાનો હોય છે. ઇન્ટરવ્યુ બોર્ડના સભ્યો જાણે છે કે સરકારી અધિકારીએ આજના જમાનામાં ખુબ જ દબાણ વચ્ચે કામગીરી કરવાની હોય છે. સરકારી તંત્ર પાસેથી લોકોની અપેક્ષાઓ દિનપ્રતિદિન વધતી જાય છે. આ પરિસ્થિતિમાં ઉમેદવારની ક્ષમતાની ચકાસણી કરવા માટે આ પ્રકારની કસોટીનું આયોજન કરે છે. આ વ્યવહારથી વ્યથિત થવું જોઇએ નહિ, તેને પણ નમ્રતાપૂર્વક પ્રત્યુત્તર આપવાની શક્તિ ઉમેદવારે વિકસાવવી જોઇએ. તથા સસ્મિત ઉત્તર આપીને બોર્ડના સભ્યોને હળવા મૂડમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. બોર્ડના સભ્યોના આ પ્રકારના વ્યવહારનો એવો અર્થ નથી કે તમને ઓછા ગુણ મળશે ! ક્યારેક એવું પણ જોવા મળે છે કે અહીં સારો દેખાવ કરનાર ઉમેદવારથી પ્રભાવિત થઇને ઘણી ઉદારતાપૂર્વક ગુણ આપવામાં આવેલ હોય છે. વળી, સામાન્ય રીતે પ્રથમ વખત ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવાર સમક્ષ આવી કસોટી યોજવામાં આવતી નથી. પરંતુ બીજી કે વધુ વખત ઇન્ટરવ્યુ આપનાર સમક્ષ આ કસોટીનો પ્રયોગ થતો હોય છે.
(૪) તનાવમુક્ત ઇન્ટરવ્યુ: કેટલાક સંજોગોમાં બોર્ડના સભ્યો આ પ્રકારની કસોટી પણ યોજે છે, જે ઉપરના પ્રકાર કરતા તદ્દન વિરોધી છે. અહીં, બોર્ડના સભ્યો પરીક્ષાર્થીને અત્યંત સહાયપૂર્ણ બને છે અને તેને વિનમ્રતાથી પ્રશ્નો પૂછે છે. ક્યારેક જો ઉમેદવાર નાસીપાસ જણાય તો તેને શોધવા મથે છે.
ક્યારેક એવું પણ બને કે ઉમેદવાર પ્રથમ વખત 'વ્યક્તિત્વ કસોટી'નો સામનો કરતી વખતે રડી પડે કે પોતાને અભિવ્યક્ત કરી ન શકે તો પાણી પીવડાવી સાંત્વન આપીને પછી ઇન્ટરવ્યુની શરૂઆત કરે છે. જો કે આ પ્રકારની કસોટીમાં ઉમેદવારે સાવચેતી રાખવી જોઇએ. ક્યારેક બોર્ડના સભ્યો ઉમેદવારના વખાણ કરે તો તેને સાચા માની ફુલાઈ જવું નહિ. બોર્ડના સભ્યો ખુબ જ સતર્ક હોય છે અને ઉમેદવારની ભૂલો ઝડપી લે છે, જ્યારે માર્ક આવે ત્યારે જ
વિદ્યાર્થી સાચી પરિસ્થિતિ જાણી શકે છે.
(૫) વિચિત્ર ઇન્ટરવ્યુ: આ પ્રકારની વ્યક્તિત્વ કસોટીમાં બોર્ડના સભ્યો કોઈ વિચિત્ર વર્તન કરી કેન્ડીડેટની ચકાસણી કરે છે. જેમાં ક્યારેક બોર્ડના સભ્યો ઉમેદવાર તરફ ધ્યાન ન આપવાનો દેખાવ કરે છે. ક્યારેક પ્રશ્ન પૂછતી વખતે મોબાઈલ પર વ્યસ્ત હોવાનો દેખાવ કરે છે. ક્યારેક બોર્ડના સભ્યો કે અધ્યક્ષ ઇન્ટરવ્યુ લઇને ખુબ થાકી ગયા છે તેવી વાત કરે છે. અથવા તો બોર્ડના ચેરમેન ઇન્ટરવ્યુ બોર્ડ છોડીને કેન્ડીડેટને અન્ય સભ્યોના હવાલે મૂકીને જતા રહે છે. પરંતુ જો તમે સારો દેખાવ કરો છો તો તમને સારા ગુણ પ્રાપ્ત થાય જ છે. જો કે આ સમયે પણ વિદ્યાર્થીએ પોતાનું માનસિક સંતુલન જાળવી રાખવું અને વિનમ્રતાપૂર્વક અને સતર્કતાથી ઉત્તરો આપવા જોઇએ.
વાસ્તવમાં જાહેર સેવાઓની વ્યક્તિત્વ કસોટી ઉપરના કોઈ એક પ્રકારની નહિ પણ તમામ પ્રકારોનું વધુ-ઓછું મિશ્રણ હોય છે. અંતે તો ઉમેદવારે આત્મવિશ્વાસસહ બોર્ડ સમક્ષ સસ્મિત પ્રેઝેંટ થવાનું છે. કેટલાક કેન્ડીડેટ આવી પરિસ્થિતિઓમાં હતપ્રભ બની જાય છે. આંખમાંથી આંસુ સારે છે. હાથ-પગ ધૂ્રજવા લાગે છે. બોર્ડના સભ્યોએ તેમના માટે પાણી મંગાવવું પડે છે. જે ક્યારેક હાસ્યાસ્પદ લાગે છે. અન્ય તમામ લાયકાત હોવા છતાં પસંદગીસૂચી સુધી નામ પહોંચી શક્તું નથી. આમ વ્યક્તિત્વ કસોટી ખુબ જ નિર્ણાયક તબક્કો છે જે તમારી કારકીર્દીને ઉગારી પણ શકે અને ડુબાડી પણ શકે !!