Get The App

ઇન્ટરવ્યુમાં ટોપર થવા પાંચ સોનેરી ગુણો વિકસાવો

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ઇન્ટરવ્યુમાં ટોપર થવા પાંચ સોનેરી ગુણો વિકસાવો 1 - image


- અધ્યયન-હિરેન દવે

- વ્યક્તિત્વ કસોટીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અધિકારી તરીકે પસંદ થતા પહેલા ઉમેદવારના વ્યક્તિત્વ વિષે સાચી માહિતી જાણી લેવી.

આ જકાલ સિવિલ સર્વિસ ઇન્ટરવ્યૂ માટે રિલ્સ, શોર્ટ્સ વગેરે જોવાનો ક્રેઝ વધતો જાય છે. પણ જો ઇન્ટરવ્યૂમાં ખરેખર સારા માર્ક મેળવવા હોય તો આ ગુણો વિકસાવવા અનિવાર્ય છે.

નિર્ણય શક્તિ : વ્યક્તિત્વ કસોટીના ભાગરૂપે વ્યક્તિની નિર્ણયશક્તિ ચકાસવામાં આવે છે. વર્તમાન સમયમાં ખુબ જ મર્યાદિત સમયમાં જટિલ નિર્ણયો સમયસુચકતા વાપરીને લેવાના હોય છે. આ શક્તિ ઉમેદવારમાં હોવી અનિવાર્ય છે. વળી જ્યારે નિર્ણય લે છે ત્યારે એ ધ્યાન રાખવું જોઇએ કે નિર્ણય કોઇપણ જાતના 'બાયસ' (પક્ષપાત) વગર સૌના વ્યાપક હિતમાં લેવામાં આવેલ છે. આ માટે ક્યારેક પરીક્ષક કેસ આધારિત અભિગમનનો ઉપયોગ કરે છે. અને ઉમેદવારને જટિલ પરિસ્થિતિ વર્ણવવામાં આવે છે. જેમાંથી તેણે સાચો નિર્ણય લેવાનો હોય છે. વળી નિર્ણય લેતી વખતે એ ધ્યાનમાં રાખવું ઘટે કે તેમાં દુરંદેશી, રચનાત્મક અભિગમ વગેરે ઝળકતો હોય. તથા તમે લીધેલા નિર્ણયના લાભ તમે બોર્ડને સમજાવી શકો. જો બોર્ડ કોઇ જુદો અભિગમ સૂચવે અને તે વધુ સારો હોય તો તેને સ્વીકારવાની શક્તિ પણ હોવી જોઇએ.

દ્રષ્ટિકોણ (એટીટયુડ) : જ્યારે તમે એક નવી કારકિર્દી બનાવવા કોઇ સંસ્થામાં જઇ રહ્યા છો તો એ અત્યંત જરૂરી છે કે તમારામાં હકારાત્મક અભિગમ હોય ! સર્જનાત્મકતા અને હકારાત્મક અભિગમ અત્યંત મહત્વના પાસા છે. ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં નાસીપાસ થયા વિના હાર માન્યા વિના સતત પોતાના માર્ગ પર અડગ રહેવું એ દ્રષ્ટિકોણનો ચાવીરૂપ મુદ્દો છે. કોઇપણ પ્રશ્નના ઉત્તરમાં નકારાત્મક વલણ ન દર્શાવવું જોઇએ કે, 'આ સીસ્ટમ તો આવી જ છે તેમાં કોઇ સુધારો ન થાય...' હંમેશા એક નવા આશાવાદ સાથે સર્જનાત્મક વલણ તમારા ઉત્તરમાં  સ્પષ્ટ થવું જોઇએ.

વિનમ્રતા : 'નમે તે સૌને ગમે' એ ઉક્તિ અત્યંત જાણીતી છે. ઉમેદવારની વિનમ્રતા તેના સમગ્ર વ્યક્તિત્વમાં ઉડીને આંખે વળગે તેવી હોવી જોઈએ. તેની 'બોડી લેન્ગ્વેજમાં' આઇ કોન્ટેક્ટની પદ્ધતિમાં દેખાઇ આવે છે. વિનમ્રતા નો અર્થ એવો નથી કે ઉમેદવારે બોર્ડની દરેક વાત સ્વીકારી લેવી. પ્રત્યેકને પોતાનો આગવો અભિગમ રાખવાની છૂટ છે. જ્યારે કોઇ ચર્ચામાં બોર્ડના સભ્યો જોડે મતભેદ થાય ત્યારે જો ઉમેદવારને પોતાની વાતમાં તથ્ય જણાતું હોય તો તે બોર્ડ સાથે અસહમતી વ્યક્ત કરી શકે છે પણ મતભેદ વ્યક્ત કરવામાં કોઇ ઉદ્ધતાઇપૂર્વકનું વર્તન ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ. ગુસ્સાવાળો સ્વભાવ હોય તો તેના પર અંકુશ કેળવતા શીખવું જોઇએ.

બૌદ્ધિક શક્તિ : ઉચ્ચ કક્ષાની કામગીરી માટે અસાધારણ બૌદ્ધિક પ્રતિભા જરૂરી છે. બહોળું જ્ઞાન, વિશાળ વાંચન, તર્કબદ્ધ નિર્ણય લેવાની શક્તિ, કોઇપણ વિષય પર વિશ્લેષણની ક્ષમતા વગેરે બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં 

આવે છે !

સામાજિક અને નૈતિક ગુણો: પ્રત્યેક સંસ્થા કે સંગઠન સમાજની વચ્ચે રહીને કાર્ય કરે છે. સરકાર પણ તેમાંથી બાકાત નથી ! સરકાર સામાજિક અને આર્થિક વિકાસનું કાર્ય કરે છે. આ સંજોગોમાં અધિકારી સમાજના બધા વર્ગો સાથે હળીમળી શકે વિવિધ સંસ્કૃતિક મુલ્યોને માન આપી શકે તે અત્યંત જરૂરી છે, નૈતિક મુલ્યો જીવનમાં સૌથી વધુ મહત્વના કહી શકાય ! જો કે તેને ચકાસવા અત્યંત કપરા છે ! ખુબજ ઓછા સમય ચાલતી વ્યક્તિત્વ કસોટીમાં ઉમેદવારોના નૈતિક મૂલ્યોનો 'એક્સ રે' કાઢવો એ જટિલ કામ છે. પણ વ્યક્તિત્વ કસોટીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અધિકારી તરીકે પસંદ થતા પહેલા ઉમેદવારના વ્યક્તિત્વ વિષે સાચી માહિતી જાણી લેવી. આ તબક્કે રહી જાતિ ક્ષતિ આગળ જતા માત્ર સરકારને જ નહિ પરંતુ સમગ્ર સમાજને ભારે પડે છે. રોજ છાપામાં ચર્ચાતા 'ભ્રષ્ટાચારના કૌભાંડો' કદાચ આ સ્તરે વધુ સઘન પ્રક્રિયા દ્વારા નિવારી શકાય.

આમ આપણે ઉપરની ચર્ચાથી સમજી શકીએ કે વ્યક્તિત્વ કસોટી એ ઉમેદવારની વ્યાપક અને સમગ્રલક્ષી કસોટી છે તેમાં તેનો '૩૬૦ ડીગ્રી એનાલીસીસ' કરવામાં આવે છે. તેમાં સફળ થવા ઉમેદવારે ૩૨ લક્ષણા થવું પડે ! આ કસોટી માત્ર જ્ઞાનની કસોટી નહિ પણ ગુણોની કસોટી છે. ઉમેદવારનું વ્યક્તિત્વ પોસ્ટ માટે કેટલી યોગ્યતા ધરાવે છે તેની ચકાસણીનું આ અંતિમ સોપાન છે.


Google NewsGoogle News