સિવિલ સર્વિસ કસોટી વિષે ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો
- અધ્યયન-હિરેન દવે
- જે લોકો આ કસોટીની તૈયારી સારી રીતે કરે છે અને જો લક બાય ચાન્સ કદાચ આ કસોટી પાસ ન થાય તો પણ આ મહેનત પાણીમાં જતી નથી.
યુ પીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાં થાય છે. તેમાં પાસ થવાથી જો આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. જેવી પોસ્ટમાં પસંદગી મેળવી શકાય તો તેની તુલના અન્ય કોઈ કારકિર્દી સાથે કરી શકાતી નથી. તૈયારી શરૂ કરવા માંગતા ઉમેદવારો અને વાલીઓના એફ.એ.ક્યૂ. પર એક નજર નાખીએ.
પરીક્ષાની તૈયારી ક્યારે શરૂ કરવી?
સિવિલ સર્વિસ પરીક્ષાનો અભ્યાસક્રમ ખૂબ જ લાંબો છે. અનેક વિષયો, સંદર્ભ ગ્રંથો (રેફરન્સ બુક્સ) નું વાંચન કરવાનું હોય છે. આથી સામાન્ય રીતે જે ઉમેદવારો પાસ થાય છે તેમણે સરેરાશ ૩-૪ વર્ષ તૈયારી કરેલ હોય છે. આથી જો ગ્રેજ્યુએશન દરમિયાન આ તૈયારી શરૂ કરવામાં આવે તો સફળતાની શક્યતા ખૂબ વધી જાય છે. ઉત્તર ભારતના રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે અન્ય રીતે પછાત હોવા છતાં આ રાજ્યોમાંથી અનેક લોકો આઈ.એ.એસ. આઈ.પી.એસ. પાસ થાય છે તેનું મુખ્ય કારણ એ છે કે રાજ્યોના માતાપિતા અને બાળકોની અવેરનેસ ખૂબ જ વધુ છે. ધોરણ ૧૨ પછી કોલેજ દરમિયાન આ પરીક્ષાઓની તૈયારી કરે છે. ગુજરાતમાં આ પ્રકારની જાગૃતિનો હજી અભાવ છે માટે આપણું પરિણામ પ્રમાણમાં ઓછું છે. જો ગુજરાતમાથી દેશના ટોચના બિઝનેસપર્સન બની શકતા હોય, વડાપ્રધાન પણ ગુજરાતી બની શકતા હોય તો સિવિલ સર્વિસમાં પણ ગુજરાતીઓનો દબદબો હોવો જ જોઈએ. આમ સિવિલ સેવા પરીક્ષા માટે અભ્યાસની શરૂઆત માટે આદર્શ સમય બોડ એક્ઝામ પછીનો છે ! પણ જો કદાચ મોડુ થાય તો પણ જાગ્યા ત્યારથી સવાર.
તૈયારી કેવી રીતે શરૂ કરવી?
કોલેજના વર્ષો દરમિયાન વાંચનની શરૂઆત કરવા એન.સી.ઈ.આર.ટી.ના પુસ્તકો થકી તૈયારીની શરૂઆત કરી શકાય. પ્રથમ વર્ષમાં આ તૈયારી દ્વારા યુપીએસસીનો પાયો ઘડાય છે. અભ્યાસક્રમની અને પરીક્ષા પધ્ધતિની સમજણ આવે છે. બ્રોડ રીડિંગ, અનાલિસિસ જેવા આ પરીક્ષા માટે જરૂરી ગુણો અને સ્કીલ્સનો વિકાસ થાય છે. ત્યારબાદ દ્વિતીય વર્ષમાં જનરલ સ્ટડીસના વિષયો પર પૂરતી ગ્રીપ આવે એટલું નોલેજ ભેગું થાય છે. રાઈટિંગ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી શકાય છે જે મેઈન્સ માટે ખૂબ ઉપયોગી છે. વૈકલ્પિક વિષયની પસંદગી કરી તેનો અભ્યાસ શરૂ કરી શકાય છે. અને છેલ્લા વર્ષમાં કરંટ અફેર્સ પર ફોકસ કરી, પર્સનાલિટી ડેવલપમેન્ટ-ઈન્ટરવ્યુ માટેની તૈયારી શરૂ કરી શકાય છે.
જો સિવિલ સર્વિસ પરીક્ષા પાસ ન થઈ શકે તો ?
ઘણા ઉમેદવારો એ મૂંઝવણ અનુભવે છે કે જો આટલા વર્ષો તૈયારી પછી આ પરીક્ષા પાસ ન થવાય તો શું ? પરંતુ જે લોકો આ કસોટીની તૈયારી સારી રીતે કરે છે અને જો લક બાય ચાન્સ કદાચ આ કસોટી પાસ ન થાય
તો પણ આ મહેનત પાણીમાં જતી નથી. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા સહિત વર્ષમાં કુલ ૧૪ પરીક્ષાઓ યોજે છે. જેનો લાભ લઈ શકાય છે. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટે કરેલ અભ્યાસની મદદથી જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ કસોટીઓમા ઉત્તીર્ણ થવું સરળ રહે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની અન્ય પરીક્ષાઓ જેવી કે સ્ટાફ સિલેક્ષન કમિશન દ્વારા યોજાતી સીજીએલ, વિવિધ કેન્દ્ર સરકારના જાહેર સાહસોની કસોટીઓ, બેન્કો, રેલ્વે, ઈન્શ્યોરન્સ, આઈ.બી. વેગેરેની ભરતીપરીક્ષાઓ પાસ કરીને ક્લાસ-૧ સરકારી અધિકારી તરીકે લાગી જ જતાં હોય છે કારણ કે આ તમામ કસોટીઓનો અભ્યાસક્રમ સિવિલ સર્વિસ કરતાં સહેલો અને તેના પર આધારિત છે. આ ઉપરાંત જો સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરશો તો તેનાથી આંતરિક વ્યક્તિત્વનો અનેરો વિકાસ કરવાની તક મળશે. દરેક ઘટનાઓને જોવાનો નજરિયો બદલાઈ જશે. અને જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જશો આ ઘડતર ખૂબ જ કામ લાગશે!