મેમરી બુસ્ટર સિક્રેટ કી : મેડિટેશન .
- અધ્યયન-હિરેન દવે
- ધ્યાનથી એકાગ્રતા વધે છે. ઓછા સમયમા વધુ વાંચી, યાદ રાખી શકાય છે.
આ જકાલના વિદ્યાર્થીઓએ જેન-ઝીની બહુ મોટી સમસ્યા છે કે જે વાંચે છે તે યાદ નથી રહેતું. યાદશક્તિ વધારવાની અને ધ્યાનકેન્દ્રિત કરવા મેડિટેશન ખૂબ મદદરૂપ થઈ શકે. મેરીયામ વેબસ્ટર ડિક્શનરી અનુસાર 'મેડિટેશન એક મનની કસરત છે કે જેનાથી વધુ ઉંચા આધ્યાત્મિક સ્તર પર પહોંચી શકાય છે અને વિચારોને વધુ અંકુશમાં લઈ શકાય છે.'
પ્રાચીનતમ સમયથી ભારતમા મેડિટેશનના ક્ષેત્રે ખુબજ સમૃધ્ધ સંશોધન થયેલ છે. મબલખ સાહિત્ય ભારતમા રચાયેલ છે. જેમાથી અનેક દેશો અને સંસ્કૃતિઓએ પ્રેરણા લીધી છે. પતંજલિ, ગૌતમ બુધ્ધ, મહાવીર સ્વામીના પ્રવચનોમાં ધ્યાનનો મહિમા ગવાયો છે. ગૌતમ બુધ્ધ દ્વારા પ્રચલિત બનેલી વિપશ્યના સાધનાએ આજે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડયો છે. સ્વામી વિવેકાનંદથી લઈ નરેન્દ્ર મોદી સુધીની વિશ્વપ્રતિભાઓ પોતાની કારકીર્દીની સફળતા માટે ધ્યાનસાધનાને શ્રેય આપે છે.
ધ્યાનની ટેકનીકના અનેક પ્રકારો છે. પણ મુખ્યત્વે તેને બે પ્રકારની ટેકનીકમાં વહેંચી શકાય. એક પ્રકાર કોઇ મંત્ર કે અવાજ કે દિવા જેવા પ્રકાશપુંજ, કે કોઇ દેવી-દેવતાની મૂર્તિ-પ્રતિમા, શ્વાસ પર ધ્યાન કેંદ્રીત કરી મનની કસરત કરે છે. જ્યારે બીજા પ્રકારમાં ઓપન મેડિટેશન કહેવાતી ટેકનિકમાં મનમા ચાલતા વિચારો, લાગણીઓ અને સમ્વેદનાઓ પરત્વે વધુ સભાન બનવા પર ધ્યાન આપે છે. ગૌતમ બુધ્ધ દ્વારા શોધાયેલી અને વર્તમાન સમયમા અત્યંત પ્રચલિત વિપશ્યના એ બન્ને પ્રકારની ટેકનિકનો સમન્વય છે.
આમ ધ્યાન સાધના એ તમામ વયના અલગ-અલગ કાર્યક્ષેત્રમા જોડાયેલા તમામ માટે પોતાની કાર્યદક્ષતા વધારવા, સફળતા મેળવવા ઉપયોગી છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે તે સૌથી વધુ ઉપયોગી છે. ડો. આલ્બર્ટ આઇંસ્ટાઇને કહ્યુ છે કે, 'શિક્ષણ એ તથ્યોને યાદ રાખતું નથી, પરંતુ મનને પધ્ધતિસર અને તર્કસંગત વિચાર કરવાની તાલીમ છે.' ધ્યાન એક મનની કસરત છે જેનાથી વિચારોને અંકુશમા લઇ શકાય છે આથી શિક્ષણ ક્ષેત્રે એક લાઇફ સ્કિલ તરીકે તેને શિખવવુ જોઇએ. ધ્યાનથી એકાગ્રતા વધે છે. ઓછા સમયમા વધુ વાંચી, યાદ રાખી શકાય છે. આમ ઓછી મહેનતે સ્કોર બુસ્ટર બને છે. મેમરીપાવર વધે છે.
વળી, આજના સ્પાર્ધાત્મક પરીક્ષાઓના યુગમા શિક્ષણ પણ એક સ્પર્ધા બની ગયુ છે ત્યારે વિદ્યાર્થીઓમા હાયપરટેંશન, ડિપ્રેશન, નેગેટિવિટી વધતી જાય છે. આ સમસ્યાઓથી બચવા જો વિદ્યાર્થીઓ દરરોજ અડધો કલાક મેડિટેશન માટે ફાળવે તો તેનાથી રિલેક્સેશન મળે છે. આત્મવિશ્વાસમા વધારો થાય છે. આરોગ્યને લાભ થાય છે. ક્લિનિકલ રિસર્ચ થકી પુરવાર થયેલ છે કે મેડિટેશન બ્લડપ્રેશર, હાર્ટ એટેક જેવા રોગો તથા મનોવૈજ્ઞાાનિક સમસ્યાઓ જેવી કે ગુસ્સો, ડિપ્રેશન વગેરે પર ખુબજ અસરકારક છે.
ભારતની મેડિટેશન વિદ્યાનો ભારત કરતા બહારનુ વિશ્વ વધુ લાભ ઉઠાવે છે. વિશ્વની અનેક ખ્યાતનામ હસ્તીઓ ભારતમા મેડિટેશન શીખવા આવી છે અને તેનો લાભ આજીવન ઉઠાવ્યો છે. એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ ભારતમાં આવીને કાઇંચી ધામ આશ્રમમાં પોતાના અભ્યાસકાળમાં મેડિટેશન શિખ્યા હતા અને તેનો
સમગ્ર કુટુમ્બ સાથે આજીવન અભ્યાસ કરતા હતા તેવો ઉલ્લેખ વોલ્ટર ઇસાક્સન દ્વારા લખાયેલ તેના જીવનચરિત્રમાં છે. સ્ટીવ જોબ્સે આપેલ પ્રેરણાથી ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, ગુગલ અને ઇબેયના સ્થાપકો પણ અહીં નીમકરોલી બાબા સ્થાપિત આશ્રમમાં ધ્યાનના પાઠ ભણવા આવેલ છે. આમ સિલિકોન વેલીમાં પણ ભારતની ધ્યાન કળા પ્રસિધ્ધ છે. ટ્વીટરના પૂર્વ-સીઇઓ જેક ડોર્સી વિપશ્યનાની સાધનાના અનુયાયી છે. દસ દિવસ મૌન ધારણ કરીને આકરી ધ્યાન સાધના તેમણે અનેક વખત સમ્પન્ન કરેલ છે.
ભારતની યોગવિદ્યા જ્યારે સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમા ફેલાવી ત્યારબાદ 'યોગા' બની પરત આવી અને દેશમા પ્રચલિત બની. આવુ જ ધ્યાનના ક્ષેત્રે બની રહ્યુ છે! આપણે ત્યા બાળકોને શાળાઓમા મેડિટેશન પ્રણાલીઓનો અનુભવ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની તાતી જરુર છે. ઘરમા એક એવો સમય હોવો જોઇયે કે પ્રત્યેક સભ્ય ભેગા થઈને માત્ર ફરજિયાત પણે ધ્યાન કરે! ધ્યાન માટે પેરેંટ્સ અને શિક્ષણ પ્રણાલીએ ઇનિશિએટિવ લેવા જરૂરી છે.