Get The App

ઇંડિયન ફોરેસ્ટ સર્વિસ- યુનિક કરિયર ઓપ્શન

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ઇંડિયન ફોરેસ્ટ સર્વિસ- યુનિક કરિયર ઓપ્શન 1 - image


- અધ્યયન-હિરેન દવે

- 'કલાઈમેટ ડીપ્લોમસી'નું મહત્વ વધતું જાય છે, તેમ તેમ આ સેવાના અધિકારીઓની ભૂમિકા વધુને વધુ મહત્વની થતી જશે.

ગુ જરાતના યુવાનોમાં દિવસે-દિવસે સરકારી નોકરીઓની ઘેલછા વધતી જાય છે. હાલમાં અનેક યુવાનો આઈ.એ.એસ. તરીકે ઓળખાતી સનદી સેવાની પરીક્ષા વિષે જાણકારી મેળવતા થયા છે. આ વર્ષે ૨૬ તેજસ્વી તારલાઓએ ગુજરાતમાથી સિવિલ સેવા પરીક્ષા પાસ કરી, જેને માધ્યમોએ સારી પ્રસિધ્ધિ આપી. પરંતુ આ વર્ષે સૌપ્રથમ વખત ૫ ઉમેદવારોએ ભારતીય વન સેવા પાસ કરી જેની નોંધ માધ્યમોમાં લેવામાં આવેલ નથી. આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. બાદ આ એક્માત્ર ટેકનિકલ અખિલ ભારતીય સેવા એવી છે કે જે કેટલાક ક્ષેત્રોમાં શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો જ આપી શકે છે. તેની સ્થાપના ૧૯૬૬માં કરવામા આવી હતી. જેમને પર્યાવરણ માટે કઈક સારું કરવું છે તેમના માટે કારકિર્દીની અનેરી તક આપતી આ સેવાનો પર્યાવરણ દિવસ નિમિત્તે પરિચય મેળવીએ.

લાયકાત : કોઈ પણ વર્ષની ૧ ઓગસ્ટના રોજ ૨૧ વર્ષ પૂર્ણ કરેલ હોય પણ ૩૨ વર્ષ પૂર્ણ કરેલ ન હોય (સામાન્ય કેટેગરી માટે) તથા પશુપાલન, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, આંકડાશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીવિજ્ઞાાન, કૃષિવિજ્ઞાાન પૈકી કોઈપણ એક વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલ હોય તે આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. અન્ય કેટેગરીના ઉમેદવારોને વય અને એટેમ્પ્ટમા છુટછાટ મળે છે.

અરજી કરવાની પ્રક્રિયા : આ પરીક્ષા માટેની જાહેરાત સામાન્ય રીતે દરવર્ષે ફેબ્રુઆરી મહિનામાં આવતી હોય છે. યુપીએસસીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને પરીક્ષામાં ભાગ લઇ શકાય છે. પરીક્ષાનો પ્રથમ તબક્કો પ્રીલીમીનરી મે- જૂન મહિનામાં રવિવારના દિવસે યોજાય છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા ડિસેમ્બર મહિનામાં યોજાય છે, જે લગભગ ૧૦ દિવસ ચાલે છે. અંતિમ તબક્કો ઇન્ટરવ્યુ હોય છે, જે સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં યોજાય છે.

પરીક્ષાની પધ્ધતિ : સિવિલ સર્વિસ અને વન સેવાની પ્રીલીમીનરી પરીક્ષાનું પ્રશ્નપત્ર એક સમાન હોય છે. આ પરીક્ષામાં રવિવારે એક જ દિવસે બે પ્રશ્નપત્ર યોજાય છે. તેનું સ્વરૂપ એમ.સી.ક્યુ. પ્રકારનું હોય છે. ખોટા ઉત્તર માટે ૧/૩ માર્ક નેગેટીવ ગણવામાં આવે છે. પરીક્ષાનું દ્વિતીય પ્રશ્નપત્ર માત્ર ૩૩% સાથે પાસ કરવાનું હોય છે. મેરીટ માત્ર પ્રથમ પ્રશ્નપત્રમાંથી જ બને છે. જેમાં સારો દેખાવ કરનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવે છે.

દ્વિતીય તબ્બકો મુખ્ય પરીક્ષા છે. તેમાં ઉમેદવારે શબ્દમર્યાદા મુજબ લેખિતમાં ઉત્તરો આપવાના હોય છે.

તેમાં કુલ ૧૪૦૦ ગુણની પરીક્ષા હોય છે. કૃષિ, કૃષિ ઇજનેરી, પશુપાલન, વનસ્પતિવિજ્ઞાાન, રસાયણવિજ્ઞાાન, રસાયણ ઇજનેરી, સિવિલ ઇજનેરી, વનવિદ્યા, ભૂસ્તરશાસ્ત્ર, ગણિત, મિકેનિકલ ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, પ્રાણીવિજ્ઞાાન વૈકલ્પિક વિષયો તરીકે સમાવવામાં આવેલા છે.

 તેમાંથી કોઈપણ બે વિષયોને પસંદ કરવાના હોય છે. આ પરીક્ષાના પ્રશ્નપત્ર ફક્ત અંગ્રેજીમાં આવે છે, તથા ઉત્તરો પણ માત્ર અંગ્રેજી ભાષામાં જ આપવાના હોય છે. પ્રત્યેક પ્રશ્નપત્ર માટે ૩ કલાકનો સમય મળે છે. પરીક્ષાનો અંતિમ તબક્કો ઇન્ટરવ્યુ હોય છે. જેના ૩૦૦ ગુણ હોય છે. 

કારીકીર્દીની તક : આ પરીક્ષા પાસ કરી સેવામાં જોડાનાર ઉમેદવાર અખિલ ભારતીય સેવામાં જોડાય છે. 'વન અને પર્યાવરણ' બંધારણના ૭માં પરિશિષ્ઠ મુજબ સમવર્તી સૂચિનો વિષય છે. આથી કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો હેઠળ કામ કરવાની તક મળે છે. વન વિભાગના ઉચ્ચતમ પદો જેવા કે ડીવીઝનલ ફોરેસ્ટ ઓફિસર, કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, પ્રિન્સીપાલ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જેવા પદો પર આ કેડરના અધિકારીઓ હોય છે. હાલના સમયમાં જળવાયુ પરિવર્તન, જૈવવૈવિધતાનું જતન વગેરે મુદ્દા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુને વધુ મહત્વ ધારણ કરતા જાય છે. 'કલાઈમેટ ડીપ્લોમસી'નું મહત્વ વધતું જાય છે, તેમ તેમ આ સેવાના અધિકારીઓની ભૂમિકા વધુને વધુ મહત્વની થતી જશે. કોરોના બાદ પર્યાવરણ પ્રત્યેની જાગૃત્તિ વધતી જાય છે તેમ-તેમ આ સર્વિસની ભૂમિકા પણ ઘણી વિસ્તૃત થવાની. નવા યુગના પડકારોને ઝીલવા અનેક ચુનંદા અધિકારીઓની આ સેવાને જરૂર છે.


પ્રશ્નપત્ર

વિષય

માર્ક

સામાન્ય અંગ્રેજી

૩૦૦

સામાન્ય અભ્યાસ

૩૦૦

વૈકલ્પિક૧ પેપર ૧

૨૦૦

વૈકલ્પિક ૧ પેપર ૨

૨૦૦

વૈકલ્પિક ૨ પેપર ૧

૨૦૦

વૈકલ્પિક ૨ પેપર ૨

૨૦૦

ક્રમ

વિષય

ગુણ

સામાન્ય અભ્યાસ

૨૦૦

સનદી સેવા અભિરુચિ પરીક્ષા

૨૦૦


Google NewsGoogle News