હિંસા,ગરીબી અને ભૂખમરાથી પીડાતા સોમાલિયામાં સૌદર્ય સ્પર્ધા!

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
હિંસા,ગરીબી અને ભૂખમરાથી પીડાતા સોમાલિયામાં સૌદર્ય સ્પર્ધા! 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- યુએનને વર્ષો પછી મળેલા ડેટા મુજબ સોમાલિયમાં 98 ટકા મહિલાઓને ખતનાની યાતનામાંથી પસાર થવું પડે છે. 52 ટકા મહિલાઓ લૈગિક હિંસાનો સામનો કરવો પડે છે. હિંસા,રકતપાત અને અરાજકતા વચ્ચે સૌદર્ય સ્પર્ધા દેશનું વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. 

આ ફ્રિકાના પૂર્વ કિનારે આવેલો સોમાલિયા દુનિયાના ગરીબ દેશોમાં સ્થાન ધરાવે છે. સોમાલિયાની વાત નિકળે ત્યારે હિંસા, રુઢિચૂસ્તતા, ભૂખમરો, દુષ્કાળ અને પૂર જેવી આફતોથી પીડાતા ગરીબ દેશનું ચિત્ર ઉપસે છે. સોમાલિયાના મોટા ભાગના વિસ્તારો છેલ્લા ૧૫ વર્ષથી ઉગ્રવાદી ઇસ્લામી ગુ્રપ 'અલ શબાબ'ના આતંકના ઓછાયા હેઠળ છે. ખાસ કરીને કેન્યાને સ્પર્શતા દક્ષિણ સરહદના વિસ્તારોમાં આ સંગઠનનું જબરદસ્ત વર્ચસ્વ છે. 'અલ શબાબ અલ મુઝાહિદ્દીન' તરીકે ઓળખાતું સંગઠન શરિયા કાનૂનનું હિમાયતી છે. કેટલાક અહેવાલો મુજબ ૧૫ હજારથી વધુ આતંકીઓએ અફધાનિસ્તાન અને ઇરાકમાં તાલીમ લીધેલી છે. 'અલ શબાબ' કેન્યા, યુગાન્ડા અને જીબૂતી જેવા દેશોમાં પણ આત્મઘાતી હુમલા કરી ચુકયું છે. અમેરિકાએ અલ સબાબનો દુનિયાની ટોપ આતંકવાદી સંગઠનોની યાદીમાં સમાવેશ કરેલો છે.  

સોમાલિયાની ૧.૮૫ કરોડ વસ્તીમાંથી એક ચર્તૃથાંસ અંદાજે ૪૦ લાખથી વધુ લોકોને પોતાના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાથી અન્યત્ર રહે છે. શરણાર્થીઓમાં ૭૦ થી ૮૦ ટકા મહિલાઓ અને બાળકો છે. સોમાલિયાનો સમાવેશ મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત ગણાતા દેશોમાં સમાવેશ થાય છે. પરંપરાના નામે મહિલાઓ પર થતા દુર્વ્યહવારમાં કોઇ ફર્ક આવ્યો નથી. લૈગિક સમાનતાના સૂચકાંકમાં સોમાલિયા ખૂબ નીચા સ્થાને છે. આંતરરાષ્ટ્રીય મદદ અને સેવા પર લોકો જીવન જીવવા મજબૂર છે.  યુએનને વર્ષો પછી મળેલા ડેટા મુજબ દેશમાં ૯૮ ટકા મહિલાઓને ખતનાની યાતનામાંથી પસાર થવું પડે છે. ૫૨ ટકા મહિલાઓ લૈગિક હિંસાનો સામનો કરવો પડે છે. સોમાલિયા હિંસા અને કત્લેઆમનો કાળો ઇતિહાસ ધરાવે છે. એક એવું ફૂટબોલ ગ્રાઉન્ડ જયાંનું ગોલ પોસ્ટ સ્થળ  ૧૯૭૫થી  મોતની સજા આપવાના ખંભા તરીકે ઉપયોગ થાય છે. સોમાલિયામાંથી જ છુટો પડેલો સોમાલીલેંડ નામનો પ્રદેશ પોતાને સ્વંતત્ર દેશ માને છે જો કે યુ એન અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ માન્યતા આપી નથી. ૨૦૧૮ સુધી સોમાલીલેંડમાં મહિલાઓ પર થતા બળાત્કાર અને બળજબરીથી લગ્ન કરવા પર લગામ તાણતો કોઇ જ કાયદો ન હતો. ૨૦૧૮માં યૌન અપરાધ કાયદો ઘડવામાં આવ્યો હોવા છતાં મહિલાઓ પરના અત્યાચાર અને યૌનશોષણને ડામી શકાયું નથી.ધાર્મિક નેતાઓ અને કબીલાઇઓ  મહિલાઓ પ્રત્યેનું જડ વલણ અને માનસિકતા બદલવા રાજી નથી.

નવાઇની વાત તો એ છે કે વિશ્વ ઇન્ડેક્ષમાં માનવ અધિકાર અને મહિલા સુરક્ષાની દ્વષ્ટીએ સૌથી ખતરનાક ગણાતા સોમાલિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌદર્ય સ્પર્ધા પણ યોજાય છે. તાજેતરમાં રાજધાની મોગાદિશૂમાં યોજાયેલી સૌદર્ય સ્પર્ધાએ ખાસ પરિસ્થિતિના લીધે દુનિયાનું વિશેષ ધ્યાન ખેંચાયું હતું. એક બાજુ સોમાલિયાના ફૂટબોલ ચાહકો સ્પેન અને ઇગ્લેન્ડ વચ્ચેની યૂરો ફૂટબોલ ફાઇનલ જોવા માટે કેફે અને ઘરોમાં એકઠા થયા હતા બીજી બાજુ મોદાદિશૂના દરિયાકાંઠે એક આલિશાન હોટલમાં સૌદર્ય સ્પર્ધાની પરેડ ચાલતી હતી. ૧ ડોલરના ખર્ચે લોકો ઓનલાઇન વોટ આપી શકે તેવી પણ સુવિધા હતી. આ બ્યૂટી કોન્ટેસ્ટમાં આઇશા ઇકોવ નામની ૨૧ વર્ષની યુવતીએ વિજેતા બનીને ૧૦૦૦ ડોલરનું ઇનામ મેળવ્યું હતું. રનર અપમાં દક્ષિણ જુબાલેંડ અને મધ્ય સોમાલિયાની કેટલીક સ્થાનિક સુંદરીઓ હતી. સોમાલિયાની જુદા જુદા ક્ષેત્રની મહિલાઓએ સ્પર્ધામાં ભાગ લીધેલો જેમાં એક મહિલા પોલીસ કર્મચારી પણ હતી. આ સૌદર્ય સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓની શારીરિક સુંદરતા, કેટવૉકની આવડત, ડ્રેસિંગ સેન્સ અને જાહેરમાં રજૂઆત કરવાની આવડતને આંકવામાં આવી હતી. પાંચ મહિલા અને એક પુરુષ જજ અને યુવા મંત્રાલયના પ્રતિનિધિ પણ હાજર હતા. આ સૌદર્ય સ્પર્ધા દ્વારા મિસ વર્લ્ડ, મિસ સુપર નેશનલ અને મિસ ગ્લોબલ પ્રતિયોગિતા માટે દેશના પ્રતિનિધિઓની પસંદગી થાય છે.

સોમાલિયામાં ૧૯૯૧માં સઇદ બર્રેની સરકારના પતન પછી રાજકિય અસ્થિરતા જોવા મળે છે. ૨૦૦૪માં સોમાલિયામાં ટ્રાન્જિશનલ ફેડરેશનની સરકાર છે જેને અમેરિકાનું સમર્થન છે. ૨૦૦૬ની શરુઆતમાં સોમાલી ઇસ્લામિક કોર્ટ કાઉન્સિલ દ્વારા દક્ષિણ સોમાલિયાના કેટલાક ભાગો પર કબ્જો કરવાનું શરુ કર્યું હતું. ખૂંખાર અલ શબાબ આ કાઉન્સિલ પ્રેરિત ઉગ્રવાદી સંગઠન મનાય છે. સૌદર્ય સ્પર્ધા ચાલતી હતી તેનાથી  ૧ કિમી દૂર કોફી રેસ્ટોરન્ટ પાસે કારમાં થોડે દૂર બોંબ વિસ્ફોટ થતા ૫ લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટની જવાબદારી આતંકી સંગઠને લીધી હતી.  સોમાલિયા આસમાની અને સુલતાની આફતોની વચ્ચે ઘેરાયેલો દેશ છે. સોમાલિયા અતિ પછાત અને ગરીબીનો પર્યાય બની ગયો છે.દેશના ૯૯ ટકા લોકો ભૂખમરા, તરસ અને દુષ્કાળની લપેટમાં છે. સોમાલિયા જળવાયુ પરિવર્તનની વિપરિત અસરનો પણ સૌથી વધુ ભોગ બન્યો છે. એવું નથી કે આ દેશ પાસે પ્રાકૃતિક સમૃધ્ધિ નથી. 

તેલ, યુરેનિયમ,ગેસ અને સોનાનો ભંડાર છે તેમ છતાં વિદેશી હસ્તક્ષેપ અને ભ્રષ્ટ શાસને દાટ વાળ્યો છે. 

છેલ્લા બે દાયકામાં ૨૦ લાખ લોકો ભૂખથી મર્યા છે જેમાં ૩૦ હજારથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. આવી કારમી પરિસ્થિતિમાં  સૌદર્ય સ્પર્ધાનું આયોજન  હિંસા,રકતપાત અને અરાજકતાની વચ્ચે સોમાલિયાનું વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. સોમાલિયામાં સૌદર્ય સ્પર્ધાની શરુઆત સુ શ્રી હની અબ્દી ગેસે કરી હતી. વર્ગવિગ્રહ અને હિંસાથી જીવ બચાવવા હજારો લોકો કેન્યા અને ઇથોપિયા જેવા પાડોશી દેશોમાં પણ શરણાર્થી બને છે. હની અબ્દી ગેસના પરિવારે પણ કેન્યામાં શરણ લીધું હતું. દાદાબે નામની શરણાર્થી છાવણીમાં જીવન ગુજારનાર આ યુવતી હિંમત કરીને સોમાલિયા પાછી ફરી હતી. શરણાર્થી છાવણીમાં જીવન પસાર કરનાર હની અબ્દીના સપનાઓ ખૂબ ઉંચા હતા. અનેક પડકારો અને મહિલા વિરોધી માનસિકતાનો સામનો કરીને  વર્ષ ૨૦૨૦માં સોમાલિયન મહિલાઓ માટે મોગાદિશૂ ખાતે એક બ્યૂટી કોન્ટેસ્ટનું આયોજન કર્યુ હતું. હનીના મત મુજબ સૌદર્ય સ્પર્ધા પાછળનો હેતું મહિલાઓને થતા અન્યાય સામે 

અવાજ ઉઠાવવાનો અને સશકિતકરણ કરવાનો છે. વર્તમાન પરિસ્થિતિ સામે મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવાનો છે. દુનિયા ભરમાં સોમાલી સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો છે. ૨૦૨૧માં ઇતિહાસમાં પ્રથમવાર મિસ વર્લ્ડ હિજાબ પ્રતિયોગિતા યોજાઇ હતી જેનું પ્રતિનિધિત્વ સોમાલિયાની ૨૦ વર્ષની ખદીજા ઉંમરે પ્રતિનિધિત્વ કર્યુ હતું. ખદીજા ઉંમરનો જન્મ પણ કેન્યાની હાગરડેરા શરણાર્થી શિબિરમાં થયો હતો. 

સોમાલિયામાં વિપરિત સંજોગો અને અત્યંત વિષમ રાજકિય સામાજિક આબોહવાની વચ્ચે કેટલીક સોમાલિયન મહિલાઓમાં સૌદર્ય સ્પર્ધાનો ક્રેઝ વધતો જાય છે. સતત દબાયેલી કચડાયેલી મહિલાઓ દુનિયાનું ખેંચવા પ્રયાસ કરી રહી છે. જો કે સોમાલિયામાં અનેક લોકોને સૌદર્ય સ્પર્ધાઓ એક ભયાનક સપના સમાન લાગે છે. રુઢિચૂસ્તાને ઇસ્લામી અને સોમાલી સંસ્કૃતિનું અપમાન લાગે છે. કબીલાના આગેવાનો માને છે કે સૌદર્ય સપર્ધામાં મહિલાઓને વસ્તુ તરીકે રજૂ કરવામાં આવે છે. જો કોઇ યુવતી ટુંકા કપડા પહેરીને મંચ પર આવે તો તેના પરિવાર અને કબીલાઓ માટે શરમની વાત છે. ક્ેટલાક યુવાઓ અને પ્રગતિશીલો પણ માને છે કે મહિલાઓને સૌદર્ય સ્પર્ધા માટે પશ્ચિમી જગત સમર્થન આપે છે તે સારી બાબત છે પરંતુ ઉગ્રવાદ, અલગાવવાદ અને વર્ગવિગ્રહનું દર્દ નહી મટે ત્યાં સુધી આ પ્રવૃતિ મૂળ છોડીને પાનને પાણી પીવડાવવા જેવી છે. રોટી કપડા અને મકાનએ પૃથ્વી પર રહેતા દરેક માણસની મૂળભૂત જરુરિયાત છે. આનો ટકાઉ ઉકેલ પછી જ બાકીનો ભૌતિક વિકાસ શકય બને છે. આસમાની સુલતાની આફતોનો ભોગ બનેલા સોમાલિયામાં ધર્મના નામે મહિલાઓ પર થતા અત્યાચારો અને સામાજિક લિંગભેદ દૂર થાય તેની વધારે આવશ્યકતા છે. 


Google NewsGoogle News