ડિજિટલ યુગમાં અંધશ્રધ્ધા અને જાદુ- ટોટકાનું વધતું જટિલ જાળું
- મીડ વીક- હસમુખ ગજજર
- એનસીઆરબીના આંકડા અનુસાર વર્ષ 2022માં ભારતમાં જાદુ-ટોટકાથી 85 લોકોના મુત્યુ થયા હતા. 2013 થી 2022માં દરમિયાન અંધશ્રધ્ધાની વિધિમાં 1064 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2014 થી 2022 સુધીના 9 વર્ષમાં માનવબલીથી ૧૧૧ ઘટનાઓ બનેલી જેમાં બાળકો અને વયસ્કોનો સમાવેશ થતો હતો.
છ ત્તીસગઢના સક્તી જિલ્લાના તાંદુલડીહ ગામમાં એક પરિવારના ઘરે એક બાબાની તસ્વીર રાખીને બંધ બારણે તંત્રસાધના ચાલતી હતી. અંદર શું ચાલી રહયું છે તેની ગામ લોકોને કોઇ જ જાણ ન હતી. તેમ છતાં તંત્ર સાધનાના મંત્રોની વચ્ચે તીણી ભયંકર ચીખ અંધકારને ચીરતી ગામમાં ફરી વળી હતી. બે સગાભાઇઓનું જીવન અંધ વિશ્વાસની ભેટ ચડી ગયું હતું. ૬ સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના હાથરસના રસગવાં ગામની ડીએલ પબ્લીક સ્કૂલના સંચાલકની ગાડીમાંથી ૧૧ વર્ષના બાળકનું શબ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે સ્કૂલના વિકાસ અને દેવામાંથી બહાર આવવા માટે બાળકને કથિત રીતે બલી ચઢાવવાના ઇરાદાથી ગળું દબાવીને મારી નાખવામાં આવ્યું હતું. તાજેતરમાં બનેલી આ બે ઘટનાઓ તો ઉદાહરણ પુરતી છે પરંતુ આવી ઘટનાઓ સમયાંતરે બનતી જ રહે છે. પહેલા અંધ શ્રધ્ધા માટે શિક્ષણના ઓછા પ્રમાણને જવાબદાર ઠેરવવામાં આવતું હતું. હવે ભણતર વધ્યું, લાખો ડિગ્રીધારીઓની ફોજ તૈયાર થઇ તેમ છતાં જાદૂ-ટોટકા અને તંત્રવિધાનું પ્રમાણ વધતું જાય છે. દરેક ધર્મના લોકોને પોતાનું એક ધર્મસ્થળ અને ઉપાસનાની પરંપરાગત આગવી રીત હોય છે. વિવિધ સમુદાયો અને જાતિઓમાં જુદા જુદા દેવી દેવતાઓ અને માનેલી શકિતઓની પૂજા થતી હોય છે. કોઇ અગોચર શકિત પર ભરોસો હોવો કે શ્રધ્ધા હોવી ખોટી નથી. કુદરતી રીતે જ ડર અને અસલામતીમાંથી બચવા માટે સદીઓથી માનવ જાત અજ્ઞાતશકિત સામે શીશ નમાવતી રહી છે. વિટંબણા એ છે કે માનવીને વિચારવાની શકિત આપી હોવા છતાં શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા ભૂલી જાય છે. માનવીમાં બહેતર જીવનની શોધ માટે ભવિષ્ય જાણવાની લાલસા પડેલી છે. પોતાની તકલીફોનો ચપટીમાં અંત લાવી દે એવી કોઇ વિધી કે પ્રવૃતિઓનો શોર્ટ કટ ઇચ્છે છે. ઘણી વાર હારેલા થાકેલા માણસો મંત્ર- તંત્રનો આશરો લેતા થઇ જાય છે. આના કારોબારની એક દુનિયા છે જે દુખો દુર કરવાનો દાવો કરે છે પરંતુ સરેરાશ લોકોના જીવનમાં કોઇ જ ફરક પડતો નથી.
અંધ શ્રધ્ધાની કોઇ મોટી ઘટના બને ત્યારે ભારતમાં અંધ વિશ્વાસ,કાળા જાદુઅને જાદુ-ટોટકાની વ્યાપકતા અંગે ચર્ચા છેડાતી રહી છે પરંતુ પછીથી ભૂલાઇ જાય છે. આજના ડિજિટલ યુગમાં અંધશ્રધ્ધા, જાદુ ટોટકાનું જાળું વધતું જાય છે. જ્ઞાન અને માહિતી ઘર આંગણે દરેકના સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ સ્વરુપ આવી ગઇ છે. સારાસારનો વિવેક કરીને સાચા સોર્સ શોધીને જ્ઞાનના સિમાડાઓ વિસ્તારી શકાય છે. દરેક ટેકનિકના લાભાલાભ હોય છે જે તેના વપરાશકર્તા પર આધારિત છે. પહેલાના સમયમાં કાગળો આવતા કે તમે આટલા કાગળ લખશો તો ફલાણા માતાજીની કૃપા થશે જેથી અનાદર કરતા નહી. હવે એવી ડિજિટલ પોસ્ટ આવે છે આગળ મોકલો, આ પોસ્ટ ઉભી રહેવી જોઇએ નહી. ભણતર આવ્યું, આધુનિકતા આવી પરંતુ માનસિકતા બદલાઇ નથી. એક સમયે ધુણવાની પ્રવૃતિ ખાનગીમાં ચાલતી હવે ધુણતા હોય અને આસપાસ લોકો બેઠા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા જોવા મળે છે. ધાર્મિક અનુષ્ઠાનો અને ધાર્મિક કાર્યક્રમો વધતા જાય છે તો પછી સરેરાશ માનવીઓના જીવનમાં સુખ કેમ નથી ? વિધી કે તંત્ર મંત્રના નામે કોઇ પણ માણસને પ્રતાડિત કરવો કે મારી નાખવો ઘૃણાસ્પદ છે. પ્રાચીન સમયમાં જોવા મળતી નરબલી પ્રથા આધુનિક રાજમાં પણ ડોકાતી હોયતો તે ખોટું છે. માનવ બલીએ અંધ વિશ્વાસની ચરમસીમાનું ઉદાહરણ છે.
એનસીઆરબીના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૨માં ભારતમાં જાદુ-ટોટકાથી ૮૫ લોકોના મુત્યુ થયા હતા. ૨૦૧૩ થી ૨૦૨૨માં દરમિયાન અંધશ્રધ્ધાની વિધિમાં ૧૦૬૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૨૦૨૨માં માનવ બલીના કુલ ૮ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૨ સુધીના ૯ વર્ષમાં માનવબલીની ૧૧૧ ઘટનાઓ બની જેમાં બાળકો અને વયસ્કોનો સમાવેશ થતો હતો. અંતરિયાળ વિસ્તારોમાં તંત્ર-મંત્ર અને વિધીના નામે થતી હત્યાઓ જોતા વાસ્તવિક આંકડો સરકારી ચોપડે નોંધાયેલા આંકડા કરતા ખૂબજ વધારે હોવાની શકયતા છે. જે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી નથી તેના ભેદભરમ જાણવા અઘરા હોય છે. ભારતમાં કેન્દ્રીય સ્તરે અંધ વિશ્વાસ વિરોધી કડક કાયદા ઘડીને તેને જમીન સ્તરે લાગું કરવાની જરુરિયાત છે. કેટલાક રાજયો દ્વારા કાયદાઓ ઘડવામાં આવ્યા છે પરંતુ તેનો અસરકારક અમલ આવશ્યક છે. મહિલાઓને ડાકણ ગણીને અત્યાચાર કરવાની ક્રુર'ડાકણપ્રથા' છત્તિસગઢ,ઓડિશા,મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજયોમાં બનતી રહે છે. બિહાર રાજયએ ઓકટોબર ૧૯૯૯માં 'ધ પ્રિવેન્શન ઓફ વિચ'(ડાયન) પ્રેકટિસ એકટ અમલમાં મુકીને મહિલાઓ પર થતા અત્યાચાર, અપમાન અને હત્યા પર લગામ તાણવા પ્રયાસ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં મહારાષ્ટ્ર રાજયમાં પરંપરાના નામે માનવ બલી જેવા અમાનવીય કૃત્યને રોકવા અંધશ્રધ્ધા ઉન્મૂલન અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. કર્ણાટક રાજયએ વર્ષ ૨૦૧૭માં કાળા જાદૂ જેવી અમાનવિય પ્રથાઓ અને અંધશ્રદ્ધા વિરોધી અધિનિયમ તૈયાર કર્યો હતો. ભારતીય દંડ સંહિતા મુજબ માનવ બલીને ક્રુર હત્યા ગણવામાં આવે છે. ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એકટ ૧૯૫૪નો ઉદ્ેશ દેશમાં પ્રચલિત અંધ વિશ્વાસને લગતી વિવિધ પ્રવૃતિઓમાં ઘટાડો કરવાનો હતો. વૈજ્ઞાનિક વિચાર, માનવતાવાદ અને સુધારણાને લગતી પ્રવૃતિઓ દેશના નાગરિકોનું મૌલિક કર્તવ્ય હોવાની ભાવના બંધારણમાં પણ રહેલી છે. માતાજીની નારાજગી, નડગત. પિતૃઓની પૂજા આ બધી બાબતોમાં ઉભા થતા મતભેદો કયારેક પરિવારોને જોડવાના સ્થાને તોડે પણ છે.
કંઇ પણ બને તેના માટે દાણા જોવડાવવા કે દોષ નિવારણ તરફ વળવાની પ્રવૃતિ વધતી જાય છે. માનવજાત પાસે પૈસો અને સુખ વધ્યું છતાં શાંતિ મળતી નથી તેનું કારણ નાની બાબતોમાં ટકરાતા મોટા અહંકાર છે. માણસમાં એકાંદ આવડત હોય એટલે નાણાનો ઢગલો
થઇ જાય છે પરંતુ મનનો વિકાસ પણ થવો જરુરી છે. શાંતિએ મનનો વિષય છે તેને બહાર શોધવા માટે સતત ભટકતા રહેવું અને જોવડાવતા રહેવુંએ અંધકાર તરફની ગતિ છે. માણસના મનના ખૂણામાં જીવન ગુમાવવાનો અને અશુભ થવાનો ડર છુપાએલો હોય છે આ ડરને કેટલાક ભૂવા ભાપાઓ વધુ મજબૂત બનાવે છે. શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદરેખામાં લોકો પિસાતા જાય છે. ધાર્મિક હોવું કે ભગવાનનું ભજન,પૂજન ખોટું નથી પરંતુ જોત જોતામાં અંધશ્રધ્ધાના કૂવામાં ધકેલાયેલા પછી બહાર આવી શકતા નથી. અંધશ્રધ્ધા ગ્રામીણ વિસ્તારોમાં જ જોવા મળે છે એવું નથી શહેરોમાં પણ ટ્રાફિકના ચાર રસ્તાએ લીંબુ-મરચા અને નાળિયેર ચુંદડી પડેલા જોવા મળે છે. કોઇ તાંત્રિક સૂચવે કે અમૂક દિવસે કે વારે ગાયને રોટલી કે કૂતરાને દૂધ આપવું તો ફળપ્રાપ્તિ માટે તરત જ પાલન કરવા માંડે છે. હકિકતમાં તો જો પાલતુ પ્રાણીઓ માટે જીવદયા રાખવી હોયતો સૌએ ભેગા મળીને પ્રાણીઓ કાયમી ભૂખ્યા ના રહે તેની સામુહિક જવાબદારી ઉઠાવવી જોઇએ. આ પૃથ્વી માત્ર માનવીઓની નહી સમગ્ર જીવોની છે તેવી સમજણ જ સાચો માનવધર્મ છે. પૃથ્વી પર અવતાર મળ્યો છે તો માણસ તરીકે જીવવાનું અને રહેવાનું પણ એક કર્તવ્ય છે જે ભૂલાઇ ગયું છે. ધરતીનો ભાડૂઆત માનવી પોતાને માલિક સમજવા લાગ્યો છે.
જેને અંગ્રેજીમાં સુપરસ્ટિશન કહેવામાં આવે છે એ અંધશ્રદ્ધા અને વહેમ ભારત જ નહી સમગ્ર દુનિયામાં જોવા મળે છે. સદીઓ જુના અંધ વિશ્વાસ અને પીડા આપતી પરંપરાઓની ચુંગાલમાંથી બહાર નિકળવા માટે વૈશ્વિક પ્રયાસોની જરુર છે. અજ્ઞાન કે ભય સંબંધિત અતિવિશ્વાસ એ અંધ શ્રધ્ધાનું સૌથી મોટું લક્ષણ છે. રસ્તો ક્રોસ કરતી વખતે કાળી બિલાડીનું ઉતરવું, તૂટેલો અરિસો એટલે ખરાબ નસીબ, રાત્રે નખ કાપવા વગેરે માન્યતાઓ દુનિયામાં બધે જ જોવા મળે છે. ઘણી સંસ્કૃતિઓમાં મહિલાઓના માસિક રકતને અશુધ્ધ માનવામાં આવે છે આ માન્યતાએ મહિલાઓને ખૂબ મોટો અન્યાય કર્યો છે. દક્ષિણ કોરિયામાં 'ફેન ડેથ' નામની એક માન્યતા છે જેમાં કોઇ વ્યકિત પંખો ચાલુ રાખીને સૂઇ જાયતો તેનું મુત્યુ થઇ શકે છે એમ માનવામાં આવે છે. આથી હજુ પણ કેટલાક લોકો સુતા પહેલા પંખાના ટાઇમરને સેટ કરે છે. મધ્ય અને ઉત્તર આફ્રિકાના મુસ્લિમ ધર્મીઓમાં બૂરી નજરની માન્યતા જોવા મળે છે. અફઘાનિસ્તાન, તુર્કી સહિતના દેશોમાં તાવિજ બાંધવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં ડાની નામની જનજાતિમાં ઇકિપાલિન નામની કુપ્રથા છે જેમાં પરિવારના કોઇ સ્વજનનું મુત્યુ થાય ત્યારે મહિલાની એક આંગળી કાપી લેવામાં આવે છે. અંધ વિશ્વાસુઓ કયારેય તર્ક સાથે વિચારતા નથી કે સ્વીકારતા નથી. સારી પરંપરાઓ અને તર્ક સભર રિતરિવાજો ભલે ચાલતા રહે પરંતુ જેમાં પીડા, દર્દ,અત્યાચાર અને હત્યા સુધીના કૃત્યો થાય છે એવી ધાર્મિક વિધીઓ અને કુપ્રથાઓ દૂર થવી જરુરી છે. કોઇ પણ પ્રવૃતિને તર્ક વિના જ સ્વીકારી લેવામાં આવે ત્યારે તેમાંથી અંધશ્રધ્ધા જન્મતા વાર લાગતી નથી. નવી પેઢી સવાલો અને તર્ક કરતી હોયતો તેને સંતોષકારક જવાબ મળવો જોઇએ. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ (સાયન્ટિફિક ટેમ્પર) વિકસે તે જરુરી છે. વિચારોમાં પરિવર્તન લાવીને જ અંધશ્રધ્ધા મુકત, પીડામુકત સ્વસ્થ માનવ સમાજની રચના થઇ શકશે.