વિદેશી શરણાર્થીઓને આશરો આપતું સ્વિડન કેમ બદલાઇ રહયું છે?

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
વિદેશી શરણાર્થીઓને આશરો આપતું સ્વિડન કેમ બદલાઇ રહયું છે? 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- પારકા દેશના નાગરિકોને સુરક્ષિત આશરો આપવાનો ઇતિહાસ ધરાવતા સ્વિડને હવે વિદેશમાં જન્મેલા અને પાસપોર્ટ ધરાવતા લોકોને 80 હજાર રુપિયા આપીને સ્વૈચ્છાએ દેશ છોડવાની ઓફર કરી છે. 

સ દીઓથી માનવજાત બહેતર જીવનની શોધ માટે સ્થળાંતર કરતી રહી છે. વિવિધ સંસ્કૃતિનો સમન્વય કરતા સ્થળાંતરનો ઇતિહાસ તકલીફો અને સંઘર્ષથી પણ ભરેલો રહયો છે. હિંસા,રંજાળ અને કુદરતની આફતનો અવિરત દોર માણસને પોતાનું ઘર છોડવા મજબૂર કરે છે. દુનિયા ભરના યુવાનોમાં આજકાલ અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં સારી નોકરી કે શિક્ષણ માટે જવાનો અને વસી જવાનો ટ્રેન્ડ ચાલે છે. યુરોપની ઉત્તરમાં વસેલા શાંતિપ્રિય દેશ સ્વિડને પોતાના દેશમાં રહેતા અને વિદેશમાં જન્મેલા પાસપોર્ટ ધારકોને સ્વૈચ્છાએ સ્વિડન છોડવા માટે ૧૦ હજાર સ્વિડીશ ક્રાઉન એટલે કે ૮૦ હજાર રુપિયાની ઓફર કરી છે. તાજેતરમાં સ્વિડનની ઇમિગ્રેશન મિનિસ્ટર મારિયા માલ્વર સ્ટેનફોર્ડે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે જે લોકો બીજા દેશમાં જન્મેલા છે અને સ્વિડનમાં ફાવતું નથી, સ્વિડનના કલ્ચર સાથે હળી મળીને રહી શકતા નથી તો સ્વિડન છોડી શકે છે. તાજેતરમાં એક નવી જોગવાઇ કરવાની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે જેમાં સ્વિડીશ મૂળના લોકોને પણ ઓફરનો લાભ આપવાની વાત હતી. તેમને કુલ ૧૪૮૦૦ ડોલર એટલે કે અંદાજે ૧૪ લાખ રુપિયાનો પ્રસ્તાવ હતો જે હાલ પુરતો ફગાવી દેવામાં આવ્યો છે. સ્વિડિશ પ્રશાસન સાથે સંકળાયેલા કેટલાકની દલીલ હતી કે જો દેશ છોડવા માટે નાણાની રકમ વધારવામાં આવશે તો સ્વિડન સરકારને લોકો ગમતા નથી એવો મેસેજ જશે. એક માહિતી મુજબ સ્વિડિશ મૂળના લોકોને અમેરિકા જવું સૌથી વધારે ગમે છે. 

દાયકાઓથી સ્વિડન વિદેશી શરણાર્થીઓનું એક ઉદાર આશ્રય સ્થળ રહયું છે. ૧૯૩૦ના દાયકાથી માંડીને બીજા વિશ્વયુધ્ધ સુધી સ્વિડનમાં નોર્વેજિયન,યહૂદી, ડેનિશ અને એસ્ટોનિયાઇ નાગરિકોને ઉદારતાથી આવકારવામાં આવ્યા હતા. છેલ્લા ૫૦ વર્ષમાં મધ્ય પૂર્વના ઝગડા, ઇરાનની ઇસ્લામિક ક્રાંતિ, પિનોશેના રંજાળથી ભાગેલા ચિલીના શરણાર્થીઓ અને પૂર્વ યુગોસ્લાવિયાના શરણાર્થીઓનું પણ સ્વિડને સ્વાગત કર્યુ હતું. ૧૯૯૦ થી ૨૦૦૦ના સમયગાળા દરમિયાન યુરોપના દેશોએ અપ્રવાસીઓ (ઇમિગ્રેન્ટ) ના પ્રવેશ પર નિયંત્રણો મુકયા પરંતુ સ્વિડને આશરો આપવાની પરંપરાને ચાલુ રાખી હતી. 

સ્વિડનમાં વામપંથી હોય કે દક્ષિણપંથી રાજનેતાઓ યુરોપિય સંઘના માપદંડો કરતા શરણાર્થીઓ માટે હંમેશા વધુ ઉદાર રહયા હતા. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્વિડનની રાજકીય,આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ઝડપથી બદલાતી જાય છે. આમ તો વિદેશથી આવીને વસેલા ઇમિગ્રેન્ટસનો મુદ્વો ઘણા સમયથી ચાલતો હતો પરંતુ ૨૦૧૫ના શરણાર્થી સંકટ પછી વધુ પ્રકાશમાં આવ્યો છે. ૨૦૧૫ના ૩ મહિનાના ગાળામાં ૧૪૦૦૦૦ શરણાર્થીઓ મોટે ભાગે મુસ્લિમ દેશોમાંથી સ્વિડન પહોંચ્યા હતા. ૨૪ કલાકમાં જર્મની પહોંચીને નૌકામાં બેસીને શરણાર્થીઓ ટ્રેલબોર્ગ પોર્ટ આવતા હતા. એક દિવસમાં પોર્ટ પર ૮૦૦ થી ૧૩૦૦ માણસો ઉતરતા હતા. શરણાર્થીઓએ મોટે ભાગે માલ્મો અને દક્ષિણના નાના શહેરોમાં પગપેસારો શરુ કરતા સરકાર અને નાગરિક સંગઠનોએ પણ નોંધ લેવી પડી હતી.  સ્વિડિશ મીડિયા અને ખાસ કરીને વૈકલ્પિક મીડિયામાં પહેલીવાર શરણાર્થીઓને મોટી સમસ્યા તરીકે વર્ણવામાં આવ્યા હતા. સ્વિડન સરકારે ૧૬૨૮૭૭ શરણાર્થીઓ માટે ૬ બિલિયન યુરો ડોલરનો ખર્ચ કર્યો જે પોતાના સકલ ઘરેલુ ઉત્પાદનના ૧.૩૫ ટકા જેટલો હતો.

 નવેમ્બર ૨૦૧૫માં સ્વિડિશ સોશિયલ ડેમોક્રેટ વડાપ્રધાન સ્ટીફન લોફવેને કબૂલ્યું હતું કે અમને અફસોસ છે કે સ્વિડન હવે વધારે પ્રમાણમાં શરણાર્થીઓને રાખી શકે તેમ નથી. ૧૯૮૮માં જેની સ્થાપના થયેલી તે સ્વિડિશ ડેમોક્રેટિક પાર્ટીએ દાયકાઓથી વિદેશી નાગરિકોને અપનાવવાની ઉદારનીતિનો ખુલ્લીને વિરોધ શરુ કર્યો. જે પાર્ટીને નવ નાઝીવાદી ફાંસીવાદી ગણવામાં આવતી હતી તેને મોકો જોઇને રાજનીતિ શરુ કરી. ૨૦૧૮માં  રિકસડૈગ (સંસદ)ની ચુંટણીમાં સ્વિડિશ ડેમોક્રેટિક પાર્ટી ૧૩ બેઠકો જીતી હતી. દક્ષિણ સ્કેન ક્ષેત્રમાં ૩૩ નગરપાલિકાઓમાંથી ૨૧ માં મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. પાર્ટી કાર્યકરોએ શરણાર્થી નાગરિકો અને વધતા જતા ગુનાઓની સમસ્યા પર સીધું બોલવાનું ચાલું કર્યુ. વધતા જતા હિંસક અપરાધોએ સામાજિક અને રાજકિય મંચ પર ચર્ચાનો વિષય બનવા લાગ્યા હતા. શાંત ગણાતા સ્વિડનમાં ૨૦૧૯માં ૧૦૦થી વધુ બોંબ વિસ્ફોટ થયા જે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાંં  બમણા હતા. ૨૦૧૮માં ગોળીબારીની ૩૦૦થી વધુ ઘટનાઓમાં ૪૫ લોકોના મુત્યુ થયા હતા. ૨૦૧૯માં  ગોળીબારીની ૩૨૦થી વધુ ઘટનામાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા. વિશ્વમાં ઓછો ગુના દર ધરાવતા સ્વિડનમાં વધતા જતા અપરાધ માટે સંગઠિત સમૂહો જવાબદાર ગણવામાં આવ્યા હતા. 

૨ વર્ષ પહેલા એક અહેવાલ પ્રકાશિત થયેલો તેમાં જણાવાયું હતું કે સ્વિડનમાંથી ૩૦૦ જેટલા જેહાદી સીરિયા અને ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટમાં આતંક ફેલાવવા ગયા હતા. યુરોપના કેટલાક દેશોમાંથી જેહાદીઓ મોકલવામાં આવતા હતા જેમાં સ્વિડનનો પણ સમાવેશ થતો હતો.  એમાં પણ ૫ લાખની કુલ વસ્તી ધરાવતું ઔધોગિક ક્રાંતિ વખતનું પોર્ટ સિટી ગોટેનબર્ગમાંથી ૧૦૦ જેહાદીઓની ભરતી થઇ હતી. અપરાધ સાથે સંકળાયેલા સમૂહોમાં ઇમિગ્રેન્ટની પહેલી અને ત્રીજી પેઢીના માણસો સંકળાયેલા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સ્વિડનમાં સોમાલિયા,ઇરાન,ઇરાક અને સીરિયાથી આવનારા લોકો મોટી સંખ્યામાં રહે છે. ૯૦ના દાયકાથી શરણાર્થીઓ માટે હોટ ફેવરિટ બની ગયેલા સ્વિડનની નીતિઓમાં પરિવર્તન આવતું જાય છે. ખાસ કરીને ૨૦૨૨માં ઉલ્ફ ક્રિસ્ટર્સન વડાપ્રધાન બન્યા પછી ઇમિગ્રેશન અને શરણાર્થીઓ માટેની નીતિ ગંભીર બની છે. વર્તમાન સ્વિડિશ ગઠબંધન સરકાર જેમના સમર્થનથી ચાલી રહી છે જેમાં કટ્ટર દક્ષિણપંથી સ્વીડન ડેમોક્રેટસ પાર્ટીનો પણ સમાવેશ થાય છે. 

આ પાર્ટી વિદેશી આવીને વસેલા નાગરિકોનો મોટા પાયે વિરોધ કરીને રાજનીતિ કરી રહી છે. પાર્ટીનું માનવું છે કે સ્વિડનમાં વસી ગયેલા વિદેશીઓની નવી પેઢી આંખો દેખાડવા લાગી છે. 

સ્વિડિશ માઇગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર ૨૦૨૪માં સ્વિડન આવનારા સંખ્યા ઓછી થઇ છે જે છેલ્લા ૫૦ વર્ષમાં પ્રથમવાર બન્યું છે.  સ્વિડનમાં કુલ ૨૦ લાખ જેટલા વિદેશી મૂળના નાગરિકો વસે છે જે કુલ વસ્તીના પાંચમા ભાગના છે. પ્યૂ રિસર્ચ રિપોર્ટ ૨૦૧૭માં જણાવ્યા અનુસાર સ્વિડનની મુસ્લિમ વસ્તી ૮.૯૦ લાખ હતી. જે સ્વિડનની કુલ વસ્તીના ૮ ટકા જેટલી છે. ૧૯૩૦ની સ્વિડીશ જનગણનામાં ૧૫ લોકો એશિયાઇ ધર્મ સમૂહ સાથે સંકળાયેલા હોવાનું નોંધવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ વસ્તી માત્ર ૧૧ લોકોની હતી. સ્વિડન જેવા ઉદાર દેશોની સરકાર સારી સુવિધા આપતી હોવાથી શરુઆતમાં શરણાર્થી તરીકે રહેતા લોકો પછીથી નાગરિકત્વ પણ મેળવી લે છે. એક સમયે આશરો આપવામાં સૌભાગ્ય સમજનારા સ્વિડનમાં બળાપો વધતો જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વધતી જતી હિંસાની ઘટનાઓને અપ્રવાસીઓની વધતી સંખ્યા સાથે જોડવામાં આવે છે. સ્વિડનમાં કુરાન બાળવાની ઘટનાનો દુનિયા ભરમાં ઉહાપોહ થયો હતો. આ ઘટના પછી સ્વિડનમાં સમુસૂતરુ ચાલતું નથી તેઓ મેસેજ મળ્યો હતો. દક્ષિણપંથી  સ્વિડન ડેમોક્રેટસ પાર્ટીને લોકો વધુને વધુ લોકો સમર્થન આપવા લાગ્યા છે. તેઓ સ્પષ્ટ માને છે કે ઇમિગ્રેશન નીતિથી  સ્વિડનની સંસ્કૃતિ જ નહી અર્થ વ્યવસ્થાને પણ નુકસાન થઇ રહયું છે. જો કે કેટલાકનું માનવું છે કે સ્થળાંતરને પ્રોત્સાહન આપવાનું પગલું સ્વિડનની વેરાયટી ઓફ ડેમોક્રેસી અને તેના માનવીય  મૂલ્યો સાથે બંધ બેસતું નથી.


Google NewsGoogle News