mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઇઝરાયેલ-પેલેસ્ટાઇનનો દાયકાઓ જૂનો ઝગડો અને 'ટુ સ્ટેટ સમાધાન'

Updated: May 28th, 2024

ઇઝરાયેલ-પેલેસ્ટાઇનનો દાયકાઓ જૂનો ઝગડો અને 'ટુ સ્ટેટ સમાધાન' 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- ટુ સ્ટેટ સમાધાનમાં હમાસ જેવા હિંસક સંગઠનના સ્થાને કોઇ જવાબદાર રાજકીય નેતૃત્વ હોય તો જ શાંતિની સ્થાપના થઇ શકે. માનો કે બે અલગ રાજયોની રચના શકય બને તો પણ ઇઝરાયેલ વિરોધીઓ હથિયાર હેઠા મુકશે એની કોઇ જ ગેરંટી નથી.

ઇ ઝરાયેલ પર હમાસના હુમલા પછી મધ્યપૂર્વ વિસ્તારમાં અશાંતિની આગ શાંત પડવાનું નામ લેતી નથી. હમાસનો બર્બરતાપૂર્ણ હુમલો એટલો પૂર્વ આયોજિત અને ખતરનાક હતો કે બીજા વિશ્વયુધ્ધમાં નાઝી જર્મની અને સહયોગીઓ દ્વારા પ્રાયોજિત હોલોકોસ્ટ પછી યહૂદીઓની થયેલી સૌથી મોટી સામુહિક હત્યા હતી. ૧૨૦૦થી વધુ ઇઝરાયેલી નાગરિકોના મુત્યુ અને ૨૫૦થી વધુના અપહરણ થયા હતા. ઇઝરાયેલ  વળતા પ્રહાર તરીકે હમાસના નાશના સોંગંદ ખાઇને છેલ્લા ૭ મહિના અને ૨૦  દિવસથી સૈન્ય કાર્યવાહી કરી રહયું છે. ઇઝરાયેલની આ કાર્યવાહીને વિશ્વફલક પર અત્યંત ક્રુર ગણવામાં આવી રહી છે. ખાસ કરીને ૪૦ કિમી લાંબા ગાજાપટ્ટી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. માનવ અધિકારવાદીઓનું માનવું છે કે ગાજાપટ્ટીમાં ૩૫૦૦૦ લોકોના મુત્યુ થયા છે જેમાં હમાસના આતંકીઓ કરતા નિર્દોષ નાગરિકો ખાસ તો મહિલાઓ અને બાળકો વધારે છે. નાગરિકો અને હમાસ સંગઠનના આતંકીઓનો ભેદ પરખવામાં ગરબડ થતા હજારો લોકો કીડી મકોડાની જેમ મર્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને હમાસની ટોચની નેતાગીરી વિરુધ એરેસ્ટ વોરન્ટની અરજી પણ થઇ છે. યહુદીઓ માટે સૌથી સુરક્ષિત ગણાતી ભૂમિ ઉપર પણ જો આતંકી હુમલા થતા હોયતો પછી અસ્તિત્વની લડાઇ લડવી જ પડે એમ ઇઝરાયેલ માને છે. હમાસના માણસો દ્વારા અપહરણ કરાયેલા નાગરિકોને છોડાવવા અપહ્તોનો સગા સંબંધીઓ ઇઝરાયેલ સરકાર પર દબાણ કરી રહયા છે. ઇઝરાયેલી સરકારના અનુમાન અનુસાર ક્રોસ બોર્ડર હુમલામાં ૨૫૨ નાગરિકોના અપહરણ થયા પછી કતારની શાંતિ સમજુતી હેઠળ નવેમ્બરમાં ૧૧૨ નાગરિકોને છોડાવ્યા હતા. ઇઝરાયેલ હજુ પણ મિલિટરી ઓપેરેશન ચલાવીને બાકી અપહ્તોની શોધખોળ કરી રહયું છે. સૈન્ય કાર્યવાહી દરમિયાન કેટલાકના મૃતદેહો મળી રહયા છે. ૭ મી ઓકટોબર-૨૦૨૩ના હમાસ હુમલા પછીે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ અપેક્ષા કરતા ખૂબ લાંબો ચાલ્યો છે. એક બાજુ ઇઝરાયેલની ઉત્તરી સીમા પર હજુ પણ તણાવ અને જોખમની સ્થિતિ છે  બીજી બાજુ લાગ જોઇને લેબનોનમાં ઇરાન સમર્થિત હિજબુલ્લાહ સંગઠને પણ માથુ ઉચકે છે. સિરિયામાં પણ યહુદી વિરોધી ઇસ્લામિક જૂથોની સક્રિયતા અને ઇઝરાયેલના તાબડતોબ હુમલા પછી સમગ્ર ક્ષેત્ર સંવેદનશીલ બન્યુું છે. ઇરાન અને ઇઝરાયેલની ખટાશ વચ્ચે હુતી સહિતના નાના મોટા ઘાતક સશસ્ત્ર સમૂહો વધુ વિસ્તરી રહયા છે. યમનનું હુતી હોય કે ઇરાક-સિરિયાનું ઇસ્લામિક સ્ટેટ, લેબનોનનું હિજબુલ્લાહ હોય કે પેલેસ્ટાઇનનું હમાસ દરેકને ઇઝરાયેલનું અસ્તિત્વ આંખના કણાની જેમ ખૂંચે છે. આ ઇસ્લામિક આતંકી સંગઠનોના પોતાના હિતો અને આકાઓ ભલે જુદા જુદા હોય પરંતુ પેલેસ્ટાઇનીઓનું આંખ મીચીને સમર્થન કરે છે. 

દુનિયા આખી હવે લાંબા સમયથી ચાલતા ઇઝરાયેલ પેલેસ્ટાઇન વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે. ધર્મ,સંસ્કૃતિભેદ અને દ્વેષમાંથી જન્મેલો ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનો દાયકાઓ જૂનો ઝગડો ઉકેલવા  'ટુ સ્ટેટ સોલ્યુશન' (બે રાજય સમાધાન) પર ફરી નજર દોડાવવામાં આવી છે. સંયુકત રાષ્ટ્ર માને છે કે આ 'ટુ સ્ટેટ સોલ્યુશન' ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની કાયદેસરની રાષ્ટ્રીય આકાંક્ષાઓનો સ્વીકાર કરે છે. ટુ સ્ટેટ સોલ્યુશનમાં બે સમુદાયના લોકો માટે બે રાજયની રચના કરવાની વાત છે. યુનાઇટેડ સ્ટેટસ, યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન દેશો, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિતના દેશો બંને પક્ષોને 'ટુ સ્ટેટ સોલ્યુશન'ના અમલ પર ભાર મુકે છે. ઇઝરાયેલના સુરક્ષાના પડકારોને સમજીને યહૂદી બહુલ્ય વસ્તી જાળવી રાખીને પણ સ્વતંત્ર પેલેસ્ટાઇન માટેની 'ટુ સ્ટેટ સોલ્યુશન' અવધારણા આજકાલની નથી. છેલ્લે વર્ષ ૧૯૯૧માં અમેરિકાની મધ્યસ્થતા પછી મેડ્રિડ શાંતિ સંમેલન અંર્તગત ઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ હલ કરવા ટુ સ્ટેટ સોલ્યુશન પર સહમતિ પણ બની હતી.' ટુ સ્ટેટ સોલ્યુશન'ના પ્રયાસો ૧૯૪૮માં ઇઝરાયેલની આઝાદી પહેલા પણ થયા હતા. સંયુકત રાષ્ટ્રસંઘે વિભાજન યોજનાની રુપરેખા આપતો ઠરાવ પસાર કરેલો તેની સૂચિત સરહદો કયારેય સાકાર થઇ નથી. ૧૪ મે ૧૯૪૮ના રોજ ઇઝરાયેલ સ્વતંત્ર જાહેર થયા પછી તરત જ સીરિયા,જોર્ડન અને ઇજિપ્તે નવા પ્રદેશ ઇઝરાયેલ પર આક્રમણ કર્યુ હતું. પ્રથમ આરબ ઇઝરાયલ યુધ્ધ (૧૫ મે ૧૯૪૮ થી ૧૦ માર્ચ ૧૯૪૯) પછી નવા ઇઝરાયેલમાંથી હજારો પેલેસ્ટાઇનીઓ વેસ્ટબેંક અને ગાજામાંથી વિસ્થાપિત થયા હતા. ત્યાર બાદ ઇઝરાયેલ અને પાડોશીઓ વચ્ચે ગ્રીનલાઇન (શસ્ત્ર વિરામ લાઇન) દોરવામાં આવી જે ઇઝરાયેલ અને પશ્ચિમ કાંઠા તેમજ ગાઝા વચ્ચેની લગભગ વર્તમાન સરહદ છે. ૧૯૬૭માં ૬ દિવસના આરબ ઇઝરાયેલ યુધ્ધ પછી ઇઝરાયેલે પૂર્વ જેરુસલેમ અને ગોલાન હાઇટ્સ, સાથે પશ્ચિમ કાંઠા (વેસ્ટ બેંક) અને ગાજા પર કબ્જો કર્યો હતો. 

બે રાજય રચીને ઉકેલની વર્તમાન ચર્ચામાં હવે ૧૯૬૭ પહેલાની સરહદો સાથે બે રાજયો બનાવવાનો સંદર્ભ છે. આનો અર્થ કે નવા પેલેસ્ટાઇન રાજયમાં ઇઝરાયેલી વસાહત પહેલાના પશ્ચિમ કાંઠા અને ગાઝાનો સમાવેશ થશે. જો કે જેરુસલેમને કેવી રીતે વિભાજીત કરવામાં આવશે જે આ યોજનામાં 

વિવાદનો સૌથી મહત્વપૂર્ણ મુદ્વો રહયો છે. ઇઝરાયેલ પોતાની સુરક્ષા માટે મેળવેલા એક પણ પ્રદેશો છોડવા તૈયાર નહી. ઇઝરાયલે પહેલાથી વસાહતો દૂર કરીને પોતાનું નિયંત્રણ વધુ મજબૂત બનાવ્યું છે. વેસ્ટબેંક તરફ પણ પોતાની વસ્તીનો વિસ્તાર કર્યો છે. આ બદલાયેલી ડેમોગ્રાફી જ 'ટુ સ્ટેટ સોલ્યુશન'ને વધુ જટિલ બનાવે છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ટુ સ્ટેટની વાતને ફગાવી રહયા છે. તાજેતરમાં સ્પેન,નોર્વે અને આર્યલેન્ડ જેવા દેશોએ પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા આપી તેની પણ નારાજગી વ્યકત કરી છે.

ઇઝરાયેલી અને પેલેસ્ટાઇની અધિકારોને સમજવા અને જમીન પર ઉતારવા અઘરા છે. નોંધવા જેવું છે કે વેસ્ટ બેંંકમાં કેટલાક પેલેસ્ટાઇની રાષ્ટ્રવાદીઓ 'ટુ સ્ટેટ સોલ્યુશન'નું સમર્થન કરે છે પરંતુ ગાજાનું હમાસ સંગઠન ઇઝરાયેલને દેશ તરીકે જ માન્યતા આપતું નથી. હકિકતમાં તો ઇઝરાયેલની સ્થાપના જ એવા વિચારથી કરવામાં આવી હતી કે હૉલોકૉસ્ટ પછી દુનિયામાં કમસેકમ એક એવી જગ્યા એવી હોવી જોઇએ જયાં યહુદીઓ હંમેશાને માટે સુરક્ષિત મહેસૂસ કરી શકે. વેસ્ટ બેંક અને ગાજાપટ્ટીના વિદ્વોહીઓનો ઇરાદો ઇઝરાયેલને હટાવીને એક સ્વતંત્ર પેલેસ્ટાઇની રાજયની સ્થાપનાનો છે. વર્તમાન સમયમાં પેલેસ્ટાઇનમાં રાજકીય નેતૃત્વમાં સમન્વય અને સમજણનો વ્યાપક અભાવ જોવા મળે છે. વર્ષોથી જેહાદી અને ચરમપંથી સંગઠનોએ પેલેસ્ટાઇનીઓને ખૂબ નુકસાન કર્યુ છે. હમાસના વર્ષોથી સત્તાવાદી ઇસ્લામી શાસન હેઠળ પેલેસ્ટાઇનીઓને પીડા જ મળી છે. હમાસ આતંકવાદ, આંદોલન અને રાજકીય સંગઠનનું મિકસ સ્વરુપ છે. હમાસના ખૂદના કૃત્યોથી જ પેલેસ્ટાઇનવાસીઓએ ભોગવવાનો વારો આવે છે. ટુ સ્ટેટ સોલ્યુશનમાં હમાસ જેવા મારો કાપો સંગઠનોના સ્થાને કોઇ જવાબદાર રાજકીય નેતૃત્વ હોય તો જ શાંતિની સ્થાપના થઇ શકે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે બે અલગ રાજયોની રચના થયા પછી પણ ઇઝરાયેલ વિરોધીઓ હથિયાર હેઠા મુકશે એની કોઇ જ ગેરંટી નથી. ઉલટાની બે રાજય  સમાધાન પછી પણ એક કરતા વધુ મોરચે લડાઇઓ ચાલતી જ રહે તેવી પણ સંભાવના રહેલી છે. ટુ સ્ટેટ સોલ્યુશન હેઠળ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનીઓ શાંતિ અને સુરક્ષા સાથે એક સહ અસ્તિત્વ ધરાવતા થાય તો તે સારી બાબત છે. સાથે એ પણ સમજવાની જરુર છે કે આ માત્ર સિમાંકનનો ઝગડો છે પરંતુ આમાં કલ્ચર વૉરના મૂળિયા ખૂબ ઉંડા છે. પેઢીઓથી લોહી રેડાતા રહયા છે ત્યારે સરહદી વહેંચણી પછી પરસ્પર માટે ધૃણા,નફરત અને અવિશ્વાસ જતો રહેશે તે કહેવું મુશ્કેલ છે. પેલેસ્ટાઇન અને ગાજા ક્ષેત્રમાં સ્થાયી શાંતિનો એક માત્ર આધાર સમજુ નાગરિકો અને વિચારશીલ નેતૃત્વ પર રહેલો છે. ધર્મના નામે હિંસા અને અશાંતિ ફેલાવતા સંગઠનો કયારેય ભલું કરશે નહી. સરહદ પારથી આતંકીઓ પડકારે ત્યારે પોતાના નાગરિકો અને ભૂમિનું રક્ષણ કરવુંએ ઇઝરાયેલ નહી કોઇ પણ દેશનો અબાધિત અધિકાર છે અને રહેવાનો છે.

Gujarat