ઉનાળામાં રાત્રે સતત વધતા જતા લઘુતમ તાપમાનનો ગુરુતમ પડકાર

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ઉનાળામાં રાત્રે સતત વધતા જતા લઘુતમ તાપમાનનો ગુરુતમ પડકાર 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- દિવસ અને રાત્રિ વચ્ચેના તાપમાનનો ઘટતો જતો તફાવત સંભવિત પાકની ઉપજ, છોડની વૃધ્ધિ અને પ્રાણીઓની દૂધ આપવાની ક્ષમતા અને માનવ સ્વાસ્થ્ય પર પણ અસર જન્માવશે. 

તા જેતરમાં દેશના લગભગ અડધા ભાગમાં સામાન્ય કરતા તાપમાન ૪ થી ૯ ડિગ્રી વધારે  ઉંચું જોવા મળ્યું હતું. હિલ સ્ટેશન એટલે કે હવા ખાવાના સ્થળોએ પણ તાપમાનનો પારો ઉંચો જોવા મળ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીનો જૂન મહિનો પણ ભારે ગરમી અને ઉંચા તાપમાનનો રહયો છે. ભારતનું હવામાન સ્પષ્ટ રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુઓમાં વહેંચાયેલું છે. દેશના વિવિધ ભાગોમાં દર માર્ચ મહિનાથી તાપમાનનો પારો ક્રમશ ચડવા લાગે છે. એપ્રિલ અને મે માં ગ્રીષ્મ ગરમી ક્રમશ વધતી રહે છે. મે નો મધ્ય અને અંતિમ ભાગ હંમેશા આકરી ગરમીનો રહયો છે. ધોમધખતા ઉનાળામાં દિવસે તાપમાનનો પારો વેઠી ના શકાય એ હદ પહોંચે ત્યારે જનજીવન થંભી જતું હોય છે. રસ્તાઓ ચકલુંય ફરકતું ના હોય એવા સૂમસામ બની જાય છે. જેવી બપોર પસાર થાય કે તરત જ તાપમાનનો પારો નીચો આવે અને ફરી લોકો કામે વળગી શકતા. ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પહેલાના ખેતીકામો વહેલી સવારે અને નમતા બપોરથી સાંજ સુધી કરવાની ઘરેડ ગોઠવાયેલી રહી છે. ભારતીયો ઋતુચક્રથી ટેવાયેલા છે અને જીવનચર્યા પણ એ મુજબની ગોઠવાયેલી રહી છે. 

એક સમય હતો કે બપોરે ભલેને કાળઝાળ ગરમી પડે પરંતુ સાંજ પડે એટલે ટાઠોડું થઇ જતું. લોકો ખાટલા પાથરીને ખુલ્લામાં કે અગાસીમાં સૂઇ રહેવાનું પસંદ કરતા. દિવસે ભલે ગરમી વિતાડે પરંતુ મોડી રાત્રે થોડોક ઠંડો પવન ઉંઘ લાવી દેતો. હવે ગરમીની પેટર્ન બદલાઇ હોય એમ દિવસની જેમ રાત્રે પણ તિવ્ર ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. આમ તો જૂન મહિનો બેસે એટલે કેરલના કાંઠે વરસાદના એંધાણ મળવાની સાથે જ મેઘ સવારી માટે દેશવાસીઓ રાહ જોતા ઉભા રહી જાય છે. નૈઋત્યના મૌસમી પવનોના બે ફાંટા બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પરથી આગળ વધીને દેશમાં ચોમાસુ લાવે છે. આ વખતે ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનના સંધીકાળ ગણાતા જૂન મહિનામાં ઉનાળાની ધોેમધખતી ગરમી યથાવત રહી છે.  છેલ્લા કેટલાક વર્ષોથી જોઇએ તો ગરમી ખૂદ પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી રહી છે.  કેટલાક વર્ષોથી અવાર નવાર સાંભળીએ છીએ કે માર્ચ સૌથી ગરમ, એપ્રિલમાં ગરમીએ રેકોર્ડ તોડયો, મંે મહિનામાં પારાએ આંક વટાવ્યો. આ વર્ષે દેશમાં સત્તાવાર આંકડા મુજબ ૪૦ હજારથી વધુ લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. ઉંચા તાપમાનના પગલે મરણઆંકમાં પણ ખૂબ વધારો થયો છે. શિયાળામાં ધૃમ્મસ અને ઠંડીથી ગોટાઇ જતી દિલ્હીમાં ઉનાળો આકારા પાણીએ રહયો છે. ઉનાળાની સિઝન દરમિયાન દિલ્હીમાં સતત ૩૭ દિવસ સુધી તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી પણ વધારે નોંધાયો છે. ખૂશનુમા ગણાતા દહેરાદૂનમાં તાપમાન જૂન મહિનામાં ૪૩ ડિગ્રી જેટલું ઉંચે ગયું હતું.  

અમેરિકા હોય, આફ્રિકા હોય, યુરોપ હોય કે ઓસ્ટ્રેલિયા. દુનિયાના દરેક ભાગમાં તાપમાન વધતું જાય છે પરંતુ ભારતને લાગે વળગે છે ત્યાં સુધી શહેરી વિસ્તારોમાં દિવસ અને રાત્રિના તાપમાનનો ગાળો ઘટતો જાય છે. દિવસે ધોમધખતી ગરમી પડે તેની સાથે રાત્રે તાપમાન પણ ઉંચું રહેવા માંડયું છે એવું એક સ્ટડીમાં બહાર આવ્યું છે. દિવસે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી રહયું હોયતો રાત્રે લઘુત્તમ તાપમાન ૨૫ થી ૩૭ સુધી નોંધાયું હોવાનું પણ બન્યું છે. ભારતના મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ૧૮ જૂનના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાતનું લઘુત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું. જુના રેકોર્ડ મુજબ ૧૯૬૯ પછી દિલ્હી શહેરમાં રાત્રિનું નોંધાયેલું આ સૌથી વધારે લઘુત્તમ તાપમાન હતું. જો દિવસ દરમિયાન તાપમાન ૪૦ ડિગ્રી કે તેનાથી વધારે હોયતો રાત્રિનું લઘુત્તમ તાપમાન ૪.૫ થી ૬.૪ ડિગ્રી સેલ્સિયસના તફાવતથી સામાન્ય કરતા વધારે ગણાય છે. જો તે ૬.૪ ડિગ્રી કરતા પણ વધારે હોય તેવા સંજોગોમાં તીવ્ર ગરમી રાત્રિએ જોવા મળે છે. એ રીતે જોઇએ તો પણ દિલ્હીનું રાત્રિનું તાપમાન ખૂબજ ઉંચુ રહયું હતું. ૧૮ જૂનના રોજ રાજસ્થાનના અલવરમાં લધુત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું જે પણ ૧૯૬૯ પછીની સૌથી ગરમ રાત્રિ હતી. અલવરમાં  રાત્રિનું તાપમાન ૨૫ ડિગ્રી કરતા વધારે નોંધાયું હોય એવું ૯ વાર બન્યું છે. ઉત્તરપ્રદેશના લખીમપુરી ખીરી,  શાહજહાંપુર અને વારાણસીમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન ૩૩ થી લઇને ૩૩.૬ ડિગ્રી સુધી નોંધાયું હતું. વારાણસીમાં ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીમાં જળવાયુ પરિવર્તનના કારણે લઘુત્તમ ૨૫ ડિગ્રી કરતા વધુ તાપમાનવાળી વધુ ૪ રાત્રિઓ રહી હતી.અમેરિકાના 'કલાયમેટ સેન્ટ્રલ અને કલાયમેટ ટ્રેડસ'ના સંશોધન મુજબ જળવાયુ પરિવર્તનના લીધે ૨૦૧૮ થી ૨૦૨૩ની વચ્ચે પૃથ્વી પર દરેક વ્યકિતએ ૨૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન ધરાવતી સરેરાશ ૪.૮ રાત્રિઓ વિતાવવી પડી છે. સરેરાશ દરેક વ્યકિતએ સરેરાશ ૧૧.૫ જેટલી ઉંચા તાપમાનવાળી રાત્રિઓનો સામનો કરવો પડયો છે જેમાં લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી કરતા વધારે હતું. દિવસની સરખામણીમાં રાતના વધારે તાપમાનથી  દુનિયા ભરમાં ઉંઘની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. લોકોની સમજવાની, વિચારવાની ક્ષમતા પર વિપરિત અસર પડી રહી છે.

ભારતની વાત કરીએ તો છેલ્લા એક દાયકામાં રાત્રિના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ૨૦૧૮ થી ૨૦૨૩ની વચ્ચે કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને આંધ્રપ્રદેશના શહેરોમાં  વર્ષેમાં ૫૦ થી ૮૦ વાર લઘુત્તમ તાપમાન તેની લઘુત્તમ મર્યાદા કરતા વધારે રહયું છે. દિવસના ગુરુત્તમ અને રાત્રિના લઘુત્તમ તાપમાનનું સંતુલન ઝડપથી ખોરવાતું જાય છે.

 જયપુરમાં જળવાયુ પરિવર્તનના કારણે ૧૯ રાત્રિમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહયું હતું.  જલપાઇગુડી, ગૌહાટી, સિલચર,ડિબુ્રગઢ અને સિલીગુડી જેવા શહેરોમાં જળવાયુ પરિવર્તનના કારણે ૧ વર્ષમાં  ૮૦ થી ૮૬ દિવસ તાપમાનનો પારો ૨૫ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે રહયો હતો. ગંગટોકમાં ૫૪,દાર્જિલિંગમાં ૩૧,શિમલામાં ૩૦ અને મૈસૂરમાં ૨૬ વાર તેના લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ કરતા તાપમાન ઉંચું રહયું હતું. શહેરોમાં ગગનચૂંબી ઇમારતો, પહોળા રસ્તાઓ તેમજ વધતા જતા કોમર્શિયલ બાંધકામોના સ્ટ્રકચર્સ ગરમીને શોષે છે. ત્યારબાદ ઉત્સર્જિત ગરમી વાતાવરણમાં પાછી જતી ન હોવાથી ગરમી અને લૂ જેવી અસર ચાલુ રહે છે. આથી જ તો ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં શહેરોમાં લઘુત્તમ તાપમાન ઉંચુ રહેતું હોવાથી રાત્રે ગરમીનો અહેસાસ વધારે થાય છે. વૃક્ષો અને વનરાજી વાળા સ્થળોએ ગરમી ઝડપથી મુકત થાય છે પરંતુ શહેરોમાં વૃક્ષો કરતા કોંક્રિટના જંગલો પર ભાર મુકવામાં આવ્યો હોવાથી માઠા પરિણામો મળી રહયા છે. શહેરોમાં  બધા પાસે અને બધાના રુમમાં એસી ની સગવડ હોતી નથી. આવા સંજોગોમાં ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો ઉંચા લધુત્તમ તાપમાનનો ભોગ બનીને કણસતા રહે છે.ખાસ કરીને વડિલો અને બાળકોની સ્થિતિ ખૂબજ કફોડી બની જાય છે. ગરમીથી વળતો પરસેવો વારંવાર રાત્રે જગાડી દે છે. રાત્રે ગરમીના લીધે સારી ઉંઘના આવવાની અસર દિવસની આર્થિક પ્રવૃતિઓ પર પણ થાય છે. ગુસ્સો અને તણાવમાં વધારો થાય છે. પુરી ક્ષમતા અને આત્મવિશ્વાસથી કામ થઇ શકતું નથી. બાળકોના અભ્યાસ પર વિપરિત અસર થાય છે. જો આ પરીસ્થિતિ આગામી કેટલાક વર્ષો સુધી ચાલુ રહી તો માનવીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પેદા કરશે. 

૨૪ કલાકના ચક્રમાં દિવસના પ્રારંભિક કલાકોમાં તાપમાન તેના સૌથી નીચા સ્તરે આવે છે. સામાન્ય રીતે ૩ થી સવારે ૫ વાગ્યા વચ્ચે તાપમાન સૌથી ઓછું (લઘુત્તમ) હોય છે. સંશોધનોમાં સાબીત થયું છે કે દિવસ અને રાત્રિ વચ્ચેના તાપમાનનો ઘટતો જતો તફાવત સંભવિત પાકની ઉપજ, છોડની વૃધ્ધિ અને પ્રાણીઓની દૂધ આપવાની ક્ષમતા અને માનવ સ્વાસ્થ્ય પર પણ અસર જન્માવશે. શહેરોમાં બાંધકામ પણ વેધર નહી પરંતુ પ્રાઇવસી અને લકઝરીયસ સુવિધાઓને અનુરુપ તૈયાર કરવામાં આવે છે આથી ગરમી અટકવાનું નામ લેતી નથી.માનવ સહિતનો કોઇ પણ જીવ તેના આસપાસના હવામાનની અસરમાંથી મુકત રહી શકતો નથી. હવામાન બધાને એક સરખું સ્પર્શે છે અને દરેકનું જીવન ગાંઢ રીતે એની સાથે જોડાયેલું છે. લોકોમાં હવે વેધરની જાણકારી મેળવવાની અવેરનેસ વધતી જાય છે. તાપમાન અને હવામાન સતત બદલાતુ રહે છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી વેઠયા પછી ઉનાળા પછીના ચોમાસામાં વૃક્ષો વાવવા બાબતે મન બદલાઇ જવું જોઇએ નહી. વધતું જતું મહત્તમ કે ગુરુત્તમ તાપમાન ભલે એક વિકરાળ ગ્લોબલ સમસ્યા હોય પરંતુ તેનો ઉપાય લોકલ સ્તરે જ છે. 


Google NewsGoogle News