રશિયાનું નવું હથિયાર 'આફ્રિકી કોર્પ્સ' .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
રશિયાનું નવું હથિયાર 'આફ્રિકી કોર્પ્સ'                            . 1 - image


- આફ્રિકામાં વેગનર સૈન્ય ગુ્રપના સ્થાને

- મીડ વીક- હસમુખ ગજજર

- રશિયાએ આફ્રિકામાં પોતાનો પ્રભાવ પાથરવા વેગનર જેવા કોન્ટ્રાકટ લડવૈયાઓનો ખૂબીપૂર્વક ઉપયોગ કરેલો છે. હવે રશિયાના ખાનગી સૈન્ય વેગનર ગુ્રપનું આફ્રિકી કૉર્પ્સમાં પરિવર્તન થઇ રહયું છે.

વે ગનર રશિયાનું એક એવું ખાનગી સૈન્ય ગુ્રપ જેને ૧ વર્ષ પહેલા માર્ચ ફોર જસ્ટિસ આદરીને રશિયાની સરકાર સામે બળવો કર્યો હતો. યુક્રેનની સીમા નજીકના દક્ષિણી શહેર રોસ્તોવ પર વેગનર સૈનિકોએ કબ્જો લીધો ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુટિનના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. પુટિનના એક સમયના ખાસ ગણાતા યેવગેની પ્રિગોઝિને વેગનરની સ્થાપના કરેલી જેને પુટિનની પ્રાઇવેટ આર્મી પણ કહેવામાં આવતી હતી.

વેગનરનો બળવો એકાદ દિવસમાં સમી ગયો પરંતુ રશિયાની સરકારે આ કડવા અનુભવ પરથી વેગનર પર સકંજો કસવાની શરુઆત કરી હતી. એવું માનવામાં આવતું હતું કે બળવા પછી પ્રિગોઝિન અને પુટિન વચ્ચે થયેલી એક સમજૂતી હેઠળ વેગનર ગુ્રપે આફ્રિકામાં રશિયા માટે વધુ મજબૂતીથી કામ કરવાનું હતું.જો કે બળવાના ૨ મહિના પછી પ્રિગોઝિનનું વિમાની અકસ્માતમાં રહસ્યમયી રીતે મુત્યુ થતા વેગનરનું અસ્તિત્વ ડામાડોળ બની ગયું હતું. 

વિશ્વના કેટલાક દેશોમાં ખાનગી સૈન્ય સમૂહોની મદદ લેવામાં આવે છે જેમાં રશિયાનું વેગેનર સૌથી વધુ ચર્ચાંમાં રહયું છે. સિરિયા અને ત્યાર પછી યુક્રેનમાં વેગનર લડવૈયાઓએ રશિયા તરફથી યુધ્ધમાં ભાગ લીધો હતો. અમેરિકી સુરક્ષા પરિષદ અનુસાર વેગનર પાસે યુક્રેનમાં લગભગ ૫૦ હજાર જેટલા ભાડાના સૈનિકો લડતા હતા.આફ્રિકામાં વેગનરના ભાડૂતી માણસો વિશે પ્રથમ વાર ૨૦૧૭માં બહાર પડેલા એક અહેવાલમાં ધ્યાનમાં આવ્યું હતું. સોનાની ખાણોમાં ભાગીદારીની શરતે સુદાનમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ઓમર અલ બશીરને ટેકો આપવા માટે વેગનરના માણસો ગોઠવવામાં આવ્યા હતા. ટુંકા સમયગાળામાં જ વેગનરની હાજરી અન્ય આફ્રિકન દેશોમાં પણ ફેલાઇ હતી. ૨૦૧૮માં રશિયન કોન્ટ્રાકટરોએ પૂર્વી લિબિયામાં શકિતશાળી કમાંડર ખલીફા હફતારને ટેકો આપ્યો હતો જે વિદ્રોહીઓ અને આતંકી સંગઠનો સામે લડી રહયા હતા.  સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં રશિયન ભાડૂતી સૈનિકો ૨૦૧૮થી સુરક્ષા પ્રદાન કરી રહયા છે અને બદલામાં કેટલાક દેશોની સોનાની અને હીરાની ખાણોમાં પ્રવેશ મેળવ્યો છે. ૨૦૨૦ અને ૨૦૨૧માં માલીમાં, ૨૦૨૨માં બુર્કિનાફાસો અને ૨૦૨૩માં નાઇજરમાં સત્તાપલટો થતા પશ્ચિમી દેશોની ટીકા કરતા લશ્કરી શાસકો સત્તાની નજીક આવ્યા હતા. ૨૦૧૩માં ફ્રાંસે આતંકવાદીઓ સામે લડવા માલીમાં જે કાર્યવાહી આરંભી તે નાઇજર, બુર્કિના ફાસો અને ચાડ સુધી વિસ્તરી હતી. ૯ વર્ષ સુધીનો સંઘર્ષ છતાં શાંતિ સ્થપાઇ ન હતી. આવા સંજોગોમાં કેટલાક આફ્રિકી દેશો લશ્કરી સમર્થન માટે પશ્ચિમનો સાથ છોડીને રશિયા તરફ વળ્યા હતા. રશિયાએ પણ આફ્રિકાના દેશોમાં ચાલતી રાજકીય અશાંતિ અને અસંતોષનો લાભ ખાટવા પ્રયાસ કર્યો છે. પોતાનો પ્રભાવ પાથરવા વેગનર જેવા કોન્ટ્રાકટ લડવૈયાઓનો ખૂબીપૂર્વક ઉપયોગ કરેલો છે.ભાડૂતી સૈનિકોએ આફ્રિકન નેતાઓને બચાવવાથી માંડીને રાજયોને વિદ્વોહીઓ સામે લડવા સુધીની જવાબદારી ઉઠાવેલી છે. કયાંક ખુલ્લામાં અને કયાંક ખાનગીમાં સક્રિય રહેતા આ વેગનર ગુ્રપનું આફ્રિકી કૉર્પ્સમાં પરિવર્તન થયું છે. એવું માનવામાં આવતું હતું કે  વેગનર ગુ્રપ ઘર આંગણે લગભગ સમાપ્ત કર્યા પછી રશિયા વિદેશોમાં પણ કડક પગલું ભરશે તેના સ્થાને રશિયાએ વેગનરને નિયંત્રણમાં લઇને આફ્રિકન કોર્પ્સ થકી આફ્રિકન રાષ્ટ્રોમાં  લશ્કરી સહકારને તિવ્ર ઝડપે વિસ્તારી રહયું છે. એક અહેવાલ મુજબ પ્રિગોઝિનના મુત્યુ પછી રશિયાના ઉપ રક્ષામંત્રી યુનુસ બેક યેવકુરોવ આફ્રિકી દેશોનો પ્રવાસ વધારી દીધો હતો. ખાનગી રીતે વેગનર ગુ્રપ જે સેવા આપતું હતું તે ખતમ નહી થાય એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પ્રિગોઝિનના મુત્યુ અને વેગનર નબળુ પડયા પછી પણ  રશિયન સરકારનું આફ્રિકા પર ધ્યાન નબળું પડવાના સ્થાને મજબૂત થયું છે. 

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓના અહેવાલ અનુસાર આફ્રિકામાં કોર્પ્સે પશ્ચિમ આફ્રિકામાં વેગનરનું સ્થાન લઇ લીધું છે. આ યુનિટમાં ભરતી થનારાને દર મહિને ૧.૧૦ લાખ રુબલ (રશિયન નાણુ) મળે છે. ગત જાન્યુઆરીમાં  આફ્રિકા કોર્પ્સે બુર્કિના ફાસોમાં ૧૦૦ સૈનિકોની ગોઠવણીની જાહેરાત પણ કરી હતી.  એપ્રિલ મહિનામાં ૧૦૦ જેટલા સૈનિકો નાઇઝર મોકલાયા હતા. આફ્રિકા કોર્પનો મૂળ હેતું રશિયાની જાસુસી સંસ્થા અને રક્ષા મંત્રાલયના હેતુઓ બર લાવવાનો છે. જે કામ વેગનર ગુ્રપ અવ્યવસ્થિત રીતે કરતું આવ્યું છે તે કાર્ય આફ્રિકન કોર્પ્સ સ્ટ્રેટેજીથી કરવા ધારે છે. રશિયા આફ્રિકી કોર્પ્સનો ઉપયોગ ખુલ્લમ ખુલ્લા કરે તેવી પણ શકયતા છે. પ્રિગોઝિનનો પુત્ર પાવેલને પિતાના અધૂરા કામો પુરા કરવાની મંજુરી આપવામાં આવી છે.પોલિશ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના સ્ટડીમાં જણાવ્યું હતું કે આફ્રિકા કોર્પ્સની રચનામાં રશિયાએ આફ્રિકામાં તેના પહેલાથી ગોઠવાયેલા લશ્કરી સેટઅપની મદદ લીધી છે. રશિયા યુક્રેન પર તેના આક્રમણને લઇને આફ્રિકાના ૫૪ માંથી વધુને વધુ દેશોનું રાજકીય સમર્થન ઇચ્છે છે. 

જો રાજકિય સમર્થન ના મળે તેવા કિસ્સામાં તટસ્થ રહે તો પણ સંતોષ ધરાવે છે. આફ્રિકન રાષ્ટ્રો સંયુકત રાષ્ટ્રસંઘમાં સૌથી મોટું મતદાન જૂથ ધરાવે છે. યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની ટીકા કરતા જનરલ એસેમ્બીના ઠરાવો પર અન્ય કોઇ પણ જૂથ કરતા વધુ વિભાજીત રહયા છે. રશિયા સાથે જોડાયેલી સંસ્થાઓ પણ આફ્રિકન રાજયો અને પશ્ચિમના સંબંધો નબળા પાડીને પોતાનો પ્રભાવ પાથરવો છે. આફ્રિકા સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની અંદર એક શૈક્ષણિક સંસ્થાના માર્ચ મહિનાના એક અહેવાલમાં જણાવ્યું હતું કે મોસ્કો ૨૨થી વધુ દેશોને લક્ષ્ય બનાવીને ૮૦ જેટલી દસ્તાવેજી ઝુંબેશ પ્રાયોજિત કરી રહયું છે. રશિયાએ આફ્રિકાના જે તે દેશની આંતરિક પરિસ્થિતિ અને રાજકારણમાં દખલ કર્યા વિના સુરક્ષા આપવાની નીતિ અપનાવી છે. બદલામાં ખનીજ સંપતિ અને ક્રુડનો વેપાર ઇચ્છે છે. કોબાલ્ટનો ઉપયોગ મોબાઇલ ફોન સહિતના ઇલેકટ્રોનિકસ જયારે લિથિયમનો ઉપયોગ બેટરીમાં થાય છે. ઇયુ સંસદના અભ્યાસ મુજબ રશિયાને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનું અને હીરા, કોંગોમાં કોબાલ્ટ, સુદાનમાં સોનું અને ક્રુડ, મેડાગાસ્કરમાં ક્રોમાઇટ, ઝિમ્બાબ્વેમાં પ્લેટિનમ અને હીરા, નામીબિયામાં યુરેનિયમમાં રસ છે. યુએસના નોન પ્રોફિટ ડેમોક્રેસી ૨૧ જૂથે ગત ડિસેમ્બરમાં આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ફેબુ્રઆરી ૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ કર્યા પછી વેગનર અને રશિયાએ એકલા આફ્રિકન સોનાના વેપાર દ્વારા લગભગ ૨.૫ અબજ ડોલરની કમાણી કરી હતી. રશિયા ક્રુડતેલમાં પણ વધુને વધુ આફ્રિકન દેશોનું ભાગીદાર બની રહયું છે. વેગનરનું સંચાલન રશિયન સરકાર અને તેના અર્ધ સૈનિકદળોએ લઇ લીધું છે. એટલું તો ચોક્કસ છે કે વેગનર ગુ્રપના નવા સ્વરુપને રશિયા જીઓ પોલિટિકસ અને આર્થિક નીતિ માટે મહત્વનું માને છે.


Google NewsGoogle News