Get The App

100 વર્ષ પહેલા ગુમ થયેલો કેમેરો પર્વતારોહણનો ઇતિહાસ બદલશે?

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
100 વર્ષ પહેલા ગુમ થયેલો કેમેરો પર્વતારોહણનો ઇતિહાસ બદલશે? 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- 1924માં મોતને ભેટેલા બ્રિટિશ પર્વતારોહકો મેલોરી અને ઇરવિન માઉન્ટ એવરેસ્ટ ચડયા હતા કે નહી તે હજુ પણ રહસ્ય છે. આનો ભેદ તેમની પાસે રહેલો પોકેટ કેમેરો જ ઉકેલી શકે તેમ હોવાથી તેની શોધ ચાલી રહી છે.

વિ શ્વમાં હિમાલય પર્વતના સૌથી ઉંંચા ગણાતા માઉન્ટ એવરેસ્ટ શિખર સુધી પહોંચવુંએ સરેરાશ પર્વતારોહકનું સપનું હોય છે. બધા જાણે છે કે ૨૯ મે ૧૯૫૩માં ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને દાર્જીલિંગના શેરપા તેનઝિંગ નોર્વેએ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ પર્વતારોહકો હતા. અત્યાર સુધીમાં ભલે ૬ હજારથી વધુ સાહસિકો માઉન્ટની ટોચ પર પહોંચ્યા હોય પરંતુ ટાંચા સાધનો અને અગવડોની વચ્ચે હિલેરી અને તેનઝિંગની સિધ્ધિ અનોખી હતી. હિલેરી અને તેનઝિંગ પહેલા પણ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવા ૧૦ જેટલા અભિયાનો થયા હતા. જેમાં જૂન ૧૯૨૪માં ૯ સભ્યોની એક બ્રિટિશ પર્વત અભિયાન ટીમને વિશેષ યાદ કરવામાં આવે છે. પર્વતારોહણ ટીમના સભ્યોમાં જયોર્જ મેલોરી (ટીમ લીડર) એડવર્ડ નોર્ટેન, નોએલ ઓડેલ, જોન મેકડોનાલ્ડ, એડવર્ડ ઓ, શેબેઅર, જેફરી બુ્રસ, ટી. હૉવર્ડ સૉમરવેલ, બેંટલે બીથમ અને એન્ડ્રુ 'સેન્ડી' ઇરવિનનો સમાવેશ થતો હતો. આ ૯ પૈકીના જયોર્જ મેલોરી અને એન્ડ્રુ સેન્ડી ઇવરિન મોતને ભેટયા તે પહેલા માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી ગયા કે નહી તેને લગતી અનેક કિવંદતીઓ પર્વતારોહણની દુનિયામાં ચર્ચાનો વિષય રહી છે. અનેક દસ્તાવેજો અને પુસ્તકોમાં આને લગતા રહસ્યનો ઉલ્લેખ થયો છે.વર્ષો પહેલા ફિલ્મ પણ બની હતી તેમ છતાં કોયડાનો નિવેડો બાકી જ રહયો છે. પર્વત અભિયાનની  દુનિયા માને છે કે  જો આનું રહસ્ય ઉકેલાય તો પર્વતારોહણનો ઇતિહાસ ફરીથી લખાઇ શકે છે. માઉન્ટ એવરેસ્ટ હિલેરી અને તેનઝિંગ પહેલા પણ સર થયું હતું એવો સુધારો કરવો પડી શકે છે. આના માટે કેટલાક પુરાવાઓની જરુર છે ખાસ તો પર્વતારોહક ઇરવિનના પોકેટમાં મુકાયેલો કોડાક કેમેરો મળવો જરુરી છે.

જૂન ૧૯૨૪માં બ્રિટિશ પર્વતારોહકોની ટીમ ઉપર દરિયાની સપાટીથી ૨૯૦૩૨ ફુટ ઉંચાઇ ધરાવતા શિખર પર પહોંચવાની મહત્વકાંક્ષા અને ઝનુન સવાર હતું. પહેલા બે નિષ્ફળ અભિયાન પછી ૯ પર્વતારોહકોની બનેલી આ ત્રીજી ટીમ હતી. ૩૭ વર્ષના ટીમ લીડર જયોર્જ મેલોરી ચેશાયરના મોર્બેલમાં પાદરીના પુત્ર હતા. આ સ્કૂલ માસ્ટર પોતાની પત્ની અને ૩ બાળકો સાથે કેમ્બ્રિજમાં રહેતા હતા. તેઓ પોતાની પૂર્ણ યુવાવસ્થામાં ખૂબજ રોમાંટિક,સારો લૂકસ અને એથલેટિક જેવું વ્યકિતત્વ ધરાવતા હતા.૧૯૨૪માં જયોર્જ મેલોરી પોતાની પેઢીના સૌથી અનુભવી હિમાલય પર્વતારોહક હતા. મેલોરીને પુછવામાં આવ્યું હતું કે તમે શા માટે એવરેસ્ટ પર ચડવા ઇચ્છો છો ત્યારે તેમને જવાબ આપ્યો હતો 'કે કારણ કે તે ત્યાં છે'. બીજા એક લાંબા ગોળ અને મજબૂત બાંધાના પર્વતારોહક એન્ડ્રયુ કોમિન ઇરવિન જેને મિત્રો 'સેન્ડી' કહીને બોલાવતા હતા. માત્ર ૨૨ વર્ષના ઇરવિનને હિમાલયન પર્વતારોહણનો પ્રથમ અનુભવ જ હતો. ઇરવિનને પર્વતારોહણનો જ ખાસ લાંબો અનુભવ ન હતો તેમ છતાં મેલોરીએ માઉન્ટ એવરેસ્ટ અભિયાનમાં એક સાથી તરીકે પસંદ કર્યા હતા. ૩૭ વર્ષના જયોર્જ મેલોરી અને ૨૨ વર્ષના ઇરવિન અનુભવ અને યુવાવસ્થાના અનોખા સંગમ સમાન હતા. ૨૨ વર્ષના ઇરવિન માટે એવરેસ્ટ ચઢાણ જીવનની અમૂલ્ય તક સમાન હતી. મેલોરી માટે પર્વતારોહણનું આ ત્રીજુ અભિયાન હતું.૧૯૨૧માં મેલોરીએ પર્વત સર્વેક્ષણ દરમિયાન ૨૩૦૦૦ ફૂટની ઉંચાઇ પર ઉત્તરી કોલ પર ચડયા અને શિખર સુધી પહોંચવાનો સંભવિત માર્ગ જોયો હતો.૩૭ વર્ષની ઉંંમરે તે જાણતા હતા કે તેમના જીવનની આ એક સુવર્ણતક છે જે ફરી આવવાની નથી.પોતાની પત્ની રુથને અંતિમપત્રમાં લખ્યું હતું કે એક આંચકાજનક સફળતા મેળવીને ખુદને ગૌરવાન્વિત કરીશ. મેલોરીનો જુસ્સો અને ઝનુન જોતા કાં તો મૌત અથવા તો ગૌરવ બે માંથી એકની પસંદગી કરવાની હતી. 

એ સમયે કોઇ જાણતું ન હતું કે મનુષ્ય આટલી ઉંચાઇ પર ચડી શકે છે. ટીમના સાથી નોએલ ઓડેલએ ૨૮૨૫૦ ફૂટની ઉંચાઇએ સેકન્ડ સ્ટેપ ઉપર હલનચલન કરતી બે માનવ આકૃતિઓ જોઇ હતી. ૮ જૂન ૧૯૨૪ના રોજ બપોર પછી એકસપીડિશન (અભિયાન) ટીમના બે સભ્યો મેલોરી અને ઇરવિન  ગ્રેટ કુલુઆ (નૉટર્ન) પાર કરી ચુકયા હતા. વાદળો હટી જતા વાતાવરણ સ્વચ્છ બની ગયું હતું. પર્વતની ઉપરની તરફના ભાગનો નજારો ચોખ્ખો જોઇ શકાતો હતો. નોર્થ ઇસ્ટ રિજના થ્રી સ્ટેપ્સની પ્રથમ સીડી પણ નજરે ચડતી હતી. આ સ્થળ ૨૮૦૯૭ ફૂટની ઉંચાઇ પર છે. અચાનક જ હવામાનમાં પલટો આવતા ઘટાટોપ વાદળો ઘેરાવા લાગ્યા. ટીમના સભ્ય નોએલ ઓેડેલ  એ સમયે મેલરી અને ઇરવિન કરતા ૧૦૦૦ ફૂટ નીચે હતા. બંને સ્ફુર્તિથી આગળ વધી રહયા હતા. ૯૬ વર્ષની ઉંમરે ફેબુ્રઆરી ૧૯૮૭માં દુનિયામાંથી વિદાય લેનારા ઓડેલ પોતાના જીવન દરમિયાન અનેક વાર દોહરાવતા રહયા હતા કે પર્વતારોહણ ટીમના બીજા સભ્યો પાછળ હતા તે જોતા આગળ હતા તે  બંને કોઇ નહી પરંતુ મેલોરી અને ઇરવિન જ હતા. અંતિમ પિરામીડના નિચેના ભાગમાં પહોંચ્યા ત્યારે સૂર્યોસ્ત થવાની તૈયારી હતી. ઓડેલએ બે માનવોનું દ્વષ્ય જોયાના માત્ર ૫ મિનિટ પછી ફરી વાદળો ઉમટવા લાગ્યા.ત્યાર પછી ત્રીજો પહોર વિત્યો ત્યાં સુધીમાં એવરેસ્ટ દેખાતું બંધ થયું હતું. મેલોરી અને ઇરવિનનું નામોનિશાન જણાતું ન હતું. 

એવરેસ્ટની ટોચ પર અથવા તો તેની નજીક પોતાના જીવનો ત્યાગ કરીને દુનિયા છોડી ચુકયા હતા. મેલોરી અને ઇરવિન એવરેસ્ટ પર ચડવાના વિચારને પોતાના ઝુનુન સાથે જોડી દીધો હતો. આ ઝનુન જ કદાંચ તેમના મોતનું કારણ બન્યું હતું. મેલોરી અને ઇરવિનના સાહસે તેમને પ્રથમ વિશ્વયુધ્ધ પછીની દુનિયાના હીરો બનાવી દીધા હતા.જયારે તેમના મુત્યુના સમાચાર ઇગ્લેન્ડમાં મળ્યા ત્યારે દેશવાસીઓ સ્વયંભૂ શોકમાં ગરકાવ થયા હતા.

મેલોરી અને ઇરવિન એવરેસ્ટની ટોચ પર પહોંચનારા પ્રથમ વ્યકિત હતા કે નહી તે આજે પણ રહસ્ય છે. મેલોરી અને ઇરવિનનું મુત્યુ માઉન્ટના કયાં પડાવ પર થયું તે એક રહસ્ય છે. શું તેઓ એવરેસ્ટ ચડી ગયા હતા ? શું બંને એવરેસ્ટની ટોચ પરથી પાછા ફરતા હતા ત્યારે મોતને ભેટયા હતા ? તેમના જુત્તા આધુનિક પર્વતારોહકો પાસે હોય છે તેવા ન હતા તો પછી કેવી રીતે ચડયા હશે ? એક વાત ચોકકસ છે કે ઓડેલએ જોયેલા સેકન્ડ સ્ટેપથી એવરેસ્ટ જરાં 

પણ દૂર ન હતું. આ છેલ્લા ૧૦૦ વર્ષના પર્વતારોહણના શોખીન સમુદાયમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહયો છે. કેટલાક માને છે કે જો ખરેખર બંને પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાની સિધ્ધિ મેળવી હતી તો પછી ૧૦૦ વર્ષે પણ તેમની સાથે ન્યાય થવો જોઇએ. ૨૯ મે ૧૯૫૩ના રોજ એડમંડ હિલેરી અને તેન્જીંગે પ્રથમવાર એવરેસ્ટ સર કર્યુ તેના ત્રણ દાયકા પહેલા પર્વતારોહકો પરાક્રમ કરી ચુકયા હોયતો તેના પુરાવા શોધવા મથામણ થવી જરુરી છે. આ બે પર્વતારોહકોમાંથી એક પાસે  કોડેક વેસ્ટ પોકેટ કેમરા હતો. એવું માનવામાં આવે છે કે એકસપીડિશન ટીમના સદસ્ય સૉમરવેલે મિશન દરમિયાન મેલોરીને આપ્યો હતો. જો તે એવરેસ્ટ પર પહોંચ્યા હશે તો કેમેરામાં તસ્વીર અવશ્ય ખેંચી જ હશે. કેેમેરો જેકેટના પોકેટમાં જ રાખ્યો હશે. આ કેમેરો મળી જાય અને તેનો રોલ કાઢીને ડેવલપ કરવામાં આવે તો એક સદીથી ચાલતા રહસ્ય પરથી પડદો ઉઠી શકે છે. સમગ્ર આશા એક કેમેરા સાથે જોડાયેલી છે. મેલોરી અને ઇરવિનના મૃતદેહ અને કેમેરાની શોધ બાબતે પર્વતારોહીઓ હંમેશા ઉત્તેજના અનુભવતા રહયા છે.

૧૯૩૩માં એવરેસ્ટ ગયેલી એકસપીડિશન ટીમને ઇરવિનની બરફવાળી એક કુહાડી મળી હતી. ત્યાર પછી લાંબા સમય સુધી આખી વાત જ ભૂલાતી રહી હતી. છેક ૧૯૯૯માં પર્વતારોહણ કરતી એક ટીમને ૨૭૦૦૦ ફૂટની ઉંચાઇએ મેલોરીનું શબ મળ્યું હતું. શબનું માથુ જમીન તરફ ઉંધુ પડયું હતું. એક પગ અને હાથ તૂટી ગયેલો હતો તે જોતા પડવાથી મોત થયું હતું. બરફમાં મેલોરીનું શબ યથા સ્વરુપે સચવાયેલું રહયું હતું. ખિસ્સામાં રાખેલી ચીઠ્ી પણ સહી સલામત હતી માત્ર જેની ખપ હતી તે  કેમરો જ મળ્યો નહી. ત્યાર પછી એવી આશા જાગી હતી કે કેેમેરો હવે મેલોરી નહી પરંતુ ઇરવિનના ખિસ્સામાં હશે. ઇરવિનનું શબ શોધવા માટે અનેક ટીમો એવરેસ્ટ પર ગઇ અને વિશેષ અભિયાન પણ ચલાવાયા તો પણ સફળતા મળતી ન હતી.  ૧૦૦ વર્ષ પછી ગત સપ્ટેમ્બર મહિનામાં નેશનલ જીઓગ્રાફિકે પર્વતારોહક ઇવરિનના અવશેષો મળ્યા હોવાનો દાવો કર્યો છે. નોર્થ ફેસની નીચે એક શબના અવશેષ મળ્યા જે ઇરવિનના જ હોવાનું જ માનવામાં આવે છે. બરફની અડધી પીગળેલી પોપડીની બહાર એક બૂટ, મોજુ અને ઘૂસેલા પગના અવશેષ મળ્યા છે. તાજેતરમાં વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયામાં રિપોર્ટ ટીમના સદસ્ય  જિમી ચિને પગનું મોજુ ઉઠાવીને જોયું તો તેના પર એબ્રોઇડરી વર્કમાં એ.સી ઇરવિન લખેલું હતું. ટીમને આશા છે કે આ એક ઐતિહાસિક શોધથી જાણવા મળશે કે ૧૯૨૪ના જુન મહિનામાં ખરેખર શું બન્યું હતું. ટ્રોફી હંટરોની ભીડ ના જામે તે માટે ઇરવિનના અવશેષ મળ્યા તે લોકેશનનો ઉલ્લેખ કરાયો નથી. આશા છે કે કેમરો જે ઇરવિન પાસે જ હતો એ પણ મળી જશે અને એમ થશે તો એવરેસ્ટની એક એવી કિવંદતી જેનું રહસ્ય ઉકેલાતા વાર લાગશે નહી. જો એમ થશે તો ગૂમ થયેલો એક કેમેરો પર્વતારોહણની દુનિયાનો કદાંચ ઇતિહાસ બદલી શકે છે. 


Google NewsGoogle News