mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઓસ્ટ્રેલિયાના વિખ્યાત ગ્રેટ બેરિયર રીફને જળવાયુ પરિવર્તનનો પડકાર

Updated: Aug 22nd, 2023

ઓસ્ટ્રેલિયાના વિખ્યાત ગ્રેટ બેરિયર રીફને જળવાયુ પરિવર્તનનો પડકાર 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- 2300 કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલા રીફમાં 400થી વધુ પ્રકારના પરવાળા છે. માછલીઓની 1500થી વધુ પ્રજાતિઓનું ઘર છે. આ એક એવી જગ્યા છે જેને અવકાશયાત્રીઓ સ્પેસમાંથી પણ જોઇ શકે છે. યુનેસ્કોએ વર્ષ 2010માં પ્રથમ વાર ગ્રેટ બેરિયર રીફને ખતરો હોવાનું ધ્યાન દોર્યુ હતું. 

જ ળવાયુ પરિવર્તનની અસર કુદરતની સંવેદનશીલ જૈવ વિવિધતા પર વધતી જાય છે. યુનેસ્કોની યાદીમાં  વિશ્વ ધરોહર ગણતા ગ્રેટ બેરિયર રીફ (પરવાળાના ખડકો) પર ગ્લોબલ વોર્મિગનું સંકટ તોળાયું છે. ઓસ્ટ્રેલિયામાં લાખો વર્ષથી અસ્તિત્વ ધરાવતા ગ્રેટ બેરિયર રીફ વિશ્વની કોરલ રીફસ ઇકો સિસ્ટમનો ૧૦ ટકા ભાગ ધરાવે છે,  અંદાજે ૨૫૦૦ રીફનું નેટવર્ક ૩૪૮૦૦૦ વર્ગ કિમીમાં ફેલાયેલું છે. ૨૩૦૦ કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલા રીફમાં ૪૦૦થી વધુ પ્રકારના પરવાળા છે. માછલીઓની ૧૫૦૦થી વધુ પ્રજાતિઓનું ઘર છે. આ એક એવી જગ્યા છે જેને અવકાશયાત્રીઓ સ્પેસમાંથી પણ નિહાળી શકે છે. પરવાળાના ખડકો કોરલ તરીકે ઓળખાતા નાના દરિયાઇ જીવોના હાડપિંજરથી બનેલી પાણીની અંદરની સંરચનાઓ છે. કોરલ સિનિડેરિયા ફાયલમ સાથે જોડાયેલા દરિયાઇ પુષ્ઠવંશી જીવો છે જે સામાન્ય રીતે સાધારણ ગરમ અને છીછરા સમુદ્રમાં વધુ જોવા મળે છે. દરેક કોરલને પોલીપ તરીકે ઓળખવામાં આવે છે. હજારો પોલીપ્સ મળીને એક કોલોની તરીકે સાથે રહે છે. કોરલ બાહિય કંકાલ (એકસોસ્કેલેટન) માટે પાણીમાંથી કેલ્શિયમ કાર્બોનેટ મેળવીને કોરલ રીફનું માળખું તૈયાર કરે  છે. કોરલ કોલોનીઓ સતત નવા પોલીપ્સના પ્રજનન દ્વારા કદમાં વધારો કરે છે અને કોરલ રીફ બનાવે છે. પરવાળાના ખડકો વિશ્વની સૌથી વધુ વૈવિધ્યસભર ઇકો સિસ્ટમાંના એક છે. પરવાળા  વિવિધ પ્રકારના ૨૫ ટકા જેટલા દરિયાઇ જીવોને રહેઠાણ પુરુ પાડે છે ઉપરાંત દરિયાકાંઠાને ધોવાણ અને તોફાનથી બચાવવા કુદરતી અવરોધ પુરો પાડે છે. 

યુનેસ્કોએ સૌ પ્રથમવાર વર્ષ ૨૦૧૦માં ગ્રેટ બેરિયર રીફને ભય હોવા અંગે ધ્યાન દોર્યુ હતું. યુનેસ્કોના નિષ્ણાતો વિશ્વ વિરાસત ગ્રેટ બેરિયર રીફને ખતરાની યાદીમાં સમાવવા ઇચ્છતા હતા. ઓસ્ટ્રેલિયા પોતાના રીફ પર ખતરો હોવાનું તો સ્વીકારે છે પરંતુ જોખમની યાદીમાં સમાવેશ માટે તૈયાર નથી.ઓસ્ટ્રેલિયાની હંમેશા દલીલ રહી છે કે  ગ્રેટ બેરિયર રીફ જ નહી દુનિયાની મોટા ભાગની વિરાસતો પર કોઇને કોઇ પ્રકારનો ખતરો ઝળુબી રહયો છે આથી આવું પગલું ભરવું એ કોઇ ઉપાય નથી. ગ્રેટ બેરિયર રીફે ૨૦ લાખ કરતા પણ વધુ સહેલાણીઓનું પ્રવાસન સ્થળ છે. ઓસ્ટ્રેલિયાની મરિન ર્ક્ન્જવેશન સોસાયટીના જણાવ્યા મુજબ રીફથી અંદાજે દર વર્ષે ૬૪ હજાર લોકોને રોજગાર અને ૪ અબજ યુએસ ડોલરની આવક મળે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાાનિકોએ મે ૨૦૨૨માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ચાલતી લૂ થી કોરલ રીફને નુકસાન વધી રહયું છે. ગત વર્ષ થયેલા એક સર્વે મુજબ ૯૧ ટકા ચટ્ટાનો  કોરલ બ્લિચિંગનો ભોગ બની હતી. દરિયાના પાણીમાં ઉંચું તાપમાન, પ્રકાશ અને પોષકતત્વોમાં થતા ફેરફારોના લીધે કોરલ બ્લીચિંગ થાય છે. પર્યાવરણ નિષ્ણાતો ચેતવણી આપી રહયા છે કે પૃથ્વીના તાપમાનમાં સરેરાશ ૧.૫ ડિગ્રીની વૃધ્ધિ થવાની શકયતા દરિયાની ઇકો સિસ્ટમ માટે ઘાતક સાબીત થશે. યુએન દ્વારા ૨૦૨૧ થી ૨૦૩૦ને ટકાઉ વિકાસ માટે મહાસાગરના સંશોધનના દાયકા તરીકે નકકી કર્યા છે જેમાં કોરલ રીફની જાળવણી અને સંરક્ષણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.  

પહેલા તો આ પરવાળાઓમાં થતું બ્લીચિંગ શું છે તે સમજવું જરુરી છે. પરવાળા એક કોષી  શેવાળ સાથે સહજીવી સંબંધ ધરાવે છે. શેવાળ  પ્રકાશ સંશ્લેષણ દ્વારા પરવાળા માટે ભોજન તૈયાર કરે છે એટલું જ નહી તેનો જીવંત લીલો રંગ પણ પ્રદાન કરે છે. કોરલને પાણીનું તાપમાન ૬૮ થી ૮૨ ડિગ્રી  ફેરનહિટ એટલે કે ૨૨ થી ૨૮ ડિગ્રી સેલ્સિયસ વધુ અનુકૂળ આવે છે. જો જળ સપાટી પર તાપમાન આનાથી વધે તો કોરલ પોલીપ્સ તેમની પેશીઓમાંથી શેવાળને બહાર કાઢે છે.

 આ પ્રક્રિયાથી બાહિય કંકાલનો રંગ પીળો સફેદ દેખાવા લાગે છે જેને કોરલ બ્લીચિંગ કહેવામાં આવે છે. બ્લીચિંગથી પરવાળાની વૃધ્ધિ ધીમે ધીમે બંધ થાય છે અને મુત્યુ પામે છે. કુદરતી ચક્ર ચાલ્યા કરે પરંતુ માનવીય હસ્તક્ષેપથી વધતી જતી માસ બ્લીચિંગની ઘટનાઓ ઇકો સિસ્ટમ માટે સારી બાબત નથી. જળવાયુ પરિવર્તનના લીધે તાપમાનમાં વધારો થવાથી ગ્રેટ બેરિયર રીફમાં છેલ્લા ૭ વર્ષમાં બ્લીચિંગની ૪ મોટી ઘટનાઓ બની છે. ગ્રેટ બેરિયર રીફમાં પ્રથમ બ્લીચિંગની પ્રથમ ઘટના ૧૯૯૮માં ધ્યાનમાં આવી હતી. બીજી ઘટના વર્ષ ૨૦૦૨માં બની હતી. સૌથી લાંબી અને ખતરનાક બ્લીચિંગ ઘટના ૨૦૧૪ થી ૨૦૧૭માં બની હતી. ૨૦૨૧ થી ૨૦૨૨માં પણ બ્લીચિંગે કાળો કેર વરતાવ્યો હતો. પરવાળાના ખડકો ઉદ્ભવતા હજારો વર્ષ લાગે છે પરંતુ થોડા વર્ષો અથવા તો મહિનાઓમાં નાશ પાંમી શકે છે આથી આ ખતરો ઘણો મોટો છે.

પરવાળાના ખડકોને પાણીમાં સતત અને પર્યાપ્ત ખારાશ અથવા મીઠાની સાદ્રતાની જરુર પડે છે. ખારાશની વધઘટ પરવાળાને નુકસાન કરે છે અથવા નાશનું કારણ બને છે. ઉચ્ચ વાતાવરણીય કાર્બન ડાયોકસાઇડના સ્તરના પરિણામે સમુદ્રનું એસિડીકરણ થતું જાય છે એ પણ મોટો પડકાર છે.  પરવાળાના ખડકોને તાજા પાણી તથા પોષકતત્વો લાવવા માટે તરંગગતિની જરુર પડે છે જેમાં વધુ પડતી તરંગ ક્રિયા અથવા તોફાન કોરલને ભૌતિક નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતી માછીમારી,દરિયાઇ પ્રદૂષણ અને અલ નીનો ઇફેકટ પણ કોરલ બ્લીચિંગ માટે જવાબદાર  જણાયા છે. 

ગ્રેટ બેરિયર રીફ એ વિશ્વની સૌથી મોટી કોરલ રીફ સિસ્ટમ હોવાથી ઓસ્ટ્રેલિયા રીફના સંરક્ષણ અને સંશોધન માટે સજાગ બન્યું છે. ગ્રેટ બેરિયર રીફ જ નહી દુનિયાના મોટા ભાગના રીફસ પર છેલ્લા ૧૦ વર્ષમાં બ્લીચિંગ વધતું જાય છે. ઇઝરાયલ, ઇજિપ્ત અને જીબુતી નજીક લાલ સમુદ્વ પાસે રેડ સી કોરલ રીફ ૧૯૦૦ કિમીમાં ફેલાયેલા છે. પેસીફિક મહાસાગર પાસેના ન્યુ કેલોડોનિયા રીફ તેની વિવિધતા અને સુંદરતા માટે ફેમસ છે. ૯૪૩ કિમી લંબાઇ ધરાવતા મેસો અમેરિકન બેરિયર રીફ હોન્ડુરાસ નજીક એટલાન્ટિક મહાસાગરમાં છે. ફલોરિડા રીફ ફલોરિડા નજીક એટલાન્ટિક મહાસાગર અને મેકિસકોના અખાતમાં છે . અમેરિકાની  આ એક માત્ર રીફ અર્થતંત્રમાં ૮.૫૦ અબજ ડોલરનું મૂલ્ય ધરાવે છે. બહામાસ નજીકના રીફ ઉંડા પાણીના જળચરો અને લાલ સ્નેપરની વસ્તી માટે જાણીતું સ્થળ છે. એવી જ રીતે માલદીવમાં ગ્રેટ ચેગોસ બેંક અને દક્ષિણ ચીન સમુદ્રમાં રીડ બેંક સ્થળ છે. ઉષ્ણકટિબંધિય અને ધુ્રવીય પ્રદેશો સુધી વિશ્વના તમામ મહાસાગરોમાં કોરલ રીફ છે. રીફસ દરિયામાં ૧ ટકો જગ્યા રોકે છે પરંતુ ૨૫ ટકા દરિયાઇ જીવોને આશરો આપે છે. કોરલ રીફમાં નોંધપાત્ર રીતે મત્સ્ય ઉધોગ વિકસે છે. માછીમારી વિશ્વમાં કરોડો  લોકો માટે ખોરાક અને રોજગારીનું સાધન છે. કોરલ રીફ  સામાન, સેવાઓના વેપાર અને પ્રવાસન દ્વારા વાર્ષિક આર્થિક મૂલ્યમાં ૨.૭ ટ્રીલિયન ડોલરનું યોગદાન ધરાવે છે. સૌથી મોટી વાત તો એ છે કે કોરલ રીફસ વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડ શોષીને પર્યાવરણમાં ગ્રીન હાઉસ વાયુના ઘટાડામાં નોંધપાત્ર યોગદાન આપે છે. રીફસ દરિયાની ઇકો સિસ્ટમના અસલી ઇજનેરો છે જેનું સંરક્ષણ કરવું એ પૃથ્વીને વિનાશથી બચાવવાનું ભગીરથ કામ છે. 

Gujarat