સુદાન: 70 વર્ષથી ધાર્મિક,વર્ગ વિગ્રહ, દુષ્કાળ, ગરીબી અને ભૂખમરાની પીડા
- મીડ વીક- હસમુખ ગજજર
- 1.30 કરોડ લોકો વિસ્થાપિત થયા છે જેમાંથી 40 લાખ લોકોએ સુદાન છોડીને બહાર શરણ લીધું છે.
પૂ ર્વોત્તર આફ્રિકામાં આવેલા સુદાન દેશના બે ચિત્ર તરત જ નજરે તરી આવે છે. એક ગરીબી અને ભૂખમરાથી ભાંગી પડેલા વિસ્થાપિતો અને બીજુ મશીનગન લઇને આમ તેમ ભાગતા વિદ્રોહી સમુહો. ભારે ગરમીનો સામનો કરતા સુદાનમાં ચોમાસુ અત્યંત અનિયમિત અને ટુંકું રહેતું હોવાથી દુષ્કાળ વારંવાર ડોકાય છે. તાજેતરમાં સુદાનના દારફૂર વિસ્તારમાં શરણાર્થી શિબિરો પર કુખ્યાત પેરા મિલિટરી સમૂહ રેપિડ સપોર્ટ ફોર્સ (આરએસએફ)ના હુમલામાં ૪૦૦ લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. એક બાજુ લાખો લોકો દુષ્કાળનો સામનો કરી રહયા છે બીજી બાજુ શરણાર્થી શિબિરોમાં પણ લોકોની સલામતી નથી. હજુ પણ સુદાનના વિવિધ ભાગોમાં ચાલતા શસ્ત્ર સંઘર્ષનો અંત કયારે આવશે તે કોઇ જાણતું નથી.
સુદાનમાં ૧.૩૦ કરોડ લોકો વિસ્થાપિત થયા છે અને ૪૦ લાખ લોકો દેશ છોડીને પાડોશી દેશોમાં શરણ લીધું છે. ૨૦૧૮ના અંતમાં સુદાની તાનાશાહ બશીર વિરુધ લોકોએ પ્રદર્શન શરુ કર્યા હતા. સુદાન સેના પ્રમુખ જનરલ અબ્દેલ ફતાહ અલ બુરહાને આરએસએફ પ્રમુખ જનરલ મોહમ્મદ હમદાન ડાગલોએ સાથે મળીને એપ્રિલ ૨૦૧૯માં બશીરને સત્તા પરથી ઉતારી દીધા હતા. ૨૦૨૧માં તેમણે નવેસરથી ગઠબંધન કર્યુ હતું પરંતુ હમદાન ડાગલોને લાંબા સમય સુધી સર્વોચ્ચ પદ ભોગવવાની લાલસા હોવાથી બંને વચ્ચેનો ટકરાવ હિંસક લડાઇમાં ફેરવાઇ ગયો છે. સુદાનનો ઇતિહાસ આજકાલ નહી દાયકાઓથી પીડાથી ભરેલો રહયો છે. કુદરતી અને સુલતાની આફત દાયકાઓથી સુદાનવાસીઓના લમણે લખાયેલી છે.
સુદાન સમસ્યાના મૂળિયા અંગ્રેજોએ ૧ જાન્યુઆરી ૧૯૫૬માં આપેલી આઝાદીમાં પણ પડયા છે. આમ પણ જોઇએ તો બ્રિટને જે પણ દેશોને આઝાદ કર્યા તે દેશોમાં જીઓ પોલિટિકલ પરિસ્થિતિ જોવા મળે છે. ૧૯૪૭માં ભારતના બિન જરુરી ભાગલા પાડયા તેનાથી ઉલટું સુદાનમાં ડિવિઝન જરુરી હતા તેમ છતાં સુદાનના ઉત્તર અને દક્ષિણ ભાગને એક કરીને આઝાદી આપી હતી. વાસ્તવમાં તો સુદાનના ઉત્તર અને દક્ષિણ ભાગને ધર્મ,કલ્ચર અને રીત રિવાજની દ્રષ્ટીએ કોઇ જ સમાનતા ન હતી.
સુદાનના ઉત્તર ભાગમાં મુસ્લિમોની બહુમતી જયારે દક્ષિણ ભાગમાં ખ્રિસ્તી ઉપરાંત અનેક એથેનિક ટ્રાઇબ્સની વસ્તી હતી. ૧૯૫૬માં સુદાનને આઝાદી મળતા સુદાનના ઉત્તરભાગની નેતાગીરી દક્ષિણ સુદાન પર હાવી થશે એવો ડર પેંઠો હતો. સંસાધનોની વહેંચણી અને વર્ચસ્વને લઇને સુદાનના દક્ષિણ અને ઉત્તર ભાગના લોકો વચ્ચે સિવિલ વૉર ફાટી નિકળ્યું હતું જેમાં ૪ લાખ લોકોના મુત્યુ થયા હતા. ૧૭ વર્ષના લાંબા ગાળા પછી આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ થતા બંને પક્ષો વચ્ચે સંધી થઇ જેમાં પેટ્રોલિયમ અને પશુધનની સમૃધ્ધિ ધરાવતા દક્ષિણ સુદાનને પ્રાધાન્ય આપવા પર ભાર મુકાયો હતો.
સુદાનના પાટનગર ખાર્ટુમ પાસે બ્લ્યું નાઇલ અને વ્હાઇટ નાઇલ એમ બે નદી મળીને મુખ્ય નાઇલ નદી બને છે આ નદી જ સુદાનના ઉત્તર અને દક્ષિણ ભાગને જુદા પાડે છે. એ સમયે જાફર મોહમ્મદ નિમેરી રાષ્ટ્રપતિ હતા જેમણે ૧૯૬૯ થી ૧૯૮૬ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૮૩માં સંધી તૂટી જતા સુદાનના ઉત્તર અને દક્ષિણ ભાગ વચ્ચે બીજુ સિવિલ વૉર ફાટી નિકળ્યું હતું. દક્ષિણ સુદાનમાં સમાન ઉદ્દેશ ધરાવતા વિદ્રોહી જુથોએ ભેગા મળીને સુદાની પીપલ્સ લિબરેશન આર્મી (એસપીએલએ)ની સ્થાપના કરી હતી. એસપીએલએનો હેતું હિંસાના માર્ગે પશ્ચિમી શૈલીના લોકતંત્રની સ્થાપના અને ધર્મ નિરપેક્ષ સુદાનની વકાલત કરવાનો હતો. દક્ષિણ સુદાનના એથનિક ગુ્રપોએ સુદાની સરકાર પર પરંપરાગત ઇસ્લામી નિયમો થોપવાના આરોપ મુકયો હતો જયારે ઉત્તરી સુદાને લડાઇને કાફિરો વિરુધનું પવિત્ર યુધ્ધ ગણાવી હતી. ૧૯૮૯માં વડાપ્રધાન સાદિક અલ મહેદીનું શાસન ઉથલાવીને બ્રિગેડિયર ઓમર હસન અલ બશીરે સત્તા સંભાળી લીધી અલ બશીર રાષ્ટ્રીય ઇસ્લામિક ફ્ન્ટનું નેતૃત્વ કરતા હતા.
દક્ષિણ સુદાનની આઝાદી માટે સુદાન પિપલ્સ લિબરેશન આર્મીએ પોતાની માંગ ચાલુ રાખી હતી. પશ્ચિમી દેશોએ પણ સુદાનના તત્કાલિન રાષ્ટ્રપતિ બશીર પર ભાગલા કરવાનું દબાણ કર્યુ હતું. ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૩માં કેન્યામાં નવઇશા સંધિ પર હસ્તાક્ષર થયા હતા. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સુદાન શાંતિ સ્થાપના માટે ૨૪ માર્ચ ૨૦૦૫નાં પ્રસ્તાવ પારિત કર્યો હતો. અલગ દક્ષિણ સુદાન દેશની માંગણી કરતી સશસ્ત્ર સંગઠન સુદાની પીપલ્સ લિબરેશન આર્મી અને સુદાનની સરકારી સેના (એસએફએ) વચ્ચે સામાજિક, રાજકીય સમાનતા,ધર્મ નિરપેક્ષતા, લોકતાંત્રિક વ્યવસ્થા અને સંસાધનોની સમાન વહેંચણી બાબતે સમજૂતી સધાઇ હતી. આ સિધ્ધાંતોનું પાલન નહી થાય તો તેવા સંજોગોમાં દક્ષિણ સુદાન પાસે જનમત સંગ્રહના માધ્યમથી આત્મનિર્ણયનો અધિકાર હોવાની પણ વાત હતી.
આ સમજુતી થઇ તે પહેલા સુદાનમાં થયેલા વર્ગ વિગ્રહોમાં ૨૦ લાખ લોકોના મુત્યુ અને ૪૦ લાખ લોકો બેઘર થયા હતા. ૧૪ મે ૨૦૦૮માં સુદાન પીપલ્સ લિબરેશન આર્મી અને સરકારની સુદાનિસ સશસ્ત્ર બળ (એસએફએ) વચ્ચે અબઇ શહેરમાં ધમાસાણ લડાઇ થઇ હતી. દક્ષિણ સુદાનની આઝાદી માટે સુદાન પિપલ્સ લિબરેશન આર્મી મેદાનમાં પડી હતી. આ લડાઇમાં પહેલીવાર મધ્યમ મશીન બંદુકો અને મોર્ટારોનો પ્રયોગ થયો હતો. ૨૦૧૧માં દક્ષિણ સુદાનમાં આઝાદી માટે લોકમત લેવાયો જેમાં ૯૯ ટકા લોકોએ સમર્થનમાં મત પ્રગટ કરતા રિ પબ્લીક ઓફ સાઉથ સુદાન દેશ બન્યો હતો જયારે ઉત્તર તરફના ભાગને મૂળ સુદાન તરીકે ઓળખવામાં આવ્યો હતો.
વર્ષોથી ઉત્તર ભાગની સુદાન સરકાર સામે આઝાદી માટે લડી રહેલા દક્ષિણ સુદાનના વિવિધ એથનિક ગુ્રપોમાં ગજબની એકતા હતી પરંતુ જેવી સત્તા આવી કે વિખવાદ શરુ થયો હતો. દક્ષિણ સુદાન પિપલ્સ લિબરેશન આર્મી ના સાલ્વા કિર પ્રેસિડેન્ટ અને રીક મચાર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. સાલ્વા કિર દક્ષિણ સુદાનમાં ૩૫ ટકા વસ્તી ધરાવતી ડિન્કો જયારે રિક મેચર નૂયર ટ્રાઇબના લીડર હતા. આ બંને નેતાઓ દક્ષિણ સુદાનની આઝાદી માટે સાથે રહીને લડાઇ હોવા છતાં ૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ પ્રેસિડેન્ટ સાલ્વા કિરે તેમના સાથી રિક મચાર પર તખ્તા પલટના પ્રયાસનો આક્ષેપ મુકીને વાઇસ પ્રેસિડેન્ટના પદ પરથી હટાવ્યા હતા. રિક મચારનું સ્વમાન ઘવાતા પોતાની કબિલાઇ જાતિને ભડકાવીને બદલો લેવા પ્રેરી હતી. પ્રેસિડેન્ટ સાલ્વા કિરે પણ આ જ રસ્તો અપનાવતા દક્ષિણ સુદાનમાં કબિલાઇઓ વચ્ચે ફરી સામુહિક હત્યાઓનો દોર શરુ થયો હતો.
૨૦૧૩માં નવેસરથી જે સિવિલ વૉર શરુ થયું જેમાં ૫૦૦૦ લોકોના મોત કેટલ રેડ દરમિયાન જ થયા હતા. જાન્યુઆરી ૨૦૧૪માં આફ્રિકી દેશોના સંગઠને હસ્તક્ષેપ કરી યુધ્ધ વિરામ કરાવ્યો હતો. કોમ્પ્રોમાઇઝ પીસ એગ્રીમેન્ટ હેઠળ પ્રેસિડેન્ટ સાલ્વા કિરે વિદ્વોહી રિક મચારને ફરી વાઇસ પ્રેસિડેન્ટ પદ આપ્યું હતું. એપ્રિલ ૨૦૧૬માં એક વાર બંને નેતાઓ મળ્યા ત્યારે સાલ્વા કિરના સૈનિકોએ પોતાના સૈનિકો પર ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ મચારે કર્યો હતો. આવો જ આક્ષેપ પ્રેસિડેન્ટ સરકારે પણ કર્યો હતો. ત્યાર પછી જે ફરી જે લડાઇ ફાટી નિકળી હતી. સુદાનના ભાગલા થયા પરંતુ આંતરિક અને બાહિય મોરચે જુના વેર ઝેરની ભાવનામાંથી બહાર આવી શકયા નથી.
મૂળ સુદાન એટલે કે ઉત્તર સુદાનની વાત કરીએ તો ભાગલા પડવાથી દક્ષિણ સુદાન પાસે ક્રુડ ઓઇલ ઉત્પાદન અને નિકાસનો ધંધો જતો રહયો પરંતુ સુદાન પાસે નાની મોટી ૪૦ હજાર જેટલી સોનાની ખાણો રહી હતી. સૌથી વધુ સોનાની ખાણો કોર્દોફાનમાં આવેલી છે. સોનાની ખાણો પર કબ્જો જમાવવા માટે વિવિધ જૂથો વચ્ચે લડાઇ ચાલતી રહી છે. જેના હાથમાં સોનુ આવ્યું તે માલામાલ બની ગયા પરંતુ ખોદકામ કરનારા લાખો ખાણીયા ઠેરના ઠેર રહયા છે. સુદાનમાં સરકારના નામે માત્ર આર્મી શાસન અને એક બીજાના લોહી તરસ્યા સશસ્ત્ર જૂથોનું જ વર્ચસ્વ છે. ૨૦૧૨માં સુદાન (ઉત્તર)માં જેબેલ અમીર નામના વિસ્તારમાં સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો હતો. સોનાનો ભંડાર દેશની આર્થિક સ્થિતિ સુધારી શકે તેમ હતો પરંતુ સોનાની શોધ જ અશાંતિનું મૂળ બન્યું હતું. ઉત્તર અને દક્ષિણ વચ્ચે સદીઓથી યુધ્ધ ચાલે છે જેમાં નરસંહાર થતો રહયો છે. જો કે દક્ષિણ અને ઉત્તર ભાગ ઉપરાંત જનજાતિઓ વચ્ચે પણ ઝગડા ચાલતા રહે છે. વારંવાર પડતા દુકાળ અને આંતરિક ઝગડાઓના કારણે ઉત્તર તથા દક્ષિણ સુદાન વચ્ચે સરકારો બનતી અને તુટતી રહી છે જેમાં પ્રજા ઘંટીના બે પડ વચ્ચે પિસાતા બાજરાની જેમ પિસાઇ રહી છે.