Get The App

H2O કુદરતની પ્રયોગશાળામાં જ પેદા થતા અમૂલ્ય અમૃતનું જતન જરુરી

Updated: Mar 21st, 2023


Google News
Google News
H2O  કુદરતની પ્રયોગશાળામાં જ પેદા થતા અમૂલ્ય અમૃતનું જતન જરુરી 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- ભૂગર્ભ જળ ખાલી કરતા કરીશું અને તેમાં ઉમેરો નહી કરીએ તો કયાં સુધી ચાલશે ?  આવનારી પેઢીને વારસામાં જમીન, જવેરાત અને બંગલા આપીશું  પરંતુ પાણી નહી આપીએ તો શા કામનું હશે ? જળ સંકટથી બચવા પાણીનું રિચાર્જ અને રિસાઇકલિંગ કરવું અત્યંત આવશ્યક છે

આ જનું અવકાશ વિજ્ઞાન પૃથ્વી બહારના ગ્રહો પરના સંશોધન પર વિશેષ ભાર મુકી રહયું છે. પરગ્રહ પર પાણી હોવાની શકયતા પણ ચકાસવામાં આવે છે. પાણી હોયતો જીવનું અસ્તિત્વ હોઇ શકે એવી સામાન્ય સમજ છે.  સૂર્યમંડળના ગ્રહો અને અગણિત તારાઓ અબજો વર્ષથી ટમટમી રહયા છે. એલિયન એટલે કે પરગ્રહવાસીની કથાઓ અને કલ્પનાઓ જાણીતી છે પરંતુ પૃથ્વી સિવાયના ગ્રહ પર જીવસૃષ્ટિ હોવાનું હજુ પાકું થયું નથી. પૃથ્વી પર જીવસૃષ્ટિ પાંગરવામાં મહત્વનું ઘટક વાતાવરણ અને પાણી છે. આ પાણીને વિજ્ઞાનની પ્રયોગશાળામાં એચટુઓ કહેવામાં આવે છે. માણસ જ નહી  પૃથ્વી પર સંચરતા કોઇ પણ જીવના શરીરની જૈવ રાસાયણિક ક્રિયાનો આધાર પાણી છે. પાણી વગરના જીવનની કલ્પના થઇ શકતી નથી. ખોરાક લીધા વિના કદાંચ ટકી શકાય પરંતુ પાણી વિના બે કલાક પણ કોઇ રહી શકે નહી. 

પાણી પૃથ્વીવાસીઓને કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. પાણી પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી, પાણી માત્ર કુદરતની પ્રયોગશાળામાં જ પેદા થાય છે. જો કે પાણી બનવાની ફોર્મ્યુલા અંગે વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો પહેલા જાણી લીધું હતું કે હાઇડ્રોજનના ૨ અને ઑકસીજનનો ૧ અણુ મળીને પાણી બને છે. પૃથ્વીના વાતાવરણમાં ૨૧ ટકા ઑકસીજન છે પરંતુ ૪૨ ટકા જેટલો હાઇડ્રોજન નથી. વાતાવરણમાં હાઇડ્રોજનનું પ્રમાણ ૦.૦૦૦૦૫ ટકા જેટલું છે. જો કે હાઇડ્રોજનની ઓછી ઉપલબ્ધતા અને ઉંચી કિંમતનો જ માત્ર પ્રશ્ન નથી. માનો કે હાઇડ્રોજન વાયુ પૂરતો અને મફત મળી રહે તો પણ પાણીનું ઉત્પાદન શકય નથી કારણ કે હાઇડ્રોજન અત્યંત જવલનશીલ હોવાથી ઑકસીજન સાથે મળે ત્યારે વિસ્ફોટ છે. આ પ્રચંડ વિસ્ફોટ પ્રયોગશાળામાં કરી શકાતા નથી. કુદરતી રીતે આ પ્રકિયા સમુદ્રની ઉપર વાદળો બને તે દરમિયાન થાય છે. કુદરતની પ્રયોગશાળામાં થતા વિસ્ફોટ પછી જ પાણીની ઉત્પતિ થાય છે. 

પૃથ્વીના કુલ વિસ્તારમાં ૭૫ ટકા ભૂભાગ પર પાણી છે. પૃથ્વીની સપાટી પર જેટલું પાણી છે તેમાંનું ૯૭ ટકા દરિયાનું ખારું પાણી છે. આ પાણી પીવામાં કે વપરાશ માટે જરાંય ઉપયોગી નથી. માત્ર ૩ ટકા પાણી જ પીવાલાયક છે તેમાં પણ ૨.૪ ટકા પાણી ગ્લેશિયરો અને ઉત્તર-દક્ષિણ ધુ્રવો પર જમા થયેલું છે.  ૦.૬ ટકા પાણી નદીઓ, ઝરણાઓ અને તળાવોમાં રહે છે. ભૂગર્ભ જળ કુલ જથ્થાનો ૧.૬ ટકા હિસ્સો ધરાવે છે. બાષ્પ સ્વરુપે ઉડી જતું મહાસાગરોનું પાણી કુદરતી જળચક્ર મુજબ વાદળો બને છે. આ વાદળો વરસાદ બનીને પાણી સ્વરુપે ધરતી પર વરસે છે. આ વરસાદી જળનો સંગ્રહ અને જમીનમાં ઉતારવામાં રહી જતી ઉણપ પાણીની અછત સર્જે છે. આધુનિક જીવનશૈલીમાં પાણીનો વપરાશ વધતો જાય છે તેની સાથે જળ વ્યવસ્થાપનની પણ ચિંતા કરવી જરુરી છે. સદીઓથી ચાલ્યા આવતા જળચક્રના પરીણામે ભૂગર્ભમાં ઉતરેલો જળ જથ્થો ઉલેચાવા લાગ્યો છે. બેંકમાં નાણા ઉપાડયા જ કરો અને તેમાં ઉમેરાતા ના હોય તો એક દિવસ એવો આવે છે કે બેંક એકાઉન્ટ ખાલી થઇ જાય છે. ભૂગર્ભ જળ કુદરતની ફિકસ ડિપોઝિટ છે. આ ડિપોઝિટ જરુર પડે તેમ વિચારીને જ ઉપાડવી જોઇએ. ઉપાડવામાં આવે તેનો વાંધો નહી પરંતુ તેમાં પછી ઉમેરો પણ થતો રહેવો જરુરી છે. વિધીની વક્રતા એ છે કે પાણી ઉમેરવાનું તો દૂર રહયું જળ વ્યવસ્થાપનના કુદરતી પરિબળોમાં માનવીય ડખલગીરીથી ભૂગર્ભ જળ બેલેન્સ ખોરવાઇ રહયું છે. માનવીની વિકાસ ઘેલછાએ વરસાદી પાણીેની ભૂગર્ભ તરફની ગતિ અટકાવી દીધી છે. જળ કુદરતી રીતે જમીનમાં ઉતરે તેની ચેનલ ખતમ થઇ રહી છે તે સમજવું એ કોઇ રોકેટ સાયન્સ નથી. જે વિસ્તારોની જમીનમાં પહેલા ૨૦ ફૂટનો ખાડો કરતા હતા ત્યારે જળ પ્રગટ થતું તે આજે ૨૦૦ ફૂટે ખોદવા છતાં મળતું નથી. દરેક વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે પાણીના તળની ઉંડાઇ જૂદી જૂદી હોય છે. દરેક અનુભવે છે પહેલાની જેમ હવે સરળતાથી પાણી મળતું નથી. એક જમાનામાં કૂવાઓ અને ઢીંકવા ગાળીને પાણી મેળવાતું તેના સ્થાને હવે થ્રી ફેઝ લાઇનના બોર મુકવા પડે છે.  બોરથી બેફામ પાણી ઉલેચાતું રહેતું હોવાથી પાતાળ પાણીનો પ્રવાહ ઘટી જાય છે. પાંચ સાત વર્ષમાં જળ સ્તર ઉડા જતા રહે છે. બોરમાં પાઇપો ઉંડી ઉતારવા છતાં છેવટે બોર ફેઇલ થઇ જાય છે. વળી બીજી કોઇ જગ્યાએ નવા જળ સ્ત્રોતની શોધ કરવામાં આવે છે. 

વરસાદ કયાંક વાર્ષિક ૨૦ ઇંચ તો કયાંક ૨૦૦ ઇંચ ખાબકે છે. વરસાદ ભૌગોલિક કારણોસર બધે એક સરખો નથી છતાં બાર મહિનાના પીવાના પાણીની જરુરિયાત પૂરી પાડી શકે તેટલો અવશ્ય છે. બસ અમૃત સમાન કરોડો ગેલન વરસાદી પાણી નકામું વહી જાય છે તેનો સંગ્રહ કરવાની જરુર છે. શહેરોની જે સોસાયટીઓ વરસાદી પાણીમાં ગળાડૂબ હોય છે. જે ગ્રામીણ વિસ્તારો ચોમાસામાં ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા થઇ જાય છે એ સ્થળો ઉનાળો શરુ થાય એટલે પાણી વિના ટળવળે છે.

 ચોમાસામાં વરસાદના પાણીને ઝીલ્યું હોતતો કપરી પરીસ્થિતિમાં મુકાવું પડયું હોત નહી. કુદરત અઢળક પાણી વરસાવે છે પરંતુ જળ સંચય અને જળ પ્રબંધનમાં માનવીઓ કાચા પડે છે. પાણીની એક બોટલના ૨૫  રુપિયા આપવા મંજૂર છે પરંતુ વરસાદી જળને ઝીલવું નથી. ભૂગર્ભ જળ ખાલી કરતા કરીશું અને તેમાં ઉમેરો નહી કરીએ તો કયાં સુધી ચાલશે ? ભૂગર્ભ જળ અખૂટ નથી એ કયારેક તો ખૂટવાના જ છે. આવનારી પેઢીને વારસામાં જમીન, જવેરાત અને બંગલા આપીશું  પરંતુ પાણી નહી આપીએ તો શા કામનું હશે ? પાણી રિચાર્જ અને રિસાઇકલિંગ કરવામાં નહી આવે તો ખાલી સ્માર્ટ ફોનની બેટરીનું રિચાર્જ કશું કામમાં આવવાનું નથી. એક માહિતી મુજબ કુલ વરસાદી પાણીનું માત્ર ૧૪ ટકા જ જમીનમાં ઉતરે છે. બાકી તો બાષ્પીભવન થઇને ઉડી જાય છે અથવા તો નદી નાળાઓમાં વહી જાય છે. વધતી જતી ગરમીના લીધે જમીન પર ભેજ ઘટવાથી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા વધી રહી છે. ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. ગામના તળાવો અને કૂવાઓ જેવા જળાશયો સાથે સમૂદાયો લાગણીથી જોડાયેલા રહેતા. સેંકડો જળાશયો સાથે પરંપરાઓ અને અગણિત લોકકથાઓ જોડાયેલી છે. નળ કનેકશન વાટે  સરફેશ વૉટર મળવાનું શરુ થતા તળાવોનું મહત્વ ઘટી રહયું છે. ચોમાસાનું પાણી તળાવમાં આવવાના આવરા (માર્ગો) પૂરાઇ રહયા છે.  તળાવો ગ્રામીણ જીવનની ઇકો સિસ્ટમનો એક ભાગ હોવાથી તેને ફરી જીવંત કરવા જરુરી છે. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમની જમીનમાં ઉતરે તે સમયની માંગ છે. 

પૃથ્વી પરના કોઇ પણ ભૂભાગના સારો વિકાસ થવા કે પછાત રહી જવા માટે જળ જથ્થાની ઉપલબ્ધતા મોટો ભાગ ભજવે છે. પાણીની ઉપલબધ્ધતા વિકાસ અને સમૃધ્ધિનો પણ માપદંડ છે. પાણી હોય તો ખેતી થાય, પાણી હોયતો ઉધોગો વિકસે, પાણી હોયતો જ ઇકો સિસ્ટમ જળવાઇ રહે છે. પાણી વિના માણસે સ્થળાંતર કરવું પડતું હોવાનો સદીઓ જૂનો ઇતિહાસ છે. પહેલાના સમયમાં પાતાળ પાણી ઉંડેથી કાઢવા માટેની આધુનિક ટેકનિક ન હતી આથી દુષ્કાળ દોહલા લાગતા. હવે દુષ્કાળનું વ્યવસ્થાપન કરી શકાતું હોવાથી અછત એટલી આકરી લાગતી નથી. આધુનિક ટેકનોલોજી માત્ર પાણી કાઢવા માટે જ નહી ભૂતળમાં પાણી ઉમેરવા માટે પણ વપરાવી જરુરી છે. ૧૦૦૦ થી ૧૫૦૦ ફૂટેથી પાણી ઉલેચાવાથી ફલોરાઇડ, કલોરાઇડ , આર્સેનિક જેવા નુકસાનકારક રસાયણો બહાર આવવા લાગ્યા છે. જમીનમાં પાણી વધારે ઉંડેથી ખેંચવામાં પાણી ગુણવત્તા જોખમાઇ રહી છે. ભારતની  કુલ ૧૫૯.૭ મિલિયન હેકટર ખેતીલાયક જમીનમાં ૫૫ ટકા સંપૂર્ણ વરસાદ આધારિત છે. દેશમાં ૯૫ ટકા ધન ધાન્યો  અને  મોટા અનાજ વરસાદ આધારિત કૃષિ ક્ષેત્રોમાંથી પેદા થાય છે. ભારતમાં ૪૯ ટકા ખેતી સિંચાઇથી થાય છે. જેમાંથી ૬૦ ટકા સિંચાઇ ભૂગર્ભ જળ અને ૪૦ ટકા કેનાલ સિસ્ટમ અને કૂવાઓ આધારિત છે. ૮૦ થી ૮૫ ટકા પેયજળની આપૂર્તિ ભૂમિગત જળથી થાય છે. આમ ભૂજળના ભંડારો પર ભાર વધતો જાય છે.

દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ ૨૯૦૦ મિમી જેટલો હોવા છતાં સૂકા વિસ્તારોનો વિશાળ ભૂભાગ જયાં વરસાદ અંશત પડે છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ચોમાસુ આગળ વધે તેમ નબળંુ થઇ જાય છે. ૧૯૯૪માં પ્રતિ વ્યકિત પાણીની ઉપલબ્ધિ ૬૦૦૦ ઘન મીટર હતી. જે ૨૦૦૦માં ઘટીને ૨૩૦૦ ઘન મીટર થઇ હતી. સેટલાઇટ આંકડાના સ્ટડી અનુસાર સી ડબ્લ્યુસી ૨૦૧૯ અનુસાર વર્ષ ૨૦૩૧માં વાર્થિક પ્રતિ વ્યકિત પાણીની ઉપલબ્ધતા ૧૩૬૭ કયૂબિક મીટર આંકવામાં આવી છે. પ્રતિ વ્યકિત પાણીની ઉપલબ્ધતા ૧૭૦૦ કયૂબિક મીટરથી ઓછી હોય તેને જળ સંકટની સ્થિતિ ગણવામાં આવે છે. કેન્દ્રીય ભૂમિ જલ પ્રાધિકરણના આંકડા સૂચવે છે કે ભૂજળ દોહનની પણ લક્ષ્મણ રેખા ખેંચવી જરુરી છે. જેટલું પાણી ઉપયોગમાં લેવાય છે એટલું ભૂજળ રિર્ચાજ કરવાની સામૂહિક જવાબદારી પણ નકકી કરવી જરુરી છે. જળ સંકટ કોઇ એક દેશના માથે ઝળુંબી રહયું છે એવું નથી. જળવાયુ પરિવર્તનથી વરસાદની અનિયમિતતા વધતી જાય છે. ેઆથી દુનિયાના દરેક દેશની સરકારો અને નાગરિકોએ જાગવાનો સમય પાકી ગયો છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વમાં ફેશ વોટરની માંગમાં ૪૦ ટકા વધારો થવાની શકયતા છે એવું વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલમાં જણાવાયું છે. જળ વ્યવસ્થાપનમાં રહેલી ખામીઓને જો સુધારવામાં નહી આવે તો ચારે બાજુ પાણી પાણીના પોકારો પડવા લાગશે. દુનિયાના ૭૫ થી વધુ દેશો એવા છે જેની પાસે જળ સમસ્યાને પહોંચી વળવા બજેટ જ નથી. વિશ્વમાં દોઢ અબજ લોકોને રોજ નિયમિત અને પુરતું પીવાનું પાણી મળતું નથી. આવનારા સમયમાં જળવાયુ પરીવર્તનની અસરથી એશિયા,આફ્રિકા ખંડ અને લેટિન દેશો જ નહી અમેરિકા અને યુરોપના વિકસિત દેશો પણ જળ સંકટ ભોગવે તે દિવસો દૂર નથી.

Tags :