બાળકોમાં વધતું જતું 'ઓનલાઇન એડિકશન'એક વૈશ્વિક સમસ્યા
- મીડ વીક- હસમુખ ગજજર
- નાના બાળકો અને કિશોરોમાં વધતા જતો ઓનલાઇન રહેવાનો સમય સામાજિક સમસ્યા બની રહી છે. આ કોઇ એક દેશ કે ખંડ પુરતી નહી સમગ્ર દુનિયામાં વ્યાપક છે. ધર્મ કલ્ચર કે સંસ્કૃતિ ભલે જુદી હોય પરંતુ વાલીઓની મુંઝવણ એક સરખી છે.
તા જેતરમાં ઓસ્ટ્રેલિયાની જેમ ગ્રીસે પોતાના બાળકોને ઇન્ટરનેટની લત છોડાવવા અને ઇન્ટરનેટના ઉપયોગનું નિયમન કરવા માર્ચ ૨૦૨૫ સુધીમાં 'ગ્રીસ કિડસ વોલેટ' એપ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એપ થકી મોબાઇલ પર બ્રાઉઝિંગ મર્યાદા અને બાળકોની ઉંંમરની ખરાઇ કરવામાં આવશે. આ એપને વર્તમાન ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડીને બાળકોએ કઇ વેબસાઇટ અને સામગ્રી જેવી એ માતા પિતા નકકી કરી શકશે એટલું જ નહી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જવાબદારી સ્વીકારવા બાધ્ય કરવામાં આવશે. આ પગલાને બાળકોની સ્વતંત્રતા, ગોપનિયતા અને અભિવ્યકિત પર તરાપ હોવાની ટીકા થઇ રહી છે પરંતુ ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકિસએ બાળકોના દિમાગ પર થતા મોટા પ્રયોગોને રોકવા આ પગલું ભરવામાં આવી રહયું હોવાનો બચાવ કર્યો છે. ગ્રીસનું આ પગલું ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પર મુકેલા પ્રતિબંધથી પ્રેરિત માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બરમાં એક કાયદો પસાર કરીને ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકયો હતો. નિયમ તોડનારાને ૫ કરોડ ડોલરનો દંડ નકકી કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિઝએ આ પ્રતિબંધને બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે જરુરી ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા સંચાલકોએ કમાણીની સાથે હવે જવાબદારી નિભાવવાનો પણ સમય પાકી ગયો છે. આ કાનુન અંગે ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ ચર્ચા ચાલી હતી પરંતુ છેવટે બહુમતી નાગરિકો કાયદાના સમર્થનમાં આવ્યા હતા.ઓસ્ટ્રેલિયાએ કાયદાનો તો ગ્રીસે ટેકનિકનો સહારો લીધો છે. ઓનલાઇનની આદત છોડાવવા માટે ઓસ્ટ્રેલિયા કે ગ્રીસ જ નહી દુનિયાના અન્ય દેશો પણ જાગૃત થયા છે.
દક્ષિણ કોરિયા એક એવો દેશ જેમાં મલ્ટીપ્લેયર ઓનલાઇન ગેમ ખૂબજ લોકપ્રિય છે. ૨૦૧૧માં દક્ષિણ કોરિયાએ યુવા સુરક્ષા સુધારણા કાયદો (શટડાઉન લો) અમલમાં મુકયો હતો. જેમાં સોળ વર્ષથી ઓછી ઉંંમરના કિશોરો માટે રાત્રીના ૧૨ થી સવારના ૬ લાગ્યા સુધી વિડીયો ગેમ્સ રમવાની મનાઇ ફરમાવી હતી. જો કે આ કાયદો ઓગસ્ટ ૨૦૨૧માં નાબૂદ કરવામાં આવ્યો હતો પરંતુ દક્ષિણ કોરિયાની સરકાર પાસે એક એવી પ્રણાલી છે જેનાથી ૬ કલાકથી વધારે સમય ઇન્ટરનેટ પર ગેમ રમનારા બાળકોના ઇન્ટરનેટની સ્પિડ ધીમી કરી શકે છે. ચીન સરકાર છેક ૨૦૦૭થી ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાને દિવસમાં ૩ કલાકથી ઓછું રમવા માટે પ્રોત્સાહિત કરે છે. ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડોયીન (ટિકટોકનું ચીની સંસ્કરણ) પર દિવસમાં ૪૦ મિનિટ કરતા વધુ સમય વિતાવવાની અનુમતિ નથી. ફ્રાંસે સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર આયુ ખરાઇ લાગુ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ત્યાર બાદ બાળકોેને માતા પિતાની પરવાનગી વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની છુટ મળશે નહી. ગત માર્ચ ૨૦૨૪માં અમેરિકાના ફ્લોરિડામાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધને લગતું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં વાલીની સંમતિ નહી હોય તેવા સોશિયલ મીડિયા પરના તમામ એકાઉન્ટ બંધ કરવાની જોગવાઇ હતી. અમેરિકાના ઇતિહાસમાં સોશિયલ મીડિયા પરની સૌથી મોટી કાર્યવાહી હતી. આ પગલું બાળકોને ડિપ્રેશન, આત્મહત્યા જેવા માનસિક સ્વાસ્થ્યને લગતા ઓનલાઇન જોખમોથી બચાવવા માટે ભરવાની ફરજ પડી હતી.જો કે સોશિયલ મીડિયા અભિવ્યકિત અને વાણી સ્વાતંત્રતા માટે મહત્વનું ગણીને આ નિર્ણયને અદાલતમાં પડકારવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકાથી દુનિયામાં વધતા જતા ઓનલાઇનના પ્રભાવથી ઇન્ટરનેટ પેઢી તૈયાર થઇ રહી છે. નાના બાળકો અને કિશોરોમાં વધતા જતા ઓનલાઇન વપરાશથી સામાજિક સમસ્યા ઉભી થઇ રહી છે જે કોઇ એક દેશ કે ખંડ પુરતી નહી સમગ્ર દુનિયામાં વ્યાપક છે. ધર્મ કલ્ચર કે સંસ્કૃતિ ભલે જુદી હોય પરંતુ વાલીઓની મુંઝવણ એક સરખી છે. વૈશ્વિક સ્તરે આને લગતો કોઇ વિશ્વસનિય ડેટા નથી પરંતુ અનુમાન છે કે દરેક પશ્ચિમી અને પૂર્વી દેશો એક સાથે સમસ્યા અનુભવી રહયા છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર કિશોરવયની વધતી જતી સક્રિયતાનો તોડ કાઢવા મથી રહયા છે. એ વાત સાચી છે કે ઇન્ટરનેટના કારણે માનવજીવનમાં ક્રાંતિ આવી છે, શીખવાનું અને સમજવાનું સરળ બન્યું છે. ઓન લાઇન એજયુકેશનની એક વિશાળ દુનિયા વિસ્તરી છે. ઓનલાઇન બજારની એક દુનિયા ઉભી થઇ છે. લોકો એક બીજાથી દૂર રહીને પણ એક સાથે રહી શકે છે.
વિજ્ઞાાન, વાણીજય,ખરીદી, બિલોની ચુકવણી સરળ બની છે પરંતુ બાળકો માટે ઇન્ટરનેટ કે ઓનલાઇનની દુનિયા કેટલી જરુરી છે કે કેટલી જરુરી નથી એ બાબતે મતભેદો જોવા મળે છે. આ મતભેદો હોવા છતાં બાળકોને ઓનલાઇનથી દૂર રાખવા જોઇએ એવો મત વધતો જાય છે. બાળકોને કલાસરુમમાં ભણી ગણીને તૈયાર થવાનું હોવાથી ઓનલાઇનના વળગણના લીધે ઓફ લાઇન એજયુકેશન પર અસર થવા લાગી છે. બાળકને મોડી રાત્રિ સુધી ઓનલાઇન રહેતું હોયતો સવારે તેને સ્કૂલ માટે ઉઠવાથી માંડીને એકાગ્રતા પર વિપરીત અસર થવાની જ છે. એક સમયે બે કે ત્રણ દિવસની સ્કૂલમાં રજા હોય ત્યારે બાળકો અભ્યાસ માટે થોડો સમય આપતા હવે સ્કૂલનો સિલેબસ કલાસરુમ પુરતો જ રહી જાય છે. રજાઓમાં લોટરી લાગી હોય એમ ઓનલાઇનની દુનિયામાં વ્યસ્ત થઇ જાય છે. બાળકો માટે ડિવાઇસ પકડીને ઓનલાઇન રહેવુંએ રમકડા સાથે રમવા જેવું સરળ બની ગયું છે.વિવિધ સ્ટડી પરથી જાણવા મળે છે કે ઓનલાઇનના વહેણમાં બાળકો તણાતા જાય છે. કોરોના મહામારીના લાંબા લૉકડાઉન પછી કિશોરો અને કિશોરીઓની દુનિયા ઝડપથી વર્ચ્યુઅલ બની છે.બાળકોની ઓનલાઇન અતિ વ્યસ્તતાને લીધે માતા પિતા સાથેના સંબંધો પણ બગડી જાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની ના પાડે તો બાળકોમાં ગુસ્સા,બેચેની અને ચિડિયાપણું આવી જાય છે. જુઠુ બોલવું, ખોટી ચર્ચા કરવી અને સામા થવાની સમસ્યા પણ વધી રહી છે.મોબાઇલ આપ્યા પછી બાળકો પાસેથી પાછો લેવાથી ઘરમાં અશાંતિ સર્જાય છે. છેવટે આંગળીઓ અને મગજ થાકે ત્યારે જ બાળક જપે છે. વધતા જતો સ્ક્રિન ટાઇમ અને જીવનશૈલીની અસરથી બાળકોની આંખોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. ખાસ કરીને માયોપિયા બાળકોમાં એક ગંભીર સ્વરુપ લઇ રહી છે. વિશ્વનું દર ત્રીજુ બાળક માયોપિયા એટલે કે દૂરનું નહી જોઇ શકવાની સમસ્યા ધરાવે છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં ૪૦ ટકાથી વધુ બાળકોમાં આ સમસ્યા જોવા મળી શકે છે આ અંગેનો સ્ટડી બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્થલ્મોલોજીમાં પણ પ્રકાશિત થયો હતો.
અમેરિકામાં થયેલા એક સર્વે મુજબ ૯ થી ૧૨ વર્ષના ૭૬ ટકા બાળકો વ્યકિતગત ડિવાઇસથી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ૨૨ ટકા બાળકો અરુચિકર સામગ્રી જુએ છે. સાથે અનેક બાળકો ઓનલાઇન સેફટી ટૂલ્સ જેવા કે બ્લોક અને રિર્પોટ કરવાનું પણ જાણતા ન હોવાથી સાયબર બુલિંગનો ભોગ બની રહયા છે. એક સમયે ઘર, સ્કૂલો અને સમુદાયોમાં બાળકો હિંસાનો સામનો કરતા હતા કે હવે એસએમએસ, ચિત્રો, વીડિયો, ઇમેલ ચેટથી વર્ચ્યુઅલ હિંસાનો ભોગ બનતા જાય છે. ઓનલાઇન ગેમિંગના પ્રમોશન વિજ્ઞાાપન બાળકો અને કિશોરોને લક્ષ્ય બનાવે છે. ધીરે ધીરે વાલીઓને સમજાવા લાગ્યું છે કે તણાવ મુકત આભાસી મનોરંજન પછી પણ જીવનની સમસ્યાઓ તો રહેવાની જ છે. માણસ એકલો પડે, કશુંક વિચારે ત્યારે જ તેનામાં કશુંક સર્જનાત્મક આવતું હોય છે. ઓનલાઇન જીવન બાળકોની સ્પોટર્સ, ગ્રાઉન્ડ ગેમ અને ઇત્તર પ્રવૃતિઓનો ભોગ લઇ રહયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વીડિયો બનાવવા અને વીડિયો જોવા એ જ ખાલી જીવન નથી. એક સર્વેમાં એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે દુનિયાના દેશોની સરખામણીમાં ભારતીય બાળકો પણ નાની ઉંમરે મોબાઇલનો ઉપયોગ કરવાનું શીખી લે છે. ભારતીય માતા પિતા સાયબર અપરાધ અંગે સંતાનો સાથે ખૂબ ઓછી વાત કરે છે. બાળકો જ આમાં રચ્યા પચ્યા રહેશે તો મોટા થઇને કરશે શું ? બાળકો ડિજિટલ પ્લેટફોર્મ પર જે જુએ છે કે જાણે છે તે કેટલું સાચું છે તેનું ફેકટ ચેક કોણ કરશે ? બાળક પતંગિયા પાછળ દોડવાના સ્થાને એઆઇ કેરેકટર પાછળ ભાગતું રહેશે તો તેના પર કેવી અસર થશે ? આમ પણ ઓનલાઇન દુનિયાએ માણસને બહારથી વ્યસ્ત અને અંદરથી એકલો બનાવી દીધો છે જો આવું બાળકો સાથે થતું રહેશે તો તે કેવા તૈયાર થશે ? ઇન્ટરનેટ સામાન્ય લોકો અને ખાસ કરીને બાળકોનું ખૂબજ મનગમતું માધ્યમ બની ગયું છે. ગ્રીસ અને ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા સૌથી મહત્વની છે. આ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષિત ડિજિટલ માહોલ પુરો પાડવા માટે નિયંત્રણો જરુરી છે. જો કે કાયદાના વિરોધીઓની દલીલ છે કે માણસનું મન પ્રતિબંધિત સામગ્રી સુધી પહોંચવા વધારે લલચાતું હોય છે આવું બાળકોમાં થશે તો માનસિક સ્વાસ્થ્ય અને સમાજ માટે વધુ નુકસાનકારક સાબીત થશે. કાળા વાદળની રુપેરી કોરની જેમ જો આ પ્રયાસો સફળ થશે તો દુનિયાના બીજા ત્રાહિમામ દેશો માટે પણ પ્રેરણા બનશે.