900 દિવસથી અવિરત ચાલતા યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપનાની શકયતા કેટલી?

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
900 દિવસથી અવિરત ચાલતા યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપનાની શકયતા કેટલી? 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- તાજેતરમાં યુક્રેને રશિયાના કુર્સ્ક સરહદી વિસ્તારમાં 25 થી 30 કિમી  અંદર ઘુસીને સૌને ચોંકાવી દીધા છે. બીજા વિશ્વયુધ્ધ પછી પ્રથમવાર કોઇ વિદેશી સૈનિકોએ રશિયા ઉપર હુમલો કરીને જમીન પડાવી છે. આ ઘટના પછી વૈશ્વિક શાંતિ વધુ જોખમાઇ છે. 

એ ક બાજુ આતંકી સંગઠન હમાસ પરની ઇઝરાયેલની કમરતોડ કાર્યવાહી પછી ઇરાન સાથે ગમે ત્યારે યુદ્ધનો ભડકો થાય તેમ છે. બીજી બાજુ  છેલ્લા ૯૦૦ કરતા વધુ દિવસથી યુક્રેન અને રશિયા મરણિયા બનીને એક બીજાને ખુવાર કરી રહયા છે. ડ્રોન્સ અને મિસાઇલ એટેકના વાર પ્રતિવારની ઘટનાઓ અટકવાનું નામ અટકી નથી. વિશ્વમાં અશાંતિનો ભડકો કરી શકે તેવા આ બે સ્પોટને લઇને દુનિયા ચિંતિત બની છે. એમાં પણ યુક્રેન યુધ્ધ એટલું પેચિદુ બન્યું છે કે બંને પક્ષો ખૂબ જતું કરીને સમાધાન પર આવે તો જ કાયમી શાંતિ શકય છે. રશિયા પોતાના હિતો અને ઉદ્દેશો પાર ના પડે ત્યાં સુધી લડાઇનું મેદાન છોડવા તૈયાર નથી જયારે વોલોદિમિર ઝેલેંસ્કીના નેતૃત્વ હેઠળનું યુક્રેન ઝુકવા તૈયાર નથી. રશિયા દ્વારા યુક્રેની શહેરોને અંધાધૂંધ નિશાન બનાવવામાં આવ્યા છે. આર્થિક મહત્વ ધરાવતા મારિયુપોલ જેવા પોર્ટ શહેરનું તો નામોનિશાન રહયું નથી. ૮૦ લાખથી વધુ યુક્રેની નાગરિકો ઘર છોડીને ભટકતું જીવન ગુજારે છે.  ચેચન્યા અને જયોર્જિયાની માફક કાર્યવાહી કરીને યુક્રેન પર વર્ચસ્વ સ્થાપિત કરવાનો રશિયાનો દાવ ફોગટ ગયો છે. યુક્રેનની રાજધાની કીવનો કબ્જો તો દૂર રહયો ઝેલેંસ્કીની સરકાર પણ ઉથલાવી શકાઇ નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સમગ્ર લડાઇને રશિયા વર્સિસ પશ્ચિમી દેશોની ગણાવે છે કારણ કે તેઓ જાણે છે કે લડાઇમાં યુક્રેન એકલું નથી. એક માહિતી મુજબ અમેરિકાએ યુધ્ધના છેલ્લા ૯૦૦ દિવસમાં હથિયારોની ૬૩ જેટલી ખેપ યુક્રેનને પહોંચાડી છે. જેમાં સ્ટિંગર મિસાઇલો અને આર્ટિલરી શેલ સહિતના ઉપકરણોનો સમાવેશ થાય છે. હિમાર્સ રોકેટ, પેટ્રિયેટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને એફ -૧૬ ફાઇટર જેટનો પણ સમાવેશ થાય છે. 

રશિયાએ પોતાના સાર્વભૌમત્વના રક્ષણ માટે ખુદ પાસે જે વિકલ્પો છે તે બધા જ ખુલ્લા રાખીને અણુપ્રયોગ સુધીની ધમકીઓ આપેલી છે. આટલી અણુ ધમકીઓ વિશ્વના કોઇ પણ યુધ્ધમાં મળી નથી. રશિયા ભલે યુક્રેન પરની કાર્યવાહીને વિશેષ સૈન્ય અભિયાન ગણતું હોય પરંતુ સૈન્ય ખુવારીનો આંકડો પૂર્ણકક્ષાના યુધ્ધ જેવો છે. રશિયાએ ૨૭૦૦ જેટલી ટેંકો અને ૮૦૦૦થી વધુ બખ્તર બંધ વાહનો ગુમાવ્યા હતા. યુક્રેને ૩૦૦૦ જેટલી બખ્તરબંધ ગાડીઓ અને  અને ૭૪૦ ટેંકો યુધ્ધમાં હોમી દીધી છે. ૨૦૨૩માં રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઇ શોઇગુએ કબુલ્યું હતું કે સૈન્ય કાર્યવાહીમાં રશિયાના ૫૯૩૭ સૈનિકો માર્યા ગયા છે. જો કે આનાથી વિપરીત પશ્ચિમી જાસૂસી સંસ્થાઓ અને જાણકારો માને છે કે રશિયાના મુત્યુ અથવા ઘાયલ સૈનિકોનો કુલ આંક ૨ થી ૩ લાખ જેટલો છે. બહુચર્ચિત રશિયાની પ્રાઇવેટ આર્મી વેગનર ગુ્રપના ૪૦ હજાર લડવૈયાઓને યુક્રેનમાં ઉતારવામા આવ્યા હતા તેમના અડધા યુધ્ધમાં ખપી ગયા છે. યુક્રેનના સૈનિકોના મુત્યુ અથવા તો ઘાયલ થવાનો કુલ આંક અંદાજે ૨ લાખ જેટલો આંકવામાં આવે છે. રશિયાની સરખામણીએ ખૂબ નબળી ગણાતી યુક્રેની નૌ સેનાએ કાળાસાગરમાં માનવરહિત  ડ્રોનનો ઉપયોગ કરીને રશિયાને ખૂબ પરેશાન કર્યુ છે. દરિયામાં ડૂબી ગયેલું રશિયાનું યુધ્ધ જહાજ 'રોસ્તોવ ઑન ડૉન' જે વિશ્વયુધ્ધ પછી રશિયન નેવીને થયેલું સૌથી મોટું નુકસાન હતું. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨માં રશિયાએ મિલિટરી ઓપરેશન હેઠળ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે આટલું યુધ્ધ લાંબુ ચાલશે એવી કોઇએ કલ્પના પણ કરી ન હતી. યુએન અને અનેક નિષ્ણાતો મત રજૂ કરી ચુકયા છે યુધ્ધમાં બે માંથી કોઇ એક પક્ષનો વિજય શકય નથી.

સામાન્ય રીતે રશિયા હુમલા કરવાની ભૂમિકા જયારે યુક્રેન બચાવમાં જોતરાયેલું રહેતું હતું.  રશિયા સરહદ નજીક ગોઠવેલી મિસાઇલો અને ડ્રોન સિસ્ટમની મદદથી  યુક્રેન પર વિનાશ વેરતું રહયું છે. યુક્રેન પણ પાછી પાની કર્યા વિના ખારકિવ નજીકની સરહદથી રશિયાના સુરક્ષા એકમોને નુકસાન પહોંચાડતું રહયું છે

જો કે તાજેતરમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ દરમિયાન યુક્રેનના સૈન્યએ રશિયાના કુર્સ્ક સરહદી વિસ્તારમાં ૨૫ થી ૩૦ કિમી  અંદર ઘુસીને સૌને ચોંકાવી દીધા છે. યુક્રેનના ભૂમિ સૈન્યના હુમલામાં ૫૦૦૦ થી ૧૨૦૦૦ સૈનિકોનો સમાવેશ થતો હતો. યુક્રેને રશિયાના ૭૦ થી વધુ ગામો અને ૧૦૦૦ વર્ગ કિમી વિસ્તાર કબ્જે કરવાનો દાવો કર્યો હતો. રશિયાએ યુક્રેનના હુમલાથી પોતાના ૧ લાખ ને ૩૨ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડયા હતા.યુક્રેની સેનાએ સરહદ નજીક આવેલા સુરજા શહેરમાં વીજળી ઝડપે પ્રવેશ કરીને કબ્જો લીધો છે. 

આ કાર્યવાહીમાં યુક્રેની સેના, એર ડિફેન્સ અને ઇલેકટ્રોનિક વૉરફેયર તથા તોપખાના વચ્ચે ગજબનો સમન્વય જોવા મળ્યો હતો.આ સાથે  યુક્રેને આધુનિક શસ્ત્રોની મદદથી રશિયાના વિસ્તારોમાં ઘૂસીને મારવાની ક્ષમતા પુરવાર કરી છે. બીજા વિશ્વયુધ્ધ પછી રશિયા પર પહેલીવાર કોઇ દેશ દ્વારા વિસ્તારો કબ્જે કરતો હુમલો કર્યો છે. યુક્રેનનું આ પગલું યુધ્ધમાં નવા જ ભડકાનું કારણ બને તેવી શકયતા છે. યુક્રેન ડોનબાસ જેવા વ્યુહાત્મક વિસ્તારમાંથી રશિયાના સૈન્યને પાછું હટાવવા દબાણ કરી શકે છે. યુક્રેન રશિયાની સરહદ નજીક હુમલા માટે અમેરિકાએ આપેલા શસ્ત્રોનો ઉપયોગ કરે છે. અમેરિકા માને છેે કે રશિયન સેના જો યુક્રેન હુમલાની તૈયારી કરી રહી હોય તેવા ટાર્ગેટ વિંધવામાં કશું ખોટું પણ નથી, યુક્રેનને સ્વ બચાવ કે જવાબી કાર્યવાહીની છુટ પણ છે. 

જો કે હવે યુક્રેનના સૈનિકોએ પહેલીવાર રશિયાની સરહદની અંદર ૩૦ થી ૩૫ કિમી સુધી હુમલો કરીને કબ્જો કર્યો હોવાથી યુધ્ધનું સ્વરુપ બદલાઇ શકે છે. આથી જ તો અમેરિકાએ કુર્સ્ક સરહદી વિસ્તાર પર યુક્રેનના કબ્જાની ઘટના સાથે કોઇ લેવા દેવા નથી એવી સ્પષ્ટતા કરી છે. યુક્રેન દ્વારા લાંબા અંતરની મિસાઇલો વડે  મોસ્કો કે ક્રેમલિન સુધી પણ હુમલો આગળ વધી શકે છે એવો રશિયાને પણ ડર પેદા થયો છે. યુક્રેન અમેરિકી હથિયારો વડે પોતાના વિસ્તારમાંથી રશિયાને ખદેડે તે એક વાત છે અને રશિયાના વિસ્તારો કબ્જો કરવામાં ઉપયોગ કરે તે બીજી વાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કી રશિયાની ડ્રોન અને મિસાઇલ સાઇટોના નાશ માટે 

રશિયાની અંદર હુમલા માટે તલપાપડ જણાય છે. કેટલાક નિષ્ણાતો રશિયા પર હુમલો કરવાની નવી સ્ટ્રેટેજીને યુક્રેનનું ખોટું સાહસ ગણાવી રહયા છે. રશિયા જાણે છે કે શસ્ત્રો બાબતે યુક્રેનની અમેરિકા પર  જે નિર્ભરતા છે તે જોતા હુમલામાં અમેરિકાના શસ્ત્રોનો ઉપયોગ ના થયો હોય એ શકય નથી. કુર્સ્ક હુમલામાં અમેરિકાના હિમાર્સ રોકેટ લોન્ચરએ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું માનવામાં આવે છે. રશિયાના સાંસદ અને દેશની સંસદના ઉપ સભાપતિ મિખાઇલ શેરમેટે રશિયાની સમાચાર એજન્સી આરઆરઇને જણાવ્યું હતું કે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં અતિક્રમણના પગલે દુનિયા સંભવિત ત્રીજા વિશ્વયુધ્ધની નજીક પહોંચી ગઇ છે. રશિયાની ભૂમિ પર હુમલામાં પશ્ચિમી સૈન્ય ઉપકરણો અને વિદેશી ભાગીદારી ભયંકર ઉશ્કેરણીના સંકેત આપી રહી છે. કેટલાક નિષ્ણાતોનું પણ માનવું છે કે  યુક્રેન રશિયાની અંદર સુધી ઘૂસીને હુમલા કરવાની નીતિ ચાલુ રાખશે તો અમેરિકા માટે યુક્રેનનું સમર્થન કરવું અઘરુ બની જશે. રશિયા અને અમેરિકાના સંબંધો સાવ વણસી જશે તો વિશ્વશાંતિ માટે જોખમ ઉભું થશે. પશ્ચિમી દેશો યુક્રેનના માધ્યમથી રશિયા માટે ખતરો બની રહયા હોવાનો પુતિનનો આરોપ સાચો ઠરી શકે છે. રશિયાના કુર્સ્ક વિસ્તાર પર યુક્રેનના કબ્જાથી રાષ્ટ્રપતિ પુતિનની ઇમેજ ખરડાતા તે યુક્રેનમાં કોઇ મોટું પગલું પણ ભરી શકે છે.


Google NewsGoogle News