આફ્રિકાના કલ્પવૃક્ષ બાઓબાબની ઉત્પતિના મૂળિયા શોધવાનો પ્રયાસ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
આફ્રિકાના કલ્પવૃક્ષ બાઓબાબની ઉત્પતિના મૂળિયા શોધવાનો પ્રયાસ 1 - image


- મીડ વીક -  હસમુખ ગજજર

- મૂળ માડાગાસ્કરથી માંડીને આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલા બાઓબાબ વૃક્ષને વર્લ્ડ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આફ્રિકાના આર્થિક, સામાજિક વિકાસમાં આ વૃક્ષનું ખૂબ મોટું યોગદાન છે. ચીની સંશોધકોએ તેની ઉત્પતિના મૂળિયા સુધી પહોંચવા પ્રયાસ કર્યો છે

આ ફ્રિકામાં સાંસ્કૃતિક અને ઇકોલોજિકલ મહત્વ ધરાવતું બાઓબાબનું વૃક્ષ વિશિષ્ટ પ્રકારનું છે. આફ્રિકાના જંગલમાં રહેતા મૂળ નિવાસીઓ બાઓબાબને જંગલની માતા તરીકે સંબોધે છે. બાઓબાબને પવિત્ર સમજીને પૂજા પાઠ કરે છે. બાઓબાબ દેખાવમાં જાણે કે મૂળિયા ઉપરની તરફ હોય તેવું જણાય છે, ખાસ કરીને પાનખરની ઋતુમાં બાઓબાર સાવ જ ઉલટું હોય તેવો આભાસ થાય છે. ૫ થી ૬ મહિના પાન દેખાય છે જયારે ૬થી ૭ મહિના ઠુંઠા જેવી ડાળીઓ હોય છે. અરબસ્તાનમાં તો એવી એક કિવંદતી છે કે શૈતાને વૃક્ષને જમીનમાંથી ઉખાડીને ઉંધુ ફેંકી દેતા તેના મૂળિયા ઉપર રહી ગયા હતા. હજારો વર્ષ સુધી જીવવાની ખાસિયત ધરાવતું આ વૃક્ષ શુષ્ક હવામાનમાં પોતાના મૂળિયામાં પાણીનો સંગ્રહ કરી રાખે છે.  બાઓબાબની કેટલીક પ્રજાતિના મૂળિયામાં ૧  લાખ લિટર જેટલું પાણી સમાયેલું હોય છે. બાઓબાબ માટીના ધોવાણને અટકાવે છે પોષકતત્વોને પુનર્ચક્રિત કરવામાં મદદ કરે છે. તેના વિશાળ મૂળિયા પોલી લાકડીના સિલેન્ડર જેવા હોય છે. જેમાં પાણી ભરેલી અનેક કોશિકાઓ જીવંત હોય છે. પાણી ભરેલી કોશિકાઓ હાઇડ્રોસ્ટેટિક દબાણ ઉત્પન્ન કરે છે જે વૃક્ષને મજબૂતી આપે છે.  બાઓબાબના મૂળિયાંનો ઉપયોગ રસ્સી અને ફાઇબર બનાવવામાં થાય છે. લાલ, ગુલાબી કે તાંબા જેવા રંગની છાલ ઉઝેડવામાં આવે તે પછી નવી છાલ બનવામાં ખૂબ સમય લાગે છે. અનેક પ્રજાતિઓના પાન તથા ફળ ખોરાક તરીકે સીધા ઉપયોગમાં લેવાય છે. રસ્સી અને કપડા ઉપરાંત માછલીઓ પકડવાના ઉપકરણો, સંગીત વાધ્ય, લાકડાના વાસણો અને કાગળ તૈયાર કરવા માટે પોલુ લાકડું ઉપયોગી છે. બાઓબાબનું થડ અને અટપટ્ટી રચના જોતા તેને કાપવું અઘરુ છે તેમ છતાં તેને કાપવામાં આવે છે. જો કાપવામાં ના આવે તો આ વૃક્ષની ઉંમર ખૂબ લાંબી હોય છે. ૧૦૦૦ થી ૬૦૦૦ વર્ષ સુધી જીવ્યા હોવાના પણ દાખલા છે. જળવાયુ પરિવર્તન અને અનિયમિત હવામાન પેટર્નના બાઓબાબની વૃધ્ધિ અને અસ્તિત્વ પર નકારાત્મક અસર પડી કરી છે. ખેતી માટે  દર વર્ષે હજારો હેકટર જંગલ કાપવામાં આવે છે જેમાં બાઓબાબ પણ સાફ થઇ રહયા છે. બાઓબાબની શાખાઓમાં પક્ષીઓ માળા બનાવે છે, લંગૂર જેવા મોટા પ્રાણીઓ ફળ-પાન ખાય છે. મધમાખી, ચામાચીડિયા રસ પીવે છે અને ફૂલોને પરાગિત કરે છે. હાથીઓ પણ સુંઢ લંબાવીને ફળપાન તોડે છે. જીમ્બાબ્વેમાં કાફૂ નેશનલ પાર્કમાં એક બાઓબાબ વૃક્ષનું નામ કોડાન મવાલી છે. આ પ્રાચીન બાઓબાબ વૃક્ષ એટલું વિશાળ છે કે તેની બખોલમાં ૪૦ જેટલા લોકો આશ્રય લઇ શકે છે. બાઓબાબના  ફળમાં ટાર્ટરિક એસિડ અને વિટામીન સી હોય છે. બાઓબાબના ફળ અને પાનનો ઉપયોગ દવા તરીકે થાય છે તેના ફળોને કેટલાક તો સુપરફૂડ તરીકે ઓળખે છે. પલ્પ અને પાંદડા એન્ટી ઓકિસડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. પાવડર,તેલ અને પલ્પના ગુણોનું અમેરિકામાં માર્કેટિંગ થાય છે. 

બાઓબાબ સામાન્ય રીતે ૫ થી ૨૦ મીટર જેટલું ઉંચું હોય છે. આમ તો દરેક વૃક્ષને પોતાની ખાસિયત હોય છે જે ઇકો સિસ્ટમમાં પ્રદાન આપે છે પરંતુ બાઓબાબ જેવી વિવિધતા અને વિશિષ્ટતા ભાગ્યે જ કોઇ વનસ્પતિની પ્રજાતિઓમાં જોવા મળે છે. બાઓબાબની ઉત્પતિ અને  ફેલાવો પર્યાવરણ રસિયાઓ માટે ખૂબજ જીજ્ઞાાસાનો વિષય રહયો છે. માડાગાસ્કરથી આફ્રિકા અને ત્યાંથી ઉત્તર પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સુધી કેવી રીતે ફેલાવો થયો તે જાણવા પ્રયત્નો થતા રહયા છે. તેમ છતાં બાઓબાબની ઉત્પતિ અને ફેલાવો અત્યાર સુધી રહસ્યમય જ રહી છે. તાજેતરમાં ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સના વુહાન બોટોનિકલ ગાર્ડનમાં આવેલા ચીન-આફ્રિકા સંયુકત રિસર્ચ સેન્ટરની આગેવાની હેઠળ થયેલા સંશોધને આ ભવ્ય વૃક્ષ પર પ્રકાશ પાડયો છે. વુહાન બોટનિકલ ગાર્ડનના તાઓ વાન, કિંગ ફેંગ વાંગ અને લંડનના રોયલ બોટનિકલ ગાર્ડનના ઇલિયા લીચની ટીમે બાઓબાબની વર્તમાન ૮ પ્રજાતિઓના જીનોમ એકઠા કરીને સ્ટડી કર્યો છે. પ્લાન્ટ જીનેટિકલ અને જીનોમિકસ સંશોધકોએ સંશોધન માટે અધતન જીનોમિક અને ઇકોલોજિકલ પૃથ્થકરણનો ઉપયોગ કર્યો હતો. આ સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે હિંદમહાસાગરમાં આવેલો ટાપુ દેશ માડાગાસ્કર બાઓબાબના પૂર્વજોનું ઘર છે.  માડાગાસ્કરની કોઇ ભૌગોલિક ઉથલપાથલ બાદ બાઓબાબની બીજ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ફેલાયા હતા. ચીનના સંશોધક વાન જુનનનું માનવું છે કે ઐતિહાસિક ડેટા મુજબ ૨.૧૦  કરોડ વર્ષ પહેલા વિશ્વ ફલક પર દરિયાની સપાટીના નીચા સમયગાળા દરમિયાન બાઓબાબનો વિસ્તાર અને વિકાસ થયો હશે. આબોહવા પરિવર્તન અને દરિયાના સપાટીમાં અસામાન્ય ફેરફારોથી બાઓબાબના બીજ માડાગાસ્કર ઓળંગીને આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા એમાં હવે શંકાને સ્થાન નથી. 

રસપ્રદ વાત એ છે કે બાઓબાબની ૮ પ્રજાતિમાંથી ૬ હજુ પણ માડાગાસ્કરમાં વિશિષ્ટ રીતે જોવા મળે છે. બાઓબાબ ક્રીસ્ટોન પ્રજાતિ છે જે ભોજન અને આશ્રય સ્વરુપે વિભિન્ન પ્રકારનું ભરણ પોષણ માટે સક્ષમ છે.  બાઓબાબ જીનોમમાં પ્રજાતિઓની વચ્ચે પ્રાચીન સંકરણના પ્રમાણ મળ્યા છે. આ સંકરણ માડાગાસ્કરમાં અસ્તિત્વ હતું ત્યારે થતું હશે. માડાગાસ્કરમાં બાઓબાબની વિવિધ પ્રજાતિઓ વિકસિત થઇ જે લાખો વર્ષોમાં હિમયુગ અને સમુદ્રનું સ્તર વધવા ઘટવાથી પ્રભાવિત થઇ હતી. ઓસ્ટ્રેલિયાની પ્રજાતિ (એન્ડસોનિયા ગ્રેગોરી- બોઆબ) આફ્રિકી પ્રજાતિ (એન્ડસોનિયા ડિજિટાટા) બીજે કે 

અંકુર સ્વરુપે મૂળ તો માડાગાસ્કરથી સ્થળાંતરિત થઇ હતી. સ્થળાંતરણના પરિણામ સ્વરુપ આફ્રિકી બાઓબાબની કોશિકાઓના ગુણસૂત્રોની સંખ્યામાં ૮૮ થી ૧૬૮ સુધીનો વધારો થયો. ગુણસુત્રો (રંગસૂત્રો) ની સંખ્યામાં આ પ્રકારનો વધારો વનસ્પતિમાં સામાન્ય ગણાય છે જેને પૉલિપ્લૉઇડ કહેવામાં આવે છે. પૉલિપ્લૉઇડ એક એવી પ્રક્રિયા જે આનુવાંશિક રીતે છોડને માતા પિતાથી અલગ કરે છે. એક આનુવાંશિક ભૂલ નવી પ્રજાતિ ઉત્પન્ન કરે છે. માડાગાસ્કરથી ઓસ્ટ્રેલિયાનું અંતર ખૂબ જોવા મળે છે ત્યાં પણ બાઓબાબની પ્રજાતિનો ફેલાવો આશ્ચર્ય પેદા કરે છે. 

આફ્રિકામાં બાઓબાબ ૧૨ મિલિયન વર્ષ પહેલા આવ્યા હતા. હાથી જેવા પ્રાણીઓ તેના ફળ ખાતા હતા. બાઓબાબના બીજ હાથીઓના પાચનતંત્રમાં કોઇ પણ પ્રકારની ક્ષતી વગર પસાર થયા હશે. જયાં મળ-છાણનો ઢગલો થયો ત્યાં બીજ ઉગી નિકળ્યા હશે. આફ્રિકામાં જે બાઓબાબ જોવા મળે છેે તેને મૂળવંશની જગ્યા લીધી છે. જો કે બાઓબાબનું પ્રાચીન સ્વરુપ ૮૮ ગુણસૂત્રવાળુ એડાનસોનિયા કિલિમા આજે પણ જીમ્બાબ્વે અને માઉન્ટ કિલિમાંજારોના ઢોળાવ પર જોવા મળે છે. ભારતમાં બાઓબાબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના માંડુમાં જોવા મળે છે. કદાંચ આ એક એવું સ્થળ છે જયાં સૌથી વધુ  બાઓબાબ જોવા મળે છે. માંડુ નગરની આસપાસ અંદાજિત ૧૦૦૦ જેટલા બાઓબાબના વૃક્ષો છે. આ ઉપરાંત ઉતરપ્રદેશના પ્રયાગરાજ,મહારાષ્ટ્રમાં વાઇ તથા ગુજરાત અને આંધ્રપ્રદેશમાં છુટાછવાયા જોવા મળે છે. બાઓબાબ ભારતમાં ૬૦૦ થી ૭૦૦ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. એવું મનાય છે કે માંડુના રાજાએ પૂર્વ આફ્રિકાના સૈનિકોને નિયુકત કર્યા હતા જેઓ પ્રોટિન અને વિટામિન્સનો સ્ત્રોત ગણાતી બાઓબાબની શીંગો લાવ્યા હતા. હૈદરાબાદના શાસકોએ આફ્રિકન ઘોડેસવારોને કામ પર રાખ્યા હતા. આફ્રિકન મૂળના આ સૈનિકો પણ બાઓબાબના બીજ સાથે લાવ્યા હતા. બાઓબાબનો સમાવેશ વિશ્વમાં નાશ પાંમી રહેલા વૃક્ષ તરીકે થાય છે. જે વૃક્ષ સૈકાઓ સુધી જીવે છે ,સાથ નિભાવે છે, પર્યાવરણને મદદ કરે છે. જેે વિકસવાનો અને વિસ્તરવાનો લાખો વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આ પ્રાચીન પુરાતન  વનસ્પતિ લૂપ્ત થવાનો ખતરો ધરાવતી હોય ત્યારે તેનું સંવર્ધન કરવુંએ પૃથ્વી પરના માનવીઓની સહિયારી ફરજ બની જાય છે. 



Google NewsGoogle News