Get The App

ન્યૂઝીલેન્ડે પર્વતને માણસ જેવા અધિકારો આપ્યા!

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
ન્યૂઝીલેન્ડે પર્વતને માણસ જેવા અધિકારો આપ્યા! 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- ન્યૂઝીલેન્ડે જનજાતિઓના ટારાનાકી પર્વત અને આસપાસના વિસ્તારને લિગલ પર્સનલ હુડ ગણીને દાખલો બેસાડયો છે

મા ણસ પ્રકૃતિથી વિખૂટો પડીને ભૌતિક જીવન જીવતો થયો પરંતુ માહ્લલો તો કુદરતી તત્વો તરફ જ આકર્ષાતો રહે છે. ભૌતિક જીવનના થોડાક દાયકા બાદ કરીએ તો વંશાનુગત લક્ષણો માણસને હંમેશા 'બેક ટુ નેચર'ની પ્રેરણા આપતા રહે છે. પૃથ્વી પર ભલે જડ અને ચેતનની વ્યાખ્યા કરવામાં આવી હોય પરંતુ જે હલનચલન કરતું નથી તે જડ નથી તેની અંદર પણ ચેતનાનો વાસ રહેલો છે. આથી જ તો પર્વતો અને શિખરોને પવિત્ર માનીને તેને પુજવામાં કદાંચ કોઇ ધર્મ બાકી નથી. ન્યૂઝીલેન્ડમાં નોર્થ આઇલેન્ડ પરનો ૨૫૬૧ મીટર (૮૨૬૧ ફુટ) ઉંચાઇ ધરાવતો માઉન્ટ ટારાનાકી નામનો એક પ્રાચીન પર્વત જેને ઇન્ડિજિનિયસ (માઓરી સમુદાય) દ્વારા પૂર્વજ માનવામાં આવે છે. માઉન્ટ ટારાનાકી સ્વદેશી સમુદાય માટે પવિત્ર છે એટલું જ નહી પોતાની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો પણ છે. તાજેતરમાં ટારાનાકી ઇલાકામાં વસેલા મૂળ નિવાસી માઓરી સમુદાયના લોકોના આ પૂર્વજ પર્વતને વર્ષોની કાનુની લડાઇ પછી માણસ જેવા અધિકારો આપવામાં આવ્યા છે. દુનિયામાં ઘણા સ્થળે માણસને માણસ તરીકેના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે ત્યારે પર્વતને માણસ જેવો જીવંત ગણવામાં આવ્યો છે. આ સાથે જ માઉન્ટ ટારાનાકી પર હવે કોઇનો અધિકાર નહી હોય માત્ર સ્થાનિક જનજાતિઓ જ તેનું રક્ષણ કરશે. 

ન્યૂઝીલેન્ડ સરકારે સંસદમાં એક કાયદો પસાર કરીને ટારાનાકી પર્વતને માણસ જેવા અધિકારો આપતા કાયદાની દ્વષ્ટીએ આ પર્વત કોઇ નિર્જીવ પદાર્થ નહી પરંતુ એક એવું કાનુની વ્યકિતત્વ જેની કોઇ જ ઉપેક્ષા કરી શકશે નહી. ટારાનાકી માઉંગા તરીકે ઓળખાતા માઉન્ટ ટારાનાકી પર્વતનું કાનુની નામ 'કાહુઇ ટુપુઆ' આપવામાં આવ્યું છે જેમાં માત્ર પર્વત જ નહી તેની આસપાસના શિખરો અને જમીનનો પણ સમાવેશ થાય છે.  પર્વતને વ્યકિત જેવા અધિકાર આપવાના બિલને સંસદના ૧૨૩ ધારાસભ્યો દ્વારા સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. જાહેર ગેલેરીમાંથી એક રિંગિંગ વાઇટા (માઓરી ગીત) ગાઇને મતદાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક માઓરી પ્રતિનિધિઓએ ટારાનાકીથી રાજધાની વેલિંગ્ટનમાં ખાસ હાજરી આપી હતી. ન્યૂઝીલેન્ડ સરકાર અને માઓરી જાતિઓ વચ્ચેના નવા કાયદાના નિર્માતા પોલ ગોલ્ડ સ્મિથે લાગણી પ્રગટ કરી હતી કે આપણો મોંગા ટુપુના (પર્વત) અન્યાય, અજ્ઞાાન અને નફરતના બંધનમાંથી મુકત થયો છે. હવે પર્વતના મૂળ સ્વરુપને કાનુની અધિકારો હેઠળ  જાળવી રાખવામાં મદદ મળશે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં માઓરી વિરોધ આંદોલનને કારણે ન્યૂઝીલેન્ડના કાયદામાં માઓરી ભાષા,સંસ્કૃતિ અને અધિકારોને માન્યતા આપવામાં આવી હતી.

ટારાનાકી ઇલાકામાં વસેલા મૂળ નિવાસીઓએ પોતાના પૂર્વજ પરના અધિકારો મેળવવા માટે જે લાંબી લડાઇ લડવી પડી છે તેના મૂળિયા ૨૦૦ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડનું વસાહતીકરણ થયું તેની સાથે જોડાયેલા છે. કોલોનિયલ કાળમાં માઓરી લોકો પાસેથી પર્વતની ચોરી કરવામાં આવેલી તેની કાનુની કબુલાત સંસદમાં થઇ છે. માઉન્ટ ટારાનાકીને માણસ જેવા અધિકારો મળ્યા પછી પર્વતને કોઇ નુકસાન પહોંચાડવા કે તેની ઇકો સિસ્ટમને બદલવા પ્રયાસ કરશે તેની વિરુધ સરકાર અને સ્થાનિક જનજાતિઓ કાયદેસરના પગલા ભરી શકશે.  આ પર્વતની ઇકો સિસ્ટમ પર થતા અત્યાચારને કોઇ નિદોર્ષ માણસ પર થતા અત્યાચારની કેટેગરીમાં ગણવામાં આવશે. ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુ પરનો આ સૌથી ઉંચો પર્વત હાઇકિંગ અને બરફની રમતો માટેનું એક લોકપ્રિય સ્થળ રહયું છે. પહાડો પર આવન જાવનના અધિકારોમાં કોઇ ફેરફાર કરાયો નથી. ન્યૂઝીલેન્ડના તમામ નિવાસીઓ અને આવનારી પેઢીઓ શાનદાર જગ્યાએ હરવા ફરવાનો આનંદ લઇ શકશે પરંતુ હવે પ્રવાસીઓ અને મુલાકાતીઓે પર્યાવરણની વિશેષ જાળવણીની ફરજ પણ અદા કરવી પડશે. સ્થાનિક જનજાતિઓ માટે ભૌતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરામસ્થાન અને ભરણપોષણનો સ્ત્રોત રહયો હોવાની પર્વતીય  ર્ેદંતકથાઓને કાયદાનું રક્ષણ મળવુંએ ખૂબ મોટી વાત છે. ઇસ ૧૭૭૦માં બ્રિટિશ સંશોધક કેપ્ટન જેમ્સ કૂકે તેના જહાજમાંથી શિખર જોયું જેનું નામ માઉન્ટ એગમોન્ટ રાખ્યું હતું જેનું નામ બદલીને માઉન્ટ ટારાનાકી થયું હતું.  ઇસ ૧૮૪૦માં બ્રિટિશ ઉપનિવેશવાદ કાળમાં વેટાંગી સંધી હેઠળ પર્વત અને આસપાસની જમીન માઓરી લોકો પાસેથી પડાવીને ગેર માઓરી લોકોને સોંપી દેવામાં આવી હતી. સંધિમાં ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસીઓની જમીન અને સંસાધનોના અધિકાર જાળવવાની વાત હતી પરંતુ સંધિનું બ્રિટિશ તાજ દ્વારા જુદું જ અર્થઘટન થયું હતું. ઇસ ૧૮૬૫માં તાજ સામે બળવો કરવા બદલ માઓરીને સજા કરવા માટે પર્વત સહિત અંદાજે ૧૦ લાખ એકર પર જમીન  પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી લેવાયો હતો એટલું જ નહી માઓરીઓની પર્વત સાથે સંકળાયેલી પરંપરાઓ અને પ્રથાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મોટા પાયે જમીનોને ખાલસા કરીને મૂળ નિવાસીઓને કોરાણે ધકેલી દેવામાં આવ્યા હતા. એ સમયે સંધિનું ઉલંઘન કરીને જનજાતિઓ પર ખૂબ અત્યાચાર થયા તેની કડવાશ દાયકાઓ સુધી રહી હતી. 

ન્યૂઝીલેન્ડની સંસદ દ્વારા ૩૧ જાન્યુઆરીના રોજ માઉન્ટ ટારાનાકી પર ગેર કાયદેસર કબ્જા અંગે માફી માંગીને 'ટારાનાકી માઉંગા કલેકેટિવ રિડ્રેસ બિલ' પાસ કરીને દાયકાઓ જુની ભૂલ સુધારવામાં આવી છે. આ પગલું ભરવાનો હેતું કોલોનિયલ એરામાં માઓરીઓ પર થયેલા અન્યાયની ભરપાઇ કરવાનો છે. ન્યૂઝીલેન્ડે જનજાતિઓના ટારાનાકી પર્વત અને આસપાસના વિસ્તારને લિગલ પર્સનલ હુડ ગણીને માનવતાનો દાખલો બેસાડયો છે. જંગલ,પર્વત અને જમીન સાથે જોડાયેલા સ્વદેશીઓને તેમના મૂળ સ્થાનેથી છોડાવશો નહી. સ્વદેશીઓની પરંપરાઓને ઇકો સિસ્ટમના રક્ષણ સાથે જોડી દેવાનો વિચાર વધતો જાય છે ત્યારે જંગલ અને પર્યાવરણ બચાવવા માટે પણ આ એક આદર્શ 

પગલું છે. જે દેશોમાં સ્થાનિક રહેવાસીઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ ચાલે છે તેમના માટે દાખલારુપ છે.  પર્યાવરણ બચાવવા માટે સ્થાનિક અને સિસ્ટમ આમને સામને હોય તેના સ્થાને એકમંચ પર હોય તે આવશ્યક છે.  જો કે ન્યૂઝીલેન્ડમાં પ્રાકૃતિક વસ્તુને માણસ જેવા અધિકારો આપવાનો આ પહેલો કેસ નથી. અગાઉ ૨૦૧૪માં ન્યૂઝીલેન્ડમાં પસાર થયેલા કાયદા દ્વારા ઉત્તર ટાપુ પરના વિશાળ મૂળ જંગલ ટે ઉરેવેરાને વ્યકિત જેવા અધિકારો આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. જંગલની સરકારી માલિકી બંધ થઇ જતા એક સ્થાનિક જનજાતિ જંગલની રક્ષણહાર બની હતી. ટે ઉરવેરા પ્રાચીન અને ટકાઉ હોવાથી પ્રકૃતિનો કિલ્લો માનવામાં આવે છે જે ઇતિહાસ સાથે જીવંત છે. ૨૦૧૭માં ન્યૂઝીલેન્ડે તેના સ્થાનિક લોકો અને જનજાતિઓ સાથેના સમાધાનના ભાગરુપે વાંગાનુઇ નદીને પણ સજીવ તરીકેે માન્યતા આપી હતી. ન્યુઝિલેન્ડમાં વિવિધ જનજાતિઓ અને સ્વદેશી સમૂહોની વસ્તી ૯ લાખ કરતા પણ વધારે છે. 

નિષ્ણાતોનું માનવું છે કે ટારાનાકી પર્વતને માણસ જેવા અધિકાર આપવાની દૂરોગામી અસર પર્યાવરણ અને સાંસ્કૃતિક સંરક્ષણમાં મદદ મળશે. પર્વતનું કોઇ શોષણ કરી શકશે નહી કે માલિકી ભાવ રાખી શકશે નહી. માત્ર પ્રકૃતિની સાથે સામંજસ્યપૂર્ણ જીવન જીવવાની જ છુટ મળશે. સ્વદેશી વન્ય જીવો અને ઇકો સિસ્ટમ પ્રણાલીને વધૂ મજબૂત બનાવશે. માણસ જે વિસ્તારમાં રહેતો હોય તેની એક હાડમારીઓ હોય છે છતાં ઇકો સિસ્ટમ સાથે એક પ્રકારનો લગાવ હોય છે.રણમાં રહેનારને રણની મહોબ્બત અને જંગલમાં રહેનારાને જંગલ ગમતું હોય છે. આ લગાવને અધિકાર ગણીને કાયદાનું રક્ષણ આપી દેવામાં આવે તો પરંપરાઓ, મૌલિક અધિકારો અને પર્યાવરણનું પણ રક્ષણ થતું રહેશે. 


Google NewsGoogle News