Get The App

જાપાન: યુદ્ધપીડિતોના સંગઠન હિબાકુશાને શાંતિનું સર્વોચ્ચ સન્માન

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
જાપાન: યુદ્ધપીડિતોના સંગઠન હિબાકુશાને શાંતિનું સર્વોચ્ચ સન્માન 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- અણુબોંબથી થતું નુકસાન કેટલું ભયંકર હોય છે તેના પ્રત્યક્ષ સાક્ષીઓ પોતાના અનુભવો કહીને દુનિયાને પરમાણુ મુકત બનાવવા અપીલ કરતા રહયા છે. 

દ ર વર્ષે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારથી વિવિધક્ષેત્રના સંશોધકોનું સન્માન થાય છે. શોધ- સંશોધનોની સાથે વિશ્વ પરિવારમાં શાંતિ અને ભાઇચારો હોવો એ ખૂબ જરુરી હોવાથી વિશ્વ શાંતિનો પુરસ્કાર સૌથી વધારે ધ્યાન ખેંચતો હોય છે. વર્તમાન વર્ષ ૨૦૨૪માં શાંતિનું નોબેલ જાપાનના નિહોન હિડાંકયો નામના એક શાંતિ સંગઠનને આપવામાં આવ્યું છે. ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકાએ કરેલા અણુહુમલામાં બચી ગયેલા લોકોનું આ સંગઠન છે જેને જાપાનીઝ ભાષામાં 'હિબાકુશા' તરીકે સંબોધવામાં આવે છે જેની સ્થાપના ૧૯૫૬માં થઇ હતી. 

પરમાણુ બોંબનો વિકાસ ૧૯ મી સદીના અંત અને ૨૦ મી સદીની શરુઆતમાં થયો હતો.૧૯૩૮માં જર્મન રસાયણશાસ્ત્રી ઓટોહેન અને ફ્રિટ્ઝમેનનેે પરમાણુ વિખંડનમાં સફળતા મળી હતી.પરમાણુનું નાભિકિય વિખંડન થવાથી ભારે માત્રામાં પેદા થતી ઉર્જાનો પ્રયોગ જ આગળ જતા પરમાણુ બોંબ બનવાનો હતો. હિટલરની નાઝી જર્મની સેના આ પ્રકારનું કોઇ શસ્ત્ર બનાવી શકે છે એવી શંકાના પગલે ૧૯૪૨માં અમેરિકામાં મેનહટ્ટન પરિયોજના (પ્રોજેકટ)ની સ્થાપના થઇ હતી. આ એક એવો ગુપ્ત કાર્યક્રમ જેનો હેતું પરમાણુ બોંબ વિકસિત કરવાનો હતો જેનું નેતૃત્વ અમેરિકી વૈજ્ઞાાનિક રોબર્ટ ઓપન હાઇમરે કર્યુ હતું. જુલાઇ ૧૯૪૫માં લોસ એલામોસ અને ન્યૂ મેકિસકોની લેબમાં દુનિયામાં પ્રથમવાર પરમાણુ પરીક્ષણ પણ થયું હતું. એક મહિના પછી ૬ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ દરમિયાન અમેરિકાએ જાપાની શહેરો પહેલા હિરોશિમા અને પછી નાગાસાકી પર બે પરમાણુ બોંબ ફેંકયા જેમાં ૨ લાખ કરતા વધુ લોકોના મુત્યુ થયા હતા. નાગાસાકી પર 'ફેટમેન' અને હિરોશિમા પર 'લિટલબોય' નામના અણુબોંબે મહાવિનાશ વેર્યો હતો. જે લોકો રીબાઇને જીવવા રહયા તેમની સ્થિતિ મૃતકો કરતા પણ કફોડી હતી.અમેરિકાના પરમાણુ બોંબ વિસ્ફોટોએ વિશ્વયુધ્ધનું પાસું પલટી નાખ્યું હતું. પહેલા તો જાપાનના સમ્રાટ હિરોહિતોએ આત્મસમર્પણ કરવાની તૈયારી બતાવી હતી. યુધ્ધ ચાલું રાખવાથી જાપાની રાષ્ટ્રનું જ નહી માનવ સભ્યતાનો પૂર્ણ વિનાશ થતા વાર લાગશે નહી એ સમ્રાટ હિરોહિતોને સમજાઇ ગયું હતું. જાપાનની શરણાગતિ સાથે જ બીજા વિશ્વયુધ્ધના અંત આવ્યો પરંતુ પરમાણુ બોંબની વિભિષિકાથી ચોતરફ હાહાકાર મચી ગયો હતો. 

અમેરિકાએ અણુબોંબ ફેંકયાએ એક એવી ગંભીર માનવીય ભૂલ જે માફ કરી શકાય તેવી ન હતી.યુધ્ધ જીતવા માટે જેનો કોઇ વાંક ન હતો એવા હજારો નિદોર્ષને આવી રીતે મુત્યુને ઘાટ ઉતારવાએ નૈતિક રીતે બરાબર ન હતું.  જાપાન પરના પરમાણુ હુમલાએ વિશ્વની રાજનીતિને બદલી નાખી હતી.પરમાણુ શાંતિની આદર્શ વાતો અને મગર આંસુની વચ્ચે સોવિયત સંઘ અને કેટલાક દેશોએ અમેરિકાના અણુબોંબનો સામનો કરવા માટે અણુ સંશોધન તરફ દોટ માંડી હતી. અણુ ટેકનિકની જાહેરમાં ટીકા કરીને ખાનગી રીતે અણુબોંબ તૈયાર કરવાનો દંભ વધતો જતો હતો. ૧૯૫૨માં અમેરિકાએ હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ કર્યુ જે હિરોશિમા અને નાગાસાકી ઉપર ફેંકાયેલા અણુબોંબ કરતા ૧૦૦૦ ગણો શકિતશાળી હતો. ત્યાર પછી તો વિકસિત દેશો વચ્ચે પરમાણુ ઘડાકાઓની હારમાળા ચાલી જેનાથી વિશ્વ શાંતિને મોટું જોખમ ઉભું થયું હતું. પરમાણુ શસ્ત્રોની આંધળી દોટમાંથી જ પરમાણુ નિશસ્ત્રીકરણના એક વૈશ્વિક આંદોલનની જરુરિયાત ઉભી થઇ હતી.નિહોન હિડાંકયોની સ્થાપના ૧૦ ઓગસ્ટ ૧૯૫૬માં હિરોશિમા અને નાગાસાકી અણુ હુમલામાં બચી ગયેલા લોકોના સમૂહે કરી હતી. સ્થાનિક હિબાકાશુ સંઘોેને એક કરીને જાપાની ભાષામાં સંક્ષિપ્ત નામ નિહોન હિડાંકયો આપવામાં આવ્યું હતું.હિરોશિમા અને નાગાસાકીના નરકમાં જીવતા રહેલા હિબાકાશુઓની લાંબા સમય સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી આથી નિહોન હિડાંકયો સંગઠનનો પ્રાથમિક ઉદ્દેશ પરમાણુ પીડિતો (હિબાકાશુ)ઓના હક્કોનું રક્ષણ, પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનનો વિરોધ તેમજ પીડિતોને વળતર અને મદદ કરવાનો હતો. પરમાણુ હુમલામાં બચી ગયેલાઓ મહાવિનાશની વેદના,પીડા અને આક્રંદના પ્રત્યક્ષ સાક્ષી રહયા હોવાથી  છેલ્લા ૭૦ વર્ષથી તેમની દર્દભરી ગાથાઓ આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરે છે. પરમાણુ બોંબથી થતું નુકસાન કેટલું ભયંકર હોય છે તેના અનુભવોને 'હિબાકુશા' લાગણીશીલ બનીને વર્ણવે છે. આ સંગઠન પરમાણુ શસ્ત્રો ખતમ કરવાની  લડાઇનું પ્રતિક બની ગયું છે. પરમાણુ પીડિતોએ કેન્સર,હ્વદયરોગ, આનુંવાંશિક તથા પ્રજનન સંબંધી બીમારીઓ વેઠી છે.વિકિરણના જોખમોએ શારીરિક અને માનસિક રીતે પણ અપંગ બનાવી દીધા છે. હિબાકાશુઓના સંગઠનનું સપનું દુનિયા પરમાણુ હથિયારો મુકત બનાવવાનું છે. 

નોબેલ સન્માનની આપવાની સાથે ટાંકવામાં આવ્યું હતું કે આ લોકોએ શારીરિક પીડા અને દર્દનાક યાદો છતાં શાંતિ માટેની આશા અને એકતા માટે પોતાના મોંઘા મૂલા અનુભવનો ઉપયોગ કરવાનું પસંદ કર્યુ છે. પરમાણુ હુમલામાં બચી જનારાઓએ વ્યકિતગત ત્રાસદીને પરમાણુ નિશસ્ત્રીકરણ માટેની એક શકિતશાળી વૈશ્વિક વકીલાતમાં ફેરવી નાખી છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ના બને એવી એટોમિક બોંબ સર્વાઇવરની ભાવના રહેલી છે. ૧૦ ડિસેમ્બરના રોજ ઓસ્લો ખાતે હિબાકુશા વતી શાંતિનું નોબેલ સ્વીકારનારા ૯૨ વર્ષના તોશિયુકી મિમાકાની આંખમાં આંસુ આવી ગયા હતા. કેટલાક દલીલ કરે છે કે પરમાણુ શસ્ત્રોના ડરથી જ દુનિયામાં શાંતિ છે પરંતુ અણુ શસ્ત્રો ભૂલે ચૂકે કોઇ આતંકી સંગઠનના હાથમાં આવ્યા તો શું થશે ?

 તેની મિમાકાને ખૂબ ચિંતા રહે છે. જાપાનના નાગાસાકી શહેર પર અમેરિકા દ્વારા અણુબોંબ ઝીંકાયો ત્યારે હિબાકા  ૧૩ વર્ષના હતા. તેમણે પોતાના અનુભવોમાં વર્ણવેલું છે કે બોંબ વર્ષક વિમાનનો ઘેરો અવાજ સાંભળ્યો  પછી એક ચમકદાર સફેદ પ્રકાશથી ઘેરાઇ ગયા હતા. એક અતિ શકિતશાળી શોકવેવમાં બધુ જ રાખમાં ફેરવાઇ ગયું હતું. એ સમયે જે મૌતનું તાંડવ જોયું તે માનવ દ્વારા માનવને અપાયેલું અકુદરતી મોત હતું. પરમાણુ શસ્ત્રો માનવતાની સાથે સહ અસ્તિત્વ ધરાવીને રહી શકે નહી અને રહેવા પણ જોઇએ નહી.વિશ્વ સરકારોની નિશસ્ત્રીકરણની પરમાણુ નીતિઓ જ કાયમી સમાધાન લાવી શકે છે. આજે દુનિયામાં ૧૨૦૦૦ જેટલા પરમાણુ બોંબ અસ્તિત્વ ધરાવે છે જેમાંથી ૪૦૦૦ તો સક્રિય રીતે ગોઠવવામાં આવ્યા છે જેને ગમે તે ઘડીએ લોંચ કરી શકાય તેમ છે. નોર્વેજીયન નોબેલ સમિતિના અધ્યક્ષ જોર્ગન વાટને ફ્રાઇડનેસે પરિચયાત્મક ટિપ્પણી કરતા કહયું હતું કે હાલના સંજોગોમાં હિબાકુશા મિશનની પહેલા કરતા પણ ખૂબ વધારે જરુરિયાત છે. યુએસએ, રશિયા,ચીન, ફ્રાંસ અને યુકે સહિતના પરમાણુ હથિયારો ધરાવતા ૯ દેશો પરમાણુ નિશસ્ત્રીકરણ બાબતે ઉદાસિન જોવા મળે છે. 

૮૦ વર્ષ પહેલા  હિરોશિમા અને નાગાસાકી પર પ્રથમ વાર અણુ હુમલો થયો હતો પરંતુ તે છેલ્લો હતો તે છાતી ઠોકીને કોઇ જ કહી શકે તેમ નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ૧૦૦૦ કરતા પણ વધુ દિવસથી લડાઇ ચાલી રહી છે. પશ્ચિમી દેશોની મદદથી યુક્રેને યુધ્ધમાં ટક્કર લીધી છે આથી રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમેર પુતિન એક કરતા વધુ વાર અણુ વિકલ્પની વાત દોહરાવી ચુકયા છે.યુક્રેનને ઝુકાવવા કે અજેય સરસાઇ મેળવવા અણુપ્રયોગની ભાષાથી પણ કંપારી છુટે તેવી છે. એ ભૂલવા જેવું નથી કે જાપાનની વિભિષિકા વખતે અણુ સંશોધનો પ્રાથમિક તબક્કામાં હતા. વર્તમાન સમયમાં અણુ ટેકનોલોજી અત્યંત ઉન્નત બની ગઇ હોવાથી પરમાણુ શસ્ત્રોનો કાંકરીચાળો મોંઘો પડે તેમ છે. ધર્મગ્રંથોમાં બ્રહ્નાસ્ત્ર છોડવાની વાત આવે ત્યારે બધા લોકમાં હાહાકાર મચી જતો હોવાનો ઉલ્લેખ મળે છે. એવા જ વિનાશનો ખતરો હજુ પણ અણુ બોંબ સ્વરુપે આધુનિક દુનિયા પર ઝળુબી રહયો છે. સૈન્યમાં અણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ગુસ્તાખી કરવા જેવી નથી. પાકિસ્તાન, ઉત્તર કોરિયા જેવા બે જવાબદાર દેશો પાસે અણુબોંબ હોવાએ સૌથી ખતરનાક બાબત છે. માનવ સભ્યતા પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પરમાણુ શસ્ત્રો પર નિર્ભર રહે તે ખૂબજ વિકટ પરિસ્થિતિ છે. નોબેલ જેવા પુરસ્કાર જે તે સંગઠનને કે વ્યકિતને વધુ સારુ કામ કરવા પ્રેરે છે પરંતુ અણુ ટેકનિક જેવી ગંભીર બાબતમાં વિશ્વના નેતાઓ શાણપણ દાખવે અને ગંભીર બને તો જ દુનિયાને બચાવી શકાય તેમ છે તે ભૂલવા જેવું નથી. 


Google NewsGoogle News