ખોરાકમાં વપરાતી મંગળ ગ્રહ જેવી લાલ માટી!

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ખોરાકમાં વપરાતી મંગળ ગ્રહ જેવી લાલ માટી! 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- આ માટીમાંથી અંદાજે 70 કરતા પણ વધુ પ્રકારના મિનરલ મળી આવે છે. ટાપુના પૂર્વીય કિનારા તરફ પથ્થરની કળાકૃતિઓ 4000 વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે.

દુ નિયા ભરમાં આમ તો મન મોહી લે તેવા અનેક ટાપુઓ છે પરંતુ ઇરાનનો હોર્મુઝ આઇલેન્ડ સાવ વિશિષ્ટ પ્રકારનો છે. હોર્મુઝ સમુદ્રધાની વિસ્તારમાં આવેલો આ પહાડીદ્વીપ ફારસની ખાડી અને ઓમાનની ખાડીને અરબ સાગર  સાથે જોડે છે. ફારસ અને ઓમાનની ખાડીની વચ્ચે ૮ કિમી જેટલો વિસ્તાર ધરાવે છે. હોર્મુઝ આઇલેન્ડ લાલ,પીળા અને નારંગી જોવો રંગબેરંગી જણાતો હોવાથી તેને 'રેઇન બો આઇલેન્ડ' પણ કહેવામાં આવે છે. દરિયાકાંઠે લાલ પહાડ, લાલ માટી અને પાણીના મોજાથી અવિસ્મરણીય કુદરતી દ્વષ્ય રચાય છે. માટીના લાલ રંગના કારણે મંગળ જેવા કોઇ જુદા જ ગ્રહ પર આવી ગયા હોવાનો અનુભવ થાય છે. હોર્મુઝ આઇલેન્ડની લાલ માટીનો લોકો ખોરાકમાં મસાલા તરીકે કરે છે. દુનિયાનો એક માત્ર ટાપુ જેની માટીનો ખોરાકના ઘટક તરીકે ઉપયોગ થાય છે. લોકો માને છે કે આના ઉપયોગથી શરીરને કોઇ પણ પ્રકારનું નુકસાન થતું નથી. સ્થાનિક લોકોને લાલ માટીનો મસાલાની જેમ છુટથી ઉપયોગ કરતા જોઇને સૌને નવાઇ લાગે છે. માટીની અનુભવાતી ખાસ પ્રકારની સોડમ લોકોને ખૂબ ગમે છે. સ્થાનિક લોકો દરિયાકાંઠે મળતી સાર્ડિન,કિલકા જેવી માછલીમાંથી સુરઘ નામનું ફૂડ તૈયાર કરે છે તેમાં પણ  લાલ ચટ્ટાક માટી અવશ્ય ઉમેરે છે. આ લાલ માટીનો ઉપયોગ તોમશી નામની એક સ્થાનિક રોટલી બનાવવામાં પણ થાય છે જેને લોકો પનીર સાથે માણે છે. દાળ ચાવલમાં પણ 'રેઇન બો આઇલેન્ડ'ની માટીનો મસાલા તરીકે ભરપૂર ઉપયોગ થાય છે. ર્સોસ અને જામમાં પણ માટી નાખવામાં આવે છે. માટીમાંથી તૈયાર થતી ચટણીેને સુર્ખ કહેવામાં આવે છે. જેને ડબલ રોટી પકાવવા દરમિયાન ફેલાવી દેવામાં આવે છે. કેટલાક સ્થળે લાલ જ નહી સફેદ, પીળી, લીલી અને નારંગી તથા ભૂરા રંગની માટી પણ ખોરાક સાથે લેવાય છે. ભારતીયો જેમ તેમના ભોજનમાં મરચા, હળદર અને મરી -મસાલાનો ભરપૂર ઉપયોગ કરે છે તેવી જ આની ચટણી (પેસ્ટ) પણ બને છે. દેશ અને દુનિયામાં લાખો પ્રકારની ફૂડ વિવિધતા જોવા મળે છે પરંતુ કયાંક ખોરાકમાં માટી ભેળવવામાં આવતી હોય એવું તો માત્ર અહીંજ જોવા મળે છે. 

અગ્નિકૃત પથ્થરોથી બનેલી આ માટીને સ્થાનિક ભાષામાં ગેલેક કહેવામાં આવે છે. આ માટીમાંથી અંદાજે ૭૦ કરતા પણ વધુ પ્રકારના મિનરલ મળી આવે છે. ટાપુના પૂર્વીય કિનારા તરફ પથ્થરની કળાકૃતિઓ ૪૦૦૦ વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. કરોડો વર્ષ પહેલા દરિયાકાંઠે ઉથલ પાથલ સર્જાઇ તેનાથી સાગરકાંઠે મીઠાના મોટા પડ બન્યા હતા. આ પડ વચ્ચે ટકકર થઇ અને જવાળામુખીની ધૂળ તેમાં ભળી જતા સમગ્ર ભૂભાગ રંગીન બની ગયો હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે. પહાડો પરનું ક્રિસ્ટલ નમક જાણે કે સંગેમરમરના મહેલોના સ્તંભ હોય તેવું લાગે છે. આ સ્થળ સંશોધકો અને ભૂસ્તરશાસ્ત્રીઓનું ડિઝનીલેન્ડ તરીકે ઓળખાય છે. હોર્મુઝ દ્વીપના મધ્ય અને દક્ષિણનો બે તૃતિયાંશ ભાગ ઉપસેલો છે. હેલાઇટ વ્યાપક રીતે ફેલાયેલું હોવાથી જવાળામુખીય ચટ્ટાનોની માટી લાલ અને ભૂરા રંગની દેખાય છે. દ્વીપની ઉત્તર તરફનો ત્રીજો ભાગ રેતી અને ભૌગોલિક પ્રક્રિયાથી જમા થયેલી માટીના પડથી ઢંકાયેલો છે. ઉત્તરી ભાગના એક નાના પ્રવેશદ્વાર સમાન સ્થળે મેંગ્રોવની હારમાળા છે જે સ્થાનિક ભાષામાં હારા વન કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં માછલીઓ, મોલસ્ક અને પ્રવાસી પક્ષીઓનું રહેઠાણ છે. હોર્મુઝ આકાશના આંસુ વેરાયેલા પડયા હોય તેવો લાગે છે. ભૂ વિજ્ઞાાનની દ્વષ્ટીએ અહીંની માટીમાં મીઠાનું પ્રમાણ પણ ઉંચું જોવા મળે છે. રંગીન માટી, મીઠાની ગુફાઓ, પર્વતો,ગેરુ રંગનો પ્રવાહ અને સમુદ્ર તટો સાથે ઇરાનનો હોર્મુઝ ટાપુ સમૃધ્ધ છે.  જિપ્સમ અને હાઇડ્રાઇટ ઉપરાંત બાષ્પશીલ પદાર્થો જોવા મળે છે. માત્ર નમક જ નહી કાર્બોનેટ, શેલ અને લોહથી ભરપૂર જવાળામુખીય પથ્થરોનો પણ સમાવેશ થાય છે. માટી હેમેટાઇટના લીધે લાલ (ગેલેક) જણાય છે. ખનીજોની પરતો જવાળામુખીની ચટ્ટાનો સાથે ટકરાઇ અને તેમાંથી જ એક રંગીન સંયોજન બન્યું હશે એવું માનવામાં આવે છે. 

બ્રિટાનિકાના જણાવ્યા અનુસાર પ્રાચીન સમયથી હોર્મુઝ વ્યૂહાત્મક દ્વષ્ટીએ સુરક્ષિત વેપારી બંદર રહયું હતું. પ્રસિધ્ધ વેનિસયાત્રી માર્કોપોલોએ બે વાર હોર્મુઝની મુલાકાત લીધી હતી. ઇબ્નબતૂતા એ પણ આ સ્થળનો પોતાની પ્રવાસ નોંધમાં ઉલ્લેખ કર્યો છે.  લગભગ ૧૩૦૦માં હોર્મુઝ અરબ શાસકે લુંટારુઓના ત્રાસથી મુખ્યભૂમિને છોડી દીધી હતી. ત્યારબાદ આ ટાપુ પર નવી હોર્મુઝ વસાહતની સ્થાપના કરી હતી. 

૧૫૧૪માં પોર્ટુગિઝોએ હોર્મુઝ પર કબ્જો કરીને કિલ્લો બનાવ્યો હતો. એક સદી કરતા વધુ સમય સુધી પોર્ટુગિઝો આ ટાપુ પર રહયા હતા. ફારસી શાહ પોર્ટુગિઝોથી નારાજ રહેતા હતા. સ્થાનિક સ્તરે અંગ્રેજોનો પ્રભાવ વધવાની સાથે જ ૧૬૨૨માં સંયૂકત એંગ્લો-ફારસી સેનાઓ દ્વારા હોર્મુઝ પર કબ્જો કરી લેવામાં આવ્યો હતો. હોર્મુઝ પાસે એક મોટા ટાપુમાં જેશુન અને મુખ્ય ભૂમિ બંદરગાહ અબ્બાસ બંદર સાથે ઇસ ૧૭૯૮ અને ૧૮૬૮ની વચ્ચે મસ્કત અને ઓમાનના શાસકોને ભાડેપટ્ટે સોંપવામાં આવ્યો હતો. હાલમાં પોર્ટુગિઝ કિલ્લાના કેટલાક ભાગો અને અવશેષો જોવા મળે છે. 

હોર્મુઝ ટાપુની માટીમાંથી રંગબેરંગી પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવે છે. લોકો પોતાના ઘરો અને બંગલાને કિંમતી માટીથી રંગાવે છે. કલાકારો વિશિષ્ટ પ્રકારની માટીમાંથી હસ્તકળા નિર્માણ કરે છે.  છેલ્લા કેટલાક વર્ષોથી પ્રચાર વધવાથી માટીનું કોર્મશિયલ ધોરણે ઉત્પાદન થવા લાગ્યું છે. કારખાનાઓમાં માટીની પ્રોસેસ કરીને સિમેન્ટની થેલીઓની જેમ પેકિંગ કરવામાં આવે છે. કેટલીક રેતનો ઉપયોગ સૌદર્ય પ્રસાધનો, સિરામિક ટાઇલ્સ અને ઇમારતોના બહારના ભાગને ઘસવા માટે થાય છે. હોર્મુઝ હાઇલેન્ડ પર માટીના વધતા જતા ખનન અને દોહનના લીધેે પર્યાવરણ સંબંધી સમસ્યાઓ પણ શરુ થઇ છે. 


Google NewsGoogle News