ચીનના યુવા દંપતિઓમાં સંતાનોના સ્થાને પ્રાણીઓ પાળવાનો વધતો શોખ!
- મીડ વીક- હસમુખ ગજજર
- સંતાન પેદા કરીને તેનું પાલન પોષણ મોંઘું પડતું હોવાથી નવી પેઢી પરંપરાગત મૂલ્યોના સ્થાને હવે કશુંક નવું વિચારવા લાગી છે.
વિ શ્વમાં ભારત પછી સૌથી વધુ વસ્તી ધરાવતું ચીન વૃધ્ધોની વધતી અને બાળકોની ઘટતી સંખ્યાથી પરેશાન છે. ૧૯૮૦માં ગરીબી અને ભૂખમરાની યાતનામાંથી બહાર આવવા માટે ચીનની સામ્યવાદી સરકારે વસ્તી નિયંત્રણ મુક્યું હતું જેમાં દંપતિઓને માત્ર એક સંતાન જ પેદા કરવાની છુટ આપી હતી. ચીન સરકારની વન ચાઇલ્ડ નીતિની જન્મદર પર માઠી અસર થવાથી વર્ષ ૨૦૧૬માં પ્રથમવાર વસ્તી નીતિમાં પરિવર્તન લાવવું પડયું હતું. હવે ચીન સરકારે દંપતિઓને એક કરતા વધુ સંતાનોના માતા પિતા બનવા માટે પ્રોત્સાહન આપવાનું શરુ થયું છે. નસબંધી જેવા પ્રતિબંધાત્મક જનસંખ્યા નિયંત્રણ ઉપાયોના સ્થાને રોકડ પુરસ્કાર અને પૈતૃક અવકાશ જેવી આકર્ષક યોજનાઓનો અમલ શરુ કર્યો છે. જનસંખ્યા માટે પ્રોત્સાહન છતાં ચીનની યુવાપેઢી લગ્નથી દૂર ભાગી રહી છે. જેમને લગ્ન કરી લીધા છે તેઓ સંતાન પેદા કરવાનું ટાળીને પાલતું પ્રાણીઓ સાથે સમય વિતાવે છે. યુવા પરણીતોમાં સંતાન પેદા કરવા બાબતે જોવા મળતી ઉદાસિનતાએ ચીનની સરકારને ચિંતામાં નાખી છે. ચીનમાં ૨૦ વર્ષ પહેલા પાલતુ જાનવરો રાખવાએ અમીરોનો જ શોખ ગણાતો હતો. વૈભવ અને ફેશન ગણાતો આ શોખ હવે સામાન્ય થઇ ગયો છે. શહેરી પરિવારોમાં સંતાનના કિલકિલાટના સ્થાને શ્વાન અને બિલાડી જેવા પેટસ (પાલતુ પ્રાણીઓ) અને પક્ષીઓ જોવા મળે છે. સરકાર ઇચ્છે છે કે દંપતિઓ કમસે ૨ થી ૩ બાળકો પેદા કરે પરંતુ તેના સ્થાને દંપતિઓ ડૉગ અને કેટ પાળે છે. સીએનએન ગોલ્ડમેન સેશના એક અહેવાલ અનુસાર ચીનના શહેરોમાં પાલતુ જાનવરોની સંખ્યા ૨૦૨૪ના અંત સુધીમાં ૪ વર્ષના બાળકોની સંખ્યાને પાર કરી જશે. મતલબ કે ૪ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો કરતા પણ પાલતુ જાનવરોની સંખ્યા વધારે હશે. જો આમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પાળવામાં આવતા શ્વાન અને બિલાડીઓ જેવા પાલતું પ્રાણીઓને ઉમેરવામાં આવે તો ચીનમાં પાલતુ જાનવરોની સંખ્યા કુલ બાળકો કરતા ખૂબ વધી ગઇ હશે.
ચીનની હાલની વસ્તી ૧.૪૧ અબજ છે જયારે ભારતની અંદાજીત વસ્તી ૧.૪૫ અબજ છે. વિશ્વની કુલ ૮ અબજ જેટલી વસ્તીમાં ચીન ભારતની સંયુકત વસ્તી ૨.૮૬ અબજ થાય છે. આમ જોઇએ તો બંને પાડોશી દેશો પ્રચંડ વસ્તી વિસ્ફોટ ધરાવે છે પરંતુ ચીનની પરિસ્થિતિ જુદી છે. ચીન હવે ક્રમશ ઘટતા જતા જન્મદરને લઇને પરેશાન છે. ઔધોગિક વિકાસ અને ઉત્પાદનો માટે તરોતાજા યુવા પેઢીની તાણ પડી રહી છે. આર્થિક મંદીના પગલે વધતી જતી મોંઘવારી અને આવકની અનિશ્ચિતતા ચીની દંપતિઓને બાળકો પેદા કરતા ડરાવે છે. સામાન્ય રીતે ડૉગનો માલિક એક વર્ષમાં ચાઇનિઝ (આરએમબી) ૪૦૦૦ થી ૬૦૦૦ ખર્ચ કરે છે, જે ભારતીય રુપિયામાં ૪૭૬૨૮ જેટલા થાય છે. આમાં પ્રાણીના ખોરાક-પાણી સહિતની સાચવણીનો જ સમાવેશ થાય છે મોટી બીમારી કે સર્જરી આવી પડે તો ખર્ચ વધીને ૧ લાખ રુપિયા કરતા વધી જાય છે. સંતતિ પેદા કરવી કે નહી તેનું પણ આર્થિક ગણિત ગણવા લાગ્યા છે જેમાં પેટસ્ પાલન સસ્તું પડે છે. ચીનમાં જન્મ દર ૨૦૨૨ થી ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૪.૨ ટકાનો ઘટાડો થવાની શકયતા રહે છે. ૨૦ થી ૩૫ વર્ષની મહિલાઓની જનસંખ્યા ઘટી રહી છે. એક સમય હતો કે પાલતું જાનવરોને આર્થિક દ્વષ્ટીકોણથી પાળવામાં આવતા હતા. સુરક્ષા માટે કુતરા જયારે અનાજને નુકસાન કરતા ઉંદરને દૂર રાખવા માટે બિલાડી પાળવામાં આવતી હતી. આજના ચીની યુવા દંપતિઓ માટે પાલતુ પશુઓ સંતાનની અવેજીમાં લાગણી પ્રગટ કરવાનું માધ્યમ બની ગયા છે. ચીનના એક ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ડૉગના માલિકના અનુભવો પર એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ડૉગપાલન કરતા ૫૩ ટકાએ કહયું હતું કે ડૉગપાલનથી સાંસારિક જીવનમાં એક વિશેષ પ્રકારનો આનંદ અનુભવે છે. શ્વાન જેવા પ્રાણીઓને રમાડતા, સાચવતા રહીને આનંદથી સમય પસાર કરે છે. તાજેતરમાં હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના એક પ્રોફેસર સ્ટુઅર્ટ બાસ્ટેનને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે ચીનમાં યુવા દંપતિ બેરોજગારીના લીધે અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહયા છે.
ચીનમાં યુવા બેરોજગારીનો દર ૧૭ ટકા સુધી પહોંચી ગયો છે. ખૂદને મહાશકિત સમજનારા દેશની સરકાર લાચાર બનીને કશું જ કરી શકતી નથી. એક એવી પેઢી જે પરંપરાગત મૂલ્યોના સ્થાને કશુંક જુદું જ વિચારી રહી છે. યુવાઓ માને છે કે લગ્નનો મતલબ બાળકોને જન્મ આપવાનો અને પારિવારિક વંશને આગળ વધારવાનો નથી. ચીનના શહેરી વિસ્તારમાં ૫૧ મિલિયન પાલતુ શ્વાન અને ૬૫ મિલિયન પાલતુ બિલાડીઓ છે. જો તેની ચીની શહેરી વસ્તી સાથે સમાન રીતે વિતરિત કરવામાં આવે તો પ્રત્યેક આઠમા ચીની નાગરિક પાસે એક શ્વાન કે એક બિલાડી છે. હાલમાં કુલ ૨૨૦ મિલિયન પેટસનો સમાવેશ થાય છે જેમાંથી ડૉગ અને બિલાડી ૬૦ ટકા જેટલા છે. સીએનએના રિપોર્ટ અનુસાર ચીન બાળકોના પાલન પોષણ બાબતે સૌથી મોંઘો દેશ છે. અહીંયા બાળકોના પાલન પોષણમાં દુનિયામાં સૌથી વધારે ખર્ચ થાય છે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસનો ક્રમ આવે છે. ચાઇના પેટ્સ પોપ્યુલેશન ૨૦૨૨ અનુસાર આર્થિક મંદીના લીધે સામાજીક જીવન પર ખૂબ વિપરિત અસર પડી છે. આથી પાલતું જાનવરોનો ઉછેર લોકો પોતાનું સંતાન હોય એવી રીતે કરે છે. લગ્ન કર્યા પછી એકલતા દૂર કરવા માટે પ્રાણીઓ સસ્તા પડે છે. પ્રાણીઓ બજારમાં સરળતાથી મળી રહે છે અને બદલી પણ શકાય છે. એક દંપતિ નર અથવા માદા અથવા તો એક જ લીંગ ધરાવતા પ્રાણીઓ પાળવાનું પણ પસંદ કરે છે. સાત વર્ષ પહેલા લગ્ન કરનારા હેનસેન અને તેમની પત્ની મોમો પાલતુ પ્રાણીઓ માટે જાણીતા બન્યા છે.તેઓ બેઇજિંગ શહેરંમાં પોતાના એપાન્મેન્ટમાં ૬ પાલતુ પ્રાણીઓ સાથે રહે છે. પાલતુ પ્રાણીઓનું બાળકોની જેમ ધ્યાન રાખવાને ચીની ભાષામાં 'ફર બેબીઝ' અથવા તો માઓ હૈજી કહેવામાં આવે છે. ચીનમાં હેનસેન અને મોમો જેવા જોડકાઓની કોઇ જ કમી નથી જે પોતાના પાલતુ જાનવરો સાથે ખૂબ ખૂશ રહેવા લાગ્યા છે.પાલતું પ્રાણીઓ સાથેના પ્રેમમાં જ બાળકોની ખોટ પુરી કરે છે. એ રીતે ચીની સમાજમાં પાલતુ જાનવરોનું માનવીકરણ થઇ રહયું છે. ચીનમાં પાલતુ જાનવરોના લગ્ન કરાવવાનો પણ ટ્રેન્ડ શરુ થયો છે જે મોટે ભાગે અમીરોમાં જોવા મળે છે.
આમ તો પ્રાણી પાલનનો શોખ સદીઓ જુનો છે જે ચીન જ નહી સમગ્ર દુનિયામાં જોવા મળે છે પરંતુ સંતાનની અવેજીમાં પ્રાણીને સ્થાન આપવામાં ચાઇનિઝ દંપતિઓ ખૂબ
આગળ નિકળી ગયા છે. આથી પ્રાણી પાલનનું બજાર કુદકેને ભૂસકે આગળ વધતું જાય છે. જે માર્કેટ અમેરિકામાં ૪૦ વર્ષ પહેલા શરુ થયું હતું તે ચીનમાં હવે જોવા મળે છે. અમેરિકન પેટ પ્રોડકટસ એસોસિએશનના જણાવ્યા અનુસાર અમેરિકાના ૬૭ ટકા ઘરોમાં કોઇને કોઇ પ્રકારનું પાલતું જાનવર છે, જયારે ચીનમાં પાલતું ક્ષેત્રની છેલ્લા એક દાયકાથી શરુઆત થઇ છે. ચીનમાં શ્વાન અને બિલાડી સામાજિક અર્થ વ્યવસ્થાના અભિન્ન અંગ સમાન છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનમાં પાલતુ પ્રાણીઓના ગુણવત્તાવાળા ખોરાકનું એક બજાર ઉભું થયું છે જે આર્થિક દ્વષ્ટીએ સારી બાબત છે પરંતુ દંપતિઓના જીવનમાં પાલતુ પ્રાણીઓ બાળકોનું સ્થાન લઇ તે સામાજિક રીતે ખતરનાક બાબત છે.