હિંદુસ્તાનની ભૂગોળથી અજાણ અંગ્રેજે લંડનથી આવીને ભાગલા પાડયા !

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
હિંદુસ્તાનની ભૂગોળથી અજાણ અંગ્રેજે લંડનથી આવીને ભાગલા પાડયા ! 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- વિભાજન માટે નિષ્પક્ષ લાગે તેવી વ્યકિતની પસંદગીને કેટલાક અંગ્રેજોની રણનીતિનો ભાગ સમજતા હતા

ભા રત અને પાકિસ્તાનના ભાગલા ઇતિહાસનું એક એવું પ્રકરણ જેના અનેક અર્થઘટનો થાય છે. આધુનિક વિશ્વનું સૌથી કરુણ વિસ્થાપન જેમાં ૧૦ લાખથી વધુ લોકો હોમાઇ ગયા હતા. કોઇ કહે છે ભાગલા પાડવાના જ ન હતા. આનો વાંક, પેલાનો વાંક, એટલા બધા તથ્યો, પ્રતિ તથ્યો, પુરાવા,પ્રતિ પુરાવા અને કહાનીઓ ચર્ચાનો વિષય બનતી રહી છે. જો કે એમાં કોઇજ શંકા નથી કે વિભાજનને સરહદ પર આંકવાનું કામ સર સિરિલ રેડ કિલફ નામના અંગ્રેજ બેરિસ્ટરે કર્યુ હતું. તેની આ કરામત જ સરહદો પર કયામત લાવી હતી.

બ્રિટિશ ભારતની ઉત્તર પશ્ચિમમાં પંજાબ અને ઉત્તર પૂર્વમાં બંગાળ એમ બે મોટા પ્રાંત હતા. જેમાં ૮ કરોડને ૮૦ લાખની વસ્તી અને કુલ ૧.૭૫ લાખ વર્ગ માઇલ વિસ્તારનો સમાવેશ થતો હતો. બંને પ્રાંતોની વસ્તી એવી રીતે વહેંંચાયેલી હતી કે સરહદોની ધર્મ આધારિત વહેંચણી અઘરી હતી. પંજાબના ૧૬ પશ્ચિમી જીલ્લાઓમાં મુસ્લિમ અને ૧૩ પૂર્વી જિલ્લાઓમાં શિખ,હિંદુઓ બહુમતિમાં હતા. જયારે ઉત્તર પૂર્વ તરફ બંગાળમાં ૧૫ જિલ્લાઓમાં  શિખો,હિંદુઓ બહુમતિમાં હતા. ઉત્તર પશ્ચિમ પંજાબમાં ૫૫.૭ ટકા અને ઉત્તર પૂર્વ બંગાળમાં ૫૪.૪ ટકા મુસ્લિમ હતા. ફેબુ્રઆરી ૧૯૪૭માં માઉન્ટ બેટન બ્રિટિશ ભારતના છેલ્લા વાઇસરોય બનીને ભારત આવ્યા ત્યારે મુસ્લિમ લીગના મહંમદ અલી ઝીણાની માંગ ૬ પૂર્ણ પ્રાંતોની હતી જેમાં પંજાબ અને બંગાળને પૂર્ણ રીતે પાકિસ્તાનમાં જોવા ઇચ્છતા હતા. એપ્રિલ ૧૯૪૭માં પંજાબના ગર્વનર ઇવાન જેનકિંસે માઉન્ટ બેટનને એક નોટ લખી જેમાં પંજાબના મુસ્લિમ અને ગેર મુસ્લિમ બહુલ જિલ્લાઓને વિભાજીત કરવાની તથા તેના માટે બે મુસ્લિમ અને બે હિંદુ સભ્યોનું મળીને બાઉન્ડરી કમિશન (સીમા આયોગ ) સ્થાપિત કરવાની વાત કરી હતી. માઉન્ટ બેટન પહેલા લોર્ડ વેવલ દ્વારા પણ એક કાચી સીમા સરહદ આંકવાનો પ્રયાસ થયો હતો. આ કાલ્પનિક વિભાજનમાં પંજાબપ્રાંતના ૧૭  જિલ્લા પાકિસ્તાન જયારે ૧૨ જિલ્લા ભારતમાં દર્શાવાયા હતા. 

૨૨ જૂન ૧૯૪૭ના રોજ સર સિરિલ જોન રેડકિલફ  લંડનના ન્યૂ સ્કવેરમાં આવેલી પોતાની  લો ચેમ્બરમાં બેઠા હતા. ખ્યાતનામ બેરિસ્ટર તરીકે લંડનમાં તેમનું ખૂબ મોટું નામ હતું. વેલ્સના ડેનબિગશાયરના વતની રેડકિલફે ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં લો નો અભ્યાસ કર્યો હતો. લોર્ડ ચાન્સેલરે ભારત જઇને વિભાજનનો નકશો તૈયાર કરવાનો આદેશ આપ્યો ત્યારે ખુદ રેડકિલફને નવાઇ લાગી હતી.  બ્રિટનમાં વિવિધ પદો પર રહેલા રેડકિલફ ભારતની ભૂગોળથી સાવ અજાણ્યા હતા. એવું માનવામાં આવે છે કે પંજાબ અને બંગાળ પ્રાંતના નામ તો પહેલીવાર સાંભળ્યા હતા. સરકારના આદેશને માન આપીને રેડકિલફ વિભાજન માટે ૮ જુલાઇના રોજ લંડનથી ભારત આવ્યા હતા. વિભાજનનું આટલું મોટું કામ ૧ મહિનામાં થઇ શકે નહી તે જાણતા હોવા છતાં  ૧૨ જુલાઇના રોજ ભાગલાનું કામ શરુ કર્યુ. વિભાજન માટે બાઉન્ડરી કમિશનની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ તરીકે તમામ સત્તાઓ રેડકિલફ પાસે હતી. બાઉન્ડરી કમિશનમાં બે હિંદુ અને બે મુસ્લિમ પ્રતિનિધિઓનો પણ સમાવેશ થતો હતો. ભાગલા પાડવાની ડયૂટી દરમિયાન રેડકિલફે જીવનમાં પહેલી અને છેલ્લીવાર લાહોર અને કલકતાનો પ્રવાસ કર્યો હતો. રેડકિલફને સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે મુસ્લિમ વસ્તીવાળા વિસ્તારો પાકિસ્તાનને આપવાના જયારે હિંદુ બહુમતિ વિસ્તારો ભારતમાં રાખવાના હતા. ધર્મના આધારે ભાગલા પાડવાની સાથે પ્રાકૃતિક સીમાઓ, સંચાર, જળમાર્ગો, સિંચાઇ પ્રણાલીઓ અને સામાજિક રાજકિય પરિસ્થિતિનું ધ્યાન વિવેક બુધ્ધિથી રાખવાનું હતું. એ સમયના બ્રિટિશ હિંદુસ્તાનમાં વસ્તીની પેટર્ન જોતા કયો ભાગ ભારતમાં રહે અને કયો પાકિસ્તાનને મળે તે બાબતે મુશ્કેલી હતી. ભારતની વિવિધતાભરી વસ્તીથી રેડકિલફ જરાં પણ પરિચિત ન હતા. ખાસ કરીને પૂર્વમાં બંગાળ અને પશ્ચિમમાં પંજાબમાં અનેક વિસ્તારો હતા જયાં હિંદુ અને મુસ્લિમ વસ્તી એક સરખી હતી. ૧૯૦૧ની જનગણના મુજબ ગુરદાસપુર જિલ્લાની જનસંખ્યા ૪૯ ટકા મુસ્લિમ, ૪૦ ટકા હિંદુ અને ૧૦ ટકા શિખ હતી. પઠાણકોટ તાલુકામાં હિંદુઓ વધારે હતા.  રેડકિલફે ગુરુદાસપુર જિલ્લાને રાવી નદી દ્વારા ભૌગોલિક રીતે વર્ગીકૃત કર્યો હતો. ગુરદાસપુરમાં પઠાનકોટ, ગુરુદાસપુર, બટાલા ઉપરાંત શકરગઢ તાલુકો હતો. પશ્ચિમ ભાગમાં વિસ્તારની દ્વષ્ટીએ સૌથી મોટા શકરગઢને પાકિસ્તાનમાં આંકવામાં આવ્યું હતું અમૃતસરથી પઠાણકોટ સુધીની રેલવે લાઇન બટાલા અને ગુરુદાસપુરના તાલુકાઓથી પસાર થતી હતી. 

પાકિસ્તાનનો આરોપ હતો કે ભારતને ૩ તાલુકાઓનો પુરસ્કાર લોર્ડ માઉન્ટ બેટન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં એક ભૂમિ માર્ગ પુરો પાડવા માટે આપવામાં આવ્યો છે. રેડકિલફે પણ પછીથી સ્પષ્ટતા કરી હતી કે અમૃતસર જિલ્લાની સિંચાઇ કરનારી નહેરોનો મુખ્ય સ્ત્રોત ગુુરુદાસપુર જિલ્લો હોવાથી પ્રશાસનની આધિન રાખવો જરુરી હતો. રેડકિલફની ભાગલાની રેખાઓ જયાંથી પસાર થવાની હતી ત્યાંના સેંકડો ગામોને એ જ ખબર ન હતી કે પોતે પાકિસ્તાનમાં છે કે ભારતમાં. ભાગલામાં ભાંગરો વટાવાથી આઝાદીની ખૂબ મોટી કિંમત સરહદ આસપાસ રહેતા નિદોર્ષ લોકોએ ભોગવવી પડી હતી. રેડકિલફે ૯ ઓગસ્ટના રોજ વિભાજનના દસ્તાવેજો અને નકશો દોરીને માઉન્ટ બેટનને આપ્યા હતા. ૧૫ ઓગસ્ટના રોજ આઝાદીની જાહેરાત થઇ પરંતુ વિભાજનના નકશા બહાર પડાયા ન હતા. ૧૪ ઓગસ્ટએ પાકિસ્તાને આઝાદ દિન ઉજવ્યો.૧૫ ઓગસ્ટના રોજ ભારતમાં જવાહરલાલ નેહરુએ દિલ્હી ખાતે તિરંગો લહેરાવીને દેશવાસીઓને શુભેચ્છા આપી. બે દેશોનો જન્મ થયા પછી ૧૬ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સાંજે ૫ વાગે બંને પક્ષોના પ્રતિનિધિઓને માઉન્ટ બેટને ૨ કલાક માટે બોલાવ્યા હતા. ભાગલાના નકશામાં ગંભીર પ્રકારની બેદરકારીઓ જોવા મળતી હતી.

બંગાળ તરફ ચટ્ટગાંવ હિલ ટ્રેકટસની ૯૬ ટકા વસ્તી બિન મુસ્લિમ હતી.૧૯૩૧ની વસ્તી ગણતરી મુજબ ૩.૮૫ ટકા મુસ્લિમ, ૧૭ ટકા હિંદુ અને અને ૭૩ ટકા બૌધ્ધ હતા.' ચટગાંવ હિલ ટ્રેકટસ પીપલ્સ એસોસિએશને'બંગાળના બાઉન્ડરી કમિશનને વિગતો પણ લખીને આપી હતી.૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સ્વદેશી બૌધ્ધોએ ચટગાંવ હિલ ટ્રેકટસની રાજધાનીમાં ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ૧૭ ઓગસ્ટ દ્વારા રેડિયો દ્વારા ભારત-પાકિસ્તાનની સરહદોની જાહેરાત થઇ જેમાં ચટગાંવ પાકિસ્તાનના ફાળે ગયું હતું.ચટ્ટગાંવ એક મુખ્ય શહેર અને બંદરગાહ હતું. એવી જ રીતે માલદા ૧૫ ઓગસ્ટ થી ૩ થી ૪ દિવસ પૂર્વી પાકિસ્તાનને આધિન રહયું ત્યાર પછી નિર્ણય લેવાયો ત્યારે પાકિસ્તાનનો ઝંડો ઉતારીને ભારતનો ઝંડો ફરકાવાયો હતો. કોલકતામાંથી ૧૦૦થી વધારે મિલો ધમધમતી હતી તેનો તમામ કાચોમાલ પાકિસ્તાનના ભાગે આવેલા પૂર્વ વિસ્તારમાંથી આવતો હતો.આવી તો અસંખ્ય ભૂલો ભાગલામાં ડોકાતી હતી. 

રેડકિલફના ભાગલાના નકશા જાહેર થવાની સાથે જ હિંદુ મુસલમાનો વચ્ચે આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો. સરહદ પારથી આવતી ટ્રેનો લાશોના ઢગલા ભરીને લાવતી હતી.મારા કાપોના ખૂની ખેલ માટે રેડકિલફની ઉતાવળ અને અણ આવડત જવાબદાર હતી. એવા કોઇ ભાગલા હોતા નથી જેમાં કોઇ સંપૂર્ણ રાજી થાય પરંતુ રેડકિલફની વિભાજન રેખાએ તો લાખો લોકો પરિવારોના માળા વિખેરી નાખ્યા હતા. પંજાબ અને બંગાળમાં અગાઉ પણ સામ્પ્રદાયિક હિંસાઓ થયેલી હતી. બે ધર્મના લોકો વચ્ચે આંતરિક હિંસાના બીજ બ્રિટિશ શાસન દરમિયાન જ વવાયા હતા. આ જાણતા હોવા છતાં હિંદુસ્તાન છોડી રહેલા અંગ્રેજોને કાયદો અને વ્યવસ્થાની કોઇ જ પડી ન હતી. ઓગસ્ટમાં લાહોરની મુલાકાત પછી વાઇસરોય માઉન્ટ બેટને લાહોર આસપાસ શાંતિ જળવાઇ રહે તે માટે ૫૦૦૦૦ માણસોના પંજાબ સીમા બળની વ્યવસ્થા કરી હતી જે ભાગલાની વિભિષિકાને રોકવા માટે પૂરતા ન હતા. સમગ્ર ક્ષેત્રનો આકાર જોતા  ૧ માઇલ વિસ્તારમાં ૧ સૈનિક ગોઠવાતો હતો. રેડકિલફ ભાગલા પછી ભારતમાં એટલો અપ્રિય થયો કે તેને ભારે સુરક્ષા સાથે લંડન મોકલવો પડયો હતો. એવું માનવામાં આવે છે કે  હતાશ થઇને ભારત છોડતા પહેલા બધાજ દસ્તાવેજનો નાશ કરી નાખ્યો હતો એટલું જ નહી ભાગલાના કામ માટે ૨૦૦૦ પાઉન્ડની ફી લેવાની ના પાડી દીધી હતી. ભાગલાની પીડાના જનક ગણાતા રેડકિલફનું  ૧ એપ્રિલ ૧૯૭૭ના રોજ ૭૮ વર્ષે યુકેમાં અવસાન થયું હતું. 


Google NewsGoogle News