વિશ્વના સૌથી વિશાળ નદી ટાપુ માજુલીની 'મહોરુંકળા' વિરાસત
- મીડ વીક- હસમુખ ગજજર
- માજુલીના મહોરાંં દેશ વિદેશમાં મોકલવામાં આવે છે અનેક વિદેશી સંગ્રહાલયોમાં પણ સ્થાન મળ્યું છે. આ મહોરુંનો ઉપયોગ નાટકોના પાત્રોને ચિત્રિત કરવા માટે થાય છે
આ સામમાં બ્રહ્મપુત્ર નદીની વચ્ચે માજુલી નામનો ૪૨૨ ચોરસ કિમીમાં ફેલાયેલો ટાપુ છે. એક સમયે બ્રાઝિલમાં એમેઝોન અને પરા નદી પર આવેલા મારાઝો ટાપુને સૌથી મોટો ટાપુ ગણવામાં આવતો હતો પરંતુ તેના એક કિનારે એટલાન્ટિક મહાસાગર હોવાથી માજુલીની જ વિશાળ રિવર આઇલેન્ડમાં ગણતરી થાય છે. માજુલીની દક્ષિણમાં બ્રહ્નપુત્ર નદી અને ઉત્તરમાં ખેરકુટિયા ખૂટી નામની ધારા વહે છે. ખેરકુટિયા નામનો પાણીનો પ્રવાહ બ્રહ્મપુત્ર નદીમાંથી નિકળીને આગળ જઇને ફરી મૂળ પ્રવાહમાં ભળી જાય છે. ઉત્તરમાં સુબનગિરી નદી ખેરકુટિયા ખુટી સાથે જોડાઇ જાય છે. માજુલી ટાપુ કાળક્રમે બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ખાસ તો લોહિત નદીના દિશા પરિર્વતન અને વિસ્તારમાંથી બન્યો છે. ગૌહાટીથી ૪૦૦ કિમી દૂર આવેલા માજુલીનું જોરહાટ એ જિલ્લા મથક છે. માજુલી જિલ્લાની કુલ વસ્તી ૧.૪૦ લાખની છે જેમાં નાના મોટા ૧૯૨ ગામોના ૩૨ હજાર પરિવારોનો સમાવેશ થાય છે. આ ટાપુ ઉપર મસિંગ, દેઉરી, સોનોવાલ, કછારી સહિત અનુસૂચિત જનજાતિના ૪૭ ટકા લોકો રહે છે. અહીં વિભિન્ન પ્રકારની જાતિઓ રહેતી હોવાથી આ ટાપુને મિની આસામ અથવા તો આસામની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. મોટા ભાગના લોકો ચોખા, ઘઉં, કપાસ અને મકાઇની ખેતી કરે છે. આ વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના કાળા ચણાની ખેતી થાય છે. બ્રહ્મપુત્રના ધસમસતા પાણી વિસ્તારને ઘમરોળી નાખતા હોવાથી ખેતીલાયક જમીન ધોવાતી જાય છે.
આ રિવર આઇલેન્ડ દાયકાથી પાંગરેલી મુખોટા (માસ્ક) એટલે કે મોહરુંકળા વિશ્વ વિખ્યાત છે. માજુલીના મહોરું દેશ વિદેશમાં મોકલવામાં આવે છે અનેક વિદેશી સંગ્રહાલયોમાં પણ સ્થાન મળ્યું છે. માજુલીના મહોરુંનો ધાર્મિક ઇતિહાસ ખૂબજ રસપ્રદ છે. આ મહોરુનો ઉપયોગ નાટકોના પાત્રોને ચિત્રિત કરવામાં આવે છે. નવ વૈષ્ણવ સંસ્કૃતિવાદનું કેન્દ્ર ગણાતા માજુલીના કળા કસબીઓ સદીઓથી ભગવાન શંકરથી માંડીને પૌરાણિક કથાઓમાં આવતા પાત્રોના મહોરું તૈયાર કરે છે. દેવી દેવતાઓથી માંડીને રાક્ષસ સહિતના તમામના મહોરું મળે છે. પૌરાણિક કથાને અનુરુપ પ્રાણીઓ, પક્ષીઓ અને સાંકેતિક આકૃતિઓના આબેહૂબ મહોરું મળે છે. માસ્ક એટલે કે મહોરું તૈયાર કરવા માટે 'પ્લાસ્ટર ઓફ પેરિસ' (પીઓપી) નહી પરંતુ માટી, ગાયનું ગોબર, શણના રેસા અને કાગળનો ઉપયોગ થાય છે. મહોરું બનાવવા માટે જૈવિક રંગો વનસ્પતિના પાન, મૂળિયા અને છાલમાંથી મેળવવામાં આવે છે. આ સમગ્ર સામગ્રી ટાપુ પર સહજ રીતે મળી આવે છે આથી કોઇ પણ પ્રકારના સિન્થેટિક રંગોનો ઉપયોગ થતો નથી. ગાયના છાણ, માટી અને વાંસના અનોખા મિશ્રણમાંથી તૈયાર કરાયેલા આ મોહરા ઝીણવટપૂર્વક ત્રિ પરિમાણીય વાંસનો ઉપયોગ કરીને પાત્રનો ચહેરો કોતરીને વિગતવાર ફ્રેમ બનાવે છે. વાંસની પટ્ટીઓ વડે ખાંચા તૈયાર કરવામાં આવે છે. આ માળખું તૈયાર કર્યા પછી બીજા તબક્કામાં બ્રહ્નપુત્ર નદીની માટીમાંથી મેળવેલા ખાસ માટીના મિશ્રણને ગાયના છાણ સાથે કોટિંગ કરવામાં આવે છે. આ માળખું તૈયાર કર્યા પછી પાતળા મલમલ (રેશમી) કાપડને તૈયાર માળખાની આસપાસ કાળજીપૂર્વક લપેટીને તડકામાં સૂકવવામાં આવે છે. એક વાર સંપૂર્ણપણે સૂકાઇ જાય પછી ચોકક્સ વૃક્ષોના પાંદડા,મૂળ અને છાલમાંથી બનાવેલ કાર્બનિક રંગોનો ઉપયોગ કરીને માસ્કને હાથથી દોરવામાં આવે છે. મહોરુંને પાત્રની જરુરિયાત મુજબ જુદા જુદા રંગોમાં પેઇન્ટ કરવામાં આવે છે. જયૂટ ફાઇબર વડે વાસ્તવિક લાગે તેવી દાઢી,મુછો અને વાળ તૈયાર કરવામાં આવે છે. દાઢી,મૂછ અને વાળ મોહરાના પાત્રની ઓળખ થાય છે. મોહરામાં દેવી દેવતાઓ, રાક્ષસો જીવ જંતુઓ અને પક્ષીઓને ચિત્રિત કરવામાં આવે છે જેમાં રાવણ, ગરુડ, નરસિંહા, હનુમાન, વરાહ અને શુપર્નખા વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક મહોરું ૮ થી ૧૦ ફૂટ સુધીના પણ હોય છે તેના વિશાળ કદના લીધે તેને બોર-મુખા તરીકે ઓળખવામાં આવે છે જેમાં બોરનો અર્થ મોટો થાય છે જે રાવણ, નરસિંહ,નરકાસૂર અને કુંભકર્ણ જેવી પૌરાણિક પાત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. એક મહોરું તૈયાર કરવામાં કમસેકમ ત્રણ દિવસ લાગે છે.
માજુલીમાં કુલ ત્રણ પ્રકારના મુખૌટા તૈયાર કરવામાં આવે છે. એક તો બડા મુખ જે શરીરના આકારનું હોય છે.બીજુ લોતોકાઇમુખા એટલે કે આંખ અને જીભ હલી શકે છે. ત્રીજુ મુખમુખા જેમાં મોઢાના આકારનું મહોરુ હોય છે જેને માત્ર પહેરી લેવાનું જ હોય છે. પાત્રને અનુરુપ જવેલરી પહેરીને કલાકારો તેમના પાત્રોને જીવંત બનાવે છે. આ માજુલી માસ્ક દેશભરના અન્ય સ્થળોએ તૈયાર કરાતા લોક માસ્કથી તદ્ન જુદા પડે છે. મોટા ભાગના મહોરુંનો પ્રયોગ રામાયણ, મહાભારત ઉપરાંત કૃષ્ણલીલા સાથે જોડાયેલા પાત્રો છે જેના નાટકો માટે ખાસ વપરાય છે. માજુલીની આ ખાસ કળા કળાને મુખા શિલ્પો કહેવામાં આવે છે. વાંસ, માટી,ગોબર, રેશમી કપડા, કપાસ અને લાકડી સહિત વિભિન્ન વસ્તુઓથી તૈયાર થતી આ કળાને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત (જીઆઇ) ટેગનું પણ બહુમાન મળેલું છે. માજુલી માસ્કએ નવ વૈષ્ણવ પરંપરાનું પ્રતિક છે જે નાટય પ્રદર્શન અને ધાર્મિક વિધિઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ખાસ કરીને વૈષ્ણવ સંત શંકરદેવ અને માધવદેવ લેખિત નાટકોમાં અભિનય માટે માજુલી મહોરુઓનો ઉપયોગ થાય છે. શંકરદેવે રામાયણ, મહાભારત અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી કહાનીઓ રજૂ કરવા માટે રંગમંચ કળાનો પ્રયોગ કર્યો હતો જેને ભાવોના કહેવામાં આવે છે. ભાવોના ધાર્મિક સંદેશા સાથે મનોરંજન આપવાનું એક પારંપરિક સ્વરુપ છે. નવ વૈષ્ણવ પરંપરા હેઠળ ભકિત સંદેશો સાથે નાટકીય પ્રદર્શનમાં પાત્રોને ચિત્રિત કરવા મોહરું વપરાય છે જેની શરુઆત ૧૫ થી ૧૬ મી સદીમાં સંત શ્રીમંત શંકરદેવ દ્વારા થઇ હતી. સત્રોની સ્થાપના (મઠ- જગ્યા)ની સ્થાપના શ્રીમંત શંકરદેવ અને તેમના શિષ્યો દ્વારા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સુધારણાના કેન્દ્ર તરીકે થઇ હતી. શંકરદેવના મિશનનો હેતું જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વીના યુવાનોને સંવાદિતા તરફ માર્ગદર્શન આપતા તમામ માનવોને સમાન બનાવવાનો હતો. તેમના દાર્શનિક વિચારો ધાર્મિક અને સાંસ્કૃતિક સીમાઓને પાર કરી ગયા હતા.
તેમણે ધાર્મિક વિધિઓને સરળ બનાવીને આધ્યાત્મિકતાને બધા માટે સુલભ બનાવીને સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણના જીવન પર ખૂબ નાટકો લખ્યા હતા. મોહરા બનાવવાની પરંપરા મુખ્યત્વે ચાર જગ્યા સમાગુરી સત્ર, નતુન સમાગુરી સત્ર, બિહિમપુર સત્ર અને અલેંગી નરસિમ્હા સત્રમાં જોવા મળે છે આથી માજુલીને સત્રોનું ઘર પણ કહેવામાં આવે છે.
મહોરુંકળાનું આ સ્વરુપ પેઢીઓ દ્વારા અથવા તો ગુરુ અને શિષ્ય પરંપરાથી આગળ વધતું રહે છે. માજુલી રિવર ટાપુ અનોખા સાંસ્કૃતિક વારસાના સમર્પણના ઇતિહાસને ઉજાગર કરે છે. આસામની સંસ્કૃતિમાં તહેવારોની હારમાળા વર્ષ દરમિયાન ચાલતી રહે છે જેમાં માજુલી ઉત્સવ સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક છે જેમાં માજુલી ઉત્સવ સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક છે જેમાં વિવિધ સમુદાયો પોતાના સાંસ્કૃતિક પાસાઓને પ્રગટ કરે છે જેમાં બોરગેટ,બયાનામ,નિસુકોની ગીત. ગોરોખીયા નામ,બેગવનેટ, બિહુગેટ અને પ્રાદેશિક સંગીત, ભોરતાલ, બાગુરુમ્બા, દેવરી બિહુ, મિજિંગ બિહુ વગેરે નૃત્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હસ્તનિર્મિત મહોરું, લાડકાનું નકશીકામ, વાસ અને માટીના વાસણોના પ્રદર્શનનો સમાવેશ થાય છે. માજુલી ટાપુના શાંત, સ્વચ્છ અને હરિયાળા વાતાવરણમાં મહોરુ જુદી જ દુનિયામાં લઇ જાય છે. ૧૯૫૩માં રિવરઆઇલેન્ડ માજુલી ટાપુનો વિસ્તાર ૧૨૫૦ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો હતો જે સતત જમીન ધોવાણ અને માટીના ક્ષરણથી ચોથા ભાગનો રહયો છે જે પર્યાવરણની દ્વષ્ટીએ ચિંતાજનક છે. નદીના ટાપુની નજીક સલ્મોરા જેવા ગામો પોતાની ૬૦૦ વર્ષ જુની માટીમાંથી વાસણો તૈયાર કરવાની કળા સાચવવા માટે ઝઝુમી રહયા છે. અનિયમિત વરસાદ અને માટીના ક્ષરણે ખૂબ મોટો પડકાર ઉભો કર્યો છે. બ્રહ્નપુત્રા નદીના બે પ્રવાહોની વચ્ચે વસેલું સ્વર્ગ જોખમમાં છે. દર ચોમાસાએ ૨૯૦૦ કિમી લાંબી વિશાળ નદી પૂર લાવે છે. ભૂમિના મોટા હિસ્સા પર પાણી આવવાથી દિવસો સુધી પાણીથી ઘેરાયેલો રહે છે. રહેણાંક મકાનો અને પાક પણ તણાઇ જાય છે. ૨૪૩માંથી ૬૭ જેટલા ગામો પુરથી અસરગ્રસ્ત બને છે. આથી ટાપુની ઇકો સિસ્ટમ પણ બદલાઇ રહી છે. મહોરુંઓની સાંસ્કૃતિક વિરાસત માટે ખ્યાતનામ માજુલી માટે જળવાયુ પરિવર્તનનું સંકટ છવાયું છે જે અંગે આંખ આડા કાન કરવા પોષાય તેમ નથી.