Get The App

બસ્તર દશેરા : 75 દિવસ સુધી સતત ચાલતો વિશ્વનો સૌથી લાંબો લોકોત્સવ

Updated: Oct 11th, 2022


Google NewsGoogle News
બસ્તર દશેરા : 75 દિવસ સુધી સતત ચાલતો વિશ્વનો સૌથી લાંબો લોકોત્સવ 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- ભલે આ ઉત્સવનું નામ દશેરા હોય પરંતુ રામાયણની ઘટના સાથે કોઇ જ સંબંધ નથી. આ તહેવાર દંતેવાડામાં બાવન શકિતપીઠોમાંથી એક ગણાતા દંતેશ્વરી દેવીને સમર્પિત છે. બસ્તર દશેરાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમામ સમુદાયને આવરી લે છે અને દરેકની તેમાં ભાગીદારી હોય છે

સ ત્ય સામે અસત્યના પરાજયનો બોધપાઠ આપતો દશેરા તહેવાર પરંપરાગત રીતે ઉજવાયો પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે છત્તીસગઢના આદિજાતિ બહુલ બસ્તર વિસ્તારમાં દશેરા તહેવાર ૭૫ દિવસ સુધી ઉજવાય છે. પુરા ૭૫ દિવસ માટે ઉજવાતો બસ્તર દશેરા વિશ્વનો સૌથી લાંબો ફેસ્ટિવલ ગણાય છે. આ ઉત્સવને જગદલપુર દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભલે આ ઉત્સવનું નામ દશેરા હોય પરંતુ રામાયણની ઘટના સાથે કોઇ જ સંબંધ નથી. આ તહેવાર દંતેવાડામાં બાવન શકિતપીઠોમાંથી એક ગણાતા દંતેશ્વરી દેવીને સમર્પિત છે. દંતેવાડા નગરમાં દેવી દંતેશ્વરીનું મંદિર ૧૪ મી સદીનું માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ સતીના અહીં પડેલા દાંત પરથી નામ પળ્યું હતું. આ સ્થળ બસ્તરના મુખ્ય મથક જગદલપુરથી ૮૦ કિમી દૂર આવેલું છે.

બસ્તર વિસ્તાર આદિજાતિ સમુદાયોની આગવી લોક પરંપરા અને વિશિષ્ટ જીવનશૈલી માટે ઓળખાય છે. બાકીની દુનિયાએ ભલે પોતાની પરંપરાઓ અને રિવાજોને ડિજીટલ વાઘા પહેરાવ્યા હોય પરંતુ અહીં સદીઓ   જૂની પરંપરાઓ યથા સ્વરુપે સચવાયેલી છે. બસ્તર દશેરાની શરુઆત હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના પ્રથમ પખવાડિયાથી થાય છે જે આસો માસના અજવાળિયા પખવાડિયાની ૧૩ તિથિ સુધી ચાલે છે. જુલાઇના અંત ભાગમાં દેશવાસીઓ વર્ષાઋતુને માણતા હોય છે ત્યારે બસ્તરમાં દશેરાનો પ્રારંભ થાય છે. બસ્તરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતો માનવ સમૂહ ભકિત અને ઉત્સાહના રંગે રંગાઇ જાય છે. અનેક લોકો દંતેવાડામાં દંતેશ્વરી દેવીના દર્શન માટે આવે છે. આ પર્વ ખૂબ લાંબો ચાલતો હોવાથી તેનું વર્ણન પણ ખૂબ લાંબુ છે. તહેવારને એક કે બે ધાર્મિક વિધીમાં સમાવી શકાય તેમ નથી. જુલાઇના અંતિમ સપ્તાહથી ઓકટોબરના મધ્ય ભાગ સુધી ઉજવણી થતી રહે છે. નાના મોટા કુલ ૨૦ જેટલા પેટા ઉત્સવો અને વિધીઓ નો સમાવેશ થાય છે. 

આ ઉત્સવમાં બલિદાન, વરઘોડા અને ધાર્મિક વિધીઓનો પણ દોર ચાલે છે. એક પૂર્ણ થાય કે તરત જ બીજા આયોજનનો આરંભ થઇ જાય છે. જેમાં પતા જાત્રા, દેરી ગઢાઇ, કાચન ગાડી, કલશ સ્થાન, જોગી બિથાઇ, રથ પરિક્રમા, નિશા જાત્રા, કુંવારી પૂજા, જોગી ઉથ્થાઇ, મુરાઇ દરબાર અને વિદાય જેવી અનેક રશ્મનો સમાવેશ થાય છે. આ ઉત્સવમાં પશુ બલિદાન, વરઘોડા અને ધાર્મિક વિધીઓનો દોર આગળ વધે તેમ લોકોમાં ઉત્સાહવર્ધન થતું જાય છે. સૌથી મહત્વનો પ્રથમ કાર્યક્રમ રથ તૈયાર કરવાનો છે. રથ માટે માચકોટ જંગલમાંથી લાવવામાં આવેલા લાકડાની પાટજાત્રા થાય છે. ૧૨ દિવસ પછી મહેલની બહાર થાંભલા મુકવામાં આવે છે. બસ્તર દશેરામાં રાજવી પરીવાર વિશ્વના સૌથી લાંબા લોકોત્સવના કેન્દ્રસ્થાને રહે છે. દંતેશ્વરી દેવી બસ્તરના રાજવી પરીવારની કુળદેવી છે. જો કે હાલમાં રજવાડા પરંપરા તેના મૂળ સ્વરુપમાં નથી તેમ છતાં શાહી પરીવારના વંશજ લોક હ્વદયમાં સ્થાન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે મધ્યયુગીન સમયમાં પાડોશી દેશોમાંથી રાજવીઓએ આવીને બસ્તર સામ્રાજયની સ્થાપના કરી હતી.

કરંજી, કેસરપાલ અને સોનાબલ ગામના વનવાસીઓ  રથ ખેંચવા માટે વનસ્પતિની છાલમાંથી દોરડા તૈયાર કરે છે. રથ તૈયાર કરવા માટે બેડા, ઉમરગાંવ ગામમાંથી સુથારો આવે છે. તૈયાર થયેલો વિશાળકાય ૮ પૈડાવાળો રથ ૩૫ ફૂટ જેટલો ઉંચો હોય છે. રથ ઉપરાંત આમંત્રિત દેવી-દેવતાઓની પાલખીઓ જગદલપુર તરફ આગળ વધે છે. જેમાં દંતેશ્વરી ઉપરાંત તેમના મોટી બહેન માઓલી દેવી પણ સવાર હોય છે. આ શોભાયાત્રાના રુટમાં આવતા ગામોમાં જુદા જુદા આદિજાતિ સમુદાય સ્વાગત કરે છે. રથયાત્રામાં જોડાય તેમ માનવ મહેરામણ વધતો જાય છે. 

બસ્તર દશેરા ઉજવવાની પરંપરા આજકાલ કરતા ૫૫૦ વર્ષ જૂની છે. લોક ઇતિહાસ મુજબ ઇસ ૧૪૦૮માં બસ્તરના  ચાલુકય વંશના ચોથા શાસક રાજા પુરુષોતમ દેવ એક વાર જગન્નાથ મંદિરની યાત્રાએ ગયા હતા. પુરીના નરેશને જગન્નાથ ભગવાને સપનામાં આવીને બસ્તરના રાજાનું માન સન્માન આપવા આદેશ કર્યો હતો. પુરીના રાજાએ સ્વપ્ન આદેશ મુજબ બસ્તરના રાજાનું શાહી સન્માન કર્યુ. રાજા પુરુષોતમ દેવએ ૧ લાખ સુવર્ણ મુદ્રાઓ,કિંમતી રત્નો અને આભૂષણો જગન્નાથના ચરણોમાં સમર્પિત કર્યા. બસ્તર રાજાએ એક વર્ષ સુધી જગન્નાથ મંદિરમાં રહીને સેવા કરી. આ સેવાના બદલામાં બસ્તર રાજાને લહુરી રથપતિની ઉપાધી આપીને ૧૬ પૈડાવાળો રથ ભેટમાં આપવામાં આવ્યો. બસ્તર નરેશ સાથે જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની કાષ્ટ પ્રતિમાઓ સાથે લાવ્યા હતા. રથનું વિભાજન કરીને ચાર પૈડા ભગવાન જગન્નાથને સમર્પિત કર્યા. જયારે ૧૨ પૈડાનો રથ દંતેશ્વરી માતાને અર્પણ કર્યો હતો. 

 પહેલીવાર ઇસ ૧૪૬૮-૬૯માં દશેરા રથ કાઢવામાં આવ્યો હતો. ઇસ ૧૬૧૦માં રાજા વીરસિંહે બાર માંથી આઠ પૈડાનો એક વિજયરથ  અને ચાર પૈડાનો એક ફૂલોનો રથ બનાવ્યો હતો. એ સમયથી જ આઠ પૈડાવાળા વિજય રથ અને ચાર પૈડાવાળા રથનો ઉપયોગ થાય છે. બસ્તર દશેરાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમામ સમુદાયને આવરી લે છે અને દરેકની તેમાં ભાગીદારી હોય છે. દરેક પાસે તહેવારને ખાસ બનાવવાની જવાબદારી છે. આના માટે કયારેય કોઇ આદેશ કરવો પડતો નથી બસ જયારે તહેવારનો સમય આવે ત્યારે સૌ સ્વયંભૂ કામ ઉપાડી લે છે. આ તહેવારની છેલ્લા ૧૦ દિવસમાં મોટા ભાગની વિધી અને રીતભાત દુર્ગાપૂજાને મળતી આવે છે પરંતુ સમગ્ર રીતે જોઇએ તો આ તહેવાર સાવ જુદો અને રસપ્રદ છે. દેશના અન્ય ભાગમાં ઉજવાતા દશેરા સાથે જરાં પણ સામ્યતા ધરાવતો નથી. દશેરાની કથામાં મર્યાદા પુરુષોતમ રામ અને અહંકારી રાવણની વાત છે. રામે રાવણને રોળ્યો હોવાથી તેની ખૂશીમાં દશેરા ઉજવાય છે. જયારે બસ્તર દશેરા આદિજાતિ સંસ્કૃતિમાં થતી વિશિષ્ટ પૂજા અને આનંદનો સાર્વભૌમ તહેવાર છે. સદીઓથી આ જંગલમાં વિવિધ આદિવાસી સમૂદાયો રહે છે. જેમાં ગોંડ, મુરિયાસ અભૂજમરિયા અને ભટ્ટા સહિતના તમામ સમુદાયો ૭૫ દિવસ સુધી તહેવાર સાથે જોડાયેલા રહે છે. 

જગદલપુરમાં નવરાત્રિના પ્રથમ દિવસે કુંવારી નાની કન્યાને કાચનદેવી તરીકે પસંદ કરવામાં આવે છે. આ નાની બાળા લોકો અને દેવી વચ્ચેના માધ્યમ તરીકે કામ કરે છે. તે કાંટાની ખાસ તૈયાર કરવામાં આવેલી વેદી પર બેસે છે. રાજવીઓ દ્વારા તહેવારની ઉજવણીને દશેરા સુધી આગળ વધારવા માટે કાચનદેવીની મંજુરી લેવામાં આવે છે. જોગી બિથાઇ આ પ્રથા પણ બસ્તર દશેરાને વિશિષ્ટ બનાવે છે. હલબા આદિવાસી યુવક એક ખાડો ખોદીને નવ દિવસ સુધી બેસીને ઉપવાસ રાખે છે. આમ કરવાનો હેતું દશેરા ઉજવણી કોઇ પણ પ્રકારના વિધ્ન વગર પાર કરવાનો છે. આસો સુદ બીજથી સાતમ તિથિ સુધી ૮ પૈડાવાળો રથ નિયમિતપણે સમગ્ર જગદલપુર શહેરમાં ફરે છે.

માઓલી દેવી સહિતના દેવી દેવતાઓની હાજરીથી શોભાયાત્રાનો અભૂતપૂર્વ માહોલ ઉભો થાય છે. બીજી એક મહત્વની ધાર્મિકવિધી મધ્યરાત્રીના અંધારપટમાં રથ ચોરવાની છે. અંધારાનો લાભ ઉઠાવીને માડિયા અને ગોંડ જનજાતિના લોકો રથ ચોરીને કુન્હાડાકોટ લઇ જાય છે. રાજાશાહીના સમયમાં રાજાથી અસંતૃષ્ટ ગ્રામીણોએ નારાજ થઇને અડધી રાતે રથ ચોરીને જંગલમાં સંતાડયો હોવાની વાયકા છે. એ સમયે રાજા કુમ્હાડાકોટ પહોંચીને ગ્રામીણોને મનાવીને શાહી ભોજન કરાવીને રથને જગદલપુરના દંતેશ્વરી મંદિર લાવ્યા હતા આ પરંપરા મુજબ વર્તમાન રાજવીઓ આજે પણ ગામ લોકો પાસે જઇને રથ છોડાવી લાવે છે.

ઉજવણીના ભાગરુપે મુરિયા દરબારએ દશેરાની એક મહત્વની રશ્મ છે. મુરિયા દરબાર સદીઓથી રાજવી પરંપરાનું આગવું આયોજન છે. મુરિયા દરબારમાં રાજવીઓ પોતે પ્રજા પાસે બેસીને સુખ દુખ સાંભળતા. લોકોને કોઇ પણ સમસ્યા હોયતો ન્યાય તોળીને તાત્કાલિક નિકાલ કરવામાં આવતો. આટલા લાંબા તહેવાર દરમિયાન રથ ખેંચનારા યુવકો અને દશેરા સમિતિઓ સાથે સંકળાયેલાઓને શાબાશી આપવામાં આવતી. આધુનિક સમયમાં છત્તીસગઢ રાજયના મુખ્યમંત્રી કે મંત્રી લોકોની વચ્ચે જઇને સમસ્યા સાંભળે છે. બસ્તર દશેરાનું સમાપન ડોલી વિદાય અને કુટુંબ યાત્રાની પૂજા સાથે થાય છે.

વિદાય પહેલા માઇની ડોલી અને છત્ર સ્થાનિક મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા મંચ પર લાવીને મહા આરતી થાય છે. માતાને શસસ્ત્ર સલામી આપવામાં આવે છે અને જિયા ડેરા નામના સ્થળ સુધી શોભાયાત્રા નિકળે છે. આસો મહિનાની સુદ ૧૩ ના દિવસે દંતેવાડાથી પધારેલી માતાની વિદાય સાથે જ અન્ય ગ્રામીણ દેવી-દેવતાઓને પણ વિદાય આપવામાં આવે છે. આ સાથે જ ૭૫ દિવસના ઐતિહાસિક દશેરાની પૂર્ણાહુતિ થાય છે.  બસ્તરની આ અનોખા પરંપરાગત તહેવારના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. કેટલાક તો ભકિતના રંગે રંગાઇને વધુ દિવસો સુધી રોકાણ કરે છે. દાયકાઓથી ઉજવાતો આ લોક તહેવાર દશેરાના દિવસે તેની ચરમસીમાએ હોવાથી બસ્તર દશેરા તરીકે આગવી ઓળખ ધરાવે છે. 


Google NewsGoogle News