ડિજિટલ દુનિયામાં વાલીઓની વિમાસણ વધારતો સંતાનોનો SCREEN TIME

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ડિજિટલ દુનિયામાં વાલીઓની વિમાસણ વધારતો સંતાનોનો SCREEN TIME 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- 19 યુરોપિયન દેશોના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 9 થી 16 વર્ષના 80 ટકા બાળકો દરરોજ ઓનલાઇન રહે છે. 10 વર્ષથી નાની વયના 42 ટકા બાળકો જયારે 91 ટકા બાળકો પાસે 14 વર્ષની વયે સ્માર્ટફોન ધરાવે છે. ભારતમાં પણ સ્માર્ટફોનની એકસેસ ધરાવતા બાળકો અભ્યાસ કરતા મનોરંજન માટે વધારે ઉપયોગ કરે છે. 

બા ળકો સ્માર્ટફોનની દુનિયામાં રચ્યા પચ્યા રહે છે તેનાથી ભારત જ નહી દુનિયા ભરના વાલીઓ ચિંતિત બન્યા છે. દરેક દેશમાં પોતાના સામાજિક પરિવેશ મુજબ સ્ટડી થતા રહે છે પરંતુ પરિણામ એક સરખું જ મળે છે. વધુને વધુ બાળકો ઝડપથી મોબાઇલ પર શિફટ થઇ રહયા છે, બાળકોના હાથમાં રમકડાના સ્થાને સ્માર્ટફોન આવવાથી આઉટ ડોર ગેમ અને રચનાત્મક રમતો ભૂલાઇ ગઇ છે, પેઇન્ટિંગ બુક, રમકડા અને ઘરની અંદર રમાતી રમતો હવે સાવ ખૂણામાં ધકેલાઇ ગઇ છે. ખાસ કરીને ૯ થી ૧૪ વર્ષના બાળકોના હાથમાં આવી ગયેલા મોબાઇલ જેવા ડિજિટલ ઉપકરણનું વળગણ વધતું જાય છે. સ્ક્રીન ટાઇમ વધવાથી બાળકોનો અભ્યાસ પણ પ્રભાવિત થઇ રહયો છે. તેની માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઇ રહી છે. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા જાપાન હોય કે નોર્વે, બાળકોનો મોબાઇલ સ્ક્રીન ટાઇમ વધતો જાય છે. બાળકોના વધતા જતા સ્ક્રીન ટાઇમથી વાલીઓની વિમાસણ વધી છે. સ્ક્રીન ટાઇમએ સ્માર્ટફોન, કોમ્પ્યૂટર, ટેલિવિઝન, લેપટોપ અને ટેબ્લેટ જેવા સ્ક્રીનવાળા ઉપકરણો પર વિતાવેલો સમય છે પરંતુ વપરાશની દ્વષ્ટીએ સ્માર્ટફોન જ સ્ક્રીન ટાઇમનો પર્યાય બની ગયો છે. 

તાજેતરમાં અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર બાળકો વ્યાયામ,ખેલકૂદ અને અન્ય કૌશલ્યો શિખવાનો સમય મોબાઇલ જેવા ડિજિટલ ઉપકરણોના સ્ક્રીન પર વિતાવે છે. સ્ક્રીન ટાઇમ બાળકોના મગજની કામ કરવાની ક્ષમતા ઓછી કરે છે અને યાદશકિત ઘટાડે છે. લાંબા સમય સુધી સ્ક્રીન નજીક રહેતા બાળકોની કોમ્યુનિકેશન સ્કિલ અને પ્રોબલમ સોલ્વિંગ ક્ષમતા ઘટી રહી છે. ગત માર્ચ મહિનામાં અમેરિકાના ફલોરિડામાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવા માટે એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી દરમિયાનના લોકડાઉનમાં બાળકોને ઓન લાઇન એજયુકેશન દરમિયાન ખૂબ નાની ઉંમરે સ્વતંત્ર રીતે મોબાઇલ ઉપયોગ કરવાની તક મળી હતી. કોરોના સંક્રમણ દૂર થતા કલાસ રુમનું ઓફ લાઇન શિક્ષણ શરુ થયું પરંતુ મોબાઇલનું વળગણ પડયું તે દૂર થયું નહી. હવે તો જેની દુનિયા સ્માર્ટફોનની આસપાસ જ ધૂમે છે એવી પેઢી તૈયાર થઇ રહી છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર યુએસમાં સરેરાશ ૧૧ થી ૧૪ વયના યુવાઓ ડિજિટલ સ્ક્રીનની સામે દરરોજ ૯ કલાક વિતાવે છે. 

સંશોધકોનું માનવું છે કે દુનિયા ભરના વાલીઓ પોતાના સંતાનોને મોબાઇલ સ્ક્રીન ટાઇમથી કેવી રીતે દૂર રાખવા તેની મુંઝવણમાં પડયા છે. બ્રિટનમાં વાલીઓના એવા ગુ્રપ ચાલે છે જે સ્માર્ટફોનથી કેવી રીતે દૂર રાખવા તેને લગતી ચર્ચા કરે છે. સોશિયલ મીડિયામાં હજારો માતા પિતા આ વિષય પર પોતાના મંતવ્યો રજૂ કરી રહયા છે. એક સંશોધન મુજબ  બ્રિટનમાં ૧૨ વર્ષના લગભગ તમામ બાળકો ફોન ધરાવે  છે જેમાંના મોટા ભાગના સોશિયલ મીડિયાની દુનિયામાં વ્યસ્ત રહે છે. આ બાળકો પાસેથી મોબાઇલ છોડાવી લેવામાં આવે ત્યારે આક્રમક બની જાય છે. બાળકોનું વર્તન પણ સતત નકારાત્મક બનવા લાગ્યું છે. જાડાપણુ,અનિદ્રા અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ વધી રહી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ૨ થી ૧૨ વર્ષના બાળકને ૨૪ કલાકમાંથી ૧ કલાકથી વધારે મોબાઇલ આપવો જોઇએ નહી. એવા પણ સ્ટડી થયા છે જેમાં જાણવા મળે છે કે સ્માર્ટફોનથી દૂર રહેનારા બાળકો વધારે ખૂશ હોય છે જયારે રોજ ઉપયોગ કરનારા બાળકોમાં મૂડના ચડાવ ઉતાર વધુ જોવા મળે છે. વિશ્વમાં ૫ થી ૯  વર્ષના વન થર્ડ બાળકો રમકડાના સ્થાને હવે મોબાઇલથી રમવા લાગ્યા છે.  યુકેના ઓફકોમના ડેટા અનુસાર ૧૯ યુરોપિયન દેશોના  ૯ થી ૧૬ વર્ષના ૮૦ ટકા બાળકો દરરોજ મોબાઇલ પર ઓનલાઇન રહે છે. તાજેતરના ડેટા અનુસાર ૧૦ વર્ષથી નાની વયના ૪૨ ટકા બાળકો સ્માર્ટફોન ધરાવે છે જયારે ૯૧ ટકા બાળકો પાસે ૧૪ વર્ષની વયે એક સ્માર્ટફોન હોય છે. ભારતની વાત કરીએ તો ઓગસ્ટ ૨૦૨૩માં એજયુકેશન અને રુરલ ઇન્ડિયા રિપોર્ટમાં ડેવલપમેન્ટ ઇન્ટેલિજ્ન્સ યુનિટના એક સર્વેને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં ૪૯.૩ ટકા વિધાર્થીઓ પાસે સ્માર્ટફોનની એકસેસ છે પરંતુ ઓછા વિધાર્થીઓ અભ્યાસ માટે તેનો ઉપયોગ કરે છે. ૨૧ રાજયોના ગ્રામીણ સમુદાયોમાં ૬ થી ૧૬ વર્ષની વયના શાળાના બાળકો ૬૨૨૯ માતા પિતાના સર્વેક્ષણમાં બહાર આવ્યું હતું કે બાળકો અભ્યાસ કરવાના બદલે ઓનલાઇન ગેમિંગ પ્રકારના મનોરંજન માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા લાગે છે. ૫૬ ટકા મૂવી ડાઉનલોડ કરવા ૪૭ ટકા સંગીત ડાઉનલોડ કરવા કે સાંભળવા માટે ઉપયોગ કરે છે. મોબાઇલનો ઓનલાઇન લર્નિગ, ટયૂટોરિયલ્સ, સ્ટડી મટેરિયલ માટે ખૂબ ઓછો ઉપયોગ થાય છે. 

૩ એપ્રિલ ૧૯૭૩માં માર્ટિન કૂપરે બે કિલો વજનનો વિશ્વનો પ્રથમ મોબાઇલ ફોન શોધ્યો ત્યારે કલ્પના પણ કરી ન હતી કે આ ડિવાઇસ ભવિષ્યમાં દરેક માણસના હાથ વડે કાનથી ચોંટેલું રહેશે. સંયુકત રાષ્ટ્રસંઘ સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન યુનિયન (આઇટીયુ)ના જણાવ્યા અનુસાર દુનિયામાં માણસની સંખ્યા કરતા મોબાઇલ વધારે છે. વિશ્વની ૮૨ ટકા શહેરી અને ૪૬ ટકા ગ્રામીણ વસ્તી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ૧૫ થી ૨૪ વર્ષના ૮૦ ટકા યુવાનોના હાથમાં મોબાઇલ છે. ૨૦૨૬ સુધીમાં સ્માર્ટફોન ચલાવનારા લોકોની સંખ્યા ૭.૫૧ અબજને પાર કરે તેવી ધારણા છે. દુનિયામાં ૪.૮૧ અબજ લોકો પાસે મોબાઇલ છે જયારે ૫.૨૮ અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. 

દરેક જમાનાનું એક ઉપકરણ હોય છે. આજના વડીલો દાયકાઓ પહેલા ગ્રામોફોન, રેડિયો અને ટેપ રેકોર્ડર સાંભળીને મોટા થયા છે. મિડલ એજ ધરાવનારાઓના બાળપણની યાદો ટીવી, ટોકીઝ, વીસીઆર અને વિડીયો ગેમ સાથે જોડાયેલી છે.  વર્તમાન સમયમાં મોબાઇલમાં સમાઇ ગયેલું ઇન્ટરનેટ દુનિયાને જાણવા સમજવાનું પ્રવેશદ્વાર બની ગયું છે. લોકો જે પણ માને છે કે જાણે છે તેનો સાચો કે ખોટો મોટા ભાગનો સોર્સ ઇન્ટરનેટ બન્યું છે. માહિતી અને જ્ઞાાનનો વિસ્ફોટ થતો હોય ત્યારે તેને પારખવા અને સમજવાની કોઠાસૂઝ હોવી જોઇએ, આ સૂઝ વડીલો અને વાલીઓમાં હશે ત્યારે જ બાળકોમાં દેખાશે. બાળકો જે પણ શીખે છે એ બધુ જ પોતાના પરીવારમાંથી જ શીખે છે. કેટલાક વાલીઓ બાળકોને રાત્રે મોબાઇલ નહી આપવાનો, કેટલાક સુતી વખતે નહી આપવાનો, કેટલાક સવારે સવારે નહી સાંજ મળશે એમ કહીને ફોસલાવતા રહે છે પરંતુ બાળકોને મોબાઇલનું વળગણ છોડાવી શકતા નથી. બાળક પાસેથી મોબાઇલ જ્પ્ત કરી લેવામાં આવે ત્યારે જાણે કે દુનિયા લુંટાઇ ગઇ હોય એમ તરફડિયાં મારે છે. આનાથી ઉલટું કેટલાક વાલીઓ નાના બાળકોને  બિઝી રાખવા પોતે જ સ્માર્ટફોન પર એનિમેશન વિડીયો કે ગીતો વગાડતા રહે છે.વાલીઓ પોતાના અપરિપક્વ વયના સંતાનોને સરળતાથી મોબાઇલ નામનું રમકડુ પકડાવી દે છે. સ્માર્ટફોન આપીને બાળકોને શાંત રાખવાનો શોર્ટકટ શોધે છે પરંતુ કયાંક આ શોર્ટ કટ મોંઘોના પડે તેનો પણ વિચાર કરવો જરુરી છે. મોબાઇલધારી કિશોરો સોશિયલ એપ્સ કે ઓનલાઇન ગેમ રમતા હોય છે.શહેરની સોસાયટીઓના પાર્કિગ અને ગામોના પાદરે મોબાઇલ હાથમાં પકડીને અર્થહીન અને અંતહીન ચેટિંગ કરતા રહે છે કયારેક અભદ્ર પ્રકારનું કન્ટેઇન ઝગડાનું મૂળ બને છે.

મોબાઇલ એડિકટ સંતાન વાલી સાથે કોઇના ઘરે જાય ત્યારે એકલું બેસી રહે છે. બીજા બાળકોને હળવા મળવામાં કે વાતચીતમાં જરાંય રસ હોતો નથી. બોર જણાતા બાળકના હાથમાં અચાનક જ મોબાઇલ પકડાવી દેવામાં આવે ત્યારે રાજી થઇને ઇન્ટરનેટની દુનિયામાં ખોવાઇ જાય છે. મોટે ભાગે આવા બાળકો ફોન પર બેસીને ગેમિંગ કરે છે. ટૂંકા વીડિયો અથવા તો સોશિયલ મીડિયા જોતા હોય છે. બાળકોની કનડગત ઓછી થાય અને ચૂપ રહે તે માટે વાલીઓ પણ પોતાના સંતાનને ડેટાના હવાલે કરી રહયા છે. સ્કૂલનો સમય હોય ત્યારે બાળકોને ના પાડી શકાય પરંતુ સ્કૂલ ઓફ સમયમાં મોબાઇલ વપરાશ મામલે વાલીઓ અને સંતાનો વચ્ચે નોંકઝોંક ચાલતી રહે છે. 

ડિજિટલ દુનિયાની સર્વ વ્યાપકતાને જરાંય નકારી શકાય નહી તેમ છતાં નિષ્ણાતોનું માનવું છે કે બોર્ડ ગેમ્સ, પુસ્તકો અને શારીરિક પ્રવૃતિઓ માટે બાળકોની રસ રુચિ કેળવવામાં આવેતો ચોકકસ વળગણ ઘટી શકે છે પરંતુ બાળકો પર ધારી અસર નહી થવાનું કારણ કેટલાક વાલીઓ ખૂદ જ સ્માર્ટફોનના વળગણનો ભોગ બનેલા છે. જે મોટેરાઓ એક સમયે ફોનનો વિરોધ કરતા હતા તેમને પણ સ્માર્ટફોનની ટેવ પડી રહી છે. મોબાઇલ સ્ક્રીન ટાઇમ પરિવારના સભ્યોને ઘરમાં હોવાનો અહેસાસ જ થવા દેતો નથી આ સૌથી ખતરનાક સ્થિતિ છે. નિયમોની પાળ માત્ર બાળક માટે જ બાંધવામાં આવે ત્યારે તેનું આંતર મન ધૂંધવાયેલું રહે છે. સંતાનોને મોબાઇલના સ્ક્રીન ટાઇમ માટે ટોકો ત્યારે વાલીઓએ ખૂદ પણ નિયંત્રણ રાખવું જરુરી છે તો જ તેની બાળક પર અસર થશે. બાળકોને વાર્તા કહો અથવા તો તેની સાથે નિદોર્ષ સહજ હરકતોથી રમાડતા રહો અને વ્યસ્ત રાખવા પ્રયાસ કરતા રહેવું જરુરી છે. ભલે સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયો હોય પરંતુ રફ ડિજિટલ લાઇફને બાળકોએ જ નહી સૌએ પોલિશ્ડ કરવાનો સમય પાકી ગયો છે.


Google NewsGoogle News