Get The App

મુસ્લિમ દેશ અઝરબૈજાનની ઇઝરાયેલ સાથેની ભાઇબંધી

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
મુસ્લિમ દેશ અઝરબૈજાનની ઇઝરાયેલ સાથેની ભાઇબંધી 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- 1992માં તુર્કી અને ઇજિપ્ત પછી ઇઝરાયેલ સાથે સંબંધ વિકસિત કરનારો અઝરબૈજાન ત્રીજો મુસ્લિમ દેશ બન્યો હતો. બેન્જામિન નેતન્યાહુ 1997માં અઝરબૈજાનનો વિદેશ પ્રવાસ કરનારા પ્રથમ ઇઝરાયેલી વડાપ્રધાન હતા. ત્યાર પછી બંને દેશો વચ્ચે વેપાર અને સુરક્ષા સહયોગમાં વધારો થતો રહયો છે.

ઇ ઝરાયેલ અને આરબદેશો વચ્ચેના વૈમનસ્ય અને સંઘર્ષનો પેઢીઓ જુનો ઇતિહાસ છે. એક એવી ધાર્મિક,સાંસ્કૃતિક અને ભૂ રાજનીતિક લડાઇ જેમાં યહુદીઓ અને આરબો આમને સામને રહયા છે.  કટ્ટરપંથી ઇસ્લામી જુથો અને આતંકી સંગઠનો વચ્ચેની તિરાડ ઇઝરાયેલની વાત આવે ત્યારે સંધાઇ જાય છે.આરબ જગતના મોટા ભાગના દેશો ઇઝરાયેલથી અંતર રાખે છે અને ધાર્મિક ઇસ્લામી સંગઠનો તો ઇઝરાયેલનું અસ્તિત્વ જ સ્વીકારવા રાજી નથી પરંતુ અઝરબૈજાન એક એવો મુસ્લિમ દેશ જે ઇઝરાયેલ સાથે ભાઇબંધી ધરાવે છે. અઝરબૈજાનના ૯૭.૩ ટકા લોકો મુસ્લિમ ધર્મ પાળે છે જેમાં ૬૦ થી ૬૫ ટકા શિયા અને ૩૫ થી ૪૦ ટકા સૂન્નીઓ છે. ૮૬૬૦૦ વર્ગ કિમી વિસ્તાર ધરાવતા અઝરબૈજાનની કુલ વસ્તી ૧૦.૩૫ કરોડ જેટલી છે જયારે ઇઝરાયેલ વસ્તી અને વિસ્તારની દ્વષ્ટીએ ખૂબ નાનો દેશ છે. 

 સોવિયત સંઘ રશિયાનું વિઘટન થવાની સાથે જ  ૧૮ ઓકટોબર ૧૯૯૧ના રોજ અઝરબૈજાન છુટું પડયું હતું. સોવિયત સંઘથી સ્વતંત્ર થયા પછી અઝરબૈજાનને નવા દેશ તરીકે માન્યતા આપવામાં ઇઝરાયેલ સૌથી આગળ હતું. અઝરબૈજાનમાં આજે પણ ૧૫૦૦૦ જેટલા યહૂદીઓનો સમુદાય હળી મળીને શાંતિથી રહે છે. ૧૯૯૨માં તુર્કી અને ઇજિપ્ત પછી ઇઝરાયેલ સાથે સંબંધ વિકસિત કરનારો ત્રીજો મુસ્લિમ દેશ બન્યો હતો. બેન્જામિન નેતન્યાહુ ૧૯૯૭માં અઝરબૈજાનનો વિદેશ પ્રવાસ કરનારા પ્રથમ ઇઝરાયેલી વડાપ્રધાન હતા. ત્યાર પછી બંને દેશો વચ્ચે વેપાર અને સુરક્ષા સહયોગમાં વધારો થતો રહયો છે.૨૦૧૧માં અઝરબૈજાન ઇઝરાયેલનો પાંચમો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો હતો. અઝરબૈજાન કુદરતી ગેસ અને ક્રુડ ઓઇલનો ભંડાર ધરાવે છે. ઇઝરાયેલ પોતાની કુલ વપરાશનું ૪૦ ટકા ક્રુડ અઝરબૈજાન પાસેથી ખરીદે છે. અઝરબૈજાન ઇઝરાયેલના તમાર ગેસ ક્ષેત્રની ૧૦ ટકા ભાગીદારી ધરાવે છે. ૧૯૯૨ થી ૨૦૧૦ વચ્ચે બંને દેશો વચ્ચેનો વેપાર ૨૮ મિલિયન ડોલર વેપાર હતો જે ૨૦૧૧ થી ૨૦૨૨ સુધીમાં ૮૬૦ મિલિયન ડોલરે પહોંચ્યો હતો. રાસાયણિક ઉત્પાદનોમાં ૪૫૬ ટકા, ઉપકરણોમાં ૨૫૦ ટકા, મશીન પાર્ટસમાં ૧૦૧ ટકા જયારે વિવિધ વસ્તુઓમાં ૧૦ ટકા જેટલી વેપાર વૃધ્ધિ થઇ હતી. ૨૦૨૨માં અઝરબેજાને દુતાવાસ ખોલવાની પણ જાહેરાત કરી હતી. જો કે ઇઝરાયેલે ૧૯૯૩માં પાટનગર બાકૂ ખાતે પોતાનું દુતાવાસ ખોલ્યું હતું.  

ઇરાનની જેમ અઝરબૈજાન શિયા બહુમતિ ધરાવતો દેશ છે.મધ્ય પૂર્વમાં શિયા રાજનીતિ એક મહત્વનું પરિબળ રહી છે જેનું નેતૃત્વ ઇરાન કરે છે પરંતુ અઝરબૈજાન ઇઝરાયેલની સાથે રહે છે. ઇઝરાયેલ વિરોધી હમાસ, હૂથી અને હિજબુલ્લાહ જેવા આતંકી સંગઠનોનું ઇરાન ટેકેદાર અને પોષક રહયું છે પરંતુ અઝરબૈજાન ઇરાન નહી ઇઝરાયેલને જ માને છે. ઓકટોબર ૨૦૨૩માં થયેલા હમાસના આતંકી હુમલાનો બદલો લેવા ઇઝરાયેલ પેલેસ્ટાઇન ખાસ તો ગાજાપટ્ટી વિસ્તાર પર તૂટી પડયું હતું. આતંકી હમાસના કમાંડર્સ, લિડર્સ અને લડવૈયાઓ માર્યા જતા હતા ત્યાં સુધી કોઇને વાંધો ન હતો પરંતુ હજારો નિદોર્ષ બાળકો અને મહિલાઓ ઇઝરાયેલી હુમલાઓનો ભોગ બનતા દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. અમેરિકા સહિત મોટા ભાગના દેશોએ ઇઝરાયેલની ગાજાક્ષેત્રની ક્રુર કાર્યવાહીને વખોડી કાઢી હતી.આરબ જગતમાં તો ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળતી હતી  આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુધ ધરપકડનું વોરન્ટ કાઢયું હતું. આવા સંજોગોમાં પણ અઝરબૈજાનની ઇઝરાયેલ વિરુધની પ્રતિક્રિયા સાવ મોળી હતી. સૌથી નવાઇની વાતતો એ છે 'ટુ સ્ટેટ સોલ્યૂશન'નું ઇઝરાયેલ વિરોધી રહયું છે તેનું અઝરબૈજાન સમર્થન કરે છે. યુધ્ધ વિરામ અને શાંતિ બાબતે યુએનના પ્રસ્તાવોમાં પણ વિશ્વાસ ધરાવે છે તેમ છતાં તે ઇઝરાયેલ સાથે બેલેન્સ સંબંધો ધરાવે છે. ઇઝરાયેલની કડક ટીકા કર્યા વિના પેલેસ્ટાઇનીઓ માટે પણ સહાનુભૂતિ ધરાવે છે.  ૨૦૨૦માં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો કારાબાખ મુદ્વે યુધ્ધ ફાટી નિકળ્યું હતું. કારાબાખ પૂર્વી આર્મેનિયા અને અઝરબૈજાનની દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. સદીઓથી અઝરબૈજાની મુસ્લિમ અને આર્મેનિયન ખ્રિસ્તી પોતાનું ધાર્મિક મહત્વ ધરાવે છે. નાગોર્નો કારાબાખ વિવાદમાં ધર્મ, સાંસ્કૃતિક ઓળખ જેવા પાસા પણ સમાયેલા હોવાથી જીઓ પોલિટિકસ અટપટ્ટુ બન્યું હતું.  નાગોર્નો કારાબાખ વિસ્તારને લઇને આ બંને દેશ વચ્ચેની ફાઇનલ જેવી લડાઇમાં ઇઝરાયેલે અઝરબૈજાનને ડ્રોન ટેકનોલોજી,વાયુ રક્ષા પ્રણાલી,તોપખાનાની સામગ્રી અને ટેંકો સહિતના અબજો ડોલરની સૈન્ય મદદ કરી હતી. ખાસ કરીને ટોહી અને ડ્રોન ટેકનીક અઝરબૈજાનને જાસૂસી સંચાલનમાં ખૂબ કામમાં આવી હતી. એક સમયે સોવિયત સંઘનો ભાગ રહેલા આર્મેનિયાને મદદ કરવામાં ઇરાને કોઇ જ કસર છોડી ન હતી પરંતુ ઇઝરાયેલના મજબૂત ટેકાથી અઝરબૈજાનને વર્ષો પછી સફળતા મળી હતી. ૨૦૨૩ પછી નાગોર્નો કારાબાખના પુર્નનિર્માણ માટે ઇઝરાયેલની કંપનીઓએ રોકાણ કરવામાં પણ રસ લીધો છે.

સાંસ્કૃતિક વિરાસતમાં સમાનતા અને પાડોશી હોવા છતાં ઇરાન અને અઝરબૈજાન વચ્ચેના સંબંધો અટપટ્ટા રહયા છે. અઝેરી એક સમયે પર્શિયન સામ્રાજયનો ભાગ ગણાતા હતા. ઇસ ૧૮૧૩માં પહેલા રુસો -પર્શિયન યુદ્ધ પછી ગુલિસ્તાન સમજૂતી હેઠળ અઝેરી અલગ થઇ ગયા હતા જેઓ પહેલા ઉત્તરભાગમાં રહેતા હતા તેઓ હવે અઝરબૈજાનમાં રહે છે. જે પર્શિયન સામ્રાજયના દક્ષિણ ભાગમાં હતા તે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનમાં રહે છે. તાજેતરમાં એક કરોડ જેટલા અઝેરીઓ અઝરબૈજાન રહે છે જયારે તેના કરતા પણ વધારે લગભગ બમણા અઝેરીઓ ઇરાનમાં વસે છે. એક અનુમાન છે કે અઝેરી ઇરાનની કુલ વસ્તીનો પાંચમો ભાગ ધરાવે છે. અઝેરીઓ પોતાના કૂળ અને ઇતિહાસને લઇને જો જાગૃત થાયતો ઇરાનને પોતાની રાષ્ટ્રીયતાને ખતરો ઉભો થવાનો ડર સતાવતો રહયો છે. 

ઇઝરાયેલ અને અઝરબૈજાનની મૈત્રી ઇરાન વિરોધી ગઠબંધનનો ભાગ હોવાનું નિષ્ણાતો માને છે.  તાજેતરમાં અઝરબૈજાનની સ્ટેટ સિકયોરિટી સર્વિસે એક યહુદી સમુદાયના લિડરની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. આ કાવતરુ ઘડવામાં ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશરી ગોર્ડ કોર્પ્સની મિલીભગત હોવાની શંકા વ્યકત કરવામાં આવતા ઇરાને નારાજગી વ્યકત કરી છે. અઝરબૈજાન અને ઇરાન વચ્ચેના સંબંધો ઇઝરાયેલ સાથેની મિત્રતાને લઇને ખાટા થતા રહે છે. તાજેતરમાં ઇરાનના સુપ્રિમ લિડર આયાતુલ્લા અલી ખોમેનીના ટોચના સલાહકાર અને સ્ટ્રેટેજિક કાઉન્સિલ ફોર ફોરેન રિલેશન્સના અધ્યક્ષ કમાલ ખર્રાજીએ અઝરબેજાનને ઇઝરાયેલની નજીક જવા સામે ચેતવણી આપી હતી. ઇરાન માને છે કે  પોતાના પાડોશી દેશો સાથેની સંવેદનશીલતાનું પણ ધ્યાન રાખવું જરુરી છે. ખાસ કરીને ઇસ્લામિક ઇરાન લાંબા સમયથી અઝરબૈજાન  ઉપર પોતાની જમીનનો ઉપયોગ જાસુસી અને સૈન્ય હિલચાલ માટે થવા દેતો હોવાનો આરોપ મુકતું રહયું છે. 

 ઇરાન પણ અઝરબૈજાની અલગાવવાદીઓને ઉશ્કેરતું રહયું છે. ઇરાન જાણે છે કે અઝરબૈજાનમાં પણ કેટલાક ઇસ્લામિક સંગઠન પેલેસ્ટાઇન જેવા સંવેદનશીલ મુદ્વાને આગળ ધરીને ઇઝરાયેલનો દબાયેલા અવાજમાં વિરોધ કરતા રહે છે. આમ અઝરબૈજાન અને ઇરાન વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલતો રહે છે. અઝરબૈજાન ઇરાનની જેમ પોતાને શિયા મુસ્લિમ ગણરાજય નહી પરંતુ  ધર્મ નિરપેક્ષ માને છે. ઇઝરાયેલ અને અઝરબૈજાનના સંબંધો માટે કોમન દુશ્મન ઇરાનને જવાબદાર ગણે છે પરંતુ એક માત્ર કારણ નથી. અઝરબૈજાન ધાર્મિક અને રાજકીય બાબતે ઇરાનના રસ્તે જવા ઇચ્છતું નથી. શિક્ષણ, સંશોધનો અને અર્થ વ્યવસ્થાના ક્ષેત્રમાં પ્રગતિશીલ રહેવું છે આથી જ તો અઝરબૈજાનની સરકારે ક્ષેત્રિય વિકાસ અને સમૃધ્ધિને કેન્દ્રમાં રાખીને વર્ષોથી એક નવ ઉદારવાદી વિદેશનીતિ અપનાવી છે. મોરકકો,યુએઇ જેવા કેટલાક દેશોએ ઇઝરાયેલ સાથે સંબંધો સુધાર્યા છે પરંતુ અઝરબૈજાન તેમાં સૌથી યથાર્થવાદી રહીને આગળ નિકળ્યું છે. ધાર્મિક,સાંસ્કૃતિક મતભેદો સાથે પણ સહ અસ્તિત્વ રાખી શકાય છે અને પરસ્પર સંબંધો હોય તે જરુરી પણ છે જે બંને દેશોએ સાબીત કર્યુ છે.


Google NewsGoogle News