આકાશી વીજળીનું વધતું જતું રૌદ્ર સ્વરુપ .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
આકાશી વીજળીનું વધતું જતું રૌદ્ર સ્વરુપ                         . 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- છેલ્લા કેટલાક વર્ષોથી વીજળી પડવાની ઘટનાઓ વધતી જાય છે જેના માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણવામાં આવ્યું છે.

આ કાશમાં ઝબુકતી વીજળી અને વાદળોનો ગડગડાટ કેટલાકને રોમાંચિત કરે છે પરંતુ આકાશી વીજળી જમીન પર ઉતરી આવે તો કાળો કેર વરતાવે છે. ઋતુઓ સાથે માનવજાતનો લાખો વર્ષનો નાતો છે. પ્રાચીન સમયમાં આકાશી વીજળી બાબતે અનેક પ્રકારની માન્યતાઓ જોવા મળતી હતી. ખુલ્લા ખેતરમાં કામ કરતા લોકો વજ્રપાત (વીજળી પાત)થી બચવા જમીનમાં ત્રિશુલ ખોડીને રાખતા હતા.  લાંબા સમય પછી વિજ્ઞાનના વિકાસની સાથે સમજાયું કે આ એક પ્રાકૃતિક ઘટના છે. આકાશી વીજળી જમીન પર આવે ત્યારે હજારો વોલ્ટનો કરંટ જમીનમાંથી પસાર થવા માટે કન્ડકટર(માધ્યમ) શોધે છે. ખુલ્લા ખેતરોમાં કોઇ માધ્યમ મળતું ના હોવાથી ખેડૂતો અને મજૂરો ભોગ બનતા રહે છે એટલું જ નહી દુધાળ પશુઓના પણ મોત થતા રહે છે. આકાશી વીજળીનું તાપમાન સૂર્યની ઉપરની સપાટી કરતા પણ વધારે હોય છે. ઘરેલું વીજળી ૨૦૦ થી ૪૦૦ વોલ્ટની હોય છે જયારે આકાશ વીજળીમાં લાખો વોલ્ટ કરંટ હોય છે. દરિયાનું પાણી ગરમીમાં ભેજ બનીને ઉપર જાય છે. આકાશમાં ગયા પછી ઘનીભવનની ક્રિયાથી વાદળો બને છે. વાદળો છવાયેલા હોય ત્યારે તેમાં રહેલા પાણીના ઝીણા બરફ કણો વાયુની ગતિના કારણે સક્રિય થાય છે. આની અસરથી કેટલાક વાદળો પર સ્ટેટિક કરંટ પેદા થાય છે. આ કરંટ કેટલાક વાદળોમાં નેગેટિવ તો કેટલાકમાં પોઝિટિવ ચાર્જ એમ બે પ્રકારનો હોય છે. બંને તરફના ચાર્જ વાદળો એક બીજા સાથે ટકરાય ત્યારે લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે. વાદળોની વચ્ચેથી વીજળીનો તેજપ્રવાહ વહેવા લાગે છે. ચાર્જ વાદળ પૃથ્વીના કોઇ ઉંચા વૃક્ષ કે ઇમારત પરથી પસાર થાય ત્યારે ચાર્જની વિરુધ વિપરિત ચાર્જ પેદા થાય છે જયારે તેની માત્રા વધારે હોય ત્યારે વાદળમાંથી વીજળી ઇમારત કે વૃક્ષ પર વહેવા લાગે છે જેને વીજળી પડી કહેવામાં આવે છે. વીજળી હંમેશા સૌથી ઉંચી જગ્યા ઉપર ટકરાતી હોય છે આથી જ તો શહેરોમાં ઉંચી ઇમારતો અને ધાર્મિક સ્થળોએ લાઇટનિંગ બાર લગાવવામાં આવે છે. લોખંડની આ ધાતુ વીજળીને જમીનની અંદર ઉતારી દે છે. આકાશમાં ગાજવીજ દરમિયાન ઇલેકટ્રિક સપ્લાય પર વિપરીત અસર થતી હોવાથી ઇલેકટ્રોનિક ઉપકરણોના પ્લગ કાઢી નાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. 

તાજેતરમાં ઓડિશાની ફકિર મોહન યુનિવર્સિટીના નેતૃત્વમાં સંશોધકોની એક ટીમે ૧૯૬૭ થી ૨૦૨૦ સુધીમાં ભારતમાં આસમાની વીજળી પડવાની ઘટનાઓમાં ૧૦૧૩૦૯થી વધુ લોકોના મોત થયા હોવાનું સંશોધન કર્યુ છે.  ચોમાસાની ઋતુમાં આકાશી વીજળી લાખો વાર ચમકે છે પરંતુ દર વખતે જમીન પર ઉતરતી નથી. કેટલાકને ગાજવીજ ગમે છે તો કેટલાકને પરસેવો છુટવા લાગે છે. વીજળી પડવાનો કાલ્પનિક ડર પણ હોય છે જેને એસ્ટ્રાફોબિયા કહેવામાં આવે છે. ફોબિયા ધરાવનારા આકાશી વીજળી જોઇને બારી બારણા બંધ કરી છે. ઘરની બહાર નિકળવાનું ટાળે છે. બહાર ગયા હોયતો સલામત સ્થળે ઉભા રહીને પણ ડરતા રહે છે. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આકાશીય વીજળી પડવાથી અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ લોકોના મોત થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વીજળી પડવાની ઘટનાઓ વધતી જાય છે જેના માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણવામાં આવ્યું છે. વૈશ્વિક તાપમાનમાં વૃધ્ધિથી જળબાષ્પ વધારે પેદા થવા લાગી છે. છતિસગઢ રાજયના આકાશીય વીજળી આપદા પ્રબંધન યોજના એક અહેવાલમાં જણાવાયું હતું કે વિશ્વમાં દર વર્ષે વીજળી પડવાથી ૨૪૦૦૦ લોકોના મુત્યુ થાય છે. દર સેકન્ડે ૪૦ વાર એટલે કે દિવસમાં ૩૦ લાખ વાર વીજળી ચમકે છે. આકાશીય વીજળી એકસ -રે કિરણોથી લેસ હોય છે. આકાશીય વીજળીમાં એટલી ઉર્જા હોય છે કે એક વારમાં ૧.૬૦ લાખ બ્રેડના ટુકડા શેકી શકાય છે. ગ્લોબલ વોર્મિગ જો વધતી જશે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં આજની સરખામણીમાં વીજળીની આફત બમણી થઇ ગઇ હશે. વીજળી પડવાનો મોટા ભાગનો સમય બપોર પછીનો હોય છે. માણસના માથા,ગળા અને ખભા પર સૌથી વધારે અસર કરે છે. વીજળીના પ્રકાશની ગતિ વાદળ ગર્જનાના ધ્વની કરતા ખૂબ વધારે છે. આથી જ તો વીજળી પહેલા અને પછી આકાશ ગર્જના સંભળાય છે. જો વીજળી જોયા પછી  ગર્જનાના અવાજ વચ્ચે એક થી પાંચ સુધીની જ ગણતરી થઇ શકતી હોયતો વીજળી તમારા સ્થળથી દોઢ કિમી જેટલી દૂર પડી છે કારણ કે ધ્વનિને ૧ માઇલ (૧.૬ કિમી)નું અંતર કાપતા સેકન્ડ લાગે છે.  વરસાદ ના થતો હોયતો પણ વીજળીથી સુરક્ષિત છો એવું માનવું નહી. વીજળી વરસાદના સેન્ટરથી ૫ કિમી દૂર સુધી પડી શકે છે. આપણને વીજળી પડતી નહી પરંતુ પાછી જતી જ દેખાય છે.

આકાશની વીજળી તમારા ઘરથી ૧૦૦ કિમી દૂર થતી હોયતો પણ જોઇ શકાય છે જયારે અવાજ ૧૮ કિમી સુધીના ઘેરાવા સુધી સંભળાય છે. આકાશમાં ઉડતા વિમાનો પર પણ વીજળી પડે છે પરંતુ વિમાન પર વીજળીની કોઇ જ અસર થતી નથી. વિમાન પરનું ખાસ પડ  વીજળીને ચાર તરફ ફેલાવી દે છે. ઇંધણની ટાંકી પણ વીજળીના ખતરનાક પ્રવાહ સામે સુરક્ષિત રહે છે. આકાશીય વીજળીને લગતા અભ્યાસને ફૂલમિનોલોજી કહેવામાં આવે છે. આકાશીય વીજળી ત્રણ પ્રકારની હોય છે જેમાં (૧) ઇન્ટ્રા કલાઉડ લાઇટનિંગ (૨) ઇન્ટર કલાઉડ લાઇટનિંગ (૩) કલાઉડ ટુ ગ્રાઉન્ડ લાઇટનિંગનો સમાવેશ થાય છે. ત્રીજા પ્રકારની વીજળી પૃથ્વી પર જીવન અને સંપતિને નુકસાન કરે છે. ઇન્ટ્રા કલાઉડ વીજળી હવાઇ જહાજોને નુકસાન કરી શકે છે પરંતુ ૧૯૬૩ પછી અત્યાર સુધી કોઇ જ દુર્ઘટના બની નથી. 

પ્રકૃતિ અને પર્યાવરણમાં આવી રહેલા ફેરફારોથી ઋતુઓ વિષમ બની રહી છે. એક ડિગ્રી તાપમાન વધવાથી લાઇટનિંગ થવાની શકયતા ૧૨ ટકા જેટલી વધે છે. આ એક એવી પ્રાકૃતિક આફત  છે જેના પર સંપૂર્ણ નિયંત્રણ શકય નથી પરંતુ જાગૃતિથી બચાવ થઇ શકે છે. ૧૯૬૭ થી ૨૦૨૦ સુધીમાં ભારતના રાજયોમાં વીજળીથી સરેરાશ મુત્યુદર ૩૭ હતો જે વધીને ૬૧ થયો છે. જમ્મુ કાશ્મીરથી લઇને દાર્જિલિંગ, હિમાલયનો તરાઇ ઇલાકો, પૂર્વી, મધ્ય અને પશ્ચિમ ભારત એમ બધે વીજળી પડવાની ઘટનાઓ બને છે. આધુનિક પ્રણાલીમાં મૌસમ વિભાગ ગાજવીજ અંગે એલર્ટ કરી શકે છે તેમ છતાં જાનહાની જોવા મળે છે. 

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશામાં વીજળી પડવાથી થતો મુત્યુઆંક વધારે હોય છે. ૨૦૨૧-૨૨માં આકાશીય વીજળીથી ૯૬ ટકા ઘટનાઓ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં બની હતી. એમાં પણ ભોગ બનનારા ૭૭ ટકા ખેડૂતો, પશુપાલકો, મજૂર, આદિવાસી અને માછીમારો હતા. પહેલા ખેતરોમાં ઝાડની સંખ્યા વધારે રહેતી અને ખેતરો પણ મોટા હતા. વીજળી ઝાડ પર પડતી અને ઝાડ બળીને પણ ઉર્જા શોષી લેતું હતું. ખેતરમાં રહેતા કામદારો બચી જતા હતા. ખેતરોમાં ઝાડ કપાવાથી જ હવે વીજળીની લપેટમાં ખેડૂતો આવવા લાગ્યા છે. મેઘાલય અન પૂર્વોત્તર અને બીજા કેટલાક પર્વતીય જંગલ વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓથી થતા મોતનું પ્રમાણ ઓછું છે. 

ઓગસ્ટ માસમાં વીજળી પડવાથી ઓડિશામાં ૧૫ લોકોના મોત થયા હતા. ત્યાર પછી રાજય સરકાર દ્વારા આકાશી વીજળીથી વધતી જતી જાનહાનીના પગલે રાજય સરકારે ૭ કરોડ રુપિયાના ખર્ચે ૨૦ લાખ તાડના વૃક્ષો ઉગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારી મંજુરી વિના તાડના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાડના વૃક્ષની અંદર પાણી હોય છે આથી બીજા વૃક્ષોની સરખામણીમાં  શ્રેષ્ઠ વિધૂત કન્ડકટર તરીકે કામ કરે છે. આ નિર્ણય કેટલીક માન્યતાઓ અને અનુભવનો આધારે લેવામાં આવ્યો છે જેના વૈજ્ઞાનિક તથ્યો પર હજુ પણ સ્ટડી ચાલી રહયો છે. કેટલાકની દલીલ છે કે તાડના વૃક્ષને ઉંચા વધતા ૧૮ થી ૨૨ વર્ષનો સમય લાગે છે ત્યાં સુધી આકાશીય વીજળીની દુર્ઘટનાઓનો ભોગ બનતા રહેવું વાજબી નથી. નિષ્ણાતોનું માનવું છે કે આકાશીય વીજળી ચમકતી હોય અને તમારા વાળ ઉભા થવા લાગે કે ત્વચામાં ઝણઝણાટી અનુભવાય તો સમજવું કે આસપાસ કયાંક વીજળી પડી શકે છે. વીજળી પડવાની શકયતા જણાય તો ખુલ્લા વાહનમાં બેસશો નહી કે ચલાવશો નહી. જળાશયમાં રહેવું કે નૌકાવિહાર કરવો જોખમી બને છે. ઝાડ નીચે ઉભા રહેવું ખૂબજ અસલામત ભરેલું છે. રબર સોલવાળા જુતા અને કારના ટાયર વીજળીથી સુરક્ષા આપતા નથી, ટટ્ટાર ઉભા રહેવાના સ્થાને ઘુંટણના બળે કાન બંધ કરીને બેસી રહેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઇ ઉપાય ના હોય અને ખુલ્લામાં રહેવું જ પડે તો સમૂહના સ્થાને છુટા છવાયા રહેવું જરુરી છે. ઇસ ૧૭૫૦માં બેન્જામિન ફ્રેન્કલિને એક પતંગ જેમને ચાવી બાંધીને ગાજવીજ વચ્ચે ઉડાડી હતી. આ પ્રયોગ પરથી જ વીજળીથી બચાવતો લાઇટનિંગ રૉડ શોધાયો હતો. ૨૦૨૧માં સ્વિત્ઝર્લેન્ડના માઉન્ટ સાંતિસની ટોચ પર લેઝરની મદદથી આકાશી વીજળીનો માર્ગ બદલવાનો પ્રયોગ થયો હતો. આનો હેતું વીન્ડફાર્મ, હવાઇઅડ્ડા જેવી જરુરી ઇમારતોને નુકસાન થતું બચાવવાનો હતો.  બે મહિના સુધી ચાલેલા પ્રયોગમાં તીક્ષ્ણ લેઝર કિરણ ૧૦૦૦ પ્રતિ સેકન્ડના દરથી આકાશમાં ફેંકવામાં આવ્યા હતા. સિસ્ટમ ચાલું હતી ત્યારે વીજળીનો કડાકો થયો અને લેઝર કિરણોએ સટિક નિશાન લગાવ્યું હતું. વીજળીના ધસમસતા પ્રવાહને ૧૬૦ ફૂટ જેટલો દૂર ભટકવી શકાયો હતો. આમ કુદરતી વીજળીનો રસ્તો બદલવા માટે લેઝરનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આ પ્રયોગ ૧૦ થી ૧૫ વર્ષ ચાલી શકે છે આવા સંજોગોમાં જાગૃતિ એને સાવચેતી જ ખરો ઉપાય છે. 


Google NewsGoogle News