કુર્દ સમુદાયના લાખો માનવીઓના અધિકારોનો ખુડદો
- મીડ વીક- હસમુખ ગજજર
- કુર્દિસ્તાનની જમીન કોઇ એક દેશ નહી પરંતુ ઇરાક, તુર્કી, ઇરાન અને સીરિયા એમ ૪ દેશોમાં વહેંચાયેલી છે. અલગ દેશ જોઇતો હોવાથી સ્વાયતતા અને આઝાદી માટે લાંબા સમયથી ચળવળ ચલાવે છે.
કુ ર્દિશ એવો વતન વિહોણો સમુદાય જે છેલ્લા ૧૦૦ વર્ષથી પોતાના માટે અલગ કુર્દિસ્તાન ઝંખે છે. આ સમુદાય મધ્ય પૂર્વ એશિયાની અટપટ્ટી ભૂ રાજનીતિનો ભોગ બન્યો છે. કુર્દ સમુદાય એક સમયે પાલતું પશુઓ લઇને મેસોપોટેમિયાના મેદાનો, તુર્કી અને ઇરાનના ઉચ્ચ પ્રદેશોનાં રખડતું ભટકતું જીવન જીવતો હતો. પ્રથમ વિશ્વયુધ્ધ (૧૯૧૪ થી ૧૯૧૯) પછી દેશ પ્રદેશના નવા સીમાડાઓ રચાતા તેમના ઋતુ સ્થળાંતરમાં મોટો અવરોધ ઉભો થયો હતો. છેવટે વિચરતું જીવન છોડીને જે તે વિસ્તારમાં રહેવાનું પસંદ કર્યુ. કુર્દોની કુર્દિસ્તાન ભૂમિ કોઇ એક દેશ નહી પરંતુ મુખ્યત્વે ઇરાક, તુર્કી, સીરિયા અને ઇરાન એમ ૪ દેશોમાં વહેંચાયેલી છે. કુર્દોને અલગ દેશ કુર્દિસ્તાન જોઇએ છે પરંતુ આપવા કોઇ રાજી નથી.આ સમુદાયે સમયાંતરે હથિયારો ઉપાડયા,હિંસા પર ઉતર્યો. શાંતિ સુલેહ અને વાટાઘાટો કરી છતાં પોતાના દેશનું સપનું અધૂરું રહયું છે. કુર્દિશ સંગઠનો હિંસા કરે છે તેને પોતાના અસ્તિત્વ અને સન્માનની લડાઇ સમજે છે. સ્વાયતતા અને આઝાદીની વાત આવે ત્યારે તુર્કી, ઇરાક, ઇરાન અને સીરિયા દેશની સરકારો સાથે સંબંધો વણસી જાય છે. જયારે પણ કુર્દિસ્તાનના નામે અલગાવવાદી પ્રવૃતિઓ માથુ ઉચકે ત્યારે જે તે દેશની સરકારો સખત હાથે ડામી દે છે. તુર્કી કુર્દો સાથે અત્યંત અમાનવીય વ્યહવાર માટે જાણીતું છે.
તુર્કી, સીરિયા અને ઇરાનની સરખામણીમાં ઇરાકમાં કુર્દિશ સમુદાયની સ્થિતિ પ્રમાણમાં સારી છે. ઇરાકના કુર્દિસ્તાનમાં ૫૩ લાખ જેટલા કુર્દિશ રહે છે.૧૯૯૨માં પ્રથમવાર ઇરાકમાં રહેતા કુર્દોના કુર્દિસ્તાનની સ્થાનિક સરકાર બની હતી. કુર્દ વિસ્તારમાં અર્ધ સ્વાયત પ્રકારની સંસદ કાર્યરત છે. કુર્દિસ્તાનની કુર્દ સેના જેને પેશમર્ગા કહેવામાં આવે છે. પેશમર્ગા ૧ લાખથી વધુ સૈનિકોનું રાષ્ટ્રીય દળ છે જે ઇરાકી કુર્દિસ્તાનનું રક્ષણ કરે છે જેમાં મહિલા લડવૈયાઓ પણ સામેલ છે. પેશમર્ગા ઇસ્લામિક સ્ટેટ સાથે લડવામાં પાવરધા હોવાથી હંમેશા લાઇમલાઇટમાં રહયા છે. બગદાદથી ૩૫૦ કિમી દૂર ઇરાકી કુર્દિસ્તાનની રાજધાની અરબીલ (હોબલર) ઉત્તર ઇરાકનું ૧૪.૫૦ લાખની વસ્તી ધરાવતું સૌથી મોટું શહેર છે. કુર્દિસ્તાનને ઇરાકીઓ અધિકૃત ઇરાન જ સમજે છે તેમ છતાં કેટલીક બાબતો એવી છે જેમાં કુર્દ લોકોનું શાસન ચાલે છે. કુર્દિસ્તાન માટેના જનમત સંગ્રહનો ઇરાન અને તુર્કીમાં હંમેશા વિરોધ થતો રહે છે. સીઆઇએની ફેકટબુક અનુસાર ઉત્તર પૂર્વી સીરિયામાં ૧૦ ટકા, દક્ષિણ પૂર્વી તુર્કીંમાં ૧૯ ટકા, ઉત્તરી ઇરાકમાં ૧૫ થી ૨૦ ટકા અને ઇરાનમાં ૧૦ ટકા જેટલી કુર્દ વસ્તી છે. પશ્ચિમી દેશો માને છે કે જો જનમત સંગ્રહના આધાર નિર્ણય કરવામાં આવેતો મધ્ય પૂર્વની પરિસ્થિતિ વધારે ગંભીર બનવાનો ખતરો રહેલો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કુર્દિશ લોકોમાં ફરી અલગ દેશની ભાવના વધુ પ્રબળ બની રહી છે. કુર્દ સમુદાયમાં મોટા ભાગના સુન્ની મુસ્લિમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમુદાયમાં કેટલાક બીજા ધર્મને માનવાવાળા પણ છે. આ સમુદાય એક નસ્લ, સંસ્કૃતિ અને ભાષાના આધારે એક થઇ રહયો છે.
ઇતિહાસમાં દ્વષ્ટ્રીપાત કરીએ તો પ્રથમ વિશ્વયુધ્ધમાં ઓટોમન સામ્રાજયની હાર પછી વિજેતા પશ્ચિમ દેશોએ સંધી કરીને કુર્દો માટે અલગ દેશ તૈયાર કરવાની વાત કરી હતી.૧૯૨૩માં તુર્કીના નેતા મુસ્તફા કમાલ પાશાએ સંધીને ફગાવી દીધી હતી. ૩ નવેમ્બર ૧૯૧૮ ઇરાકના મોસુલમાં કુર્દ પ્રાંતમાં ક્રુડ તેલની શોધ સાથે જ બ્રિટિશ સેનાએ આ ક્ષેત્ર પર કબ્જો કર્યો હતો. ૧૦ ઓગસ્ટ ૧૯૨૦માં સેવ્રેસ સંધીએ ઓટોમન સામ્રાજયના વિઘટનની રેખા પ્રસ્તુત કરી હતી. આ સંધીમાં તુર્કીએ એશિયા અને ઉત્તરી આફ્રિકાને લગતા કેટલાક ક્ષેત્રો પર પોતાના અધિકારો છોડી દીધા હતા. આ ઉપરાંત સ્વાયત કુર્દિસ્તાન સહિત નવા સ્વતંત્ર રાજયોને માન્યતા આપવાની પણ વાત હતી. ૨૪ જુલાઇ ૧૯૨૩માં તુર્કી મિત્ર રાષ્ટ્રો અને ભૂતપૂર્વ ઓટોમન સામ્રાજયના લૌસાનેની સંધી પર હસ્તાક્ષર કર્યા જેમાં તુર્કીએ એક સ્વાયત તુર્કી કુર્દિસ્તાનની માંગ છોડી દીધી હતી. આ સાથે જ કુર્દ ક્ષેત્ર એક કરતા વધુ દેશોમાં વિભાજીત થઇ ગયું હતું. ઇરાક અને ઇરાન પર દ્રષ્ટીપાત કરીએ તો ૧૯૨૩માં ઇરાક પૂર્વ કુર્દ ગર્વનર શેખ મહેમૂદ બરજિનજીએ ઉત્તરી ઇરાકના સુલેમાનિયામાં કુર્દ રાજયની ઘોષણા કરીને બ્રિટિશ શાસન વિરુધ વિદ્રોહ કર્યો હતો.૧૯૨૪માં બ્રિટિશ સેનાએ સુલેમાનિયાએ પર ફરીથી કબ્જો કર્યો હતો.
જાન્યુઆરી ૧૯૪૬માં ઇરાનમાં મહાબાદને સોવિયત સંઘના સમર્થનથી એક કુર્દ રાજય તરીકે સ્થાપિત કરવા પ્રયાસ થયો જો કે સોવિયત સંઘે એ જ વર્ષે પોતાની સેના પાછી ખેંચી લેતા બહાબાદ ગણ રાજયનું પતન થયું હતું. ૧૬ ઓગસ્ટ ૧૯૪૬માં ઇરાકની કુર્દ ડેમોક્રેટિક પાર્ટી (કેડીપી)ની સ્થાપના થઇ હતી. ૧૯૫૮માં નવા બંધારણીય સંશોધન અંર્તગત અરબ અને કુર્દોને માતૃભૂમિના એક સરખા ભાગીદાર ગણવામાં આવ્યા હતા.૧૯૬૧માં ઇરાકમાં કુર્દોની પાર્ટી કેડીપીને વાંકું પડતા ઉત્તરી ઇરાકમાં વિદ્રોહ શરુ કર્યો હતો.તત્કાલિન ઇરાની સરકારે કેડીપીની માન્યતા રદ્ કરી દીધી હતી. માર્ચ ૧૯૭૦માં ઇરાકી સરકાર અને કુર્દો વચ્ચે સ્વાયત્તા અંગે એક શાંતિ સમજૂતી થઇ જે અંર્તગત ઇરાકી લોકો અરબ રાષ્ટ્રીયતા અને કુર્દ રાષ્ટ્રીયતા એમ બે રાષ્ટ્ીયતાથી બનેલા છે એવું બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. કુર્દ ડેમોક્રેટિક પાર્ટી (કેડીપી)ની સામે નેતા જલાલ તાલાબાનીએ પેટ્રિયટિક યુનિયન ઓફ કુર્દિસ્તાન (પીયુકે)ની સ્થાપના કરી હતી. ઇરાકી સરકાર વિરુધ પીયુકેએ સશસ્ત્ર લડાઇ શરુ કરી જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. એક સમયે કુર્દિશ પાર્ટીઓ કેડીપી અને પીયુકે પણ આમને સામને આવી હતી. ઇરાકમાં સદ્દામ હુસેનનો કાર્યકાળ કુર્દો માટે કાળ સાબીત થયો હતો. ૧૯૮૮માં ઇરાકે કુર્દોના વિરોધને દબાવવા માટે ઓપરેશન અનફાબ ચલાવ્યું જે દરમિયાન કુર્દ નાગરિકો પર મોટી સંખ્યામાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે. ઇરાકી સેનાએ કથિત કુર્દિસ્તાનના ૪૦૦૦થી વધુ ગામોનો નાશ કર્યો જેમાં ૧ લાખ કુર્દ માર્યા ગયા હતા.૧૯૯૦-૯૧માં સદામ હુસેને કુવૈત પર આક્રમણ કરતા ખાડી યુધ્ધ શરુ થયું હતું. ઇરાકમાંથી કુર્દોનું સામુહિક પલાયન શરુ થતા ૧૦ લાખ કરતા વધુ કુર્દ તુર્કી અને ઇરાન ભાગી ગયા હતા. ૨૮ ફેબુ્રઆરી ૧૯૯૧માં સદ્દામ હુસેન યુધ્ધવિરામ પર સહમતિ દર્શાવતા યુધ્ધ પુરુ થયું હતું. ઇરાકી સેનાએ ૧૯૯૧માં ઇરાકનું કુર્દિસ્તાન છોડી દીધું હતું છતાં બે કુર્દ પાર્ટીઓ ઉત્તરમાં કેડીપી ઉત્તર અને દક્ષિણમાં પીયુકે સ્વતંત્રતાની જાહેરાત કરાવી શકી ન હતી.
પાડોશી દેશ તુર્કીની વાત કરીએ તો ૧૯૭૮માં અલગ કુર્દિસ્તાનની માંગણી સાથે અબ્દુલ્લાહ ઓકલાનએ પીકેકે સંગઠનની સ્થાપના કરી હતી. શુરુઆતમાં દક્ષિણ પૂર્વના ગ્રામીણ વિસ્તારો સુધી સીમિત રહેલા હિંસક આંદોલનની લપેટમાં શહેરી વિસ્તારો પણ આવી ગયા. પીકેકેએ ઇરાક અને તુર્કીમાં પણ પગદંડો જમાવ્યો હતો. તુર્કી ઇરાક અને સીરિયાના કુર્દિસ્તાન ઉગ્રવાદ વિસ્તારમાં હસ્તક્ષેપ કરીને કાર્યવાહી કરી હતી. તુર્કીનું દબાણ વધવાથી અબ્દુલ્લાહ ઓકલાન વિદેશ ભાગી ગયો હતો. ઓકલાનને તુર્કીના અધિકારીઓએ કેન્યાથી જીવતો પકડીને જેલમાં નાખ્યો હતો. ૧૯૯૯માં તુર્કીની એક અદાલતે મુત્યુદંડની સજા ફરમાવી હતી ત્યાર બાદ ઓકટોબર ૨૦૦૨માં સજા આજીવન કેદમાં ફેરવી નાખી હતી. સીરિયામાં ગૃહયુધ્ધ ફાટી નિકળ્યું ત્યારે કુર્દિશોના સીરિયન ડેમોક્રેટિક ફોર્સ (સીડીએફ) એ ઇસ્લામિક સ્ટેટ વિરુધ અમેરિકાનું સહયોગી હતું. ૨૦૧૩ની મધ્યમાં ઇસ્લામિક સ્ટેટે ઉત્તરી સીરિયાના સીમા વિસ્તારોમાં કુર્દિશ સ્થળોને ટાર્ગેટ કરવા માંડયા હતા. તુર્કીએ સીરિયા સાથેની સરહદે કુર્દિશોના રક્ષણ માટે જેહાદીઓ વિરુધ કોઇ જ પગલા ભર્યા નહી. પોતાની હદમાં રહેલા કુર્દને સીમા પાર જઇને લડવાની અનુમતી પણ આપી નહી. છેવટે કુર્દોએ પણ પીપલ્સ પ્રોટેકશન યુનિટ હેઠળ હથિયારો ઉપાડીને ઇસ્લામિક સ્ટેટનો રંજાળનો સામનો કર્યો હતો. કુર્દિશ દળોએ ખૂબ મહેનત પછી કોેબાના શહેર પર ફરી કબ્જો કર્યો હતો. ઇરાક હોય કે સીરિયા, તુર્કી કે ઇરાન જ નહી કુર્દ સમુદાયના નેતાઓ, સંગઠનકારો પણ કુર્દિસ્તાનની માંગણીના નામે રાજનીતિ રમતા રહયા છે.૪ જેટલા દેશો વચ્ચે સેન્ડવીચ બનીની રહી ગયેલા કુર્દોના માનવીય અધિકારોનો ખુડદો જ બોલાતો રહયો છે.નિદોર્ષ લોકોની જીંદગીઓ હોમાતી રહે છે. ખાસ તો
ંમહિલાઓ અને બાળકો ધર્માંધતા અને જેહાદની લડાઇનો ભોગ બનતા રહે છે. સામાન્ય કુર્દો સાથે અમાનવીય વર્તન અને અત્યાચારો થતા રહે છે તે અટકવા જરુરી છે.