HUMAN STAMPEDE : નબળી વ્યવસ્થા, અશિસ્ત અને ઉન્માદમાં હોમાતી જીંદગીઓ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
HUMAN STAMPEDE : નબળી વ્યવસ્થા, અશિસ્ત અને ઉન્માદમાં હોમાતી જીંદગીઓ 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- વિશ્વમાં ભાગદોડ અને ક્રાઉડ ક્રશની ઘટનાઓ વધી રહી છે. એક માહિતી મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં  ૪૫૦૦ થી વધુના મોત થયા છે. ભારતમાં આને લગતા બનાવો મોટે ભાગે ધાર્મિક કાર્યક્રમો સાથે સંકળાયેલા હોય છે

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના ફૂલરાઇ ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ મચી જવાથી ૧૨૩ લોકોના મુત્યુ થવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ ગમખ્વાર બનવાની સમગ્ર દુનિયાએ નોંધ લીધી છે. માર્ગ અક્સ્માતથી વિશ્વમાં ૧૦ લાખથી વધુના મોત થાય છે પરંતુ જેને અંગ્રેજીમાં સ્ટેમ્પેડ (ધક્કામુક્કી) કે ક્રાઉડ ક્રશ કહેવામાં આવે છે તેમાં નબળી વ્યવસ્થા, ગેરશિસ્ત અને ઉન્માદ જવાબદાર હોય છે. સ્થળ અને સંજોગો પ્રમાણે ધક્કામુક્કીના કારણો પણ જુદા જુદા હોય છે.  સામાન્ય રીતે ભીડ એકત્ર થઇ હોય ત્યારે એક પ્રચંડ ધક્કો વાગે ત્યારે નીચે પડી જતા માણસો ઉભા થઇ શકતા નથી. ભીડ તેમના શરીર પરથી પસાર થતી રહે ત્યારે કરુણાંતિકા સર્જાય છે. ભીડ વ્યવસ્થાપનનો અભાવ હોય ત્યારે માનવ સમૂહ અનિયંત્રિત થઇ જાય છે. લાખો કીડીઓ એક સાથે શિસ્તમાં ચાલી શકે છે જે માનવીઓની જેમ કયારેય અથડાઇને મરતી નથી.

 નિષ્ણાતોનું માનવું છે કે સ્ટેમ્પેડનો ભોગ બનેલાના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા મોટા ભાગના મુત્યુ એસ્ફિકિસયાથી થયા હોવાનું બહાર આવે છે. ભાગદોડ કે ધક્કામુક્કી થાય છે ત્યારે છાતી અને પેટ દબાઇ જાય છે. આવા સંજોગોમાં શ્વાસ લેવા માટે ફેંફસાને પૂરતી મદદ મળતી નથી. ગભરામણ અને ભાગદોડના લીધે મુત્યુની શકયતા વધી જાય છે. એસ્ફિકિસયાનો અર્થ  દમ (શ્વાસ) ઘુંટાવો કે ગુંગડામણ થાય છે. જયારે નોર્મલી શ્વાસ લેવામાં આવે છે ત્યારે ફેંફસાને ઓકસીજન મળતો રહે છે. લોહીમાં ઓકસીજન હોય ત્યારે સેલ્સ તેનો ઉપયોગ એનર્જી બનાવવામાં કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય ત્યારે કાર્બન ડાયોકસાઇડ બહાર નિકળી શકતો નથી. બોડીનું ઓકસીજન લેવલ ઘટવાથી એનર્જી પણ ધીમે ધીમે ખૂટવા લાગે છે. બોડીને લાંબા સમય સુધી ઓકસીજન મળે નહી ત્યારે બ્રેન ડેડ થાય છે. દમ ઘુંટવા ઉપરાંત ભાગદોડમાં કચડાઇ જવાથી પણ મોત થાય છે. અવયવોની ઇજ્જા ખાસ તો છાતી, માથા અને ગરદનની ઇજ્જા મુખ્ય હોય છે.અસ્થિભંગ અને માંસપેશીઓનું ખેંચાણ ઇજ્જા પાંમેલામાં વધારે જોવા મળે છે. ધક્કામુક્કીમાં ચારે બાજુથી ફોર્સ આવે ત્યારે ગુસ્સો અને ગભરાટ વધી જાય છે. લોકો બેરિયર કે વોલ તોડીને મુશ્કેલીમાંથી બહાર આવવા મથે છે. 

એક માહિતી મુજબ વિશ્વમાં ભાગદોડ અને ક્રાઉડ ક્રશની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં  ૪૫૦૦ થી વધુના મોત થયા છે. ભારતમાં સ્ટેમ્પેડને લગતા બનાવો મોટે ભાગે ધાર્મિક કાર્યક્રમો સાથે સંકળાયેલા હોય છે. ૩ ઓગસ્ટ ૨૦૦૮માં હિમાચલપ્રદેશમાં નૈનાદેવી ટેમ્પલ ખાતે ભાગદોડના લીધે લેન્ડસ્લાઇડ થવાથી ૧૬૨ના મુત્યુ થયા હતા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ મહેરાનગઢ ફોર્ટ ચામુંડા દેવી મંદિરમાં બોંબની અફવા પછી થયેલી ભાગદોડમાં ૨૨૪ લોકો મોતને ભેટયા હતા. ૪ માર્ચ ૨૦૧૦માં ઉત્તરપ્રદેશના કુંડામાં જાન્કી ટેમ્પલ ખાતે ૭૧ લોકોના ધક્કામુક્કીમાં મરણ થયા હતા. ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ઝારખંડના દેવધર ખાતે વૈધનાથ મંદિરમાં ભાગદોડ થવાથી ૧૧ લોકોના મોત થયા હતા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૧માં કેરલના શબરીમાલામાં ભાગદોડ ૧૦૨ લોકોને ભરખી ગઇ હતી. ૧૩ ઓકટોબર ૨૦૧૩ના રોજ મધ્યપ્રદેશના રત્નાગઢ ખાતે માતા મંદિરમાં ૧૧૫ લોકોના મુત્યુ થયા હતા. ૧૭ જાન્યુઆરી ૨૦૧૪માં મુંબઇમાં દાઉદી વોહરાના આધ્યાત્મિક નેતા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના માલાબાર હિલ નિવાસ પાસે ભાગદોડ મચી જતા ૧૮ના મોત થયા હતા. ગેટ ખુલ્યા પછી અંતિમ શ્રધ્ધાંજલી માટે લોકોની ભીડ એકત્ર થઇ હતી. ૧૪ જુલાઇ ૨૦૧૫માં રાજમુંદ્રી ખાતે ગોદાવરી મહા પુસ્કરલુના પ્રથમ દિવસે ૨૯ માનવ જીંદગીઓ સમાઇ ગઇ હતી. ૧૫ ઓકટોબર ૨૦૧૬માં વારાણસી -રાજઘાટ બ્રિજ તુટવાની અફવા ફેલાતા નાસભાગ મચી જેમાં ૨૪ના મોત થયા હતા.૧ જાન્યુઆરી ૨૦૨૨માં જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી ટેમ્પલમાં દર્શનાથીઓનો ભારે ધસારો થતા ૧૨ના મોત થયા હતા. 

યુનાઇટેડ નેશન ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડકશન (યુએનડીઆરઆર) નું માનવું છે કે  નાસભાગ એક પ્રકારના કથિત ભયના લીધે થતી અત્યંત ખતરનાક ઘટના છે. ઘણીવાર ટોળામાંથી વ્યવસ્થિત દોરવણી કરીને માહોલ બગાડવામાં આવે છે. પરિણામ સ્વરુપ સ્વરક્ષણ માટે જે અતાર્કિક હિલચાલ શરુ થાય છે જે ઇજ્જાઓ અને જાનહાની તરફ દોરી જાય છે. વધતી જતી વસ્તી સામે વધતા જતા માનવ મેળાવડાઓ પણ આવી ઘટનાના પોષક બન્યા છે.

સામુહિક એકત્રિકરણના જે પ્રકારે આયોજન થાય છે તેમાં સંસાધનોની તાણ હોય છે. જો કે આવી ઘટનાઓ લો અને મીડલ આવક ધરાવતા દેશો જ નહી વિકસિત દેશોમાં પણ બને છે. વિશ્વમાં ૧૯૮૦ થી ૨૦૦૭ સુધીમાં ૨૧૫ જેટલી નાસભાગની મુખ્ય ઘટનાઓ બની હતી જેમાં ૭૦૬૯ લોકોના મોત અને ૧૪૦૭૮ ઘાયલ થયા હતા. ૧૯૮૦ થી ૨૦૧૨ સુધીમાં ભાગદોડના ૩૦૦ થી વધુ બનાવો બન્યા જેમાં ૧૦૨૪૩ લોકોના મોત અને ૨૨૪૪૫ ઘાયલ થયા હતા. ૨૦૧૨ થી ૨૦૨૪ સુધીમાં ૪૫૫૯ લોકો ધક્કામુક્કીનો ભોગ બન્યા છે. મૃતકોમાં મહિલાઓ,બાળકો અને વૃધ્ધોની સંખ્યા વધારે જોવા મળે છે.  મોટા ભાગની ભાગદોડ ધાર્મિક ઉપરાંત સ્પોર્ટસ,ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ દરમિયાન બને છે. ઇમરજન્સી એકઝિટ કલીયર હોતું નથી. સલામત એકઝિટ હોયતો પણ લોકોને કશીજ ખબર હોતી નથી. વિશેષ પરિસ્થિતિમાં મુંઝવણ ઉભી થાય ત્યારે કયાંયથી મદદ કે માર્ગદર્શન મળતા નથી. લોકો મરણીયો પ્રયાસ કરીને જોખમી રીતે પડવા માંડે ત્યારે અટકાવવા કે બચાવવા કોઇ જ વ્યવસ્થા હોતી નથી. કાર્યક્રમ સ્થળનું હંગામી માળખું (ટેમ્પરરી સ્ટ્રકચર) ઝડપથી ધરાશયી થઇ જતું હોય છે. પ્રવેશવાનો માર્ગ ઝાકઝમાળથી ભરેલો વિશાળ હોય છે તેની સરખામણીમાં નિકળવાનો માર્ગ સાંકળો હોય છે. ત્રાસવાદી હુમલા, વિસ્ફોટની અફવાઓ, ફટકાડાનો અવાજ અને ઇલેકટ્રીક શોટ સર્કિટ ભાગદોડનું કારણ બને છે. સેલિબ્રેટીના ઓટોગ્રાફ અને ફોટો માટે પણ નાસભાગ થતી હોય છે. ઓવર સેલિંગ ટિકિટ, લેક ઓફ  કોર્ડિનેશન વીથ ઓથોરિટી,  ઓવર કેપેસિટી, પુવર ક્રાઉડ કંટ્રોલ અને ક્રાઉડની સાઇઝને સમજવામાં થતી ભૂલ મોટી હોનારત સર્જે છે. 

કેટલીક આંતરરાષ્ટ્રીય ઘટનાઓની વાત કરીએ તો ૧ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ આઇવરી કોસ્ટ (હાથી દાંતના કિનારા) ટાપુ પર નવાવર્ષ ૨૦૧૩ની પૂર્વ સંધ્યાએ ફટાકડા કાર્યક્રમ પછી નાસભાગ મચી જેમાં ૬૦ લોકોના મોત થયા હતા જેમાં મોટા ભાગના યુવા હતા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ સાઉદી અરબમાં મક્કા નજીક વાર્ષિક હજયાત્રા દરમિયાન પથ્થરમારાની વિધિ દરમિયાન નાસભાગ મચી જતા ૨૪૦૦ લોકોના મોત થયા હતા. હજના ઇતિહાસમાં અને વિશ્વમાં નાસભાગથી થયેલા મોતની સૌથી મોટી ઘટના હતી. ૨ ઓકટોબર ૨૦૧૬ના રોજ ઇથોપિયાની રાજધાની આદિસઅબાબાથી ૫૦ કિમી દૂર દક્ષિણ પૂર્વમાં ઓરોમો ઇરીયા ઉત્સવ દરમિયાન ૫૨ના મુત્યુ થયા હતા. ભીડને નિયંત્રણમાં રાખવા પોલીસે બળપ્રયોગ કરતા થયેલી અથડામણ આ ઘટના માટે જવાબદાર હતી. ૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ઇરાની જનરલ કાસેમ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમિયાન ઇરાનના દક્ષિણ પૂર્વમાં કર્માન ખાતે ધક્કામુક્કી ૫૬ લોકોને ભરખી ગઇ હતી. ૨૧ માર્ચ ૨૦૨૧ના રોજ તાંઝાનિયામાં દારેસલામના એક સ્ટેડિયમમાં નાસભાગની ઘટનાથી ૪૫ લોકોના મોત થયા હતા. સ્ટેડિયમમાં સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ જોન મગુફૂલીને શ્રધ્ધાંજલી આપવા લોકો એકઠા થયા હતા. ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ ઇઝરાયેલના ઉત્તર ભાગમાં માઉન્ટ મેરોન ખાતે એક ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં ૪૫ લોકોના મોત થયા હતા. ૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ અમેરિકાના હ્વસ્ટન ખાતે એસ્ટ્રોવર્ડ ફેસ્ટિવલ દરમિયાન ક્રાઉડ ક્રશમાં ૧૦ લોકોના મુત્યુ થયા હતા. ૨૯ ઓકટોબર-૨૦૨૨ની રાત્રે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના એક જિલ્લાની સાંકળી શેરીઓમાં હજારો યુવાઓમો મોજમસ્તી સાથે હેલોવીન ફેસ્ટિવલની ઉજવણી કરવા આવ્યા હતા. હેલોવીન ઇવેન્ટ દરમિયાન ભાગદોડ થતા ૧૫૯ લોકોના મોત થયા હતા.૧ ઓકટોબર ૨૦૨૨ ઇન્ડોનેશિયા જાવા ટાપુની પૂર્વમાં મલંગ ખાતે એક ફૂટબોલ મેચ રમાયા પછી ભાગદોડ થતા ૧૩૫ લોકોના મુત્યુ થયા હતા. આ ઘટના માટે ફૂટબોલ સમર્થકોને ટીયર ગેસથી ભગાડવાનો પોલીસ પ્રયાસ જવાબદાર હતો. ૧૯ એપ્રિલ-૨૦૨૩ની રાત્રીએ યમનના સના ખાતે ઇરાન દ્વારા સમર્થિત હૂતી વિદ્વોહીઓના ચેરિટી કાર્યક્રમમાં નાસભાગ થતા ૮૫ લોકો કચડાઇ ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક ઘટનાઓ પરથી ફલિત થાય છે કે જયાં નબળી વ્યવસ્થા, ગેર શિસ્ત અને ઉન્માદ હોય ત્યાં માનવ જીંદગીઓ હોમાતી રહે છે. 


Google NewsGoogle News