Get The App

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેરના વાવેતર કેમ થયાં?

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વેરના વાવેતર કેમ થયાં? 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- બ્રિટિશ ઇન્ડિયામાં જયારે પાકિસ્તાનનું અસ્તિત્વ ન હતું ત્યારે ઉત્તર પશ્ચિમી ભાગ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે 1893માં અફઘાનિસ્તાન અને બ્રિટિશ ભારત વચ્ચે 2640 કિમી લાંબી સરહદ ખેંચી હતી આ ડુરન્ડ લાઇનને અફઘાનિસ્તાન આજે પણ સ્વીકારતું નથી.

પા કિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન લડવૈયાઓ વચ્ચે ૨૬૪૦ કિમી લાંબી ડુરાન્ડ સરહદે ચકમક ઝરવા લાગી રહે છે. ખાસ કરીને મીર અલી સરહદ નજીક તાલિબાન અને પાકિસ્તાનના સૈનિકો આમને સામને જોવા મળે છે. તાલિબાનોએ ૧૫ ડિસેમ્બર ૨૦૨૧માં અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારને ઉથલાવી ત્યારે દુનિયામાં પાકિસ્તાન જ એક માત્ર ખૂશ હતું. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન ઇમરાનખાને અફઘાનિસ્તાન ગુલામીની બેડીઓમાંથી આઝાદ થયું હોવાની પ્રતિકિયા આપી હતી. તાલિબાનના અનેક નેતાઓ પાકિસ્તાનની ઇસ્લામી ધાર્મિક સ્કૂલોમાં રહેલા છે. દારુલ ઉલૂમ હક્કાનિયા જેવી ધાર્મિક સંસ્થાઓમાં તાલિબાન આંદોલનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઉમર પણ ભણ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનને કથપુતળીની જેમ નચાવી શકાશે એવી પાકિસ્તાની હુકમરાનોની ધારણા ખોટી પડી રહી છે. ગત ૨૧ ડિસેમ્બરે દક્ષિણ વજીરિસ્તાનમાં તાલિબાનના સમર્થક 'તહરિકે તાલિબાન પાકિસ્તાન' (ટીટીપી)એ હુમલો કરીને પાકિસ્તાનના ૧૬ સૈનિકો મારી નાખ્યા હતા. પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને જુદી જુદી આઠ જગ્યાએ એર સ્ટ્રાઇક કરી હતી. ૨૪ ડિસેમ્બરની રાત્રીએ પકતીકાના બરમલ જિલ્લામાં થયેલા હવાઇ હુમલામાં ૪૬ લોકોના મોત થતા કાબુલમાં લોકો વિરોધ પ્રદર્શન માટે રોડ પર ઉતરી આવ્યા હતા. જવાબી કાર્યવાહીમાં તાલિબાને પાકિસ્તાનના ખૈબર પખ્તતુનખ્વના બાજોરના સાલારજઇ ક્ષેત્રમાં પાક સૈન્યનું થાણું હોવા છતાં ૨૯ ડિસેમ્બરના રોજ  બે સુરક્ષા ચોકીઓ પર કબ્જો કર્યો હતો. પાકિસ્તાનની ચોકીઓ પર તાલિબાની ઝંડો ફરકતો હોવાનો વાયરલ વીડિયો પોતાને શકિતશાળી માનતી પાકિસ્તાન આર્મી માટે શરમજનક હતું.આર્થિક સંકટ, રાજકીય અસ્થિરતા અને આતંકી હુમલાઓથી ઘેરાયેલી પાકિસ્તાનની શાહબાઝ સરકારે અફઘાનિસ્તાન સરહદે વધુ કડક કાર્યવાહીની ધમકી આપી છે તે જોતા આગામી સમયમાં ડુરાન્ડ લાઇન પર બંને દેશો વચ્ચે મોટો ભડકો થાય તો નવાઇ નહી. 

જો કે પાકિસ્તાન જાણે છે કે તાલિબાન સૈનિકો પાસે ભલે અતિ આધુનિક હથિયારો ના હોય પરંતુ લડવૈયા જરુર છે. તેઓ છુપાઇને છેતરીને હુમલા કરવામાં પાવરધા છે આથી જ તો પેશાવર અને કવેટામાં સેના એલર્ટ પર રાખી છે. આતંકવાદ મુદ્વે પાકિસ્તાનની બેવડી નીતિ અને અંગ્રેજોએ દોરેલી ખામી ભરેલી ડુરાન્ડ લાઇનથી અફઘાન સરહદે વેરના વાવેતર થયા છે. ૧૯૮૦ના દાયકામાં સોવિયત સંઘે અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો ત્યારે બંને દેશોની સરહદો લગભગ રેઢા ખેતર જેવી ખુલ્લી રહેતી હતી. શીતયુધ્ધના આ સમયગાળામાં અમેરિકાએ સોવિયત સંઘને અફઘાનિસ્તાનમાંથી ખદેડવા 'ઇસ્લામ ખતરે મે હૈ'ના નામે કટ્ટરપંથી ગુ્રપોને પ્રોત્સાહન આપ્યું હતું. અમેરિકાના સહયોગી પાકિસ્તાને ઘર આંગણે અનેક મદરેસાઓ ખોલીને તાલિબાન તૈયાર કરીને સરહદ પાર મોકલવા માંડયા હતા.૧૯૮૯માં સોવિયત સંઘનું સૈન્ય  અફઘાનિસ્તાનમાંથી ખસી ગયું પરંતુ કટ્ટરવાદ અને આતંકવાદના મૂળિયા નંખાયા તેનો ફાલ સતત આવતો રહે છે. અફઘાનિસ્તાનમાં પ્રથમવાર તાલિબાનોએ ધર્મ આધારિત શાસન ચલાવ્યું ત્યારે પાકિસ્તાન તેમના સમર્થનમાં હતું. આતંકવાદ અને કટ્ટરપંથના ખાતમાના નામે પાકિસ્તાને અમેરિકા પાસેથી ખૂબ આર્થિક મદદ મેળવી પરંતુ કટ્ટરપંથીઓને નાબૂદ કરવાના સ્થાને ઉછેરતું રહયું હતું. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વિખ્યાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાની ઘટનામાં તાલિબાન સમર્થિત આતંકી સંગઠન અલકાયદાની સંડોવણીએ અમેરિકાને અફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી કરવા પ્રેર્યુ હતું. દુનિયા ભરમાં બનતી આતંકી ઘટનાના મૂળિયા પાકિસ્તાન સાથે જોડાયેલા રહેતા હોવાથી આતંકવાદીની ફેકટરી હોવાનું લેબલ લાગેલું છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧માં અમેરિકાએ અફઘાનિસ્તાન નીતિમાં પરિવર્તન લાવીને સૈન્ય પાછું ખંેચી લેતા તાલિબાનોના હાથમાં ફરી સત્તા આવી છે. પાકિસ્તાનમાં વર્ષોથી 'તહેરિક તાલિબાન પાકિસ્તાન' (ટીટીપી) નામનું એક આતંકી ગુ્રપ સક્રિય છે. ટીટીપીએ  અમેરિકા અને સાથી દેશોને કાબુલમાંથી ખદેડવા માટે વર્ષો સુધી લડાઇ લડી હતી. આ ટીટીપી હવે પાકિસ્તાનની ફૌજની સામે પડયું છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની સ્થાપના પછી  છેલ્લા ૩ વર્ષમાં ૪૦૦થી વધુ હુમલા કરીને અનેક લોકોને મારી નાખ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાની સરકારનું સમર્થન ધરાવતું ટીટીપી પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે પણ ફિદાઇન હુમલા કરે છે.  

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તંગદિલી માટે ટીટીપી જેવા શસ્ત્રજૂથો ઉપરાંત અંગ્રેજોએ દોરેલી ડુરાન્ડ લાઇન પણ જવાબદાર છે. આ ડુરાન્ડ લાઇન પશ્ચિમી છેડે ઇરાન અને અને પૂર્વી છેડે ચીનની સરહદ નજીક સુધી ફેલાયેલી છે. પૂર્વમાં કારાકોરમની ઉંચ્ચ રેંજથી માંડીને સ્પિન ઘર પરથી પસાર થાય છે જેમાં ખૈબરઘાટનો પણ સમાવેશ થાય છે. ડુરાન્ડ રેખા સાથે અફઘાનિસ્તાનના ૧૨ પ્રાંત જયારે પાકિસ્તાનના ૩ પ્રાંતો જોડાયેલા છે. ૧૮૩૯માં દક્ષિણ ભાગમાં રશિયાને આગળ વધતું રોકવા ભારતના બ્રિટિશ શાસકોએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યુ જેને પ્રથમ એંગ્લો અફઘાન યુધ્ધ કહેવામાં આવે છે. આ યુધ્ધમાં પશ્તુન સેનાએ અંગ્રેજોને હરાવ્યા હતા. ૧૮૭૮માં અફઘાનિસ્તાન પર ફરી આક્રમણ કરતા બીજુ એંગ્લો અફઘાન યુધ્ધ થયું જેમાં અંગ્રેજોને સફળતા મળી હતી. બ્રિટિશ ભારતમાં જયારે પાકિસ્તાનનું અસ્તિત્વ ન હતું ત્યારે ઉત્તર પશ્ચિમી ભાગ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે ૧૨ નવેમ્બર ૧૮૯૩માં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે અંગ્રેજોએ ૨૬૪૦ કિમી લાંબી સરહદ તાણી હતી. આ સરહદ સમજૂતી બ્રિટિશ ઇન્ડિયા સમયના વિદેશી બાબતોના સચિવ સર મૉર્ટિમર ડુરાન્ડ અને અફઘાન શાસક અમીર અબ્દૂર રહેમાન વચ્ચે થઇ હતી. સર મૉર્ટિમર ડુરાન્ડના નામથી ડુરાન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. ડુરાન્ડ લાઇનની બંને તરફ( બ્રિટિશ ભારત અને અફઘાનિસ્તાન) ઉત્તર પશ્ચિમમાં ૪૦૦૦૦ ચોરસ માઇલ વિસ્તારમાં પશ્તુન જનજાતિનું વર્ચસ્વ હતું. ડુરાન્ડ લાઇન દોરવા માટે ૮૫ ટકા ભાગ નદીઓ અને ભૌગોલિક પ્રતિકોને આધાર બનાવ્યા હતા. વંશિય સરહદોનો વિચાર કરવામાં ના આવતા પખ્તુનો બે જુદા જુદા દેશમાં વહેંચાઇ ગયા હતા. આજે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અન્ય દેશોમાં ૪૦ મિલિયન પશ્તુન વિશ્વના સૌથી મોટા ટ્રાયબલ સમૂહમાંના છે. પશ્તુનને આદિવાસી સમૂહ માનવામાં આવે છે કારણ કે તેમનું સામાજીક રાજકિય માળખું કુટુંબ અથવા કૂળ પર આધારિત છે લગભગ ૬૦ જેટલા પશ્તુન કૂળ છે. 

૧૯૪૭માં ભાગલા સાથે પાકિસ્તાનની રચના થઇ ત્યારથી માંડીને આજ સુધી ડુરાન્ડ લાઇનનો પ્રશ્ન ઉકેલાયો નથી. અફઘાનિસ્તાનના શાસક અમીર અબ્દૂર રહેમાન પછીના કોઇ પણ શાસકોએ ડુરાન્ડ લાઇનને સરહદ તરીકે સ્વીકારી નથી. ડુરાન્ડ લાઇનની સરહદે બે મહત્વના એથેનિક ગુ્રપ પશ્તુનો અને પંજાબીઓ વચ્ચે હંમેશા વર્ચસ્વની લડાઇ રહી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પાકિસ્તાનની અંદર જ પશ્તુન લોકોનો સ્વાયત સ્ટેટ બનાવવા પ્રોત્સાહિત કરે છે. તાલિબાન શાસકો પશ્તુનોનો મુદ્દો ઉછાળીને ઘર આંગણે રાષ્ટ્વાદ જગાડીને મજબૂત થવાનું વિચારે છે.  અફઘાનિસ્તાનની સરકાર ઇચ્છે છે કે સમગ્ર વિસ્તાર બફરઝોન તરીકે હોવો જોઇએ. પશ્તુનોનું સમર્થન કરતા ટીટીપી જેવા સંગઠનોને કોઇ રોકટોક હોવી જોઇએ નહી. ડુરાન્ડ રેખા પાકિસ્તાની પ્રોવિન્સ ઓફ નોર્થ વેસ્ટ ફ્ન્ટીયર પ્રોવિન્સ, ફેડરલી એડમિનિસ્ટરેડ ટ્રાયબલ એરિયા અને બલોચિસ્તાનમાંથી પસાર થાય છે. 'ફાટા' તરીકે ઓળખાતો દુનિયાનો આતંકવાદની દ્વષ્ટીએ સૌથી સંવેદનશીલ વિસ્તાર અહીં આવેલો છે. અહીં પાકિસ્તાન,તાલિબાન અને અફઘાનિસ્તાનના જૂથો વચ્ચે હિતોના ટકરાવ થતા રહે છે. આત્મઘાતી બોંબ, હવાઇ હુમલા અને હિંસા સાવ સામાન્ય ગણાય છે. તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનના લડવૈયા ગુ્રપ અને અન્ય હિંસક નોન સ્ટેટ ગુ્રપ નબળા પડવાના સ્થાને વધુ મજબૂત થઇ રહયા છે આવા સંજોગોમાં પોતાને અણુસત્તા ગણાવતા પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધતી રહેવાની છે તે જોતા છેવટે તો હાથના કર્યા જ હૈયે વાગી રહયા છે. 


Google NewsGoogle News