ગ્લોબલ વૉમિંર્ગની વોર્નિગ: વેનેઝુએલા તમામ 6 ગ્લેશિયર્સ ગુમાવી દેનારો વિશ્વનો પહેલો દેશ
- મીડ વીક- હસમુખ ગજજર
- હમ્બોલ્ટ ગ્લેશિયર પોતાના મૂળ આકારની સરખામણીએ માત્ર 0.4 ટકા રહયું છે. વર્તમાન વર્ષના માર્ચ મહિનામાં સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું કે ગ્લેશિયર માત્ર 2 હેકટર વિસ્તારમાં જ રહયું છે જે એક સમયે 450 હેકટરમાં ફેલાયેલું હતું.
લે ટિન અમેરિકન દેશ વેનેઝુએલા આર્થિક બરબાદી અને કુપ્રબંધવાળી શાસન વ્યવસ્થાની પીડા ઘણાં સમયથી ભોગવી રહ્યો છે. ભૂગર્ભમાં ક્રુડતેલની સમૃધ્ધિ છલકાતી હોયતો પણ પ્રજાને ગરીબ બનતા વાર લાગતી નથી વેનેઝુએલા તેનું ઉદાહરણ છે. આજકાલ આ લેટિન દેશ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિગના પગલે ચર્ચામાં આવ્યો છે. કમોસમી વરસાદ, અતિ તાપમાન અને વાવાઝોડાનો દુનિયા આખી સામનો કરી રહી છે. જળવાયુ પરિવર્તનનો સૌથી વધુ પ્રભાવ ગ્લેશિયર્સ પર પડયો છે. વેનેઝુએલામાં એન્ડિઝ પર્વતમાળામાં કુલ ૬ ગ્લેશિયર હતા જે ઓગળી ગયા છે. આ સાથે જ ગ્લોબલ વોર્મિગના લીધે ગ્લેશિયર ગુમાવનારો વેનેઝુએલા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પાંચ ગ્લેશિયર તો વર્ષો પહેલા ઓગળી ગયા હતા છેવટે હમ્બોલ્ટા ગ્લેશિયર જ બાકી રહી ગયું હતું. આ ગ્લેશિયર એટલું બધું ઓગળી ગયું છે કે તેને બરફના મેદાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એન્ડિઝ યુનિવર્સિટીના પ્રોફેસર જુલિયો સીઝર સેન્ટેનોનું માનવું છે કે બરફનો નાનો એક ટુકડો જે હવે પોતાના મૂળાકારની સરખામણીએ માત્ર ૦.૪ ટકા બચ્યો છે. વર્તમાન વર્ષના માર્ચ મહિનામાં સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું કે ગ્લેશિયર માત્ર ૨ હેકટર વિસ્તારમાં જ રહયું છે જે એક સમયે ૪૫૦ હેકટરમાં ફેલાયેલું હતું. સંશોધકોનું માનવું છે કે ગ્લેશિયર ગણવા માટે બરફનો ઓછામાં ઓછો આકાર કેટલો હોવો જોઇએ તેનો કોઇ વૈશ્વિક માપદંડ નથી, અમેરિકી ભૂ વૈજ્ઞાાનિકોના સર્વેક્ષણ મુજબ સામાન્ય રીતે ૧૦ હેકટર વિસ્તારમાં બરફ પથરાયેલો હોય તેને ગ્લેશિયર કહેવામાં આવે છે. નાસાએ વર્ષ ૨૦૧૮માં પણ સ્વીકાર્યુ હતું કે વેનેઝુએલાનું આ છેલ્લું ગ્લેશિયર છે. વેનેઝુએલાના બીજા ક્રમના સૌથી મોટા શિખર હમ્બોલ્ટ પાસેના ગ્લેશિયરનું અસ્તિત્વ કમસેકમ એક દસકા સુધી રહે તેવી શકયતા હતી પરંતુ કમનસીબે ઝડપી પીગળી ગયું છે.
ગ્લેશિયર એટલે કે બરફનો મોટો ઢગલો જે સદીઓથી બરફના થતા જમાવડામાંથી બને છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર સામાન્ય રીતે જયાં વાર્ષિક તાપમાન શૂન્યથી નીચે રહે છે ત્યાં શિયાળાની ઋતુમાં થતી બરફ વર્ષાના લીધે મોટા પ્રમાણમાં બરફ જમા થાય છે. સદીઓથી બરફનો થતો સંચય બાકીની સિઝનમાં તાપમાન થોડું ઉંચું જાયતો પણ જમા બરફ ખાસ પીગળતો નથી. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે ત્યારે ગ્લેશિયરનો વિકાસ થાય છે. ગ્લેશિયર પીગળે તો પણ એક મર્યાદામાં હોય છે. ગુરુત્વાકર્ષણના લીધે ગ્લેશિયર્સ ખૂબજ ધીમી નદીની જેમ વહે છે. હિમ નદી સ્વરુપે જે બરફ ઓછો થાય તેની ખાધ શિયાળાની ઋતુમાં થતી બરફવર્ષાથી પૂરાઇ જતી હોય છે. ગ્લેશિયર્સ આસપાસની ઇકો સિસ્ટમ માટે ખૂબજ મહત્વના હોય છે. હિમ નદીઓમાંથી વહેતું ઠંડુ પાણી ડાઉન સ્ટ્રીમના પાણીના તાપમાનને ઠંડુ રાખે છે. જે તે પ્રદેશની જળચર પ્રજાતિઓને ટકી રહેવા માટે ઠંડા પાણીવાળા અનુકૂળ તાપમાનની જરુર હોય છે. ગ્લેશિયર સંકોચાવા લાગે કે નાશ પાંમે તો જળચર પ્રજાતિઓનું જીવન પણ થંભી જાય છે. ગ્લેશિયર્સએ પર્વતીય પ્રદેશોની ઉંચાઇ પર રહેતા માનવીઓ માટે તાજા પાણીનો પણ મહત્વનો સ્ત્રોત છે. ગ્લેશિયર અદ્વષ્ય થાયતો ગરમ અને સૂકા સમયગાળા દરમિયાન સ્થાનિક સમુદાયો ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓ માટે જીવન ટકાવવું મુશ્કેલ બની શકે છે. પીવાના પાણી માટે સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર રહેવું પડી શકે છે. આ ગ્લેશિયર્સની કાળજી રાખવામાં આવેતો તે જળવાઇ રહેતા હોય છે, જો કોઇ ખલેલ કે ઇરાદાપૂર્વકનો માનવીય હસ્તક્ષેપ સતત થાયતો પીગળવા લાગે છે. વેનેઝુએલાના ગ્લેશિયર્સ સાબીતી પૂરે છે કે આબોહવા પરિવર્તન ભવિષ્યમાં મોટી આફત બનવાની છે. વેનેઝુએલા ભલે પોતાના ગ્લેશિયર ગુમાવનારો પ્રથમ દેશ હોય પરંતુ તે છેલ્લો હશે નથી. જળવાયુ પરિવર્તનથી દુનિયા ભરમાં ગ્લેશિયર્સ નબળા પડયા હોવાના વાવડ મળે છે. ઇન્ડોનેશિયા,મેકિસકો અને સ્લોવાનિયાના ગ્લેશિયર પણ ઝડપથી સંકોચાઇ રહયા છે. ભારતમાં હિમાલયની પશ્ચિમમાં હિંદુ કુશ પર્વતમાળાઓમાં ગ્લેશિયર્સ પીગળવાની ઝડપ વધી છે. અલ નીનો જેવી હવામાનમાં ફેરફારની એક સિસ્ટમના લીધે વૈશ્વિક સ્તરે ગ્લેશિયર્સ પિગળવાની ગતિ ઝડપી બની છે. આબોહવા પરિવર્તનના કારણે ૨૧૦૦ સુધીમાં બે તૃતિયાંશ ગ્લેશિયર પીગળીને પાણી થઇ ગયા હશે એવો અંદાજ છે. વેનેઝુએલામાં ગ્લેશિયરનું પિગળીને અદ્રષ્ય થવું એ કોઇ નવી જ પ્રક્રિયાની શરુઆત છે. આ એક એવી ઘટના છે જેની તપાસ થવી જરુરી છે. પિગળતા ગ્લેશિયર્સ દરિયાની સપાટીમાં વધારો કરવામાં પણ ફાળો આપે છે જેથી કરીને દરિયાકાંઠાના પર્યાવરણ પર વિપરીત અસરો પેદા થાય છે.
ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકમાં બરફની ચાદર અને મોટા ગ્લેશિયર્સ સંપૂર્ણ પીગળેતો વૈશ્વિક દરિયાઇ સપાટીમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. નિષ્ણાતો સૂચવે છે કે વેનેઝુએલાના હમ્બોલ્ટ ગ્લેશિયરમાં સમુદ્રનું સ્તર ભલે ના વધે પરંતુ જળચરો અને સ્થાનિક ઇકો સિસ્ટમ માટે ખૂબજ મોટી ખોટ સમાન છે. જુલાઇ ૨૦૨૩માં પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગરના ઇકવેટર વિસ્તારમાં સર્જાયેલા અલનીનોની અસરથી હમ્બોલ્ટ ગ્લેશિયરના બરફના ગલનને વેગ મળ્યો હતો. અલનીનો વિષુવવૃતિય પેસિફિક મહાસાગરમાં પાણીની સપાટીનું તાપમાન વધવાથી ૬ થી ૧૮ મહિના સુધી અસર રહે છે. વેનેઝુએલાના એન્ડિઝ વિસ્તારમાં ૧૯૯૧ થી ૨૦૨૦ દરમિયાન સરેરાશ કરતા કેટલાક મહિનાઓમાં તાપમાન ૩ થી ૪ સેન્ટિગ્રેડ જેટલું ઉંચું રહયું હતું. એન્ડીઝ, આર્જેન્ટિના, બોલિવિયા, ચિલી, કોલંબિયા, ઇકવાડોર,
પેરુ અને વેનેઝુએલાના ભાગોમાંથી પસાર થતી પર્વતમાળાઓ છેલ્લા સાત દાયકાઓમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે તાપમાનની વિસંગતતાના પરિણામ સ્વરુપ વેનેઝુએલાએ તેના તમામ ગ્લેશિયર્સ ગુમાવ્યા છે.
૧૮મી સદીમાં ઔધોગિક ક્રાંતિ પછી વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ, મોનોક સાઇડ અને મિથેન જેવા હાનિકારક વાયુઓ ઉમેરાતા જાય છે. આ વાયુઓના લીધે સૂર્યપ્રકાશની ગરમી અવકાશમાં પાછી જતી નથી. આ ગ્રીન હાઉસ ઇફેકટસથી વૈશ્વિક તાપમાનમાં વધારો થઇ રહયો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઉત્સર્જનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. પરિણામ સ્વરુપ વૈશ્વિક સરેરાશ તાપમાનમાં ઓછામાં ઓછો ૧.૧ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તાપમાનમાં વધારો ભલે નાનો લાગે પરંતુ તેની ઇફેકટસ ખૂબ મોટી સર્જાય છે. આથી જ તો વારંવાર ગરમીના મોજા, દરિયાની સપાટીમાં વધારો અને ગ્લેશિયર પીગળવા જેવી ભૌગોલિક ઘટનાઓ આકાર લઇ રહી છે.