82 કિમી લાંબી પનામા નહેર પર અમેરિકાનો દાવો કેટલો મજબૂત છે?
- મીડ વીક- હસમુખ ગજજર
- 1914માં પનામા દેશમાં આ નહેર તૈયાર કરવામાં અમેરિકાને 375,000,000 ડોલર ખર્ચ થયો હતો. એ સમયે અમેરિકાના ઇતિહાસનું સૌથી વિશાળ બાંધકામ હતું. 1977માં થયેલી ટોરિજોસ-કાર્ટર સંધી અંર્તગત અમેરિકાએ 1999માં પનામા નહેર પનામાને સોંપી હતી. બદલાયેલા સંજોગોમાં ચીનનો આર્થિક પ્રભાવ રોકવા અમેરિકા હવે ફરી નિયંત્રણ ઇચ્છે છે
પ નામા ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં સાંકળા ભૂ માર્ગ પર આવેલો દેશ છે. ૪૪.૭ લાખની વસ્તી ધરાવતા પનામા દેશનું પનામા નામનું શહેર ગગનચુંબી ઇમારતો માટે જાણીતું હોવાથી લેટિન અમેરિકાનું દુબઇ કહેવામાં આવે છે. એક સમયે પનામા પેપર્સ કૌભાંડને લઇને ચર્ચામાં રહેલો આ દેશ હવે પોતાના નિયંત્રણમાં રહેલી પનામા નહેરના મુદ્વે ચર્ચામાં છે. પનામા નહેર ૮૨ કિમી લાંબી ૯૦ મીટર પહોળી અને સરેરાશ ૧૨ મીટર ઊંડાઇ ધરાવે છે. આ કૃત્રિમ જળમાર્ગ ઉપરથી દર વર્ષે નાના મોટા ૧૪૦૦૦ જેટલા માલવાહક જહાજોની અવર જવર થાય છે. પનામા દેશ કેનાલમાંથી પસાર થતા વેપારી જહાજોને સુવિધા આપીને ટેકસ વસૂલે છે જે પનામાની આર્થિક આવકનો મહત્વનો સ્ત્રોત છે. દુનિયામાં થતા કુલ વેપારનો ૬ ટકા પનામા નહેરમાંથી થાય છે. એકલા અમેરિકાનો જ ૧૪ ટકા વેપાર આ પનામા નહેરના માધ્યમથી થાય છે. પનામા નહેરમાંથી પનામાને વર્ષે ૧ અબજ ડોલરથી વધુ આવક થાય છે. પનામા કેનાલ ઓથોરિટીના આંકડા મુજબ દર વર્ષે ૨૭૦ અબજ ડોલરનો કારોબાર આ રુટ પરથી થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદે પુનરાગમન પછી ડૉનાલ્ડ ટ્રમ્પે પનામાને ચેતવણી આપી છે કે અમેરિકાની ટેકસ વસૂલી ઓછી કરો નહીંતર આ પનામા નહેર જ અમારી છે અને પાછી લઇ લેતા વિચાર કરીશું નહી. ડૉનાલ્ડ ટ્રમ્પે તો ચુંટણી પ્રચારમાં પનામાનો મુદ્વો જોરશોરથી ઉઠાવ્યો હતો. પૂરોગામીએ મુર્ખતાપૂર્ણ પગલું ભરીને પનામા નહેર પનામાને સોંપી દીધી હોવાનો રોષ પ્રગટ કરતા હતા. શપથ ગ્રહણ કર્યા પછી ટ્રમ્પે મુત્સદીભરી વાણી ઉચ્ચારી છે કે પોતાના નેતૃત્વ હેઠળની નવી સરકાર પનામા નહેર પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરશે. આમ તો અમેરિકા જેવી મહાસત્તા સામે બચુકડા પનામાની શું વિસાત છતાં પનામાના રાષ્ટ્રપતિ હોસે રાઉલ મુનીલોએ એક વીડિયો બહાર પાડીને પ્રતિક્રિયા આપી હતી કે નહેરનો પ્રત્યેક વર્ગમીટર પનામાનો છે અને આગળ જતાં પણ પોતાના દેશનો જ રહેશે. પનામાના લોકોના અનેક મુદ્વાઓ પર ભીન્ન ભીન્ન વિચાર હોઇ શકે છે પરંતુ જયારે નહેર અને સાર્વભૌમત્વની વાત આવે છે ત્યારે બધા જ એક છે.
પનામા નહેર એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતો જળમાર્ગ છે. ઇતિહાસ ફંફોસીએ તો ૧૧૦ વર્ષ પહેલા પનામા નહેરનું નિર્માણ ૩૭૫,૦૦૦,૦૦૦ ડોલરનો ખર્ચ કરીને અમેરિકાએ જ કરાવ્યું હતું. નહેર તૈયાર કરવાનો હેતું પોતાના દરિયાઇ કાંઠાઓ વચ્ચે વેપાર વાણીજય અને સૈન્ય જહાજોના આવાગમનનો હતો. બાંધકામ ટેકનોલોજી વિકસી ન હતી ત્યારે પનામા નહેર ઇજનેરી સાહસનો બેનમૂન નમૂનો ગણાતી હતી. પનામા નહેરનું આર્કિટેકટ અમેરિકા હોવા છતાં નહેર પરનો દાવો અને નિયંત્રણ મેળવવું કેમ અઘરું બન્યું છે તેના માટે પનામા નહેરનો રોચક ઇતિહાસ સમજવા જેવો છે. પનામા નહેર ન હતી તે પહેલા અમેરિકી મહાદ્વીપોના પૂર્વી અને પશ્ચિમ તટોની વચ્ચે પ્રવાસ કરતા જહાજોએ દક્ષિણ અમેરિકામાં કેપહોર્નની ચારે તરફથી જવું પડતું હતું. જેમાં ૮૦૦૦ નોટિકલ માઇલ વધારે ફરવું પડતું અને ૨ મહિના જેટલો સમય બરબાદ થતો હતો. છેલ્લા ૪૦૦ વર્ષથી સમુદ્રી વેપાર જગત એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતા ટુંકા સમુદ્રીમાર્ગની શોધમાં હતું. પનામાની નજીક બે મહાસાગરોને જોડતો જળમાર્ગ તૈયાર કરવાનો પ્રથમ વિચાર ૧૬મી શતાબ્દીમાં વાસ્કો નુનેઝ ડી બાલ્બોઆને આવ્યો હતો પરંતુ ટાંચા સાધનો અને પ્રતિકૂળતાના લીધે અમલ શકય બન્યો નહી. ૧૮૮૦માં ફર્ડિનેંડ ડી લેસેપ્સના નેતૃત્વમાં ફ્રાંસિસીઓએ પ્રથમવાર એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતી એક જમીન પટ્ટી પર નહેર માટેનું ખોદકામ શરુ કર્યુ હતું. ફ્રાંસે ૯ વર્ષ સુધી જીવ રેડયો પરંતુ મલેરિયા, પિત્ત જવર જેવા ઉષ્ણકટિબંધિય રોગોએ માથુ ઉચકતા ૯ વર્ષમાં ૨૦ હજાર મજૂરોના મુત્યુ થતા કામ પડતું મુકવું પડયું હતું. ફ્રાંસની કોલંબિયા સાથેની નહેર નિર્માણની સંધિ તૂટી જવાની સાથે જ અમેરિકા માટે એકલા હાથે નહેર નિર્માણ કરવાનો માર્ગ મોકળો થયો હતો. ૧૯ જુન ૧૯૦૨ના રોજ અમેરિકી સેનેટે પનામાના માધ્યમથી નહેરનું નિર્માણ કરવાના પક્ષમાં મતદાન કર્યુ હતું. ૬ મહિનાની અંદર અમેરિકાના તત્કાલિન વિદેશમંત્રીએ નહેરના નિર્માણ માટે કોલંબિયાના વિદેશમંત્રી ટોમસ હેરનની સાથે હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકાની આર્થિક શરતો કોલંબિયાની કોંગ્રેસને મજુર ન હોવાથી પ્રસ્તાવ અસ્વીકાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિ રુઝવેલ્ટે પનામાની સ્વતંત્રતાના સમર્થનમાં પનામા સિટી (પ્રશાંત પર) અને કોલોન (એટલાન્ટિક પર) યુધ્ધ જહાજ મદદ માટે મોકલ્યા હતા. કોલંબિયાઇ સૈનિકો ડેરિયન ગેપના જંગલોમાં મુકાબલો કરવા સમર્થ ન હતા. છેવટે ૩ નવેમ્બર ૧૯૦૩ના રોજ પનામાને કોલંબિયાથી આઝાદી મળી હતી. ૧૯૦૪માં અમેરિકાએ પનામા સાથે સંધી કરીને નહેર નિર્માણ માટે ૧૦ માઇલ પહોળી પટ્ટી ૧૦ મિલિયન ડોલરમાં મેળવી હતી. આ ઉપરાંત પનામાને દર વર્ષે ૨૫૦૦૦૦ ડોલરની વાર્ષિક રકમ પણ મળવાની હતી. અમેરિકાની લિડરશિપ પનામા નહેરનું વેપારી અને વ્યુહાત્મક મહત્વ સમજતી હતી. પનામા નહેરનું નિર્માણ થતું હતું ત્યારે અમેરિકી પ્રમુખ રુઝવેલ્ટે ખોદકામ કરતા મશીન પર ઉભા રહીને જાત નિરિક્ષણ કર્યુ હતું. ૧૯૧૪માં પનામા નહેરનું કામ પૂર્ણ થવાની સાથે જ અમેરિકાની ટેકનિકલ કુશળતા અને આર્થિક શકિતનું પ્રતિક બની હતી. પનામા નહેરનું નિર્માણ ચાગ્રેસ નદી પર બંધ બાંધીને કરવામાં આવ્યું હતું. જેનાથી ગેટુન સરોવર અને મેડેન સરોવરનું નિર્માણ થયું હતું. બંને સરોવર વચ્ચે અને મહાદ્વીપીય વિભાજનની ઉપર નદીથી ગેલાર્ડ કટ ખોદવામાં આવ્યું હતું. છેવટે એટલાન્ટિક મહાસાગર અને ગેટુન સરોવર વચ્ચેના જળાશયના પાણીના જથ્થામાંથી જહાજોને આગળ ધપાવવા શકય બન્યા હતા.
ગેલાર્ડ કટના અંતમાં જહાજોની નીચે લાવવા માટે પણ જળાશય તૈયાર કરીને પ્રશાંત મહાસાગર સુધી એક ચેનલ ખોદવામાં આવી હતી. આ નહેરના કામમાં બાર્બાડોસ,માર્ટિનિક અને ગ્વાડેલોપના મજૂરોએ ખૂબ મહેનત કરી હતી. પહેલાના સમયમાં હવાઇશકિત ન હતી ત્યારે દુશ્મન સમુદ્રના રસ્તેથી જ દુશ્મનની જમીન ઉપર પગ મુકતા હતા. પનામા જળમાર્ગના માધ્યમથી અમેરિકા બંને મહાસાગરો પર નિયંત્રણ મેળવીને શકિતશાળી બન્યું હતું. પનામા નહેર પર અમેરિકાનું નિયંત્રણ બંને દેશો (પનામા અને અમેરિકા) વચ્ચેના સંબંધોને ખાટા કરનારું પરિબળ રહયું હતું પરંતુ અમેરિકાના શાસને ઘણા વર્ષો સુધી આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું. છેવટે ૧૯૭૭માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જીમી કાર્ટરે પનામા સાથે એક લેખિત સંધી કરી જેને ટોરિજોસ-કાર્ટર સંધી કહેવામાં આવે છે આ સંધી હેઠળ નહેરનો જળમાર્ગ અમેરિકાએ પનામાને સોંપી દેવાનો હતો. સંધી હેઠળ અમેરિકાને પનામા નહેરની તટસ્થતા માટે કોઇ પણ ખતરાનો સામનો કરવા સૈન્ય મોકલીને રક્ષણ કરવાની પણ સત્તા મળી હતી. ૧૯૯૯ સુધી અમેરિકા અને પનામાનું સંયુકત નિયંત્રણ રહયા પછી ૩૧ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ અમેરિકાએ નહેર સંપૂર્ણ રીતે પનામાને સોંપી હતી. પનામા દેશ પાસે નહેરનું પૂર્ણ સંચાલન આવ્યું ત્યારે તેના મેનેજમેન્ટની દુનિયામાં ખૂબ પ્રશંસા થવા લાગી હતી. પનામા દરેક દેશના જહાજોને ટેરિફ અને સવલતની રીતે એક સરખું મહત્વ આપતું રહયું હતું. એક નોંધવા જેવું છે કે નહેરની એક તરફથી બીજી તરફ જવામાં ૧૦ કલાક જેટલો સમય લાગે છે. ખાસ તો જે વર્ષે નદીઓ અને જળાશયોમાં પાણીનો ભરાવો ઓછો હોય ત્યારે કેનાલનું સંચાલન પડકારરુપ બને છે. આવા સંજોગોમાં વધતા જતા ટેરિફની સૌથી વધુ અસર અમેરિકાને થાય છે. પનામા અમેરિકાનો એક મહત્વનો સહયોગી દેશ છે અને નહેર તેની અર્થ વ્યવસ્થા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પનામાના ૫૫૦૦૦ લોકોને નહેરના માધ્યમથી જ નોકરી- રોજગાર મળે છે.
નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાની ચિંતા ટેરિફ કરતા પણ આર્થિક સત્તા તરીકે ઉભરેલા ચીનનો વધતો જતો પ્રભાવ છે. પનામા નહેર જ ચીનને અમેરિકાના પૂર્વી કાંઠાની નજીક લાવે છે. ૨૦૧૭માં પનામાએ તાઇવાન સાથેના સંબંધો તોડીને ચીનને ખૂશ કર્યુ હતું. સૌ જાણે છે કે ચીન તાઇવાનને પોતાનો ભાગ ગણતું હોવાથી જે દેશ તાઇવાન સાથે સંબંધ રાખે છે એની સાથે ચીન સંબંધ રાખતું નથી. ચીનના વધતા જતા મૂડીરોકાણના લીધે પનામાનો મુખ્ય સહયોગી બની રહયો છે. આથી નહેર ખોટા લોકોના હાથમાં જવાની અમેરિકાને ચિંતા છે. ટ્રમ્પ શાસન માને છે કે પનામા નહેર ચીન માટે નથી. એવી માહિતી છે કે પનામા નહેરના બે પોર્ટસનું સંચાલન હૉગકૉગની એક કંપની સંભાળે છે. ટ્રમ્પ શાસન માને છે કે આ નહેર ખોટા લોકોના હાથમાં જઇ રહી છે. જો કે પનામાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરતા રહે છે કે પનામા નહેર પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીનનું કોઇ જ નિયંત્રણ નથી. ટ્રમ્પે શપથ લીધા પહેલા પણ પનામાને રોકડું પરખાવ્યું હતું કે જો પનામા કેટલાક સિધ્ધાંતોનું પાલન નહી કરે તો પનામા નહેરને અમેરિકા પૂર્ણ રીતે પાછી લઇ લેવાની માંગણી કરશે. ટેરિફના બહાને ટ્રમ્પ ચીનને પણ ટાર્ગેટ કરી રહયા છે. જો કે કાનુની અને રાજકીય દ્વષ્ટીએ જોવામાં આવે તો જીમી કાર્ટર દ્વારા સંધી હેઠળ જ નહેર પનામાને સોંપવામાં આવી હતી. આવા સંજોગોમાં અમેરિકા માટે પનામા નહેરને પૂર્ણ રીતે પોતાના નિયંત્રણમાં લેવી સરળ નથી. જો કે ચીનથી અળગા રહેવા અને ટેરિફ બાબતે પનામા સરકાર પર અમેરિકા દબાણ ચાલું જ રાખશે એમ જણાય છે.