વરસાદી જળનો ભૂગર્ભ સંગ્રહ સંકટ સમયે કામ લાગતી 'એફડી' સમાન!

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
વરસાદી જળનો ભૂગર્ભ સંગ્રહ સંકટ સમયે કામ લાગતી 'એફડી' સમાન! 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- કુદરતની ભૂગર્ભ બેંકમાં જમા કરેલી વરસાદી પાણીની ફિકસ ડિપોઝિટ આફત સ્વરુપે કામ આવવાની છે. આપણા દાદા,પરદાદાએ  જળસ્ત્રોતોનું જતન કરેલું તેનો લાભ સૌ મેળવી રહયા છીએ એ પરંપરા આગળ વધતી રહેવી જરુરી છે.

સૌ જાણે છે કે વરસાદએ પાણી મેળવવાનો એક માત્ર મૂલ્યવાન સ્ત્રોત છે. લાખો વર્ષોથી ગોઠવાયેલા જળચક્ર સ્વરુપે પૃથ્વીવાસીઓને વરસાદનો પરસાદ મળતો રહે છે. પહેલા વરસાદની હેલીઓ રચાતી અને મુશળધાર પાણી વરસતું પરંતુ પાણી ભરાતા ન હતા. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તેવી કુદરતી ચેનલોથી સરસ જળ નિકાલ થઇ જતો. પાતાળ પાણીથી ભરાયેલું રહેતું આથી જ તો ૧૫ થી ૨૦ ફૂટે પાણી ગાળવાથી મીઠું પાણી મળી રહેતું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી જળવાયુ પરિવર્તનના લીધે વરસાદની પેટર્ન બદલાઇ રહી છે. કયાંક ઓછા સમયમાં એક સાથે વધારે વરસે છે તો કયાંક વરસાદની અછત પણ રહે છે. જળ વ્યવસ્થાપનની બીજી વક્રતા એ છે કે ચોમાસામાં પાણીથી બચાવોની બૂમો પાડતા સ્થળોએ ઉનાળા દરમિયાન પાણી આપો ના પોકારો ઉઠતા રહે છે. દરેક વ્યકિત પોતાની પાસે રહેલા નાણાનું આયોજન કરે છે, બેંકમાં વ્યહવારો કરે છે તેવી જ રીતે ભૂગર્ભ બેંકમાં પાણીની એફડી (ફિકસ ડિપોઝિટ) કરવાની પણ કાળજી રાખવી જરુરી છે. ભૂગર્ભ બેંકમાં જમા કરેલી વરસાદી પાણીની ફિકસ ડિપોઝિટ આફત સ્વરુપે કામ આવવાની છે. આપણા દાદા,પરદાદાએ  જળસ્ત્રોતોનું જતન કરેલું તેનો લાભ સૌ મેળવી રહયા છીએ એ પરંપરા આગળ વધતી રહેવી જરુરી છે. એચ ટુઓ તરીકે ઓળખાતું પાણી પ્રયોગશાળામાં પેદા કરી શકાતું નથી. તે આકાશમાંથી ફોરા સ્વરુપે મોટે ભાગે વર્ષમાં એક વાર વરસે છે તેને જ ઝીલી લેવાનું છે. 

અતિ વૃષ્ટિ થાય ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ખેતરોના ઉભા પાકમાં ફેલાઇ છે. વધારાના વરસાદી પાણીનો ખેતરમાંથી નિકાલ કરવોએ ખેતી માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. પાણી ખેતીની જમીનમાં વધારે સમય પડયું રહેતો પાકના મૂળ કોહવાઇ જવાથી પાક બળી જાય છે. ખરીફ સિઝન પાકોમાં એટલો વિલંબ ઉભો થાય છે કે કાંઇ ભલી વાર રહેતો નથી. એક પાક ધોવાઇ જાય ત્યાર પછી બીજો કયો પાક વાવવોએ મોટી મુંઝવણ બની જાય છે. કઠણાઇ તો એ છે કે દિવાળી પછી રવિપાકો અને ત્યાર પછી ઉનાળુ પાકોની વાવણી કરવાની થાય ત્યારે પાણી હોતું નથી. પાણી માટે બોરવેલ,કૂવા કે સ્થાનિક કેનાલોના પાણી પર નિર્ભર રહેવું પડે છે. ચોમાસામાં જળભરાવ અને ઉનાળામાં જળ તણાવ જાણે કે નિયતિ બની ગઇ છે. 

આવી કટોકટીમાંથી બહાર આવવા માટે પાણીની ભૂગર્ભ બેંકમાં એફડી કરવી એ જ ઉપાય છે. નદી નાળાઓ થકી વહી જતા અમૂલ્ય પાણીને જમીનમાં ઉતારવાનો પ્રબંધ એ સમૃધ્ધ ખેતીનો જ એક ભાગ છે જે એમ કરવામાં નહી આવે તો અતિવૃષ્ટિ અને અછતના ચક્કરમાંથી બહાર આવી શકાશે નહી. પાતાળમાંથી જો પાણી ખેંચ્યા જ કરીશું તો એક દિવસ પાતાળ ખાલી થવાનું એ નકકી જ છે. પાતાળના ખૂબ ઉંડે શારકૂવા કરવાથી પાણી તો મળે છે પરંતુ અંદર રહેલા મિનરલ અને રાસાયણિક તત્વો પાણીની ગુણવત્તા બગાડે છે આથી પાણી માટે જમીનમાં ખૂબ ઉંડે જવું વ્યહવારુ પણ નથી. આમ જોવા જઇએ તો પૃથ્વી પર ઉપલબ્ધ પાણીમાંનું ૯૭ ટકા સમુદ્રમાં છે. ૨.૭ ટકા જેટલું જ પાણીનો જથ્થો જ વપરાશ માટે યોગ્ય છે. એમાં પણ નદીઓ,સરોવરો અને ભુગર્ભજળમાં રહેલો ૧ ટકા જ તાજા પાણીના જથ્થાનો જ ઉપયોગ કરી શકાય છે. ભારતમાં પીવાનું પાણી સૌથી વધુ ભૂગર્ભજળમાંથી જ મેળવવામાં આવે છે. નેશનલ સેમ્પલ સર્વેના એક ડેટામાં જણાવાયું હતું કે ભુગર્ભજળ દેશની લગભગ ૪૩ ગ્રામીણ વસ્તી માટે પીવાના પાણીનો આધારભૂત સ્ત્રોત છે. દેશમાં દર પાંચ પરીવારમાંથી એક પરીવાર પાસે પાઇપથી મળતા પાણીનું જોડાણ છે. શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારો પાઇપ દ્વારા મળતા પાણી વિતરણમાં પાછળ છે.

પીવાના પાણીની અછત કાયમી દૂર કરવા ભૂગર્ભ જળ સંચય અને વરસાદી જળનો સંગ્રહ જેવો ઉત્તમ ઉપાય બીજો એક પણ નથી. ગ્રામીણો પાસે છાપરાની છત, આંગણામાં ભૂગર્ભ ટાંકાની જગ્યા અને બીજી અનુકૂળતા હોય છે. ધાબુ હોયતો વરસાદી પાણીના નિકાલનો પાઇપ (બંબો) હોય છે તેમાં હજારો લિટર પાણી નકામું પછડાતું રહે છે તેનો સંગ્રહ કરી શકાય છે. વપરાશ માટે બહારથી પાણી મેળવી શકાય છે પરંતુ બારે મહિના પીવાના પાણી માટે વરસાદી પાણીના ટાકા આદર્શ સ્ત્રોત બની શકે છે. આરઓમાં પીલાતા પાણીની સરખામણીમાં ખૂબજ નજીવા દરે શુધ્ધ પાણી ઘેર બેઠા મેળવી શકાય છે. ખેતરના પાણી જમીનમાં ઉતારવામાં આવે અને છાપરાના પાણીને ભૂગર્ભ ટાંકામાં ભરવામાં આવેતો બેડો પાર થઇ જાય તેમ છે. 

 અબજો લિટર વરસાદી પાણી નકામુ વહી જાય છે અને માંડ થી ૧૨ થી ૧૫ ટકા પાણી જ જમીનમાં ઉતરે છે. ડબ્બાબંધ પેકજમાં મળતા પાણી કરતા પણ સારી રીતે સંગ્રહ થયેલું વરસાદનું પાણી વધારે શુધ્ધ હોય છે. લોકોને એક લિટર પાણીના ૨૦ રુપિયા આપવા છે પરંતુ જળસંગ્રહ કરવો નથી.  પેસિફિક ઇન્સ્ટિયૂટે પોતાના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં પાણીને લઇને થતા સંઘર્ષની ઘટનામાં ૧૫૦ ટકા જેટલા વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં ૧૦ ઘટનાઓ હતી જે ૨૦૨૩માં વધીને ૨૫ જેટલી થઇ છે. ભારત જ નહી દુનિયા આખીમાં પાણીને લઇને થતા સંઘર્ષની ઘટનાઓમાં વધારો થયો છે. 

પાણીની કટોકટી કે પાણીનો કાપ માત્ર ગ્રામીણ વિસ્તારની જ સમસ્યા નથી. સ્માર્ટ સિટી ગણાતા મેગા શહેરોમાં પણ ડોકાવા લાગી છે. પાણીની સમસ્યા કોને કહેવાય તેનો અનુભવ તાજેતરમાં સિલિકોન વેલી ગણાતા બેંગલુરુને થયો છે. આઇટી અને ડિજિટલ દુનિયામાં અગ્રણી ગણાતું શહેર ટેન્કરરાજને હવાલે થઇ ગયું હતું. સુદ્રઢ આઇટી કનેકટિવિટી, ડિજિટલીકરણ, સુશાસન અને ઇ-ગર્વનન્સથી પણ પાણી જેવી પાયાની સમસ્યા ઉકેલી શકતી નથી. આના પરથી સૌ એ સમજવાની જરુર છે કે પાણીનો વિકલ્પ માત્ર પાણી જ છે. માણસ બહેતર જીવનની શોધમાં શહેરી વિસ્તારોમાં વસવા લાગ્યો છે. ભારતની વર્તમાન જનસંખ્યાના ૩૬ ટકા વસ્તી શહેરોમાં રહે છે જે ૨૦૩૦ સુધીમાં ૪૦ ટકા સુધી પહોંચે તેવી ધારણા છે. ૨૦૧૧ની જનગણના અનુસાર શહેરી વસતી દેશના કુલ ઘરેલું ઉત્પાદનનું ૬૩ ટકા યોગદાન ધરાવે છે. વસ્તી જતી વસ્તીના પરિણામે રહેઠાણ અને રસ્તા જેવા બુનિયાદી માળખાના નિર્માણમાં ટકાઉ ડ્રેનેજ વ્યવસ્થા ખૂબજ મહત્વની છે. નવા શહેરી વિકાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ડ્ેનેજ વ્યવસ્થાની ખામી ઉજાગર કરે છે. 

ભારતના ૬૦ ટકાથી વધુ મોટા શહેરો અને મહાનગરોમાં જળ સંબંધી અનેક સમસ્યાઓ ધરાવે છે. ખાસ કરીને નદીઓ પર વસેલા શહેરોમાં અર્બન ફલડિંગનો ખતરો વધતો જાય છે. વરસાદી પાણી ભરાઇ રહેવાથી રસ્તાઓના ડામર ઉખડી જાય છે. રસ્તાઓમાં ભૂવા અને ખાડા પડવાથી રિસરફેસ અને પેચવર્કમાં ભારે ખર્ચ કરવો પડે છે. શહેરોમાં તળાવ જેવા પરંપરાગત જળાશયો હોય છે જે વરસાદી પાણીના સ્થાને ગંદા પાણીના નિકાલ માટેના મેગા સીવરેઝ ટેંકમાં રુપાંતરિત થઇ રહયા છે. શહેરોમાં ૮૦ ટકા જેટલો ભાગ કોન્ક્રિટનો થઇ ગયો હોવાથી માટી બચી નથી. આસપાસ ગંદકી અને અવરોધોના પગલે જમીન પાણી શોષી શકતી નથી. જયાં સુધી ડ્રેનેજ સિસ્ટમને મજબૂત કરવામાં નહી આવે ત્યાં સુધી સ્માર્ટ સિટીનું સપનું સાચા અર્થમાં સાકાર થવું અઘરું છે. વરસાદી પાણીને રિચાર્જ કરતી ચેનલોને જાગૃત કરવી જરુરી છે. દિલ્હી, કોલકત્તા, ચેન્નાઇ, અમદાવાદ, સૂરત કે વડોદરા લગભગ બધે જ એક સરખી પરિસ્થિતિ જોવા મળે છે. જો આના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં નહી આવતો કયાંક મોટો વિનાશ વેરાતા વાર લાગશે નહી.  ૨૦૧૫માં ચેન્નાઇમાં અને ૨૦૦૫માં મુંબઇમાં ૧૮ થી ૨૦  કલાકમાં ૯૦૦ મિમી કરતા વધુ વરસાદથી ભારે નુકસાન થયું હતું. દરેક ગ્રામવાસીઓ અને શહેરવાસીઓ પોતાના રહેણાક વિસ્તારની આસપાસના વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું બિંડુ ઝડપી લેશે તો જળ સંરક્ષણ અને સંચયની દિશામાં મહત્વની કામગીરી ગણાશે જે ભાવી પેઢીને કામ લાગશે. વરસાદ ગમે તેટલો વરસે પાણી પાતાળમાં ઉતરેતો જ કામનું છે નહિંતર ભવિષ્યમાં નળમાંથી જળ ગાયબ થતા વાર લાગશે નહી. 


Google NewsGoogle News