'ઇન્ટરનેશનલ મિલેટ યર: એક સમયના સુપર ફૂડ બાજરીનો ખોવાયેલો મહિમા વધારવાની મથામણ
- મીડ વીક- હસમુખ ગજજર
- યુએન દ્વારા નૂતન વર્ષ 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર જાહેર કર્યુ છે.વધતી જતી વસ્તી અને જળવાયુ પરીવર્તનના પરીદ્વષ્યમાં બાજરી, જુવાર અને રાગી જેવા બરછટ અનાજ જ સ્માર્ટ ભોજન સાબીત થવાના છે. ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર ધ સેમી એરિડ ટ્રોપિકસ એ તો બાજરીને સુપર ફૂડ ગણ્યું છે.
સં યુકત રાષ્ટ્ર સંઘની મહાસભાએ નૂતન વર્ષ ૨૦૨૩ને ઇન્ટરનેશનલ મિલેટ યર જાહેર કર્યુ છે. ભારત દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો જેને યુએનના ખાધ અને કૃષિ સંગઠન (એફએઓ) દ્વારા ઇટાલીના રોમ ખાતે સમર્થન મળ્યું છે. અંગ્રેજીમાં મિલેટ શબ્દ બાજરી, જુવાર અને રાગી પ્રકારના પોષક અનાજ માટે વપરાય છે. સામાન્ય રીતે જેને બરછટ કે જાડા ધાન્ય ગણવામાં આવે છે તે ખરેખર તો પોષક અનાજ છે. લોકોની સરેરાશ સુખ- સમૃધ્ધિ વધી છતાં શરીરમાં પોષકતત્વોની જે તાણ પડી રહી છે તે આ અદભૂત અનાજથી પુરી કરી શકાય તેમ છે. એક સમય હતો કે આ પ્રકારના ધાન્ય અનાજ માનવીઓના મૂળભૂત ખોરાકમાં સ્થાન ધરાવતા હતા. સુપર ફૂડ ગણવામાં આવતી બાજરીનો તો મહિમા જ વિસરાઇ રહયો છે. નવાઇની વાત તો એ છે કે જેમનું બાળપણ ખેતી અને ગ્રામીણ પરીસરમાં થયું હતું. જેઓ બાળપણમાં બાજરીના રોટલા અને શાક ખાઇને મોટા થયા તેમને પણ મોં ફેરવી લીધું છે. ધી ચોંપડેલો બાજરીનો ગરમ રોટલો અને ગોળ શકિતવર્ધક હોવા છતાં આજની પેઢીને પણ આઉટ ઓફ ડેટ લાગે છે. સૌરાષ્ટ્રમાં હજુ કયાંક રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો પ્રચલિત છે. સૂકી ખેતીના વિસ્તારોમાં ચણાની દાળ અને બાજરીના રોટલાનો થોડો મહિમા છે. દક્ષિણ ભારતમાં બાજરી અને જુવારના મિકસ લોટનો ખોરાકમાં ઉપયોગ થાય છે. અંતરિયાળ ગ્રામીણ ભારતમાં મહેનત મજૂરી કરતા લોકો માટે હજુ પણ બાજરી,જુવાર,નાગલી વગેરે પરંપરાગત (સ્ટેપલ ફૂડ) ખોરાક તરીકે સ્થાન ધરાવે છે પરંતુ શહેરી વિસ્તારોમાં બાજરીના રોટલાના સ્થાન પિત્ઝા અને ચાઇનિઝ ફૂડની જ બોલબાલા છે. નવા ખોરાક અપનાવવાની સ્વાદ ઘેલછામાં ગુણાવગુણ જોવાનું ભૂલાઇ ગયું છે. મેદસ્વિતા અને મધુમેહ જેવી બીમારીઓ વધતી જાય છે.પેટ અને આંતરડાને લગતી સમસ્યાઓ પણ શરીરમાં ઘર કરી ગઇ છે. દેખા દેખી અને આધુનિક રહેવાની લ્હાયમાં કેટલાક જૂના ખોરાક ભૂલાયા તેમાં બાજરીનો પણ સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે જે વસ્તુનો વપરાશ બંધ થઇ જાય એને બજાર ભૂલી જાય છે. આવું જ બાજરી વર્ગ (મિલેટ)ના ધાન્યો સાથે થયું છે. લોકો ખાવાનું ભૂલ્યા એટલે ખેડૂતોએ ઉગાડવાનું બંધ કરી દીધું છે. આવું માત્ર ભારત જ નહી આફ્રિકાને બાદ કરતા સમગ્ર વિશ્વમાં થયું છે.
૧૯૭૦ના વર્ષની સરખામણીમાં પોષક ધાન્યનો વપરાશ ૭૫ ટકા જેટલો ઘટયો છે. દુનિયામાં ઘઉંંનું વાવેતર, ઉત્પાદન અને વપરાશ સતત વધતો રહયો તેમ બાકીના ધાન્યોની ખેતી ઘટતી ગઇ છે. કૃષિ વિજ્ઞાાનમાં પણ ઘઉંં અને ચોખા પર જેટલા સંશોધનો થયા તેટલા બાજરી વર્ગના ધાન્ય પાકો પર થયા નથી. ખેડૂતો દેશી પધ્ધતિથી બિયારણનો સંગ્રહ કરી રાખતા એ બિયારણોનો નાશ થઇ ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે બાજરીમાં ઉચ્ચ પ્રોટીન, ફાઇબર, વિટામિન અને લોહ તત્વ જેવા ખનિજો હોય છે. બાજરીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. રો મિલેટમાં ૭૩ ટકા કાર્બોહાઇડ્ેટ,૧૧ ટકા જેટલું પ્રોટીન હોય છે. રાગીમાં તમામ ખાધ્ય અનાજમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે. ભારત જેવા કુપોષણથી પીડાતા દેશમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોના પોષણ માટે આ ભૂલાઇ રહેલા ધાન્યો ઢાલ બની શકે છે. ભારતમાં કેટલાક પોષક અનાજ થાય છે જેમાં બાજરા રાગી (ફિંગર મિલેટ) જવાર (સોરધમ) સમા (છોટા બાજરા) બાજરા (મોતી બાજરા) અને વરિંગા (પ્રોસો મિલેટ) વગેરે સામેલ છે. બાજરી પ્રકારના ધાન્યો દુનિયામાં લગભગ ૧૩૧ દેશોમાં ઉગાડવામાં આવે છે. એશિયા અને આફ્રિકામાં લગભગ ૬૦ કરોડ લોકોનો પરંપરાગત ખોરાક છે. આફ્રિકાના નાઇજરિયા,નાઇજર, માલી, બુર્કિના ફાસો,સુડાન, ઇથોપિયા, ચાડ અને સેનેગલ બાજરીના ઉત્પાદન અને વપરાશમાં આગળ પડતા છે. બાજરી પ્રકારના પોષક અનાજો ઇસ પૂર્વ ૩૦૦૦ વર્ષ પહેલા ઉગાડવામાં આવતા હતા.સિંઘુ ખીણની સંસ્કૃતિમાં પણ તેના પ્રમાણો મળે છે. સદીઓથી બાજરીએ ભારતીયોનો મુખ્ય ખોરાક રહયો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ધીમે ધીમે ડાયેટમાંથી દૂર થઇ રહયો છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં વિશ્વના કુલ મિલેટ ઉત્પાદનનું ૨૦ ટકા જેટલું ભારતમાં થાય છે. ભારતમાં ૧૩૮ લાખ હેકટરમાં વાવેતર જયારે ૧૭૩ લાખ ટન ઉત્પાદન થાય છે. રાજસ્થાન બાજરી-જુવાર,કર્ણાટક જુવાર-રાગી,મહારાષ્ટ્ર રાગી, જુવાર, ઉત્તરપ્રદેશ અને હરિયાણા બાજરીના ઉત્પાદન માટે જાણીતા છે.
૧૯૬૫ થી ૭૦ના ગાળામાં અનાજ વર્ગના કુલ ઉત્પાદનમાં બાજરીનો હિસ્સો ૨૦ ટકા હતો જે ઘટીને માત્ર ૬ ટકા રહયો છે. ૨૦૧૯ના આંકડા મુજબ દુનિયામાં ૭૧૮ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર પરંતુ ૮૬૩ લાખ ટન ઉત્પાદન થાય છે. આફ્રીકામાં ૪૮૯ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર અને ૪૨૩ લાખ ટન ઉત્પાદન થાય છે. એશિયામાં ૧૬૨ લાખ હેકટરમાં વાવેતર અને ૨૧૫ લાખ ટન ઉત્પાદન થાય છે. અમેરિકામાં ૫૩ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર પરંતુ ઉત્પાદન ૧૯૩ લાખ ટન જે સારુ એવું છે. એક સમયના આ અદભૂત અનાજોનું વાવેતર હવે ખાધ ખોરાક તરીકે નહી પરંતુ પશુઓના આહાર અને આલ્કોહોલ બનાવવા માટે થાય છે. વાવેતરનો હેતું ઔધોગિક અને વ્યવસાયિક બની ગયો હોવાથી આ પોષક આહાર ધાસચારા પુરતો સિમિત થઇ બની ગયો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી જળવાયુ પરીવર્તને કૃષિપાકોની ઘોર ખોદી નાખી છે. અણધારી ગરમી,ઠંડી અને વરસાદે ખેતીને વધુ પડકારજનક બનાવી દીધી છે. અનાજના રાજા ગણાતા ઘઉંના પાકમાં ૨ થી ૩ ડિગ્રી તાપમાનમાં ફેરફાર થાય ત્યારે ઉત્પાદનમાં ધરખમ ફેરફાર થઇ જાય છે. ઘઉંના ઓછા ઉત્પાદન અને ભાવ વધારાનું સાંભળીને ગરીબ-મધ્યમ વર્ગ પરીવારોના જીવ તાળવે ચોંટી જાય છે. ભાવ વધારાનો લાભ ખેડૂતોને ઓછો અને મળતિયાઓને વધારે મળે છે. ડાંગરના પાકને ભરપૂર પાણીની જરુર પડે છે. પાણીની કસર રહે ત્યારે ખર્ચા પ્રમાણે ચોખાનું ઉત્પાદન મળતું નથી. ભારતમાં અંદાજે ૧૪૦૦ લાખ હેકટર જમીનમાં ખેતી થાય છે. આમાંથી ૧૮૦ જેટલા જિલ્લાઓની ૮૦૦ લાખ હેકટર જમીનની ખેતી વરસાદ આધારિત છે. કુલ વાવણીલાયક વિસ્તારનો લગભગ ૬૦ ટકા ભાગમાં વરસાદ આધારીત ખેતી થાય છે. બાજરીની ખાસિયત છે કે તેના ઉત્પાદન પર જળવાયુ પરીવર્તનની ઓછી અસર થાય છે. બાજરી ગરમી, ઠંડી ઉપરાંત પાણીની અછતને પણ સહન કરી શકે છે. બાજરી સૂકા વિસ્તારમાં,ઓછા વરસાદમાં પણ ઉગી નિકળે છે. સિંચાઇની મર્યાદિત સુવિધા હોય ત્યાં પણ ઉપયોગી છે. બાજરીમાં કાર્બન અને વોટર ફૂટપ્રિન્ટ ઓછું હોય છે. એકંદરે બાજરી, જુવાર,નાગલી, કાંગ વગેરે અનાજો ખાધ સુરક્ષાની દ્વષ્ટીએ પણ સારા પાકો છે. વધતી જતી વસ્તી અને જળવાયુ પરીવર્તનના પરીદ્વષ્યમાં બાજરી, જુવાર અને રાગી જેવા બરછટ અનાજ જ સ્માર્ટ ભોજન સાબીત થવાના છે. ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર ધ સેમી એરિડ ટ્રોપિકસે તો બાજરીને સુપર ફૂડ ગણ્યું છે. બાજરી વર્ગના ધાન્યોની ખાસિયત એ છે કે ઉત્પાદક,ઉપભોગતા અને જળવાયુ ત્રણેય માટે સારા છે. આથી ફૂડ સિકયોરિટી માટે ઘઉંં ઉપરાંત બાજરી જેવા ધાન્ય પાકોથી ખેતરો લહેરાય તે પણ જરુરી છે. એરંડા,કપાસ અને તમાકુ જેવા રોકડિયા પાકો (કેસ ક્રોપ)ની સાથે ધાન્ય પાકો એટલા જ મહત્વના છે.
ઇન્ટરનેશનલ મિલેટ યર -૨૦૨૩માં લોકોને બાજરીની વિવિધ વાનગીઓ પણ બનાવતા શીખવું પડશે. બાજરીના રોટલાને દેશી પીત્ઝા જેવો દરજજો આપવો પડશે. ઘઉંંની જેમ બાજરી-જુવારના બિસ્કિટ પણ બનાવવા પડશે. મિલેટ ફોર હેલ્થ જેવા જાગૃતિ કાર્યક્રમોની સાથે વધુને વધુ લોકોને જોડવા પડશે. બાજરીના વાવેતરમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સામે સરકારે સવલત આપવી પડશે. લોકો બાજરીનો ભાવ ઝીણી આંખે જોતા થાય તેવું માર્કેટ પણ ઉભું કરવું પડશે. એક સમયે બાજરીનો લોટ શેકીને ગોળ,અજમો તથા થોડું ધી નાખીને રાબ તૈયાર કરવામાં આવતી. બાજરીના લોટમાં ઘી-ગોળ નાખીને બાળકોને લાડુ ખવડાવવામાં આવતા. શિતળા સાતમે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ બાજરીના લોટમાંથી કુલેરનો પ્રસાદ બને છે. બાજરીના લોટનો મહિમા રજૂ કરતી આ પૌષ્ટિક કુલેર સામાન્ય દિવસોમાં પણ આરોગવા જેવી છે. એક સમયના અદભૂત ગણાતા અનાજ લાખો લોકોના ભાણામાં સ્થાન પાંમશે તો જ મિલેટ યર સાર્થક ગણાશે.