અઝરબૈજાનના બાકુમાં અમીર અને ગરીબ દેશોને શું વાંકું પડયું?
- મીડ વીક- હસમુખ ગજજર
- ભારત સહિતના 130થી વધુ વિકાસશીલ દેશો અને જી 77માં જોડાયેલા ચીને જળવાયુ પરિવર્તનના સામનો કરવા માટે અમીર દેશો પાસેથી 600 થી 1300 અબજ ડોલરની માંગણી કરી હતી.
જ ળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અઝરબૈજાનના પાટનગર બાકુમાં સંયુકત રાષ્ટ્રસંઘનું જળવાયુ સંમેલન 'કો૫ ૨૯ 'તાજેતરમાં મળ્યું હતું. યુએનના જળવાયુ પરિવર્તન ફ્રેમવર્ક કન્વેંશન દ્વારા આયોજિત 'કોન્ફ્રન્સ ઓફ ધ પાર્ટિઝન'ને ટુંકમાં 'કૉપ' કહેવામાં આવે છે. ૧૧ થી ૨૩ નવેમ્બર સુધી ચાલેલા આ કૉપ ૨૯ સંમેલનમાં ગરીબ (વિકાસશીલ) અને અમીર (વિકસિત) દેશો વચ્ચેના મતભેદો ફરી એક વાર સપાટી પર આવ્યા હતા. સંમેલનમાં વાટાઘાટો પડી ભાગવાની સ્થિતિ ઉભી થઇ, ભાગ લેનારા પ્રતિનિધિઓએ મીટિંગમાંથી વૉક આઉટ કર્યુ અને તીખા શબ્દબાણ પણ ચલાવ્યા. ગરીબ દેશોનું કહેવું હતું કે જળવાયુ પરિવર્તન બાબતે અમીર દેશો ગંભીર જણાતા નથી. 'કૉપ ૨૯' સંમેલનમાં ચર્ચાનો મુખ્ય મુદ્વો કલાયમેટ ફાયનાન્સનો હતો જેમાંથી જ અમીર અને ગરીબ દેશો વચ્ચે વાંકુ પડયું હતું. કલાયમેટ ચેંજ માટે વિકસિત દેશોએ વાર્ષિક ૩૦૦ અબજ ડોલરની મદદની જાહેરાતને વિકાસશીલ દેશોએ સાવ નગણ્ય ગણાવી હતી. કેટલાક દેશોએ તો અઝરબેજાન ખુદ મોટો તેલ અને ગેસ ઉત્પાદક દેશ હોવાથી જળવાયુ પરિવર્તનની ગંભીરતાને સમજવા માટેનું સામર્થ્ય નહી ધરાવતો હોવાનો આરોપ મુકયો હતો. બાકુમાં સંમેલન યોજવા અંગે પર્યાવરણવાદી અને કલાયમેટ એકિટવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ટીકા કરતી રહી હતી.
ભારત સહિતના ૧૩૦થી વધુ વિકાસશીલ દેશો અને જી ૭૭માં જોડાયેલા ચીને જળવાયુ પરિવર્તનના સામનો કરવા માટે અમીર દેશો પાસેથી ૬૦૦ થી ૧૩૦૦ અબજ ડોલર સુધીની માંગણી કરી હતી. અમીર દેશોની દલીલ હતી કે વિકાસશીલ દેશોએ પણ પોતાના તરફથી યોગદાન આપવું જરુરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને સમજુતીને ઐતિહાસિક અને યુરોપિય સંઘના જળવાયુ દૂત વોપ્કે હોકસ્ત્રાએ નવા યુગની શરુઆત ગણીને વધાવી હતી. બે સપ્તાહની મેરથોન ચર્ચાના પરિપાક રુપે લગભગ ૨૦૦ દેશોએ આર્થિક સમજુતીના કરાર પર સહી કરી હતી. ખૂબ માથાપચ્ચી પછી ૩૦૦ અબજ ડોલર રકમ નક્કી થઇ જે યુએનની ૩૯૦ અબજ ડોલરની ભલામણ કરતા ઘણી ઓછી હતી. નવી સમજુતી હેઠળ ૧૩ ખરબ ડોલર વર્ષે ઉઘરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેમાંની મોટી રકમ ખાનગી ફંડમાંથી આવશે. ગત વર્ષ દુબઇમાં યોજાયેલા કોપ ૨૮માં જીવાશ્મ ઇંધણનો ઉપયોગ બંધ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો તેને લગતી સમજૂતી બાકુ સંમેલનમાં હાંસિયામાં ધકેલાઇ ગઇ હતી. જળવાયુ પરિવર્તન જેવા પેચિંદા મુદ્વે ગરીબ અને અમીર દેશ વચ્ચે મતભેદો અને અવિશ્વાસની ખાઇ વધતી જાય છે. અમેરિકા અને યુરોપિયન સંઘે સ્પષ્ટતા કરી હતી કે ભૂ રાજનીતિક પરિસ્થિતિ અને આર્થિક સંકળામણ જોતા આના કરતા વધુ રકમ આપવી શકય નથી. અત્યાર સુધી ઇયુ અને તેના સદસ્ય દેશોએ કલાયમેટ ફાઇનાન્સમાં સૌથી વધુ નાણા આપ્યા છે. ૨૦૨૩માં ઇયુનું યોગદાન ૨૮.૬ અબજ યુરો હતું.
જળવાયુ પરિવર્તન પૃથ્વીની સૌથી મોટી સમસ્યા બની ગઇ છે ત્યારે કૉપ ૨૯માં ચર્ચાના કેન્દ્રમાં રહેલો કલાયમેટ ફાયનાન્સનો મુદ્વો સમજવા જેવો છે. ૨૦૧૫માં પેરિસ સમજૂતીમાં એવું નકકી થયું હતું કે જળવાયુ પરિવર્તનના લીધે વિકાસશીલ દેશોને જે નુકસાન થઇ રહયું છે તેની દર વર્ષે નાણા સ્વરુપે ભરપાઇ વિકસિત દેશો કરશે. જે અંર્તગત ભારત, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશો જળવાયુ પરિવર્તન માટે જવાબદાર જીવાશ્મ ઇંધણ છોડીને રિન્યુએબલ એનર્જી અપનાવે તેનો પણ સમાવેશ થતો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે વિકાસશીલ દેશોને ૧૦૦ અબજ ડોલર ફાળવવામાં આવતા હતા. આ રકમમાં વધારો કરીને ૩૦૦ અબજ ડોલર કરવામાં આવી હતી. આમ જોવા જઇએ તો પહેલાની રકમ કરતા ૩ ગણી વધારે છે તેમ છતાં રકમ અપૂરતી ગણાવીને ગરીબ દેશો નારાજ થયા હતા. ૪૫ ગરીબ દેશોના સમૂહે કોપ૨૯ના નિર્ણયો અને પરિણામોને વિશ્વાસઘાત જેવા ગણાવ્યા હતા. ભારતે પણ કૉપ ૨૯ સંમેલનમાં આગેવાની લઇને મુદ્વાને ગંભીરતાથી રજૂ કર્યો હતો. ગરીબ દેશોનો મત હતો કે આ પ્રકારની સમજુતીથી ગ્લોબલ વોર્મિગ પર નિયંત્રણ આવી શકશે નહી તેમજ નબળા દેશોને પણ કોઇ મદદ મળશે નથી. આટલી નજીવી રકમ ફાળવવાથી પર્યાવરણની સમસ્યાનો કોઇ જ ઉકેલ નહી આવે,વિકસિત દેશો પોતાની જવાબદારીમાંથી છટકી રહયા છે તે ચલાવી લેવાશે નહી.
ગરીબ આફ્રિકી દેશ સિએરા લિયોનના પર્યાવરણમંત્રી જિવોહ અબ્દુલઇએ વિકસિત દેશોની દાનત પર શંકા કરી જયારે નાઇજીરિયાના પ્રતિનિધિ નિકિરુકા મડુકવેએ ૩૦૦ કરોડના પેકેજને અપમાનજનક ગણાવ્યું હતું. ૭૭ વિકાસશીલ દેશો અને ચીન ગઠબંધનનું માનવું હતું કે ઉત્સર્જન ઓછંુ કરવા માટે ગરીબ દેશો કરતા અમીર દેશોએ વધારે જવાબદારી લેવી જોઇએ. સૌ પહેલા તો અમેરિકા અને અન્ય ઔધોગિક દેશોએ જળવાયુ માટે ઝડપથી પગલા ભરવાની જરુર છે. નાના ટાપુ દેશો વધતી જતી દરિયાઇ પાણીની સપાટીથી ચિંતિત બન્યા છે. નાના ટાપુ દેશોએ કલાયમેટ ફાયનાન્સનો ઉપયોગ જીવાશ્મ ઇંધણોનો ઉપયોગ ધીમે ધીમે સંપૂર્ણ બંધ કરવા પર ભાર મુકયો હતો. બ્રિટને ૨૦૩૫ સુધીમાં ૧૯૯૦ની સરખામણીમાં ઉત્સર્જન ૮૧ ટકા જેટલુ ઘટાડશે એવું સકારાત્મક વચન આપ્યું હતું. આ લક્ષ્ય પેરિસ સમજુતી હેઠળ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્રાપ્ત કરવાની દિશામાં ખૂબ મહત્વનું છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પોતાના દેશમાં આવેલા વિનાશક પૂરનું ઉદાહરણ આપીને પ્રાકૃતિક આફતો ના વધે તે માટે પેરિસ સમજૂતીના વાયદાનું પાલન કરવું જરુરી ગણાવ્યું હતું.
યુએસના નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને જળવાયુ પરિવર્તન પરની વૈશ્વિક કરારો ખાસ કરીને પેરિસ સમજૂતી અને સંયુકત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેંશનમાં રાખશે કે નહી તે અંગે અત્યારથી જ શંકાના વાદળો ઘેરાયા છે. જો બાયડેન પેરિસ જળવાયુ સંધીના સમર્થક રહયા છે.
૨૦૩૦ સુધીમાં ગ્રીનહાઉસ ગેસોનું ઉત્પાદન વર્ષ ૨૦૦૫ની સરખામણીમાં ૫૦ થી ૫૨ ટકા જેટલું ઘટાડવાનો મત ધરાવે છે એટલું જ નહી ૨૦૩૫ સુધીમાં ૧૦૦ ટકા કાર્બન પ્રદૂષણ મુકત વિધુત ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે પરંતુ તેમનો કાર્યકાળ પુરો થવામાં છે અને નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અક્ષય ઉર્જા, ઇલેકટ્કિ વાહન યોજનાઓ બાબતે ખાસ રસ ધરાવતા નથી એવા સંકેત આપ્યા છે આવા સંજોગોમાં જળવાયુ પરિવર્તન જેવા મુદ્વે આગળ વધવામાં અનેક અવરોધો ઉભા થઇ શકે છે. ચીન, અમેરિકા, ભારત અને ઇન્ડોનેશિયા ૪ મોટા પ્રદૂષક દેશો વૈશ્વિક ઉત્સર્જનમાં ૭૦ ટકા કરતા વધુ જવાબદાર છે. વૈશ્વિક કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. ગ્લોબલ કાર્બન પ્રોજેકટ ડેટા અનુસાર તેલ, ગેસ અને કોલસાનું ઉત્સર્જન ૨૦૨૪માં ૦.૮ ટકા વધીને ૩૭.૪ અબજ ઘન ટન સુધી પહોંચ્યું છે. ૨૦૨૩માં પણ જીવાશ્મ ઇંધણ ઉત્સર્જનનો રેકોર્ડ થયો હતો.
સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ૨૦૧૬માં ૧૮૦ ગીગાવોટ હતું જે વધીને હવે ૬૦૦ ગીગાવોટ સુધી પહોંચ્યું હોવા છતાં પર્યાવરણ બચાવવાના હાલના પ્રયાસો પાશેરાની પહેલી પૂણી સમાન છે. નવીન ઉર્જાસ્ત્રોતો અને ઇલેકટ્રિક વાહનોમાં વૃધ્ધિ થઇ રહી છે તેની સાથે જીવાશ્મ ઇંધણથી થતું કાર્બન ઉત્સર્જન પણ વધી રહયું છે. ગ્લોબલ કાર્બન પ્રોજેકટ દ્વારા ડેટામાં જીવાશ્મ ઇંધણ પર વધતી જતી નિર્ભરતાને સૌથી મોટો પડકાર ગણાવી છે. વિશ્વમાં જળવાયુ પરિવર્તનના પગલે દુષ્કાળ,પૂર અને ચક્રવાત જેવી આફતોમાં વધારો થયો છે. અતિ ગરમીના પગલે વિષમ આબોહવાએ જળચક્રને ખલેલ પહોંચાડી છે. સંયુકત રાષ્ટ્રસંઘે વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી રાખવાની વાત કરી હતી તેમાં હવે દુનિયામાં ૨.૬ થી ૩.૧ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવા પર છે. ઇકો સિસ્ટમમાં અનિચ્છનિય ફેરફારના પગલે લાખો વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી જીવ પ્રજાતિઓ જોખમમાં મુકાઇ છે.વિશ્વમાં છેલ્લા ૨૦ વર્ષમાં આવેલી ૧૦ મોટી કુદરતી આફતોએ પ લાખથી વધુનો ભોગ લીધો છે. દુનિયાનો કોઇ ખૂણો કલાઇમેટ ચેન્જની અસરમાંથી અછૂત રહયો નથી. અમીર હોય કે ગરીબ સૌ પૃથ્વી પર રહે છે અને પૃથ્વીને જ બચાવી લેવાની વાત છે ત્યારે સૌએ જવાબદારી ઉઠાવવાનો સમય પાકી ગયો છે.