યુએસના સાઇપન ટાપુમાં ચાઇનીઝ પ્રવાસીઓના વિઝા ફ્રી પ્રવેશનું રહસ્ય

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
યુએસના સાઇપન ટાપુમાં ચાઇનીઝ પ્રવાસીઓના વિઝા ફ્રી પ્રવેશનું રહસ્ય 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- અમેરિકાના પોતાના અધિકારક્ષેત્રમાં આવતા 'નોર્ધન મેેરિયાના આઇલેન્ડસ'ના સાઇપન જેવા ટાપુઓ ચીનના ઇકોનોમિક પાવરનો ભોગ બન્યા હોવાથી યુએસમાં એક લોબી સતત ચિંતા કરતી રહી છે. યુએસ ટાપુઓ પર ચીની પ્રવાસીઓના વિઝા સમાપ્ત કરી દેવાનું પણ દબાણ થતું રહે છે. કેટલાકને શંકા રહે છે કે ચીનના જાસૂસો પણ પ્રવાસી બનીને આવી શકે છે.

પ શ્ચિમી પ્રશાંત મહાસાગરમાં સાઇપન નામનો એક ટાપુ આવેલો છે. બીજા વિશ્વયુધ્ધ પછી આ ટાપુ પર અમેરિકાનું નિયંત્રણ છે. સાઇપન અમેરિકાના નોર્ધન મેેરિયાના આઇલેન્ડસ (સીએનએમઆઇ) કોમનવેલ્થનો જ એક ભાગ છે.  ૧૯ કિમી લાંબો અને ૯ કિમી પહોળો  સાઇપન ટાપુ ગુઆમના ઉત્તરેથી ૪૪ માઇલ દૂર પ્યુટોરિકાની માફક જ એક સ્વાયત પ્રદેશ છે. સાઇપનના સુંદર દરિયાકિનારા, પરવાળાના ખડકો અને લીલાછમ્મ ઉષ્ણકટિબંધિય લેન્ડસ્કેપ્સ સહિતના કુદરતી દ્વષ્યો પ્રવાસીઓને આકર્ષતા રહે છે.૧૯૭૫માં આ ટાપુના રહેવાસીઓએ યુનાઇટેડ સ્ટેટસના પ્રદેશ તરીકે જોડાવા માટે મત આપ્યો હતો. વર્તમાનમાં યુએસના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં આ પ્રદેશનો કાયમી પ્રતિનિધિ રહે છે.

વિકિલિકસના સ્થાપક ઓસ્ટ્રેલિયન નાગરિક જુલીયન અસાજે પર અમેરિકાના ગુપ્ત અને સંવેદનશીલ દસ્તાવેજ લીક કરવાનો આરોપ હતો. યુએસના ન્યાયાલય વિભાગે ગુનો કબૂલી લેવાની શરત સાથે અસાજને લંડનની જેલમાંથી મુકત કરાવ્યો હતો.આને લગતા કેસની સાઇપન ટાપુ પરની જિલ્લા અદાલતમાં સુનાવણી થતા અંતરિયાળ ગણાતો ટાપુ ચર્ચામાં આવ્યો છે. નોર્ધન મેેરિયાના આઇલેન્ડસ અંર્તગતના ૧૪ ટાપુઓમાં સાઇપન સૌથી સમૃધ્ધ અને વિકસિત છે. નોર્ધન મેેરિયાના આઇલેન્ડસનું વહિવટી કેન્દ્ર પણ છે. સાઇપન કોમર્શિયલ ડોક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ધરાવે છે. મેેરિયાના આઇલેન્ડસમાં સાઇપન, રોટા અને ટીનિયન ટાપુઓ પર જ મુખ્યત્વે વસ્તી રહે છે. જયાં યુએસ મિલિટરી બેઝ વિસ્તારનો સમાવેશ થાય છે તે ટીનિયન સાઇપન ચેનલથી ૮ કિમી જેટલો દૂર છે. ૨૦૨૦ની અમેરિકી જનગણના મુજબ એનએમઆઇ ટાપુઓની કુલ  વસ્તી ૯૪૩૬૦ છે જેમાં સાઇપન ટાપુ પર સૌથી વધુ ૪૩૩૮૫ લોકો રહે છે.

અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક યુધ્ધ ચાલે છે. જીયો પોલિટિકસમાં બંને એક બીજાની આમને સામને રહયા છે જો કે સાઇપન યુનાઇટેડ સ્ટેટનો એક એવો હિસ્સો છે જયાં ચીની નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. આ વિઝા ફ્રી એન્ટ્રીની શરુઆત છેક વર્ષ ૨૦૦૫માં થઇ હતી. એ સમયે ચીની નાગરિકોને ૪૫ દિવસની વિઝા વગર એન્ટ્રી મળતી હતી પરંતુ હવે ઘટાડીને ૧૪ દિવસની કરવામાં આવી છે. સાઇપનમાં પરવડે તેવા ટૂર પેકેજ, ચાઇનીઝ વિઝા માફીની સવલત, ચીન સાથે ટાપુની નિકટતા અને મોટી ચાઇનીઝ વંશીય વસ્તીના લીધે  યુએસના પ્રદેશો કરતા ચાઇનીઝ પ્રવાસીઓને વધુ આકર્ષે છે. સ્થાનિક મોમ એન્ડ પોપ સ્ટોર્સથી લઇને વૈભવી રિસોર્ટસ સુધી દરેક સ્તરે સીએનએમઆઇની અર્થ વ્યવસ્થામાં ચાઇનીઝ પ્રભાવ જોવા મળે છે. આસપાસનું એશિયા પેસિફિક ક્ષેત્ર યુએસના સૈન્ય શકિત પરીક્ષણ માટે મહત્વનું છે પરંતુ સાઇપન અને રોટા જેવા ટાપુઓ ચીની પ્રવાસનનું કેન્દ્ર રહયા છે.ચીનના અર્થતંત્રએ છેલ્લા ૩૦ વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે. આર્થિક વિકાસના પગલે મીડલ ક્લાસ પ્રવાસીઓનો મોટો વર્ગ ઉભો થયો છે. જે વિદેશ પ્રવાસના નામે સાઇપન જેવા ટાપુઓ પર ફરવા આવે છે. ચીનના મોટા ભાગના પ્રવાસીઓ સિયોલ અને ટોકયો થઇને મારિયાનાસ આઇલેન્ડ તરફ જતા હોય છે. ચીની પ્રવાસીઓ સ્વિમિંગ, સ્કુબા ડાઇવિંગ અને હાઇકિંગ જેવી પ્રવૃતિઓ કરતા નજરે પડે છે. નાઇટ સ્પોટ્સ, શોપિંગ, સ્મારકો અને ગોલ્ફ કોર્સમાં પણ જોવા મળે છે. ચીન પછી દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકો પણ પ્રવાસન માટે આવે છે. સાઇપન જ નહી સીએનએમઆઇ તરીકે ઓળખાતા 'કોમનવેલ્થ ઓફ ધ મેરિયાના આઇલેન્ડસ'માટે પણ ચીન આર્થિક જીવાદોરી સમાન છે. ચીની નાગરિકોના મુકત આવન જાવનનું કારણ  પ્રવાસનની આવક પરની નિર્ભરતા છે. સાઇપન ટાપુ નાની મોટી ટેકરીઓ અને ડુંગરા ધરાવે છે. મારિયાનાસ વિઝિટર ઓથોરિટીના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૩માં ૧૨૪૩૬ મુલાકાતીઓની સરખામણીમાં જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં સાઇપન,ટિનિયન અને રોટા ટાપુ પર આવનારા પ્રવાસીની સંખ્યા ૯૨ ટકા વધીને ૨૩૮૩૦ થઇ હતી. જો કે જાન્યુઆરી ૨૦૨૦ના કોવિડ રોગચાળા પહેલાની સ્થિતિ કરતા સંખ્યા હજુ પણ ૪૩ ટકા ઓછી છે.

અમેરિકાના પોતાના અધિકારક્ષેત્રમાં આવતા નોર્ધન મેેરિયાના આઇલેન્ડસના સાઇપન જેવા ટાપુઓ ચીનના ઇકોનોમિક પાવરનો ભોગ બન્યા હોવાથી યુએસમાં એક લોબી સતત ચિંતા કરતી રહી છે. યુએસ ટાપુઓ પર ચીની પ્રવાસીઓના વિઝા જ સમાપ્ત કરી દેવાનું પણ દબાણ થતું રહે છે. કેટલાકને શંકા રહે છે કે ચીનના જાસૂસો પણ પ્રવાસી બનીને આવી શકે છે. ચીની નાગરિકોને યુએસમાં પ્રવેશવા માટેનું પાછલું બારણું છે. અમેરિકી મીડિયામાં એવો પણ અહેવાલ પ્રગટ થયો હતો કે કે ચીની નાગરિકો સાઇપનથી બોટમાં બેસીને ગુઆમ તરફ જતા રિટિડિયન પોઇન્ટ પર ઉતરતા હતા. આ પોઇન્ટની નજીક જ યુએસનો એન્ડરસન એરફોર્સ બેઝ આવેલો છે. સાઇપનના મોટા ભાગના આર્થિક રોકાણો એશિયન દેશો અને પેસિફિકમાંથી આવે છે જેમાંથી ચીનની નિર્ભરતા ઘટાડવી યુએસ માટે સુરક્ષાની દ્વષ્ટીએ પણ મહત્વની છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે બાંધકામ સાઇટ પર કામ કરાવવા માટે ચીનથી ગેરકાયદેસર ઇમિગ્રેન્ટસને લાવવામાં આવતો હોવાનો આરોપ મુકયો હતો. 

યુએસ સરકારે ચીનના બજારની નિર્ભરતા ઘટાડવા ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ અને તાઇવાન જેવા દેશોના પ્રવાસીઓને પ્રોત્સાહન આપવાની માંગ પણ ઉઠતી રહી છે. સ્થાનિક માલિકીની હોટલો અને વ્યવસાયોને મદદ અને સમર્થન મળવાની પણ સલાહો આપવામાં આવે છે. કેટલાક તો પ્રવાસનના સ્થાને અર્થ વ્યવસ્થા મત્સ્ય ઉધોગ, દરિયાઇ સંશોધનો,ખેતી અને ખનીજ પર શિફટ કરવાની વાત કરે છે.દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોની કંપનીઓને આકર્ષવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વ્યવસાયિક પહેલ પર પણ ભાર મુકવામાં આવે છે. સીએનએમઆઇના ગવર્નર આર્નોલ્ડ પેલેસિયોસ ગત જાન્યુઆરીમાં આ મુદ્વે વોશિંગ્ટનને રજૂઆત પણ કરી હતી. 

જો કે વાસ્તવિકતા એ છે કે સાઇપનના જીડીપીનો ૭૨ ટકા હિસ્સો પ્રવાસનની આવક છે. કોરોના મહામારી દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઘટી જતા આર્થિક રીતે ભારે ફટકો પડયો હતો. 

સાઇપનનું નામ 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 'માં દુનિયાના સૌથી સ્થિર તાપમાન ધરાવતા સ્થળ તરીકે નોંધાયેલું છે. સાઇપન ટાપુ પર વધુમાં વધુ તાપમાન ૩૧.૪ ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી સેલ્સિયસ રહે છે. ગરમ તાપમાન સાથે ઉષ્ણકટિબંધિય (ટ્રોપિકલ) આબોહવા સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. ઇન્ટરનેશનલ સ્ટેશન મિટિરિયોલોજિકલ કલાયમેટ સમરીના રેકોર્ડ મુજબ સાઇપન અને નોર્ધન મારિયાના ટાપુઓમાં આબોહવા અને સરેરાશ વાર્ષિક હવામાન ભેજવાળુ, ગરમ અને વાદળછાયું રહે છે. જાન્યુઆરી અને ફેબુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી જયારે ગુરુત્તમ ૨૬ ડિગ્રી જેટલું રહે છે. આ બંને મહિનામાં કુલ ૨૪ દિવસ વરસાદ પડે છે. માર્ચ એપ્રિલ અને મે માં પણ તાપમાન ૨૭ થી ૨૨ ડિગ્રી હોય છે. જુનથી નવેમ્બર સુધી વધુમાં ઉંચું તાપમાન ૨૮ જયારે લઘુત્તમ ૨૩ ડિગ્રી રહે છે. ડિસેમ્બરમાં પણ આજ પરિસ્થિતિ અકબંધ રહે છે.  જુનથી ઓકટોબર સુધી વરસાદના દિવસો વધારે હોય છે. હવામાન ભેજવાળુ રહેતું હોવાથી બહારથી આવનારાએ તેનાથી ટેવાતા વાર લાગે છે.

સાઇપન માત્ર પ્રાકૃતિક સુંદરતા જ નહી એક સમૃધ્ધ ઇતિહાસ પણ ધરાવે છે. ઇસ ૧૫૬૫ થી ૧૮૯૯ સુધી સ્પેનિશ સાર્વભૌમત્વ હેઠળ હતો. ૧૮૯૯ થી ૧૯૧૪ સુધી જર્મન શાસન હેઠળ  આવ્યું હતું. ૧૯૨૦માં જાપાનના કબ્જામાં આવ્યું હતું. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન યુએસની આગેવાની હેઠળના સાથીઓએ ટાપુ પર જુન-જુલાઇમાં આક્રમણ કર્યુ હતું.પેસિફિક વિસ્તારમાં મંચ પર સૌથી ભીષણ જમીની લડાઇઓમાંની એક હતી. જેમાં અમેરિકાના અંદાજે ૩૫૦૦ જયારે જાપાનના ૩૦૦૦૦ સૈનિકોના મુત્યુ થયા હતા.હજારો જાપાની નાગરિકો  ભયના માર્યા દ્વીપના ઉત્તર તરફના દરિયામાં કુદી પડયા હતા. સાઇપનમાં ઐતિહાસિક સ્થળ તરીકે અસંખ્ય બંકરો અને યુધ્ધ સ્મારકો સચવાયેલા છે.યુએસના આક્રમણ સામે પોતાનો બચાવ કરવા માટે જાપાનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા કિલફ સાઇડ બંકરના પણ અવશેષો છે. સુસાઇડ કિલફ અને બંઝાઇ કિલફ બંને સાથેના સ્મારકો વિશ્વશાંતિનું મહત્વ સમજાવે છે. લોકો જાપાની સૈનિકો અને નાગરિકોના સમર્પિત જીવનને યાદ કરે છે. આમ તો અમેરિકા અને ચીનને વીઝા અને એજયુકેશન બાબતે ઘણા મતભેદ છે પરંતુ સાઇપનમાં પ્રવાસનની આવકના લીધે ચીની નાગરિકોને પ્રવેશ એક મજબૂરી સમાન રહી છે. પેસિફિક વિસ્તારના સંરક્ષણ અને ભૂભૌમિતિક મહત્વને જોતા અમેરિકાએ આજે નહી તો કાલે મજબૂરી છોડીને પ્રવાસન માટે ચીન ઉપરાંતના વિકલ્પની ઝડપથી શોધ કરવી પડશે. 


Google NewsGoogle News