Get The App

સીરિયામાં બશરનું બકરું કાઢતા જોલાનીનું ઊંટ ઘૂસવાનો ડર?

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
સીરિયામાં બશરનું બકરું કાઢતા જોલાનીનું ઊંટ ઘૂસવાનો ડર? 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- બશર અલ-અસદ શાસનનો અંત રશિયા અને ઇરાનની મધ્યપૂર્વમાંથી પીછેહઠ છે પરંતુ સત્તા પરિવર્તન સીરિયન લોકોની સુરક્ષા અને સુખાકારીની કોઇ જ ગેરંટી આપતું નથી.

વિ દાય લઇ ચુકેલા ૨૦૨૪ના વર્ષના ડિસેમ્બર મહિનામાં સીરિયામાં અચાનક થયેલા તખ્તાપલટથી મધ્યપૂર્વના રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. છેલ્લા ૨૪ વર્ષથી જળોની જેમ ચીટકેલા તાનાશાહ રાષ્ટ્રપતિ બશર અલ-અસદે દેશ છોડીને રશિયામાં આશરો લીધો છે. ગત નવેમ્બરના અંતમાં સીરિયામાં કટ્ટર વિદ્રોહી જૂથોના સંગઠને જે ઉપાડો લીધો તેનું આવું ચોંકાવનારું પરિણામ મળશે એની તો કોઇએ કલ્પના પણ કરી ન હતી. બશરના નબળા વહીવટ અને નિર્ણયોને લીધે સીરિયામાં ૧૩ વર્ષ ગૃહયુધ્ધ ચાલ્યું જેમાં ૫ લાખથી વધુ લોકો હોમાયા હતા. અંદાજે ૧૦ લાખ જેટલા વિસ્થાપિતો ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા હતા. બશરે રાજકીય વિરોધીઓને સબક શીખવવા સૈડનાયા નામની કુખ્યાત જેલમાં વર્ષો સુધી પુરીને અત્યાચારો કરેલા તેની કહાનીઓ બહાર આવી રહી છે. તખ્તાપલટ પછી સ્થાનિક લોકોમાં એટલો ગુસ્સો જોવા મળતો હતો કે રાજધાની દમિશ્કમાં ભાગેડુ અસદના આલીશાન નિવાસસ્થાનને ખંડેરમાં ફેરવી નાખ્યું હતું. વિદ્રોહીઓએ બશર અલ-અસદના પિતા સ્વ હફીદ અલ-અસદના મકબરાને ગૃહનગર કરદાહામાં આગ ચાંપી હતી. બશર અલ-અસદે વર્ષ ૨૦૦૦થી સીરિયાના રાષ્ટ્રપતિ તરીકે એક હથ્થુ શાસન કર્યુ હતું. અગાઉ બશરના પિતા હફીઝ અલ અસદે ૨૯ વર્ષ સીરિયા પર રાજ કર્યુ હતું તે જોતા અસદ પરિવારના ૫૦ કરતા વધુ સમયના શાસનમાંથી મુકિત મળી છે. 

સીરિયામાં ઇસ્લામિક જૂથોએ ૨૦૧૫માં માથુ ઉચકયું ત્યારે રશિયાએ હસ્તક્ષેપ કરીને બશરનું શાસન બચાવ્યું હતું. આ ગૃહયુધ્ધ સમયે અમેરિકા અને સાથી પક્ષો બશરને પદભ્રષ્ટ કરવા તલપાપડ હતા પરંતુ રશિયા ઢાલ બનીને ઉભું રહયું હતું. નવેમ્બર ૨૦૨૪માં વિદ્વોહી જૂથનું નેતૃત્વ કરનાર સંગઠન 'હયાત તહરીર અલ શામ' (એચટીએસ) અલેપ્પો જીતીને દમિશ્ક તરફ આગળ વધી રહયું હતું ત્યારે બશરે રશિયા તરફ મદદની મીટ માંડી પરંતુ મદદ મળી નહી. બશરને ઇરાન તરફથી પણ મદદની અપેક્ષા હતી જે પણ પુરી થઇ નહી. છેવટે બશરે લડાઇ પડતી મુકીને ભાગવાનો માર્ગ પસંદ કર્યો હતો. રશિયા યુક્રેન સાથેની લડાઇમાં જોતરાયેલું છે જયારે ઇરાન પણ હમાસ પરની ઇઝરાયેલની કાર્યવાહી પછી સીરિયામાં સીધો હસ્તક્ષેપ કરવાથી દૂર રહયું હતું. રશિયાની વાત કરીએ તો સીરિયામાં ભલે હસ્તક્ષેપ ના કર્યો પરંતુ ૮ ડિસેમ્બરના રોજ બશર અલ-અસદને સહી સલામત બહાર જરુર કાઢયા હતા. બશર પહેલા તો સીરિયાઇ તટ પર લટાકિયામાં રશિયાના હમીમિમ એરબેઝ પહોંચ્યા હતા ત્યાંથી મોસ્કો જવા રવાના થયા હતા. અઢી દાયકા જેટલા લાંબા શાસન દરમિયાન બશર અલ-અસદ પર સીરિયાની સંપતિ લૂંટવાનો અને ખુદને સમૃધ્ધ કરવાના સંગીન આરોપો છે. વિરોધીઓ માને છે કે બશર ઘણા સમય સુધી ગેરકાયદેસર રીતે કમાયેલી સંપતિ વિદેશ મોકલતા હતા. એક માહિતી મુજબ સીરિયાઇ રાષ્ટ્રપતિએ છેલ્લા ૨ વર્ષના ગાળા દરમિયાન સેન્ટ્રલ બેંકમાંથી લગભગ ૨૫૦ મિલિયન ડોલર (૨૦૦૦ કરોડ રુપિયા) રશિયા મોકલ્યા હતા.

નિષ્ણાતોનું માનવું છે કે બશર અલ-અસદ શાસનનો અંત રશિયા અને ઇરાનની મધ્યપૂર્વમાંથી પીછેહઠ છે પરંતુ સત્તા પરિવર્તન સીરિયન લોકોની સુરક્ષા અને સુખાકારીની કોઇ જ ગેરંટી આપતું નથી. સીરિયામાં ૨૦૧૧માં ગૃહયુધ્ધની શરુઆત થઇ ત્યારે દેશનો જીડીપી ૬૭૫૩.૯૪ કરોડ ડોલર હતો જે ગૃહયુધ્ધ ખતમ થયા પછી માંડ ૮૯૮.૦૧ ડોલર રહયો છે. ૧૩ વર્ષમાં દેશની જીડીપીમાં ૫૮૫૫.૯૩ કરોડ ડોલરનો ઘટાડો થયો છે. આર્થિક રીતે ખતમ થઇ ગયેલા સીરિયાને સ્થિર અને વિકાસશીલ શાસન જ વર્ષોની મહેનત પછી આર્થિક પાટે ચડાવી શકે છે. સીરિયામાં સત્તા હસ્તાંતરણને અમેરિકા પોતાની રણનીતિનું પરિણામ સમજે છે પરંતુ સીરિયામાં બળવાનું નેતૃત્વ કરીને માત્ર ૧૧ દિવસમાં જ સત્તા પરિવર્તન કરીને જે માણસ પાવરફૂલ બન્યો છે તે અબૂ મોહમ્મદ અલ જોલાની આંતકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો ખાસ છે. ૨૦૧૩માં અમેરિકાએ વૈશ્વિક આતંકીઓ જાહેર કર્યા જેમાં જોલાનીનું નામ હતું. તેના પર ૧ કરોડ ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ૨૪ જુલાઇ ૨૦૧૩માં યુએનની સુરક્ષા પરિષદે જુલાનીને આતંકીઓની યાદીમાં જોડયો હતો. જોલાનીએ અલકાયદા ઉપરાંત ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા (આઇએસ)ના લિડર અબૂ બક્ર અલ બગદાદી સાથે પણ કામ કર્યુ છે. જોલાનીનો જન્મ સાઉદી અરબમાં થયેલો છે. તે  ૭ વર્ષનો હતો ત્યારે પિતા અહમદ હુસેન ૧૯૮૯માં પરિવાર સાથે સીરિયા પાછા આવી ગયા હતા. જોલાનીએ ૨૦૦૦ના વર્ષમાં દમિશ્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું ત્યારે ઇસ્લામવાદી કટ્ટરપંથી વિચારધારા ધરાવનારા લોકો સાથે ભેટો થયો હતો. આ સમયગાળામાં ઓસામા બિન લાદેનની લીડરશીપમાં આતંકી સંગઠન અલ કાયદા મિડલ ઇસ્ટમાં પગપેસારો કરી રહયું હતું. ૨૦૦૩માં અમેરિકા ઇરાક પર હુમલો કરવાનું છે તેવી માહિતી મળતા મેડિકલનો અભ્યાસ છોડીને જંગ લડવા ઇરાક જતો રહયો હતો. ઇરાકમાં અલ કાયદાના નેતાઓના સંપર્કમાં આવ્યો હતો.૨૦૦૬માં અમેરિકી સેનાએ પકડીને પાંચ વર્ષ જેલમાં પુરી દીધો હતો.  પાંચ વર્ષ પછી ૨૦૧૧માં જેલમાંથી છુટયા પછી બગદાદી સાથે મુલાકાત થઇ હતી. સીરિયાની ભૂગોળથી સારી રીતે વાકેફ એવા જોલાનીને બગદાદીએ અલ કાયદા સંગઠનના વિસ્તાર માટે સીરિયા મોકલ્યો. જોલાનીએ ૨૦૧૧માં સીરિયામાં અલકાયદાની એક શાખા તરીકે જ જબાત અલ -નૂસરા અથવા તો નુસરા ફ્રન્ટની સ્થાપના કરી હતી. અલ નુસરા ફ્રન્ટનું મુખ્યકામ આત્મઘાતી હુમલાઓ કરીને બશર અલ અસદ સરકારની ઉંઘ હરામ કરવાનું હતું. બગદાદીએ પછીથી ૨૦૧૪માં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ની રચના કરી હતી. બગદાદીએ નવા સંગઠનમાં જોડાવા જોલાનીને આદેશ કર્યો પરંતુ જોલાનીએ સાફ ના પાડી દીધી હતી. જોલાનીએ સીરિયામાં સ્વતંત્ર રીતે સક્રિય રહેવાનું પસંદ કર્યુ હતું. 

૨૦૧૭માં જોલાનીએ એક વીડિયો બહાર પાડીને 'હયાત તહરીર અલ શામ'(એચટીએસ)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. 

કટ્ટરપંથી વિદ્રોહી જુથોનું એક એવું સંગઠન જેને વિદેશની કોઇ પાર્ટી કે સરકાર સાથે સંબંધ ન હતો. એચટીએસનો એક માત્ર ઉદ્દેશ બશર અલ-અસદ સરકારને ઉથલાવવાનો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર જોલાની ૨૦૧૬માં સીરિયામાં ગૃહયુધ્ધ બંધ થયું ત્યારથી પોતાના લડવૈયાઓને સંગઠીત કરી રહયો હતો.  રેઢા ખેતર જેવા સીરિયામાં બહારના સ્વાર્થી જેહાદી જૂથો અને રશિયા, અમેરિકા અને ઇરાન જેવા દેશો ઘૂસવા માટે બશરને જવાબદાર ગણતો હતો. બધાના આશ્ચર્ય વચ્ચે ૨૦૨૧માં તેણે અમેરિકા અને સાથી દેશો સાથે લડવા નહી ઇચ્છતો હોવાની જાહેરાત કરી હતી. જોલાનીએ ચાલ વાપરીને સીરિયામાં બશર સરકારને ઉથલાવવા પ્રયાસ કરનારી દેશી અને વિદેશી શકિતઓને ટાર્ગેટ બનાવતો ન હતો. ૨૦૨૩માં સીરિયામાં આઇએસઆઇસના સૌથી મોટા લિડર અબૂ હુસેન અલ હુસેનીની હત્યામાં પણ નામ આવ્યું હતું. સીરિયામાં જોલાનીની જે સફળતા મળી રહી છે તેમાં ટાઇમિંગનો ખૂબ મોટો ફાળો છે. ૨૦૨૨માં યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરુ થતા રશિયાએ પોતાના સૈનિકોને સીરિયામાંથી બહાર કાઢવા માંડયા હતા. ઓકટોબર ૨૦૨૩થી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જંગ શરુ થતા હમાસ પણ સીરિયામાં ડખલગીરી કરવાથી દૂર રહયું હતું. લેબનોનનું હિજબુલ્લાહ સંગઠન સુપ્રિમ લિડર હસન નસરલ્લાહના મોત પછી નબળંુ જણાતું હતું. આવી સાનુકૂળ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને જોલાનીએ માત્ર ૧૧ દિવસમાં જ સત્તા પરિવર્તન કરીને ઇતિહાસ સર્જયો છે. 

અમેરિકાને સીરિયામાં સારું પરિણામ મળ્યું પરંતુ જેના થકી મળ્યું એમાં રાજી થવા જેવું નથી. બશરને હટાવ્યા પછી જે ખાલીપો ઉભો થયો છે તેમાં બકરું કાઢતા ઊંટ પેસી જાય તેવો ઘાટ સર્જાવાનો પણ ડર છે. ઇસ્લામિક વિદ્રોહીઓના હાથમાં સત્તા અમેરિકા જ નહી સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે. સીરિયામાં અલ્પ સંખ્યક જેમ કે કુર્દ, શિયા, ગ્રીક, આર્મેનિયાઇ રુઢિવાદી, ઇસાઇ અને ડૂઝ સમુદાય પણ રહે છે. સીરિયાના અલ્પ સમુદાયોને સુન્ની કટ્ટરપંથી શાસન આવવાનો ડર હંમેશા સતાવતો રહયો છે. ૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ હમા શહેર પર કબ્જો કર્યા પછી તેનું જોલાનીનું અસલી નામ અહમદ અલ શારા હોવાનું એચટીએસે જાહેર કર્યુ હતું. સફળ બળવા પછી એચ ટીએસના સુપ્રિમ લિડર અબૂ મોહમ્મદ અલ જોલાનીએ દમિશ્કની ૧૩૦૦ વર્ષ જુની પવિત્ર મસ્જિદ ઉમય્યદ પાસેના સંબોધનમાં સીરિયા બધાનું છે અને કોઇની સામે બદલો લેવામાં નહી આવે તેવી જાહેરાત કરીને ઉદારવાદી ચહેરો રજૂ કર્યો હતો. સત્તામાં સૌની ભાગીદારીની પણ વાત કરી છે. જોલાનીએ ઇરાનને પણ ચેતવણી આપી છે કે વાયા સીરિયા થઇને લેબનોનમાં હિજબુલ્લાહને હવે મદદ કરી શકશે નહી. જોલાની હાલમાં સીરિયાની અંતરિમ સરકારમાં સૌથી શકિતશાળી માણસ ગણાય છે. મધ્યપૂર્વની અમેરિકી લોબી જોલાનીના સતત સંપર્કમાં છે. પશ્ચિમી મીડિયા માને છે કે અલ કાયદા સાથે સંપર્ક છોડયા પછી જોલાનીમાં પરિવર્તન આવ્યું છે. જો કે તેની જેહાદી માનસિકતા કેટલી ગઇ છે તે તો આવનારો સમય જ કહી શકશે. અમેરિકાએ પૂર્વી સીરિયામાં કથિત ઇસ્લામિક સમૂહનો મુકાબલો કરવા માટે ઇમરજન્સી ટાસ્કફોર્સને નહી ખસેડવાની જાહેરાત કરી છે. થોડાક દિવસો પછી વર્તમાન અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાયડેન વિદાય લઇ રહયા છે. તેમના સ્થાને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળવાના છે ત્યારે નવા પ્રમુખની મધ્યપૂર્વ અને સીરિયા નીતિ પર પણ દારોમદાર રહેલો છે. 


Google NewsGoogle News