પરિવર્તન સંસારનો નિયમ છે .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- ગાડીના કલર પર વિવાદ વકરી ગયો, પ્રવીણભાઈ સફેદ કલર અને અયાન ડાર્ક બ્લ્યુ કે બ્રાઉન કલરની ગાડી પસંદ કરતો હતો
'બે ટા, મારી સ્ટેટ બેંકમાં મુકેલી ફિક્સ ડીપોઝીટ હવે પાકીને વ્યાજ સાથે પંદર લાખની થઇ ગઈ છે. હવે મારે તેને ફિક્સમાં મુકવા નથી, શું કરશું ?' પ્રવીણભાઈએ પોતાના ડોક્ટર પુત્ર મનોજને પ્રશ્ન કર્યો. 'મારે જરૂર નથી, તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરો.' ડોક્ટર મનોજે જવાબ આપતા કહ્યું. તેની પ્રાઈવેટ પ્રેક્ટીસ સારી ચાલતી હતી. વળી તેની પત્ની માલતીને પણ બેંકમાં ઓફિસર હોવાથી પગાર સારો હતો. 'મારી મોટર હવે જૂની થઇ ગઈ છે, મારી ઈચ્છા તેને બદલીને નવી મોટર લેવાની છે.' પ્રવીણભાઈએ કહ્યું.
'પપ્પા, તમને અઠયાસી વરસ તો થયા, હવે નવી મોટર ? તમને ચલાવતા પણ તકલીફ પડે છે.' મનોજે જવાબ આપતા કહ્યું. 'તારી વાત સાચી છે, મને સંભળાય છે ઓછું અને ચલાવતા હાથ ધ્રુજી જાય છે, પણ ધીમે ધીમે ચલાવતા વાંધો નથી આવતો. મારે ક્યા હાઈવે પર ડ્રાઈવિંગ કરવા જવું છે.' પ્રવીણભાઈએ જવાબ આપ્યો.
'સારું પપ્પા, તમારી ઈચ્છા.' મનોજે પપ્પાની ઈચ્છાને માન આપતા કહ્યું, પણ તેને વયોવૃદ્ધ પપ્પાની ચિંતા થતી હતી. પ્રવીણભાઈ ખુશ થઈને નવી ગાડી લેવાના વિચારમાં ડૂબી ગયા. તેનો મોટર પ્રત્યેનો પ્રેમ અદભુત હતો, અને હવે તો તે તેની નબળાઈ બની ગયો હતો. તેમના મનમાંથી એક પછી એક વરસો નીકળવા લાગ્યા. છ વરસના પ્રવીણને રમકડામાં મોટર જ જોઈએ. બધા આ ઉંમરના છોકરાઓ જુદી જુદી ગેઈમ, ક્રિકેટ વિગેરેના સાધનો ખરીદતા હોય, પણ પ્રવીણને તો નાની રમકડાની મોટર જ ગમે. લાલ, લીલી, પીળી, વિગેરે અલગ અલગ કલરની અનેક મોટરો તેણે ભેગી કરી હતી.
કોઈપણ સગા બહારગામથી શું ગીફ્ટ લાવવાનું પૂછે, તો પ્રવીણ કહી દે, સારા મોડલની રમકડાની મોટર લાવજો. બધા છોકરા બહાર ગીલ્લી દંડા, ક્રિકેટ કે ભમરડો ફેરવતા હોય, પણ પ્રવીણ તો તેની નાની નાની મોટરો લઈને એકલો એકલો જ રમ્યા કરે. સ્કુલના છેલ્લા વરસમાં તેનો મોટરોનો પ્રેમ જોઈ તેના મમ્મી પપ્પાએ તેને ઓટોમોબાઇલ એન્જીનીયર બનાવવાનું નક્કી કર્યું. ચાર વરસે ઓટોમોબાઇલ એન્જીનીયરીંગની ડીગ્રી મળતા તેને શહેરના મોટા ગેરેજમાં સુપરવાઈઝરની નોકરી મળી ગઈ. એ જમાનામાં તો ફક્ત ત્રણ જ કંપનીની મોટરો જ મળતી હતી. એમ્બેસેડર, ફિયાટ અને સ્ટાન્ડર્ડ પણ પ્રવીણભાઈ કાબેલ એન્જીનીયર હતા, તેને તો ઈમ્પોર્ટેડ શેવરોલેટ, કે બ્યુક જેવી કિંમતી ગાડીઓ પણ રીપેર કરતા આવડતી. તેના ગેરેજના માલિક ખુબ ખુશ હતા, પગાર પણ સારો હતો.
દિવસો વિતતા પુષ્પાબેન સાથે લગ્ન થયાં, પણ પ્રવીણ તો તેના મોટર પ્રેમમાં પાગલ હતો. એક જ પુત્ર મનોજના આગમન સાથે પ્રવીણભાઈએ ફિયાટ ગાડી ખરીદી. ફિયાટ સાથે આખા કુટુંબને લઇ તેમણે દરેક વેકેશનમાં આખા ભારતની સફર કરી નાખી. સમય ઉડતો જતો હતો. દીકરા મનોજને પણ ડોક્ટર બનાવી બેંકમાં જોબ કરતી માલતી સાથે લગ્ન કરાવી દીધા. સમયનું પંખી ઉડી રહ્યું હતું. મનોજને પણ એક જ પુત્ર હતો અયાન.
સાઈઠ વરસે તો નિયમ મુજબ પ્રવીણભાઈ રીટાયર્ડ થઇ ગયા. પછી તો કેટલી બધી કંપનીઓ ગાડી બનાવવા લાગી. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ વિગેરે જાણીતી કંપનીઓએ સુંદર મોડલો અને કામગીરી સાથે માર્કેટ પર આક્રમણ કરી દીધું.
કોઈને પણ નવી ગાડી ખરીદવી કે વેચવી હોય તેઓ પ્રવીણભાઈની સલાહ ચોક્કસ લેતા. સીતેર અને એંસીની ઉંમરે પણ પ્રવીણભાઈ કડેધડે હતા. પોતાની મારુતિ વેગનઆર પોતે જ ચલાવતા.
ધીમે ધીમે તેમના શરીરમાં ઘડપણનાં ફેરફારો આવતા ગયા. બંને આંખોમાં મોતિયા ઉતરી ગયા, કાનોમાં સંભળાવવાનું ઓછું થઇ ગયું, નબળાઈને લીધે હાથપગ ઢીલા પડી ગયા, છતાં પ્રવીણભાઈની જિજીવિષા, મોટરો પ્રત્યેનો પ્રેમ અને મહત્વ અકબંધ રહ્યા.
અઠયાસી વરસે જૂની ગાડી વેચી નવી ગાડી લેવા તેમણે કોલેજીયન પૌત્ર અયાનને સાથે લીધો. અયાન ઓગણીસ વરસનો તરવરીયો નવી વિચારધારાનો યુવાન હતો.
'દાદા, જૂની ગાડી તો એક લાખમાં વેચાઈ ગઈ, હવે નવી કઈ કંપનીમાં ગાડી જોવા જવું છે ?' અયાને દાદાને પુછયું. 'બેટા, મારુતિની ગાડી લઇએ.' દાદા પ્રવીણભાઈએ જવાબ આપ્યો. અયાન હસવા લાગ્યો, 'દાદા, હવે તો કિઆ, ડેટસન, નિસાન, વિગેરે કેટલી નવી કંપનીની કાર મળે છે.
તમેય દાદા જુનવાણીનાં જ રહ્યા.'
શો રૂમ પર પહોંચીને ગાડીના કલર પર વિવાદ વકરી ગયો, પ્રવીણભાઈ સફેદ કલર અને અયાન ડાર્ક બ્લ્યુ કે બ્રાઉન કલરની ગાડી પસંદ કરતો હતો. બંને કઈપણ નક્કી કર્યાં વગર પરત આવ્યા. રાત્રે ડાઈનીંગ ટેબલ પર પાછો વિવાદ ચાલુ થયો. અયાને લેટેસ્ટ કંપનીની ડાર્ક કલરની ગાડી લેવી હતી, તો પ્રવીણભાઈને મારુતિની સફેદ કાર લેવા જીદ્દ કરતા હતા. ઘરના તમામ જોઈ રહ્યા હતા અને અયાનનું જુવાન લોહી ગરમ થઇ ગયું, તેણે ગુસ્સામાં કહ્યું, 'દાદા, તમને અઠયાસી તો થયાં, હવે જીવવાનું કેટલું ? અમને અમારી પસંદગીની ગાડી લેવા દો ને. પછી તો એ ગાડી અમારી જ થશે ને !'
આ સાંભળી પ્રવીણભાઈ ચોંકી ગયા. તેના પુત્ર ડૉ. મનોજે પણ કહ્યું, 'પપ્પા, ખોટી જીદ્દ કરો છો, હવે તમારે એક બે વરસ માટે શું આટલી ચિકાશ કરો છો ?' અને પ્રવીણભાઈએ પત્ની પુષ્પા અને વહુ માલતી સામે જોયું, બધાને અયાનની વાત સાચી લાગતી હતી.
પ્રવીણભાઈ જમતા જમતા ઉભા થઇ ગયા. તેની જિજીવિષા ગાયબ થઇ ગઈ. મોટર પરનો તેમનો પ્રેમ અને મમત્વ તેમને ઉંમર ભુલાવી રહ્યું હતું. તે ચિંતામાં સુતા, પૈસા બધા મારે જ ખર્ચવાના, છતાં મારી કોઈ પસંદ કે ઈચ્છા જ નહિ. અને રાત્રે સપનામાં તેમને યમરાજનાં અને દુનિયામાંથી વિદાય થવાના સપના જ આવ્યા, ગાઢ નીંદર આવે ક્યાંથી. બી.પી. અને હાર્ટ રેટ વધી ગયા.
સવારે પ્રવીણભાઈ ઉઠયા જ નહિ, ડૉ. મનોજે તપાસી જાહેર કર્યું, 'પપ્પાએ ઊંઘમાં જ જીવ છોડી દીધો છે.' બધાની આંખો ભરાઈ ગઈ, અયાન પણ રડી પડયો, 'મેં દાદા જોડે વધારે પડતી કડકાઈ કરી નાખી કે શું ??'
લાસ્ટ સ્ટ્રોક :- મોટી ઉંમરે જીવવાની જિજીવિષા તો હોવી જ જોઇએ, પણ ઉંમરની મર્યાદાનો પણ ખ્યાલ રાખવો, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે, આજે જે તમારું છે તે કાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું થઇ જશે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મમત્વ છોડવું જ પડશે.