આસિતની સફળતા .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
આસિતની સફળતા                                         . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- સુપરવાઈઝરે પુછયું, 'શું થાય છે?' પણ બંને કોઈ જવાબ આપી ના શક્યા.

'આ છેલ્લું બાયોલોજીનું પેપર સારું જાય તો આપણા ત્રણેનું મેડીકલ એડમીશન શ્યોર સમજવું.' અરમાને આશાથી આરવ અને આસીત સામે જોઈને કહ્યું,

'ખરી તકલીફ આ વિષયની જ છે. અઘરો વિષય અને સમય પણ ત્રણ કલાક ઓછો જ પડે, મને તો આ મુશ્કેલ લાગે છે.' આરવે નિરાશાથી કહ્યું.

'મહેનત કરો, હજુ બે દિવસ પછી બાયોલોજીનું પેપર છે. પરિશ્રમ કરીને આટલા સમયમાં તો આખો વિષય બે વખત રીવાઈઝ થઇ જશે.' આસીતે વિશ્વાસપૂર્વક કહ્યું.

માર્ચ મહિનામાં ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઇ ગઈ હતી. બધા વિદ્યાર્થીઓ ટોપર થવા અને સારી કોલેજમાં એડમીશન મેળવવા સખત મહેનત કરી રહ્યા હતા. નવરંગપુરાની બી. કે. સ્કુલના ટોપરો પણ બોર્ડના રીઝલ્ટ માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા. આ સ્કુલના ત્રણેય ટોપરો આસિત, અરમાન, અને આરવ એક જ સોસાયટીમાં રહેતા હતા, અને સાથે જ મહેનત કરતા. ત્રણેયના મનમાં પહેલી ઈચ્છા તો મેડીકલમાં જઈ ડોક્ટર બનવાની હતી.

પહેલા બે ફીઝીક્સ અને કેમિસ્ટ્રીના પેપરો ત્રણેયના સારા જવાથી ખુશ હતા. તેમની બીક બાયોલોજીના પેપરની જ હતી. અનાયાસે વચ્ચે રવિવાર અને રજા આવી જવાથી દરેક વિદ્યાર્થીને બાયોલોજીની તૈયારી માટે બે દિવસનો સમય મળી ગયો.

રવિવારની રાત્રે દશ વાગે અચાનક અરમાનના મોબાઈલ ઉપર આરવનો ફોન આવતા ચમકી ગયો.

'અરમાન આપણા માટે ગુડ ન્યુઝ છે, પણ ખર્ચ કરવો પડશે.' આરવે ધીમેથી કહ્યું.

'જો વાત બહાર જાય નહી, મારા પપ્પાની ઓફીસમાં કામ કરતો પ્યુન સુરેશ જાદવ રાત્રે સરકારી પ્રેસમાં કામ કરે છે.'

'તેનું શું છે?' અરમાનને આરવની આખી વાત અર્થ વગરની લાગી.

'ધીમે બોલ, અનાયસે તેના પ્રેસમાં આપણું બાયોલોજીનું પેપર પ્રિન્ટીંગ માટે આવ્યું છે. મહેનત કરીને, સિફતપૂર્વક તેની પ્રિન્ટ લાવી દે, પણ તેના ત્રીસ હજાર રૂપિયા માંગે છે.' આરવે ફોડ પાડતા કહ્યું. 'વાહ, પેપર બેઠું મળી જવાની વાત સાંભળી અરમાન ખુશ થયો, પણ ત્રીસ હજાર રકમ વધારે લાગતા તેણે આરવને મુશ્કેલી જણાવી.

આરવે વિચારીને જવાબ આપતા કહ્યું 'આપણે આસીતને પણ કહીએ, ત્રણે જણા દશ દશ હજાર વહેચી લઈશું, વાત બહાર જાય નહિ, નહીતર બહુ મુશ્કેલી પડશે.'

અરમાને હા પાડતા તેણે ફોન આસીતને લગાડીને વાત કરી. વાત સાંભળી આસીત બગડયો, 'આમ છેલ્લી ઘડીએ પેપર ફોડી બેઈમાની ના કરાય. આ ગેરકાયદે કામ છે, આખું વરસ મહેનત કરી છે, તેનું પરિણામ સારું જ આવશે. હજુ એક દિવસ છે, કઠોર પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી.' આમ કહી તેણે ફોન કાપી નાખ્યો.

આરવ અને અરમાનને આસીત બોચિયો અને સિદ્ધાંતવાદી લાગ્યો. તે બન્નેએ ગમે તેમ પૈસા ભેગા કરી પેપરની પ્રિન્ટ મેળવી લીધી. મહેનત વગર બાયોલોજીમાં સુંદર માર્ક મળશે ના વિચારે બંને ફક્ત મળેલ પેપરના જવાબો જ તૈયાર કરી બેસી રહ્યા. જ્યારે આસીતે દિવસ-રાત તૈયારી કરી આખા વિષયનું રીવીઝન કરી લીધું.  સવારના અગિયાર વાગે એક્ઝામ હોલ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો. અરમાન અને આરવ ખુશ હતા, આપણું તો બાયોલોજીનું પેપર સારું જ જશે. પેલો બોચિયો આસીત આપણું માન્યો જ નહી, હવે પસ્તાશે. આસિત આત્મવિશ્વાસસભર શાંત ચિત્તે બેઠો હતો. તેને તેની મહેનત અને રીવીઝન પર સંપૂર્ણ વિશ્વાસ હતો.

પ્રશ્ન પેપર વહેચાતા અરમાન અને આરવને પરસેવા છુટવા લાગ્યા.  એક પણ પ્રશ્ન તેમને મળેલા પેપરનો ન હતો. આ વાંચતા જ બન્ને ગભરાઈને ધ્રુજવા લાગ્યા, આખા વરસમાં તૈયાર કરેલું પણ મગજમાંથી સાવ ગાયબ, કરવું શું? મનમાં એક વખત ધારેલી વાત ના 

થાય તો થોડો વખત માટે મગજ બહેર મારી જાય છે. બંનેએ બે વખત પાણી મંગાવ્યું, પણ ચક્કર આવતા હોવાથી મુંડી નીચે કરી બેસી ગયા. સુપરવાઈઝરે પુછયું, 'શું થાય છે?' પણ બંને કોઈ જવાબ આપી ના શક્યા.

આસીત શાંતિપૂર્વક જવાબો લખતો રહ્યો. છેલ્લા દિવસે રીવીઝન કરેલ હોવાથી તેણે સમયસર પેપર પૂરું કરી દીધું. જવાબો પણ સુંદર લખાયા.

કલાક પછી માંડ અરમાન અને આરવને સહેલા પ્રશ્નોના જવાબ યાદ આવતા લખતા ગયા. તો પણ સમય પૂરો થતા માંડ સિત્તેર ટકા જ જવાબો લખાયા.

અરમાન અને આરવ રોતલ આંખે ઘરે આવ્યા, ત્યારે ટી.વી. પર ન્યુઝ ચાલુ હતા, 'બોર્ડની ધોરણ ૧૨ નું બાયોલોજીનું પેપર લીક થતા અચાનક સવારના જ નવું પેપર કાઢવામાં આવેલ છે. આ કૌભાંડના મુખ્ય સુત્રધાર સુરેશ જાદવને પોલીસે ઝડપી લીધો છે. 

મહિના પછી રિઝલ્ટ બહાર પડતા અરમાન અને આરવ બાયોલોજીમાં માંડ પાસ થયા હતા, જ્યારે આસીત આખી સ્કુલમાં પ્રથમ આવીને મેડીકલમાં એડમીશન મેળવી ગયો.

અરમાન અને આરવ રોતલ ચહેરે આસીતને મળ્યાં ત્યારે તેણે સમજાવતા કહ્યું, 

લાસ્ટ સ્ટ્રોક : આખા વરસની મહેનત જ વિદ્યાર્થી ને સફળતા અપાવે છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.


Google NewsGoogle News