Get The App

દિવાળીના ફટાકડા .

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
દિવાળીના ફટાકડા                                  . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- આનંદના આવેગમાં તેણે મોટો સુતળી બોમ્બ રવિ તરફ ફેક્યો. તેને રવિના ફટાકડાંનાં ડરની ખબર નહોતી.

દિ વાળીની રાત નવરંગપુરામાં આવેલ ઉલ્લાસ એપાર્ટમેન્ટમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી હતી. એપાર્ટમેન્ટનાં પાંચ બ્લોકમાં કુલ એકસો વીસ ફ્લેટ્સ હતા. બધા આનંદમાં રાચી રહ્યા હતા. ઘરમાં મિઠાઈ, ફરસાણ અને મઠીયાં, ફાફડા ખાઈ ખાઈને બધા ખુશ હતા. સંપ જબરો હોવાથી બધાએ સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. રાત્રે દશ વાગ્યા પછી બધા ભેગા થઇ કોમન પ્લોટમાં સાથે જ દારૂખાનું ફોડવાના હતા. છોકરાઓ બધા ખુશ હતા. સાંજથી જ સાથે ફટાકડાં અને બોમ્બ ફોડવા મળશે, તેના વિચારે ખુશ થઇ એકબીજાને ઘેર આવનજાવન કરતા હતા. 

કોમન પ્લોટને લાઈટીંગ કરી શણગાર્યો હતો. વડીલોને બેસવાની વ્યવસ્થા કરી ખુરશીઓ ગોઠવી હતી. સોસાયટીના ખર્ચે ચા-નાસ્તાની વ્યવસ્થા ગોઠવી હતી. 

રવિ હજુ ત્રણ મહિના પહેલાં જ સાણંદથી અહીં રહેવા આવ્યો હતો. અમદાવાદથી કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયર બની તે નોકરીની શોધ કરતો હતો, તેવામાં અનાયાસે જ તેને સેટેલાઈટની મલ્ટીનેશનલ કોમ્પ્યુટર કંપનીમાં સરસ પગારથી નોકરી મળી ગઈ. તેના માબાપ ખુશ થઇ ગયા. તે એકનો એક દીકરો હોવાથી તેના માબાપ પણ તેની સાથે રહેવા અમદાવાદ ફ્લેટમાં આવી ગયા. ઉલ્લાસ એપાર્ટમેન્ટમાં બે બેડરૂમના ફ્લેટનું ભાડું વધારે હતું, પણ રવિને પગાર સારો હોવાથી ફ્લેટ ભાડે લઇ લીધો.

રવિ સત્યાવીશ વરસનો થઇ ગયો, તેથી તેની મમ્મી સવિતાબેન અને પપ્પા હરીશભાઈ લગ્ન માટે ઉતાવળા થઇ રહયાં હતા.

તેની જ્ઞાતિની અનેક સારી છોકરીઓના માંગા આવતા હતા. ભણેલી, નોકરી કરતી, રૂપાળી કેટલી બધી કન્યાઓ જોઈ પણ રવિ ઈન્ટરવ્યું બાદ હા જ નહોતો પાડતો. છેલ્લી જોયેલી રૂપા સર્વગુણ સંપન્ન હતી, બન્નેનો ઈન્ટરવ્યું પણ સરસ ગોઠવાઈ ગયો હતો. કુટુંબ જ્ઞાતિમાં આગળ પડતું અને પૈસાદાર હતું. રવિના માબાપને આશા હતી, આમાં જરૂર મેળ પડી જશે.

'શું વિચારે છે, રવિ ?' સવિતાબાએ આશાપૂર્વક પૂછયું.

'છોકરી સારી છે, પણ હજી ઉતાવળ નથી, રાહ જોઈએ.' રવિના જવાબથી તેના માબાપ ઠંડા પડી ગયા. આને કેવી છોકરી જોઈએ છે એ જ ખબર નથી પડતી ? બધામાં ના, ના જ કરે છે. 

રવિ દેખાવે સુંદર, નમણો અને હાઈટબોડી વાળો હેન્ડસમ યુવક હતો. તેનામાં એક જ ખામી હતી. તેને ફટાકડાં ફૂટતા હોય તેનો બહુ જ ડર લાગતો હતો. કોઈને ઊંચાઈનો, કે પાણીનો, કે કોઈને વંદા કે ગરોળીનો ડર લાગતો હોય છે, પણ રવિને કોણ જાણે કેમ નાનપણથી જ ફટાકડાં અને બોમ્બનો બહુ જ ડર લાગતો. સાણંદમાં જ તેના પાડોશીના સાત વરસના દિકરાને હાથમાં બોમ્બ ફૂટી ગયો અને તેણે હાથ કપાવવો પડયો, આ જોઈ રવિને ફટાકડાનો ડર પેસી ગયો હતો, જે જુવાન ઉમરે પણ અકબંધ રહ્યો હતો.

'મમ્મી, તમે દિવાળીના સોસાયટીના પ્રોગ્રામમાં જઈ આવો, હું ઘરે જ બેઠો છું.' રવિએ તેના મમ્મી પપ્પાને કહ્યું.

'બેટા, એમ ઘેર બેસી રહેશે તો તને સોસાયટીમાં કોણ ઓળખશે ? ચાલ નીચે, તું ફટાકડાથી દુર ઉભો રહેજે.' સવિતાબા સમજાવતા બોલ્યા. અંતે રવિ હા ના કરતાં આવવાં તૈયાર થયો. તે દુર ઉભો રહી દારૂખાનાને ફૂટતાં જોઈ રહ્યો.

દશ વરસનો આકાશ વધારે ઉછાંછળો અને તોફાની હતો. તે પણ હાથમાં સુતળી બોમ્બ લઇ ફેકીને ફોડી રહ્યો હતો. મોટો સુતળી બોમ્બ હાથમાં લઇ ફોડવા જતા, તેનો હાથ છટક્યો, અને દુર ઉભેલા રવિના પગ આગળ જોરદાર ધડાકા સાથે ફુટયો. રવિ એકદમ સુન્ન થઇ ગભરાઈ ગયો. તે ભયંકર ડરથી કાંપવા લાગ્યો. બધા લોકોની શરમ છોડી તેણે દોડીને આકાશને પકડયો અને ધડામ.. લાફો ચોડી દીધો. બધા જોઈ રહ્યા.

'ચાલ, તારે ઘેર, આવા તોફાન કરાતાં હશે ?' કહીને તેણે આકાશને હાથ પકડી ખેચ્યો. તેને ચાર વરસ પહેલાની દિવાળીની સાણંદની એ રાત યાદ આવી ગઈ. તેની બાજુમાં રહેતી રૂચી સાથે તેને સારો લગાવ હતો. છેલ્લા બે વરસથી બન્ને એકબીજાને ચાહતા થઇ ગયા હતા. રૂચી દેખાવડી અને હોશિયાર હતી, તે બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું, તેથી જ રવિના મનમાં કોઈ છોકરી ગોઠતી ન હતી. 

રવિ તે રાત્રે રૂચિના ઘર તરફ આવી રહ્યો હતો. રૂચી દિવાળીના આનંદમાં ફટાકડાં ફોડી રહી હતી. આનંદના આવેગમાં તેણે મોટો સુતળી બોમ્બ રવિ તરફ ફેક્યો. તેને રવિના ફટાકડાંનાં ડરની ખબર નહોતી. અચાનક બોમ્બ તેની સામે ફૂટતાં રવિ ઓઝપાઈ ગયો. એકદમ ગરમ થઇ તેણે રૂચીને લાફો મારી દીધો. રૂચી ઝંખવાઈ ગઈ. તે ગરમ થઈને ઘેર જતી રહી, રવિ તેને જોતો રહી ગયો. 'સોરી, સોરી' કહી તે રુચિની પાછળ દોડયો, પણ રૂચીએ બારણું બંધ કરી દીધું. 

ત્યાર પછી બન્નેનું બોલવાનું અને મળવાનું બંધ થઇ ગયું. રવિને પસ્તાવો થયો, ઉતાવળને ગભરાટમાં તેણે લાફો મારી દીધો હતો. અઠવાડિયામાં રૂચી ગાયબ થઇ ગઈ. તેના માબાપ જવાબ આપતા નહોતા, તે શહેરમાં તેના ભાઈના ઘેર જતી રહી, અને મોબાઈલ પણ બદલી નાખ્યો. તેને બહુ જ ખોટું લાગ્યું હતું. રવિએ તેને બધે શોધી પણ ક્યાંય રૂચી મળે જ નહીં ને !

'ફૈબા, જુઓને, આ નવા આવેલ ભાઈએ મને લાફો માર્યો.' આકાશે ઘેર આવી ફરિયાદ કરી. તેના માબાપ બહારગામ ગયા હતા. અત્યારે ઘેર તેના રૂચી ફૈબા જ હતા. 

'પણ આમ સામે બોમ્બ ફેંકાતો હશે ?' રવિએ ગરમ થઇ કહ્યું. અવાજ જાણીતો લાગતાં રૂચીફૈબા બહાર આવ્યા. 'અરે ! રવિ તું ! આ આકાશ મારો ભત્રીજો છે.' રૂચી કહેતાં કહેતાં ખુશ થઇ ગઈ, પછી ઓઝપાઈ ગઈ.

'ઓહ, રૂચી, મેં તારી જ યાદમાં હજુ સુધી લગ્ન નથી કર્યાં. વરસથી તને શોધું છું.' રવિ કહેતાં  કહેતાં ભાવુક થઇ ગયો. 'મારા પણ લગ્ન નથી થયા. મને પણ ઉતાવળે સંબંધ કાપી નાખતાં પસ્તાવો થયો, મારા ભાઈને ઘેર જ રહું છું.' કહેતા રૂચી પસ્તાઈ રહી હતી. રવિએ તેનો હાથ પકડી લીધો. આકાશ ફોઈને જોતો રહી ગયો.

જે ફટાકડાં અને બોમ્બે તેને જુદા પાડયા હતા, તે જ બોમ્બ તેના પર્ર્નમિલનનું કારણ બન્યો. બન્નેએ રાજીખુશીથી લગ્ન કર્યાં અને આંનદપૂર્વક જીવન વિતાવી રહ્યા છે. હજુ પણ રવિનો ફટાકડાનો ડર અકબંધ છે.


Google NewsGoogle News